Sunday, May 19, 2024
More
    Home Blog Page 463

    અમદાવાદ: ઘોડિયામાં સૂતું હતું શ્રમિક પરિવારનું બાળક, કૂતરાઓ ખેંચી રોડ પર લઈ ગયા અને બચકાં ભર્યા; સ્થિતિ ગંભીર, ઘટના સીસીટીવીમાં કેદ

    દેશભરમાં કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરા કરડવાથી મૃત્યુનો આંકડો પણ પાછલા દિવસોમાં વધ્યો છે. સોશિયલ મીડિયા પર એવા વિડીયો અવારનવાર વાયરલ થાય છે જેમાં કૂતરાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી નાખી હોય. આમાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યા છે એટલે વાલીઓ બાળકોને રસ્તા પર એકલા મૂકવાથી ડરી રહ્યા છે. એવી જ ઘટના અમદાવાદમાં બની હતી જેમાં કૂતરાઓએ ઘોડિયામાં સૂતેલા બાળકને કરડી ખાધો હતો.

    આ હૃદયદ્રાવક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર બની હતી. ચાર જેટલા કૂતરાઓએ ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને ખેંચીને નિર્દયતાથી બચકાં ભર્યા હતા. રિપોર્ટ્સમાં બાળક સાત મહિનાનું છે અને તેનું નામ પૂજા છે તેવું જણાવવામાં આવ્યું છે. જ્યારે અમુક અહેવાલોમાં તેની ઉંમર 3 વર્ષની જણાવવામાં આવી છે. બાળકને પીંખાતા જોઈને સ્થાનિક લોકો તાબડતોબ દોડી આવ્યા હતા અને નિર્દોષને કૂતરાના મોંમાંથી છોડાવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના જુહાપુરામાં બાગ-એ-નિશાત સોસાયટીમાં આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ ધ્રુજાવી નાખે તેવા છે.

    મજૂર પરિવારનું બાળક ઘોડિયામાં સૂતું હતું

    મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી સિમેન્ટવાલાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સરખેજના સોનલ સિનેમા રોડ ઉપર એક સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યાં મજૂરી કરતા પરિવારનું નાનું બાળક શાંતિથી ઘોડિયામાં સૂતું હતું. દરમિયાન ત્રણથી ચાર કૂતરાઓ આવ્યા અને બાળકને ઘોડિયામાંથી ખેંચીને બહાર લઈ ગયા હતા.

    ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું

    કૂતરાઓએ એ નિર્દોષ બાળકના પગ અને કમર સહિતના ભાગોએ બચકાં અને નખ ભર્યા હતા. તેઓ બાળકને ખેંચીને રોડ પર દોડ્યા હતા. બાળક પર તૂટી પડેલા કૂતરાઓને જોઈને ગભરાયેલા સ્થાનિકોએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. જોકે, બાળક ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં કૂતરાના કરડવાથી બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.

    સીસીટીવી કેમેરામાં કમકમાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા

    સોસાયટીના સીસીટીવી કેમેરામાં ઘટનાના કરુણ દ્રશ્યો ઝડપાઈ ગયા હતા. કોર્પોરેટરે જણાવ્યું કે, જો સ્થાનિકોએ બાળકીને બચાવવામાં જરા પણ વિલંબ કર્યો હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આરોપ મૂક્યો હતો કે કૂતરાઓના ખસીકરણમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ કોઈ નિયંત્રણ નથી આવ્યું.

    અમદાવાદમાં વર્ષ 2022માં કૂતરાઓના કરડવાના 58,668 કેસ નોંધાયા હતા, જે 2021ની સરખામણીમાં 7,457 વધુ છે. AMCના ડેટા મુજબ, 2022માં આવા કેસ સૌથી વધુ ડિસેમ્બરમાં નોંધાયા હતા. જોકે, અધિકારીનું કહેવું છે કે, 2022 નો આંકડો 2019ની સરખામણીમાં ઘણો ઓછો છે.

    ‘તારું નામ પ્રેસ કોન્ફરન્સમાં લઈશ તો આખી જિંદગી જેલમાં જશે’: યુવરાજસિંહ અને તેમના માણસોએ કઈ રીતે પડાવ્યા હતા પૈસા?- વાંચો 1 કરોડના તોડકાંડની વિસ્ફોટક વિગતો

    ભાવનગર પોલીસે શુક્રવારે (21 એપ્રિલ, 2023) 1 કરોડ રૂપિયાના તોડકાંડમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. યુવરાજ અને તેમના માણસો વિરુદ્ધ IPCની કલમ 386 (બળજબરીથી વસૂલી કરવી), 388 (સજાપાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    આ ગુનામાં યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા શિવુભા અને કાનભા, ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામનો વ્યક્તિ એમ કુલ છ ઈસમો સામે ફરિયાદ થઇ છે. આ તમામ સામે બે વ્યક્તિઓને ડમી વિદ્યાર્થીનો વિડીયો બતાવીને આયોજનબદ્ધ રીતે ડરાવીને, તેમની માનસિક સ્થિતિનો લાભ લઈને આજીવન કારાવાસ જેવી સજાઓ ધરાવતા ગુનાઓમાં ફસાવી દઈને જીવવા લાયક ન છોડવાની ધમકી આપીને એક કરોડ રૂપિયા પડાવી લેવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. 

    ભાવનગરના નિલમબાગ પોલીસ મથકે દાખલ થયેલી આ FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વિગતે જાણીશું કે કઈ રીતે યુવરાજસિંહ અને અન્યોએ મળીને પ્રકાશ દવે ઉર્ફે પીકે અને પ્રદીપ બારૈયા નામના બે વ્યક્તિઓ પાસેથી કુલ 1 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી અને આ પાછળ શું મોડ્સ ઓપરેન્ડી રહી હતી. 

    પ્રકાશ દવે પાસેથી 45 લાખ પડાવ્યા 

    25 માર્ચની આસપાસ યુવરાજસિંહે તેમના માણસો દ્વારા ભાવનગર વિસ્તારમાં ફરીને ઋષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વિડીયો ઉતારી લેવડાવ્યો હતો. જેમાં પ્રકાશ દવેએ ડમી ઉમેદવારો બેસાડેલા હોવાની પુષ્ટિ થતી હતી. યુવરાજના સાથી ઘનશ્યામ લાધવાએ આ વિડીયો પ્રકાશ દવેની પત્નીને બતાવીને જણાવ્યું હતું કે યુવરાજસિંહ તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે અને જેમાં પ્રકાશનું નામ પણ ખૂલશે. આ બાબતની જાણ થતાં પ્રકાશ ડરી ગયો હતો અને સંપર્કો લગાવીને રસ્તો કાઢવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 

    આ દરમિયાન ઘનશ્યામે પોતે યુવરાજસિંહ સાથે વાત કરશે તેવું આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ 26 અને 27 એમ બે દિવસ પ્રકાશ અને તેની પત્નીને પ્રેશરમાં રાખીને તેઓ ડીલ નક્કી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવું દેખાડ્યું હતું. 

    આખરે 28 માર્ચે સવારે ઘનશ્યામે પ્રકાશને તેના ઘરે જઈને કહ્યું હતું કે, યુવરાજસિંહ બપોરે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનું નામ જાહેર કરશે, જેથી તે સસ્પેન્ડ થવાની તૈયારી કરી લે અને કચેરીએ જે કોઈ કામ બાકી હોય તે પૂરું કરી નાંખે. જ્યાંથી ઘનશ્યામે યુવરાજને ફોન કર્યા હતા, જેમાં યુવરાજે જણાવ્યું હતું કે, તે દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશને ચીતરવા અને કૌભાંડ ખુલ્લાં પાડવા જઈ રહ્યા છે. તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો.

    ‘હું કહું તેમ કર નહીં તો પૂરેપૂરો ફસાઈ જઈશ, જીવવા લાયક નહીં રહે અને જિંદગી જેલમાં જશે’

    યુવરાજ સિંહે આમ કહેતાં પ્રકાશ ડરી ગયો હતો અને તેણે ગમે તેમ કરીને તેને બચાવી લેવા માટે ઘનશ્યામને આજીજી કરી હતી. ત્યારે ઘનશ્યામે તેને કહ્યું હતું કે, તું તારો ફોન આપીને ફરાર થઇ જા અને હું કહું તેમ કર નહીં તો પૂરેપૂરો ફસાઈ જઈશ, જીવવા લાયક નહીં રહે અને આખી જિંદગી જેલમાં જ પૂરી થઇ જશે. 

    યુવરાજસિંહે પીસી મોકૂફ કરીને સાંજે પ્રકાશ સાથે બેઠક કરી હતી 

    થોડીવાર પછી યુવરાજે ફરીથી ઘનશ્યામને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રાખે છે અને સાંજે ભાવનગરમાં બેઠક કરશે. ત્યારબાદ તે દિવસે સાંજે યુવરાજસિંહના સાળા શિવુભાની ઓફિસે બેઠક કરી હતી, જેમાં પ્રકાશ, તેના કાકા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ અને તેમના બંને સાળા અને રાજુ નામનો વ્યક્તિ હાજર હતા. 

    બેઠકમાં યુવરાજસિંહે કહ્યું હતું કે પ્રકાશને તેઓ ડમીકાંડ કરનાર વ્યક્તિ તરીકે જ ચીતરવાના હતા પરંતુ બિપિન, ઘનશ્યામ અને અન્યોની શરમે પોતે મિટિંગમાં આવ્યા છે. આ સાંભળીને પ્રકાશે તરત જ શરણાગતિ સ્વીકારી લઈને નાણાકીય વ્યવહારો અંગે પૂછતાં યુવરાજે શિવુભા અને કાનભા સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. 

    વાતચીત દરમિયાન 70 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ રકઝકને અંતે 45 લાખ રૂપિયાની ડીલ ફાઇનલ થઇ હતી. જેના બીજા દિવસે પ્રકાશે તેના સસરા, માસીયાઈ ભાઈ અને અન્ય સબંધીઓ પાસેથી તેમજ અંગત મૂડીમાંથી કુલ 45 લાખ ભેગા કરીને ઘનશ્યામ લાંધવાને પહોંચાડી દીધા હતા. જે ઘનશ્યામે આગળ પહોંચાડી દીધા હતા. 

    પાંચમી એપ્રિલે ઘનશ્યામે ફરીથી પ્રકાશને બોલાવ્યો હતો અને તેની સામે યુવરાજને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે તે પ્રેસ કોન્ફરન્સમાં કુલ સાત નામો બોલશે અને જે તમામ બોલી પણ સંભળાવ્યાં હતાં, પરંતુ તેમાં પોતાનું નામ ન હોતાં પ્રકાશ દવેને હાશકારો થયો હતો. 

    પ્રદીપ બારૈયા પાસેથી કઈ રીતે પૈસા પડાવ્યા હતા?

    પ્રદીપ બારૈયા પોતે કોર્ટમાં કલાર્કની નોકરી કરે છે. અગાઉ 2021માં પણ તેની સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશને 2021ની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ખરીદવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    મહિના પહેલાં પ્રદીપને જાણવા મળ્યું હતું કે યુવરાજસિંહે એક ઋષિત નામના યુવકનો વિડીયો બનાવી લીધો છે અને તેના આધારે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આ જ સમય દરમિયાન ઘનશ્યામ લાધવાએ પ્રદીપને જણાવ્યું હતું કે યુવરાજસિંહ તેનું પણ નામ જાહેર કરશે, જેથી તેણે પણ પ્રકાશની જેમ પોતાને બચાવી લેવા માટે આજીજી કરી હતી. 

    બીજા દિવસે ઘનશ્યામે યુવરાજસિંહને મળીને તેને પણ બાકાત રાખવાની ભલામણ કરશે તેમ કહીને પ્રદીપને આશ્વાસન આપ્યું હતું અને એક દિવસ પછી 30મી માર્ચે પ્રદીપની મિટિંગ યુવરાજસિંહ સાથે ગોઠવી આપી હતી. જેમાં પ્રદીપ, ઘનશ્યામ, બિપિન, યુવરાજ અને શિવુભા-કાનભા હાજર હતા. 

    યુવરાજે ધમકાવીને કહ્યું- તારું નામ બોલીશ તો જેલમાં જવું પડશે 

    મીટીંગની શરૂઆતમાં યુવરાજે પ્રદીપને ડાયરી બતાવીને ધમકાવવાનું શરૂ કરીને કહ્યું હતું કે હું તારું પણ નામ પ્રેસ કોન્ફરન્સમાં બોલીશ તો તારી આખી જિંદગી જેલમાં જશે. આ સાંભળીને ડરી ગયેલા પ્રદીપે વચલો રસ્તો કાઢવાનું કહીને 10 લાખની ઓફર કરી હતી. પરંતુ યુવરાજના માણસો તરફથી 60 લાખની માંગ કરવામાં આવી હતી. આટલા રૂપિયા આપવા અશક્ય લાગતાં પ્રદીપ રડવા માંડ્યો હતો. આખરે ઘણી રકઝકને અંતે ડીલ 55 લાખ રૂપિયામાં નક્કી થઇ હતી. 

    મિટિંગ બાદ તે જ દિવસથી પ્રદીપ પૈસા ભેગા કરવા માંડ્યો હતો અને કોઈક પાસેથી પ્લોટ લેવાના બહાને તો કોઈ પાસે ઉછીના એમ કરીને કુલ 55 લાખ ભેગા કરીને પહોંચતા કર્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે તેનું પણ નામ લીધું ન હતું. 

    આમ ડમી વિદ્યાર્થીના વિડીયોના આધારે બે વ્યક્તિઓને ડરાવી-ધમકાવીને એક પાસેથી 45 લાખ અને બીજા પાસેથી 55 લાખ એમ કુલ એક કરોડ રૂપિયા પડાવી લેવા મામલે યુવરાજસિંહ અને તેમના માણસો સામે ગુનો નોંધાયો છે અને હાલ કાર્યવાહી ચાલી રહી છે. 

    કોલેજમાં કરી મિત્રતા, બ્લેકમેલ કરીને કર્યા લગ્ન અને હવે ધર્મ બદલવા માટે દબાણ: બારડોલીમાં શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલ હિંદુ યુવતીએ સોયેબ ઇબ્રાહિમ સામે લખાવી ફરિયાદ

    ગુજરાતના બારડોલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિંદુ યુવતીએ તેના મુસ્લિમ પતિ પર આરોપ લગાવ્યો છે કે તે તેને ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે અને તે માટે શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરે છે. હાલમાં આ બાતે ફરિયાદ નોંધાઈ છે.

    અહેવાલો મુજબ બારડોલીમાં સોયેબ ઇબ્રાહિમ રાવત નામના મુસ્લિમ યુવાને કોલેજકાળમાં સાથે ભણતી એક હિંદુ યુવતીને પહેલા પોતાની પ્રેમ જાળમાં ફસાવી. બાદમાં તેને ફોસલાવીને, બ્લેકમેલ કરીને તથા ધાકધમકી આપીને પોતાની સાથે લગ્ન કરવા મજબુર કરી હતી. 2019માં સોયેબ યુવતીને સુરત લઇ ગયો હતો અને ત્યાં યુવતીની જાણ બહાર જ લગ્ન નોંધાવી દીધા હતા.

    લગ્ન બાદ પણ યુવતીનું જીવન સુખી રહ્યું નહોતું. લગ્નબાદ પણ સોયેબ રોજ તે હિંદુ યુવતીને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો અને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. યુવતીના માં-બાપ નહોતા અને તે પોતાના સંબંધીઓના ત્યાં રહેતી હતી. માટે શરૂઆતમાં તેણે આ ત્રાસ સહન કરવાનું ચાલુ રાખ્યું.

    પરંતુ જયારે આ શારીરિક માનસિક પ્રતાડના તેની સહનશક્તિની બહાર નીકળી ગઈ ત્યારે આખરે યુવતીએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. બે બાદ આ યુવતી બારડોલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પહોંચી હતી.

    હાલ બારડોલી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી લીધી છે અને ફરિયાદ અનુસાર આગળની કાર્યવાહી શરુ કરી છે.

    વડોદરામાં જીશાનુદ્દીને ઘરમાં ઘૂસીને હિંદુ યુવતીને આપી ધમકી

    થોડા દિવસ પહેલા જ ઘરમાં ઘૂસીને વડોદરામાં જીશાનુદ્દીને હિંદુ યુવતીને અને તેના મંગેતરને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. તરસાલી ખાતે રહેતી 21 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જીશાનુદ્દીન શેખ અને તેના મિત્રો બળજબરીથી તેના ઘરમાં ઘુસી ગયા હતા, અને યુવતીને ફોનમાં વાત ન કરવા બદલ તેને અને તેના મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ મામલો સ્થાનિક હિંદુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ પણ પીડિત પરિવારની મદદ કરવા પહોંચ્યા હતા. આ બાબતે વિશ્વ હિંદુ પરિષદ તરસાલી પ્રખંડના મંત્રી સાઈકુમાર પિલ્લાઈએ ઑપઈન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ ઘટનામાં લવ જેહાદનો એંગલ નકારી શકાય નહી, જે મુજબ આરોપીએ પીડિત યુવતીના ઘરમાં કોઈ જાતના ડર વગર ઘૂસીને ધાક-ધમકીઓ આપી તેના પરથી તેમની માનસિકતાનો અંદાજો લગાવી શકાય છે.”

    ‘PM મોદીની હાલત પૂર્વ PM રાજીવ ગાંધી જેવી થશે’: કેરળ પ્રવાસ પહેલાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આત્મઘાતી હુમલાની ધમકી, સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ

    પીએમ મોદીની કેરળ મુલાકાત પહેલાં એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રાદેશિક કાર્યાલયને એક પત્ર મળ્યો હતો જેમાં 24 એપ્રિલના રોજ પીએમ મોદીની બે દિવસીય કેરળની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ પત્રમાં ધમકી આપનારનું નામ અને અન્ય માહિતી પણ હતી.

    આ પત્ર વિશે જાણકારી મળતાં જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો હતો અને તેમાં જે વ્યક્તિનો ઉલ્લેખ હતો તેની પૂછપરછ કરી હતી. જોકે, એ વ્યક્તિએ આ પત્ર મોકલ્યાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તેના નામનો ઉપયોગ કરીને વિરોધીઓ તેને ફસાવી રહ્યા છે. પત્ર સામે આવતા જ પોલીસે પીએમ મોદીની કેરળ મુલાકાત પહેલાં સુરક્ષા કડક કરી નાખી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ આ મામલે વધુ માહિતી માગી છે.

    ઇન્ડિયન એકસપ્રેસના રિપોર્ટ મુજબ, કથિત રીતે આ પત્ર કોચીના એક રહેવાસીએ મલયાલમમાં લખ્યો હતો. પત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે પોલીસ એનકે. જોની નામની વ્યક્તિ પાસે પહોંચી હતી. કેરળ પોલીસના જણાવ્યા મુજબ લેટરમાં લખ્યું હતું કે, ‘પીએમ મોદીના હાલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવા થશે.’ એનકે. જોનીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પોલીસે મારા લખાણને આ પત્રના લખાણ સાથે સરખાવ્યું છે. તેમને ખાતરી છે કે આ પત્ર મેં નથી લખ્યો.

    એડિશનલ જનરલ ઓફ પોલીસનો પત્ર મીડિયામાં ફરતો થયો

    આ દરમિયાન કેરળના એડિશનલ જનરલ ઓફ પોલીસનો પત્ર પણ મીડિયા સામે આવ્યો છે. ADGPના પત્રમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ના સંભવિત ખતરા સહિત અનેક ગંભીર ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી એ.કે. મુરલીધરને મીડિયામાં આ લેટર લીક થવાને રાજ્ય પોલીસની ગંભીર ભૂલ ગણાવી છે.

    ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું છે કે બધા જ કાર્યક્રમો નિર્ધારિત રીતે થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવા માટે 24 એપ્રિલે કોચી અને બીજા દિવસે તિરુવનંતપુરમ પહોંચે તેવી શક્યતા છે.

    કે. સુરેન્દ્રને વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, “વડાપ્રધાનની કેરળની મુલાકાત રાજ્યના વિકાસને વેગ આપશે. પીએમની આ મુલાકાતથી કેરળના લોકોમાં મોટી અપેક્ષા છે. પીએમ મોદી રોડ શોમાં ભાગ લેશે. લોકો તેમનું સ્વાગત કરવા આવશે. ‘યુવમ’ એ કોન્ફરન્સ હશે જે કેરળના રાજકીય પરિવર્તનની શરૂઆત કરશે. જે યુવાનો પાર્ટી પોલિટિક્સથી આગળ આવીને કેરળનો વિકાસ ઈચ્છે છે તેઓ આમાં ભાગ લેશે.”

    PM મોદીને ધમકી આપવા મામલે નડિયાદના એક શખ્સની ધરપકડ થઈ હતી

    ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા એક શખ્સની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી. 25 માર્ચના રોજ શેતલ લોલિયાણી નામના યુવકે ફેસબુક પર ધમકીભરી પોસ્ટ કરી હતી. સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે તપાસ કરતા પ્રોફાઈલ વિશે માહિતી મળી હતી અને આરોપીની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી.

    ‘રાજકોટમાં મળી આવેલી લાશ મારી દીકરીની, DNA ટેસ્ટ કરાવવા તૈયાર’: જૂનાગઢના વ્યક્તિનો દાવો, કહ્યું- દોઢ મહિના પહેલાં સલમાન નામના યુવકે અપહરણ કર્યું હતું

    થોડા દિવસ પહેલાં રાજકોટમાં એક યુવતીની લાશ મળી આવી હતી, જે મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ જૂનાગઢના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ યુવતી તેમની જ પુત્રી છે અને તેઓ પોતે DNA ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, જૂનાગઢના પંકજભાઈ રાયઠા નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, રાજકોટની લાલપરી ખાણમાંથી એક યુવતીની કટકા કરેલી લાશ મળી આવી છે, જેની ઉંમર પોલીસના જણાવ્યા અનુસાર 17થી 21 વર્ષ જેટલી છે અને મારી દીકરીની ઉંમર પણ 17 વર્ષ છે. 

    તેમણે દાવો કર્યો કે જે લાશ મળી આવી છે તે તેમની દીકરીની જ છે અને તે માટે તેઓ DNA ટેસ્ટ કરવા પણ તૈયાર છે. તેમણે રાજકોટ પોલીસથી લઈને એસપી, DIG અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી. 

    મુસ્લિમ યુવકે અપહરણ કર્યું હતું 

    મૃતક યુવતી પોતાની પુત્રી હોવાનો દાવો કરનાર જૂનાગઢના વ્યક્તિએ જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલાં સલમાન નામનો એક ઈસમ તેમની પુત્રીનું અપહરણ કરીને લઇ ગયો હતો. જે અંગે તેમણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ દોઢ મહિના પછી પણ સંતોષકારક તપાસ થઇ નથી તેમ તેમણે જણાવ્યું હતું. 

    તેમના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીનું અપહરણ કરી જનાર સલમાન બાનવા પાસે બે આધારકાર્ડ છે. જેમાં એકમાં તેનું પોતાનું નામ લખ્યું છે અને બીજું અજય પંડ્યા નામનું આધારકાર્ડ છે. 

    દસ દિવસ પહેલાં લાશ મળી આવી હતી, ઓળખ હજુ થઇ શકી નથી 

    દસેક દિવસ પહેલાં રાજકોટમાં લાલપરી નદીના કિનારેથી બે કોથળામાં લાશના કટકા કરેલી હાલતમાં એક યુવતીની લાશ મળી આવી હતી. હજુ સુધી તેની ઓળખ થઇ શકી નથી અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને મારી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

    યુવતીના ગળામાંથી પોલીસને ભગવાન શિવજીના ચાર લોકેટ મળી આવ્યાં હતાં, જે ચોટીલાનાં હોવાનું જાણવા મળતાં પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત, જ્યાંથી લાશ મળી તે નદીમાં પણ ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

    હાલ આ મામલે રાજકોટ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ IPCની કલમ 302, 201 અને 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

    ‘સત્તામાં હતા ત્યારે અંતરાત્મા કેમ ન જાગ્યો’: સત્યપાલ મલિકના આરોપો પર અમિત શાહનો જવાબ, કહ્યું- ‘જયારે પોતે રાજ્યપાલ હતા ત્યારે કેમ ચૂપ હતા?’

    ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને તેમના સમર્થનમાં નિવેદન આપનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. જ્યારે શાહને એક ચેનલના કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું મલિકે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ સીબીઆઈએ તેમને સમન્સ મોકલ્યા હતા તો શાહે કહ્યું કે, “એવું નથી. મારી માહિતી મુજબ તેમને બીજી-ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે. અમારી વિરુદ્ધ બોલવાને કારણે તેમને બોલાવવામાં આવ્યા છે, એવું નથી.”

    શાહે કહ્યું, “…પણ તમારે એ પણ પૂછવું જોઈએ કે અમારાથી અલગ થયા પછી જ તમને બધું કેમ યાદ આવે છે? સત્તામાં બેઠા હોય ત્યારે આત્મા કેમ જાગતો નથી? તેની વિશ્વસનીયતા વિશે વિચારવું જોઈએ. જ્યારે તમે કહ્યું તે બધું જ સાચું છે તો તમે રાજ્યપાલ હતા ત્યારે ચૂપ કેમ હતા? ઠીક છે, આ બધા જાહેર ચર્ચા માટેના મુદ્દા નથી.”

    ‘અમે એવું કશું કહ્યું નથી જેને છુપાવવાની જરૂર છે’- શાહ

    ગૃહમંત્રીએ કહ્યું, “હું ચોક્કસપણે દેશની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ સરકારે એવું કંઈ કર્યું નથી જેને છુપાવવાની જરૂર છે. જો કોઈ પોતાના નિહિત રાજકીય સ્વાર્થ માટે આપણાથી અલગ કંઈ બોલે તો તેનું મૂલ્યાંકન જનતા અને મીડિયાએ કરવું જોઈએ. જ્યારે તમે સત્તામાં નથી હોતા ત્યારે તમે અમારાથી અલગ થઈ જાઓ છો અને જ્યારે તમે આરોપો લગાવો છો ત્યારે આરોપની કિંમત અને તેનું મૂલ્યાંકન બંને કરવું જોઈએ.”

    તેમણે કહ્યું, “તે લાંબા સમયથી અમારી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા. તેઓ રાજનાથ સિંહની ટીમમાં હતા. મારી સાથે પણ રહ્યા હતા. હું એટલું જ કહેવા માંગુ છું કે તે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. જો કોઈ વ્યક્તિ સમયાંતરે તેનું સ્વરૂપ બદલે છે, તો તમે તેના વિશે શું કરી શકો? જનતાએ તેમને ઓળખવા જોઈએ.”

    કયા આરોપોમાં માલિકને CBIના સમન્સ મળ્યા છે?

    નોંધનીય છે કે સીબીઆઈએ વીમા કૌભાંડમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ મોકલ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂર્વ રાજ્યપાલને 27 અને 28 એપ્રિલના રોજ તેમના અકબર રોડ ગેસ્ટહાઉસમાં હાજર થવા જણાવ્યું છે.

    17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુમાં એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું કે “કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઈલો આવી. આ ફાઇલોમાંથી એક આરએસએસ સાથે સંકળાયેલા વ્યક્તિની હતી જે મહેબૂબા મુફ્તી અને ભાજપની અગાઉની ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા. મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમાં કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા. સચિવોએ મને કહ્યું કે બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે, પરંતુ મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે જ લઈને જ જઈશ.”

    જે મહિલા નેતાએ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પર લગાવ્યા હતા આરોપ, તેમને જ કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યાં: ‘પાર્ટીવિરોધી’ ગતિવિધિઓનું આપ્યું કારણ

    કોંગ્રેસે શનિવારે (22 એપ્રિલ, 2023) આસામ પ્રદેશ યુથ કોંગ્રેસનાં અધ્યક્ષ અંગકિતા દત્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. તેમની ઉપર ‘પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ’ કરવાનો આરોપ લાગ્યો છે અને 6 વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેમણે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસ પર આરોપ લગાવ્યા હતા. 

    અંગકિતાએ તાજેતરમાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી વર્ધન યાદવ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વિટમાં તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ દ્વારા સતત તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે અને તેમની સાથે લૈંગિક ભેદભાવ પણ થઇ રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પાર્ટી નેતૃત્વે આંખ આડા કાન કર્યા હતા. 

    મહિલા નેતાએ કહ્યું કે, તેમની ફરિયાદો બાદ પણ શ્રીનિવાસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને છેલ્લા ઘણા મહિનાઓથી કાર્યવાહીની આશાએ તેઓ રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ કોઈને રસ હોય તેમ લાગી રહ્યું નથી. આ ઉપરાંત, તેમણે એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીના ‘લડકી હું, લડ સકતી હું’ અભિયાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

    પાર્ટીએ બે દિવસ પહેલાં કારણદર્શક નોટિસ પાઠવી હતી 

    યુથ કોંગ્રેસ અધ્યક્ષ પરના આ આરોપો બાદ આસામ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ તેમને એક કારણદર્શક નોટિસ પાઠવીને તેમની પાસેથી જવાબ માંગ્યા હતા કે શા અંતે તેમની સામે શિસ્તતાનાં પગલાં લેવામાં નહીં આવે. આ સાથે તેમને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હવે અંગકિતા દત્તાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

    એક તરફ કોંગ્રેસની નોટિસ મળ્યા બાદ તે જ દિવસે તેમણે આસામ પોલીસ સમક્ષ શ્રીનિવાસ સામે પ્રતાડનાની ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રીનિવાસે તેમને માનસિક ત્રાસ આપ્યો હતો અને લૈંગિક ટિપ્પણીઓ કરીને અપશબ્દો પણ કહ્યા હતા. તેમજ આ બાબતની જાણ પાર્ટીના શીર્ષ નેતૃત્વને કરવા પર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. 

    આસામ સીએમ સમર્થનમાં આવ્યા 

    અંગકિતા દત્તાએ શ્રીનિવાસ સામે આરોપો લગાવ્યા બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ આ અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જો આંતરિક રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે તો આસામ પોલીસ હસ્તક્ષેપ કરશે. તેમણે કહ્યું હતું કે, “અંગકિતા દત્તા આસામની દીકરી છે. જે રીતે આસામ પ્રદેશ કોંગ્રેસ આ મુદ્દે વલણ દાખવી રહી છે તે દુઃખદ છે. તેઓ વિચારે છે કે અંગકિતાએ ખોટું નિવેદન આપ્યું છે અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ સાચા છે. જો કોંગ્રેસ અંગકિતાની પડખે ઉભી હોત તો આનંદ થાત પરંતુ જે દેખાય રહ્યું છે તે તેનાથી તદ્દન વિપરીત છે.

    ‘મોદી સરનેમ’ મામલે સાંસદપદ ગુમાવનારા રાહુલ ગાંધી આજે સરકારી નિવાસસ્થાન ખાલી કરશે: માતા સોનિયા ગાંધી સાથે રહેશે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ

    માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારી બંગલો આજે 22 એપ્રિલે ખાલી કરે તેવી શક્યતા છે. વાયનાડના પૂર્વ સાંસદ 12, તુઘલક લેન બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સરકારી બંગલામાંથી પોતાનો બધો સામાન હટાવી લીધો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, તેમનો સામાન 10, જનપથ ખાતે માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો છે.

    સુરતની અદાલતે ‘મોદી સરનેમ’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી હતી. ત્યારબાદ લોકસભાનું સાંસદપદ રદ થતા તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપે તેવી શક્યતા છે.

    14 એપ્રિલે રાહુલ ગાંધીએ પોતાનો સામાન હટાવ્યો હતો

    રાહુલ ગાંધીએ 14 એપ્રિલ, શુક્રવારે સામાન ખસેડવાની શરૂઆત કરી હતી. તેમની ઓફિસ અને અમુક અંગત સામાન બંગલામાંથી તેમની માતા સોનિયા ગાંધીના આધિકારિક નિવાસ સ્થાને શિફ્ટ કરવામાં આવ્યો હતો. તો સાંજે બાકીનો સામાન પણ બહાર કાઢવામાં આવ્યો હતો. એક ટ્રક રાહુલ ગાંધીના સામાન સાથે બિલ્ડિંગની બહાર જતી જોવા મળી હતી.

    છેલ્લા બે દાયકાથી સરકારી બંગલામાં રહેતા હતા

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી લગભગ બે દાયકાથી સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને UPA સરકાર વખતે 2004માં અમેઠીથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યો હતો. રાહુલ 2019માં સ્મૃતિ ઈરાની સામે અમેઠીથી હારી ગયા હતા, પરંતુ કેરળની વાયનાડ બેઠકના કારણે તેમનું સાંસદપદ બચી ગયું હતું.

    હવે માતા સોનિયા ગાંધી સાથે રહે છે પૂર્વ સાંસદ

    સૂત્રો અનુસાર, પોતાની ઓફિસ શિફ્ટ કર્યા બાદ તેઓ તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ નિવાસસ્થાને રહેવા લાગ્યા છે. જોકે, અમુક રિપોર્ટ્સ મુજબ એ નક્કી નથી કે રાહુલ ગાંધી 10 જનપથ પર કાયમ માટે શિફ્ટ થશે કે કેમ. કહેવાય છે કે તેમના માટે ઘર શોધવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓની લીલી ઝંડી મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

    ‘મોદી સરનેમ’ અંગેની ટિપ્પણી મામલે દોષિત જાહેર થયા હતા

    ગત 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના ભાષણ દરમિયાન મોદી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને ચાર વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. રાહુલ દોષિત જાહેર થતા તેમને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

    રાહુલ ગાંધીએ મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશને સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો જેણે તેમની અપીલને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી લોકસભામાં ગેરલાયક ઠર્યા બાદ લોકસભા સચિવાલયે તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી. કોંગ્રેસે કહ્યું છે કે, તે સેશન્સ કોર્ટના આદેશને આવતા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે.

    AAP નેતા યુવરાજસિંહ જાડેજા બાદ હવે તેમના સાળા કાનભા ગોહિલની સુરતથી કરાઈ ધરપકડ: સાગીરાતો સાથે મળીને ડમી ઉમેદવારકાંડમાં નામ જાહેર ન કરવા માંગી હતી 1 કરોડની ખંડણી

    ગઈ કાલે મોડી રાતે AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. અહેવાલો છે કે યુવરાજસિંહને રિમાન્ડ મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપી પાડ્યો હતો.

    નોંધનીય છે છે મોદી રાતે 1 વાગે અને 20 મિનિટે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવાં આવી છે. પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ મળી 1 કરોડ વસૂલ્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

    પોલીસે શું કહ્યું?

    ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ સમન્સ આપ્યું હતું અને  ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે. 2 કાગળમાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.

    યુવરાજસિંહ જાડેજાની ધરપકડ
    પોલીસે બહાર પડેલી પ્રેસનોટ

    જયારે પોલીસે યુવરાજસિંહને નાણાકીય વ્યવહાર અંગે પૂછ્યું ત્યારે તેમણે યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પોલીસ પાસે જે હકીકત હતી તે તેમને આપી. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી  રૂ. 1 કરોડ જબરદસ્તીથી કઢાવ્યા.

    SITની રચના અને એક પછી એક ધરપકડો

    ભાવનગર પોલીસે નોંધેલી વ્યાપક ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે.

    કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.  તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. ડમી કૌભાંડમાં ફરિયાદ સિવાયના નવા ચાર આરોપીઓ પકડાયા છે.

    ગોધરા સબજેલના કેદી ઇશાક, ખાલિદ બનાવતા હતા રીલ્સ: પોલીસે કર્યું સર્ચ ઓપરેશન, મળ્યા 9 મોબાઈલ; ઇશાક બિલાલે પોલીસ સામે તોડ્યો ફોન

    છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ જેલમાં સુરક્ષા કારણોસર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગોધરાની સ્થાનિક એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તેમજ જેલ ઝડતી ટીમે નવ જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

    સૂત્રો મુજબ, પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓની ટીમોએ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી શરુ કરી હતી. આ ટીમોએ તમામ બેરેક અને કેદીઓની તપાસ કરતા 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં બે મોબાઈલમાં સિમ કાર્ડ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

    કેદીઓએ વિડીયો વાયરલ કરતા પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો

    ગોધરા સબ જેલના કેદીઓએ જેલમાંથી એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેઓ ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મનો ડાયલોગ ‘સાલા અપૂન હી જાકે ફંટર લોગો સે માફી માંગેગા તો કૈસે ચલેગા’ બોલે છે. આ વિડીયો બહાર આવતા જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો હતો. એને લઈને ગોધરાની સ્થાનિક એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તેમજ જેલ ઝડતી ટીમે રેડ મારી અને નવ મોબાઈલ ફોન ઝડપાયા હતા. હાલ તો સમગ્ર બનાવ સંદર્ભે 3 જેટલા કાચાકામના કેદીઓની સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

    અધિકારીઓને જોતાં જ મોબાઈલ ફોન પછાડીને તોડી નાખ્યો

    ગોધરા સબ જેલના ઈન્ચાર્જના જણાવ્યા મુજબ, “20 એપ્રિલે કેટલાક કેદીઓએ વિડીયો વાયરલ કર્યો છે તેવી ગુપ્ત બાતમી મળી હતી. એના સંદર્ભે રાત્રે 10થી 1 કલાક દરમિયાન આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેલના બારી-બારણાં તથા સંડાસ-બાથરૂમ વગેરેની તપાસ કરવામાં આવી હતી. એમાં બેરેક નં.6 ના કાચાકામનો કેદી ઈશાક બિલાલ બદામ ઉશ્કેરાઈ ગયો હતો અને સિમ સહિતનો એન્ડ્રોઇડ ફોન જમીન પર પટકીને તોડી નાખ્યો હતો.”

    તો બીજા એક કાચાકામના કેદી ખાલીદ બિરાદર સફી ઝભા પાસે લાવા કંપનીનો મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યારબાદ બેરેક નં.44ની તપાસ હાથ ધરતાં તેમાંથી બિનવારસી કેચાડા કંપનીના 3 મોબાઈલ ફોન અને સેમસંગ કંપનીનો 1 મોબાઈલ, જ્યારે એક મોબાઇલ કચરાના ડબ્બામાંથી તૂટેલી હાલતમાં મળ્યો હતો. તો વધુ તપાસ કરતા MI કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઇલ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હાલતમાં સંડાસમાંથી મળી આવ્યો હતો.

    આ મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા, જેલની મિલીભગત છે કે નહીં, આ ફોન મારફતે કોનો-કોનો સંપર્ક કરવામાં આવ્યો કે તેનાથી કોઈ દુરુપયોગ થયો છે કે નહીં વગેરેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ માટે ફોન FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોધરા સબજેલમાં એક કેદી પાસેથી 2 સિમવાળો મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગયો હતો.

    ભરૂચની સબજેલમાં મોબાઈલ ફોન અને રોકડા મળી આવ્યા

    ભરૂચની સબજેલમાં પણ તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ તપાસ હાથ ધરી હતી. મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન SP પણ જેલમાં પહોંચ્યા હતા. ભરૂચ પોલીસને પણ જેલમાંથી 4 મોબાઈલ ફોન અને રોકડા 4500 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ શરુ કરી હતી.