Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘PM મોદીની હાલત પૂર્વ PM રાજીવ ગાંધી જેવી થશે’: કેરળ પ્રવાસ પહેલાં...

    ‘PM મોદીની હાલત પૂર્વ PM રાજીવ ગાંધી જેવી થશે’: કેરળ પ્રવાસ પહેલાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આત્મઘાતી હુમલાની ધમકી, સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ

    ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું છે કે બધા જ કાર્યક્રમો નિર્ધારિત રીતે થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવા માટે 24 એપ્રિલે કોચી અને બીજા દિવસે તિરુવનંતપુરમ પહોંચે તેવી શક્યતા છે.

    - Advertisement -

    પીએમ મોદીની કેરળ મુલાકાત પહેલાં એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રાદેશિક કાર્યાલયને એક પત્ર મળ્યો હતો જેમાં 24 એપ્રિલના રોજ પીએમ મોદીની બે દિવસીય કેરળની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ પત્રમાં ધમકી આપનારનું નામ અને અન્ય માહિતી પણ હતી.

    આ પત્ર વિશે જાણકારી મળતાં જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો હતો અને તેમાં જે વ્યક્તિનો ઉલ્લેખ હતો તેની પૂછપરછ કરી હતી. જોકે, એ વ્યક્તિએ આ પત્ર મોકલ્યાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે, તેના નામનો ઉપયોગ કરીને વિરોધીઓ તેને ફસાવી રહ્યા છે. પત્ર સામે આવતા જ પોલીસે પીએમ મોદીની કેરળ મુલાકાત પહેલાં સુરક્ષા કડક કરી નાખી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ આ મામલે વધુ માહિતી માગી છે.

    ઇન્ડિયન એકસપ્રેસના રિપોર્ટ મુજબ, કથિત રીતે આ પત્ર કોચીના એક રહેવાસીએ મલયાલમમાં લખ્યો હતો. પત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે પોલીસ એનકે. જોની નામની વ્યક્તિ પાસે પહોંચી હતી. કેરળ પોલીસના જણાવ્યા મુજબ લેટરમાં લખ્યું હતું કે, ‘પીએમ મોદીના હાલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવા થશે.’ એનકે. જોનીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પોલીસે મારા લખાણને આ પત્રના લખાણ સાથે સરખાવ્યું છે. તેમને ખાતરી છે કે આ પત્ર મેં નથી લખ્યો.

    - Advertisement -

    એડિશનલ જનરલ ઓફ પોલીસનો પત્ર મીડિયામાં ફરતો થયો

    આ દરમિયાન કેરળના એડિશનલ જનરલ ઓફ પોલીસનો પત્ર પણ મીડિયા સામે આવ્યો છે. ADGPના પત્રમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ના સંભવિત ખતરા સહિત અનેક ગંભીર ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી એ.કે. મુરલીધરને મીડિયામાં આ લેટર લીક થવાને રાજ્ય પોલીસની ગંભીર ભૂલ ગણાવી છે.

    ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું છે કે બધા જ કાર્યક્રમો નિર્ધારિત રીતે થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવા માટે 24 એપ્રિલે કોચી અને બીજા દિવસે તિરુવનંતપુરમ પહોંચે તેવી શક્યતા છે.

    કે. સુરેન્દ્રને વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, “વડાપ્રધાનની કેરળની મુલાકાત રાજ્યના વિકાસને વેગ આપશે. પીએમની આ મુલાકાતથી કેરળના લોકોમાં મોટી અપેક્ષા છે. પીએમ મોદી રોડ શોમાં ભાગ લેશે. લોકો તેમનું સ્વાગત કરવા આવશે. ‘યુવમ’ એ કોન્ફરન્સ હશે જે કેરળના રાજકીય પરિવર્તનની શરૂઆત કરશે. જે યુવાનો પાર્ટી પોલિટિક્સથી આગળ આવીને કેરળનો વિકાસ ઈચ્છે છે તેઓ આમાં ભાગ લેશે.”

    PM મોદીને ધમકી આપવા મામલે નડિયાદના એક શખ્સની ધરપકડ થઈ હતી

    ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા એક શખ્સની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી. 25 માર્ચના રોજ શેતલ લોલિયાણી નામના યુવકે ફેસબુક પર ધમકીભરી પોસ્ટ કરી હતી. સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે તપાસ કરતા પ્રોફાઈલ વિશે માહિતી મળી હતી અને આરોપીની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં