Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીએ સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માંડ્યું, ટ્રકોમાં ભરાઈને સામાન ખસેડાયો: 22મી...

    રાહુલ ગાંધીએ સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માંડ્યું, ટ્રકોમાં ભરાઈને સામાન ખસેડાયો: 22મી સુધીમાં ઘર ખાલી કરવા માટે મળી છે નોટિસ

    રાહુલ ગાંધીનું સાંસદપદ રદબાતલ ઠેરવવામાં આવ્યા બાદ લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલું નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપી હતી.

    - Advertisement -

    લોકસભામાંથી બરખાસ્ત થયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. શુક્રવારે રાહુલ ગાંધીના આવાસ 12, તુઘલક લેનમાં કેટલીક ટ્રક જોવા મળી હતી, જેમાં સામાન ભરીને સોનિયા ગાંધીના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યું હતું. 

    રાહુલ ગાંધીનું સાંસદપદ રદબાતલ ઠેરવવામાં આવ્યા બાદ લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલું નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપી હતી. રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

    આજે ટ્રક મારફતે રાહુલ ગાંધીનો સામાન તેમનાં માતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10, જનપથ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, રિપોર્ટ્સ અનુસાર હજુ એ નક્કી નથી કે રાહુલ ગાંધી 10 જનપથ પર જ કાયમ માટે શિફ્ટ થશે કે કેમ. જણાવવામાં આવી રહ્યું છે કે તેમના માટે ઘર શોધવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓની લીલી ઝંડી મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

    - Advertisement -

    રાહુલ ગાંધી વર્ષ છેલ્લાં 19 વર્ષથી 12, તુઘલક લેન ખાતે રહે છે. તેમને આ ઘર વર્ષ 2004માં અમેઠીથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યું હતું. ત્યારે UPA સરકાર કેન્દ્રમાં હતી. રાહુલ 2019માં પણ અમેઠી બેઠક પરથી લડ્યા હતા પરંતુ ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી કરી હોવાના કારણે તેમનું સાંસદપદ બચી ગયું હતું. 

    માનહાનિ કેસમાં સજા મળ્યા બાદ સાંસદપદ રદ થયું હતું

    ઉલ્લેખનીય છે કે ગત 23 માર્ચે સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં દોષી ઠેરવ્યા હતા. તેમણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં એક જનસભામાં બોલતી વખતે મોદી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈને ચાર વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટે રાહુલને 2 વર્ષની સજા સંભળાવી હતી. 

    સુરતની કોર્ટમાંથી સજા થયા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરીને લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સભ્યપદેથી બરતરફ કર્યા હતા. સાંસદપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ તેમને સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. 

    હાલ રાહુલ ગાંધીનો કેસ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં તેમણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારીને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી છે. આ મામલે પહેલી સુનાવણી ગુરુવારે (13 એપ્રિલ, 2023) થઇ હતી અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે 20 એપ્રિલે ચુકાદો આપવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં