Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાનહાનિ કેસ: 20 એપ્રિલે રાહુલ ગાંધીની અરજી પર આદેશ આપશે સુરતની સેશન્સ...

    માનહાનિ કેસ: 20 એપ્રિલે રાહુલ ગાંધીની અરજી પર આદેશ આપશે સુરતની સેશન્સ કોર્ટ, ચુકાદો અનામત રખાયો

    દિવસ દરમિયાન દલીલો ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખીને 20મીએ ચુકાદાની તારીખ નક્કી કરી હતી. 

    - Advertisement -

    મોદી સમાજ પર ટિપ્પણી મામલેના માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. આગામી 20 એપ્રિલે આ કેસમાં ચુકાદો સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન (દોષ) રદ કરવાની અપીલ કરી છે. 

    ચુકાદો અનામત રાખતાં પહેલાં સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી. દિવસ દરમિયાન દલીલો ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખીને 20મીએ ચુકાદાની તારીખ નક્કી કરી હતી. 

    રાહુલ ગાંધીના વકીલે શું દલીલો કરી?

    સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આર. એસ ચીમાએ સજા રદ કરવાની અપીલ સાથે દલીલો કરી હતી કે રાહુલ ગાંધીનું ભાષણ અપમાનજનક ન હતું અને તેને સંદર્ભ વગર જોવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી વિરુદ્ધ મુખરતાથી બોલતા રહે છે જેના કારણે આ કેસ ચલાવવામાં આવ્યો છે. જોકે નોંધનીય છે કે આ કેસ વર્ષ 2019માં નોંધવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    રાહુલ ગાંધીના વકીલે ન્યાય અધિકારક્ષેત્ર (Jurisdiction) પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ કોલારમાં ભાષણ આપ્યું હતું અને ફરિયાદી, જેઓ સુરતમાં રહે છે તેમને વોટ્સએપ થકી મેસેજ મળ્યો હતો. જેથી ન્યાય અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્નો સર્જાય છે. 

    કોંગ્રેસ નેતાના વકીલે ટ્રાયલ કોર્ટના ચુકાદાને લઈને કહ્યું કે, કોર્ટે રાહુલને દોષી ઠેરવ્યા બાદ અડધા જ કલાકમાં મહત્તમ અને કઠોર સજા સંભળાવી દેવામાં આવી હતી અને કહ્યું હતું કે તેઓ સાંસદ છે અને કોર્ટ સમાજને એક સંદેશ મોકલવા માંગે છે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે કોર્ટ બરાબર જાણતી હતી કે જો તેમને એક દિવસ પણ ઓછી સજા કરવામાં આવશે તો તેઓ સાંસદપદેથી બરતરફ થશે નહીં. 

    પૂર્ણેશ મોદીના વકીલે શું કહ્યું?

    ત્યારબાદ પૂર્ણેશ મોદી તરફથી વકીલ હર્ષિત તોલિયાએ દલીલો કરી હતી અને કહ્યું કે, આ ગુનાની ગંભીરતાને ધ્યાને લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. રાહુલ ગાંધી એક સાંસદ છે અને જ્યારે ભાષણ આપવામાં આવ્યું ત્યારે તેઓ ભારતની બીજી સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ હતા. તેમની પાર્ટી ભારતની પહેલી મોટી પાર્ટી છે. તેમનાં ભાષણો ભારતના લોકો પર મોટી અસર કરે છે. તેમણે પોતાના ભાષણને સનસનાટીભર્યું બનાવવાના પણ પ્રયાસ કર્યા હોવાની તેમણે દલીલ કરી હતી. 

    આ ઉપરાંત, તેમણે મહત્તમ સજાના ટ્રાયલ કોર્ટના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો અને કહ્યું કે, તેઓ રેલીને સંબોધિત કરી રહ્યા હતા અને પૂરેપૂરા હોશોહવાશમાં હતા. શું તેઓ એટલા બાલિશ હતા કે તેમને એ ખબર ન હતી કે મોદી અટકનો ઉલ્લેખ કરવાથી એ તમામ મોદીના સંદર્ભમાં જશે. તેમણે કહ્યું કે, એક ડોક્ટરને સજા થાય તો મેડિકલ કાઉન્સિલ તેમની સામે પગલાં લે છે, જો કોઈ વકીલ કોઈ ગેરવર્તન કરે તો સનદ પગલાં લે છે. એ જ રીતે કોઈ સાંસદ સજા પામે તો તે બરતરફ થાય છે. તેમાં કંઈ નવું કે ખાસ શું છે?

    પૂર્ણેશ મોદીના વકીલે એમ પણ કહ્યું કે, જે રીતે પટેલ સમાજ છે, જે રીતે જૈન સમાજ છે તે રીતે મોદી સમાજ પણ અસ્તિત્વ ધરાવે છે અને કાયદો કોઈ સામાન્ય વ્યક્તિ કે સાંસદ વચ્ચે ભેદ કરતો નથી. 

    તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી કોર્ટને દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું, ગુનેગાર અને તેમની પાર્ટીના નેતાઓ અને સમર્થકો કોર્ટ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કોર્ટ અને તેના ચુકાદા વિશે અવમાનના થાય તે પ્રકારનાં નિવેદનો પણ કર્યાં છે. એમ પણ કહેવામાં આવ્યું કે, જ્યારે અપીલ દાખલ કરવામાં આવે ત્યારે માત્ર આરોપી જ કોર્ટમાં આવે છે પરંતુ એહુલ ગાંધી પાર્ટીના નેતાઓને લઈને કોર્ટમાં આવ્યા હતા. 

    હર્ષિત તોલિયાએ રાહુલ ગાંધીને લઈને કહ્યું કે, તેઓ એટલા મોટા નેતા છે અને એટલું મોટું વ્યક્તિત્વ છે કે તેઓ માફી માંગી શકતા નથી, માત્ર અહંકાર દેખાડી શકે છે. જેથી આ તબક્કે તેમને કોઈ રાહત આપી શકાય નહીં.

    3 એપ્રિલે રાહુલે ચુકાદાને પડકાર્યો હતો

    રાહુલ ગાંધીએ ગત 3 એપ્રિલે સુરત મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે તેમના જામીન લંબાવીને સુનાવણીની તારીખ 13 એપ્રિલ મુકરર કરી હતી. તે પહેલાં ગત 23 માર્ચે કોર્ટે તેમને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા. 

    આ કેસ વર્ષ 2019માં રાહુલ ગાંધીએ મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલનો છે. એક જનસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને પીએમ નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં. આ ભાષણ બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેની ઉપર ચાર વર્ષ સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં