Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાનહાનિ કેસ: સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન લંબાવ્યા, આગલી સુનાવણી 13...

    માનહાનિ કેસ: સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન લંબાવ્યા, આગલી સુનાવણી 13 એપ્રિલે

    ગત 23 માર્ચ, 2023ના રોજ સુરતની મેજિસ્ટ્રેટ ચુકાદો આપીને રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી.

    - Advertisement -

    સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા માનહાનિ કેસ મામલે 2 વર્ષની સજા સંભળાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે કેસ દાખલ કરીને રાહુલ ગાંધીના જામીન લંબાવી દીધા છે અને આગળની સુનાવણી 13 એપ્રિલના રોજ મુકરર કરી છે.

    આજે બપોરે રાહુલ ગાંધીની ટીમે સુરતની સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સામે અપીલ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજી સ્વીકારીને કેસ દાખલ કર્યો છે તેમજ આગળની સુનાવણીની તારીખ 13 એપ્રિલ નક્કી કરી છે. જ્યારે રાહુલ ગાંધીના કન્વિક્શનને પડકારતી અરજી પર આગામી 3 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    આજે રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરીને તેમના કન્વિક્શનને પડકાર્યુ હતું. આ માટે તેમણે બે અરજીઓ કરી છે. જેમાંથી એક અરજીમાં સજા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી છે, જે જામીન મેળવવા માટે જરૂરી છે. જ્યારે બીજી અરજીમાં કન્વિક્શન (દોષ) રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    સજા પર સ્ટે, કન્વિક્શન પર નહીં: પૂર્ણેશ મોદીને નોટિસ 

    રાહુલ ગાંધીના કન્વિક્શન ઉપર સ્ટે મૂકવામાં આવ્યો નથી પરંતુ આ માટેની માંગ કરતી તેમની અરજી ઉપર ફરિયાદી પૂર્ણેશ મોદીને એક નોટિસ પાઠવવામાં આવી છે. જેની ઉપર તેમણે 10 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે. 

    સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે આગલી સુનાવણીઓમાં આરોપીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી. જેથી આગલી સુનાવણીમાં રાહુલ ગાંધીએ ઉપસ્થિત રહેવું પડશે નહીં. 

    રાહુલ ગાંધી આજે બપોરે દિલ્હીથી સુરત પહોંચ્યા હતા. તેમની સાથે તેમનાં બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ આવ્યાં હતાં. આ ઉપરાંત, સુરત અને અન્ય શહેરોમાંથી કોંગ્રેસી કાર્યકરો સુરત પહોંચ્યા હતા તો ત્રણ કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. 

    મેજિસ્ટ્રેટ કોર્ટે સંભળાવી છે 2 વર્ષની સજા

    આ કેસ વર્ષ 2019માં રાહુલ ગાંધીએ આપેલા એક ભાષણ મામલનો છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલે કહ્યું હતું કે, બધા મોદી ચોર કેમ હોય છે? ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં અરજી આપી હતી અને મોદી સમાજના અપમાનનો આરોપ લગાવ્યો હતો. 

    કોર્ટે અરજીને સુનાવણી યોગ્ય માનીને સુનાવણી શરૂ કરી હતી. ચાર વર્ષ સુનાવણી ચાલ્યા બાદ ગત 23 માર્ચ, 2023ના રોજ સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં અરજી કરવા માટે 30 દિવસના જામીન આપીને સજા પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. 

    રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા મળ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યું હતું. નિયમાનુસાર, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય 2 વર્ષ કે તેથી વધુ વર્ષની સજા પામે તો તેમને જે-તે પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવે છે. લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીને નિવાસસ્થાન ખાલી કરવા માટે પણ નોટિસ પાઠવવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં