Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાંસદપદ હાથમાંથી ગયું, હવે નિવાસસ્થાન પણ જશે: રાહુલ ગાંધીને નોટિસ અપાઈ, સરકારી...

    સાંસદપદ હાથમાંથી ગયું, હવે નિવાસસ્થાન પણ જશે: રાહુલ ગાંધીને નોટિસ અપાઈ, સરકારી આવાસ ખાલી કરવા માટે આદેશ

    લોકસભાની હાઉસિંગ કમિટી દ્વારા રાહુલ ગાંધીને તેમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. પહેલાં તેમનું લોકસભાનું સભ્યપદ રદ થઇ ગયા બાદ હવે રાહુલ ગાંધીને નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, લોકસભાની હાઉસિંગ કમિટી દ્વારા રાહુલ ગાંધીને તેમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે. રાહુલ ગાંધી હાલ દિલ્હીમાં 12, તુઘલક લેનના સરકારી આવાસમાં રહે છે. જાણવા મળ્યા અનુસાર, આ ઘર તેમણે 1 મહિનામાં ખાલી કરી દેવાનું રહેશે.

    રાહુલ ગાંધી વર્ષ 2004થી સાંસદ હતા. પહેલી વખત તેઓ અમેઠીથી ચૂંટાઈને આવ્યા બાદ તેમને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો. 19 વર્ષથી રાહુલ ગાંધી અહીં જ રહે છે. પરંતુ હવે તેઓ સાંસદ પણ રહ્યા ન હોવાના કારણે તેમણે આ ઘર ખાલી કરવું પડશે. એ પણ નોંધનીય છે કે રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે કેરળના વાયનાડથી પણ ઉમેદવારી કરી હોવાના કારણે અને ત્યાં જીત મળી હોવાના કારણે સાંસદપદ ટકી રહ્યું હતું.

    - Advertisement -

    રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં સુરતની કોર્ટે સજા સંભળાવી હતી. રાહુલે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક સભામાં રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં. આ મામલે સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે મામલે ચાર વર્ષથી કેસ ચાલી રહ્યો છે.

    23 માર્ચે કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો અને રાહુલને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યા હતા. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે તેમને જામીન મળી ગયા હતા. જાણવા મળ્યું છે કે હવે કોંગ્રેસ સેશન્સ કોર્ટમાં આ ચુકાદાને પડકારશે. જોકે, ચુકાદાનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં સમય લાગી રહ્યો હોવાનું પણ બીજી તરફ જાણવા મળ્યું છે.

    બીજી તરફ, નિયમાનુસાર તેમને 2 વર્ષની સજા થઇ હોવાના કારણે બીજા દિવસે લોકસભા સચિવાલયે તેમનું સાંસદપદ રદબાતલ ઠેરવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા, જે પદેથી તેમને ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ બેબાકળી થઇ છે અને ઠેરઠેર પ્રદર્શનો કરી રહી છે. જેની વચ્ચે પાર્ટી માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં