Sunday, September 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોધરા સબજેલના કેદી ઇશાક, ખાલિદ બનાવતા હતા રીલ્સ: પોલીસે કર્યું સર્ચ ઓપરેશન,...

    ગોધરા સબજેલના કેદી ઇશાક, ખાલિદ બનાવતા હતા રીલ્સ: પોલીસે કર્યું સર્ચ ઓપરેશન, મળ્યા 9 મોબાઈલ; ઇશાક બિલાલે પોલીસ સામે તોડ્યો ફોન

    ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોધરા સબજેલમાં એક કેદી પાસેથી 2 સિમવાળો મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગયો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ જેલમાં સુરક્ષા કારણોસર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગોધરાની સ્થાનિક એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તેમજ જેલ ઝડતી ટીમે નવ જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

    સૂત્રો મુજબ, પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓની ટીમોએ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી શરુ કરી હતી. આ ટીમોએ તમામ બેરેક અને કેદીઓની તપાસ કરતા 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં બે મોબાઈલમાં સિમ કાર્ડ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

    કેદીઓએ વિડીયો વાયરલ કરતા પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો

    ગોધરા સબ જેલના કેદીઓએ જેલમાંથી એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેઓ ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મનો ડાયલોગ ‘સાલા અપૂન હી જાકે ફંટર લોગો સે માફી માંગેગા તો કૈસે ચલેગા’ બોલે છે. આ વિડીયો બહાર આવતા જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો હતો. એને લઈને ગોધરાની સ્થાનિક એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તેમજ જેલ ઝડતી ટીમે રેડ મારી અને નવ મોબાઈલ ફોન ઝડપાયા હતા. હાલ તો સમગ્ર બનાવ સંદર્ભે 3 જેટલા કાચાકામના કેદીઓની સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

    - Advertisement -

    અધિકારીઓને જોતાં જ મોબાઈલ ફોન પછાડીને તોડી નાખ્યો

    ગોધરા સબ જેલના ઈન્ચાર્જના જણાવ્યા મુજબ, “20 એપ્રિલે કેટલાક કેદીઓએ વિડીયો વાયરલ કર્યો છે તેવી ગુપ્ત બાતમી મળી હતી. એના સંદર્ભે રાત્રે 10થી 1 કલાક દરમિયાન આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેલના બારી-બારણાં તથા સંડાસ-બાથરૂમ વગેરેની તપાસ કરવામાં આવી હતી. એમાં બેરેક નં.6 ના કાચાકામનો કેદી ઈશાક બિલાલ બદામ ઉશ્કેરાઈ ગયો હતો અને સિમ સહિતનો એન્ડ્રોઇડ ફોન જમીન પર પટકીને તોડી નાખ્યો હતો.”

    તો બીજા એક કાચાકામના કેદી ખાલીદ બિરાદર સફી ઝભા પાસે લાવા કંપનીનો મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. ત્યારબાદ બેરેક નં.44ની તપાસ હાથ ધરતાં તેમાંથી બિનવારસી કેચાડા કંપનીના 3 મોબાઈલ ફોન અને સેમસંગ કંપનીનો 1 મોબાઈલ, જ્યારે એક મોબાઇલ કચરાના ડબ્બામાંથી તૂટેલી હાલતમાં મળ્યો હતો. તો વધુ તપાસ કરતા MI કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઇલ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હાલતમાં સંડાસમાંથી મળી આવ્યો હતો.

    આ મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા, જેલની મિલીભગત છે કે નહીં, આ ફોન મારફતે કોનો-કોનો સંપર્ક કરવામાં આવ્યો કે તેનાથી કોઈ દુરુપયોગ થયો છે કે નહીં વગેરેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ માટે ફોન FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોધરા સબજેલમાં એક કેદી પાસેથી 2 સિમવાળો મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગયો હતો.

    ભરૂચની સબજેલમાં મોબાઈલ ફોન અને રોકડા મળી આવ્યા

    ભરૂચની સબજેલમાં પણ તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ તપાસ હાથ ધરી હતી. મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન SP પણ જેલમાં પહોંચ્યા હતા. ભરૂચ પોલીસને પણ જેલમાંથી 4 મોબાઈલ ફોન અને રોકડા 4500 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ શરુ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં