હોમપેજગુજરાતઅનેક ટેરર મોડ્યુલ પકડ્યાં, અનેક આતંકવાદીઓની ધરપકડ કરી: પાછલાં વર્ષોમાં જેહાદી હુમલાઓથી...

અનેક ટેરર મોડ્યુલ પકડ્યાં, અનેક આતંકવાદીઓની ધરપકડ કરી: પાછલાં વર્ષોમાં જેહાદી હુમલાઓથી સુરક્ષિત રહ્યું ગુજરાત, તેની પાછળ કારણભૂત હતાં ATSનાં આ ઑપરેશનો

ગુજરાત ATSની આ અવિરત કાર્યવાહી દેશની આંતરિક સુરક્ષાના મામલે એક ઉદાહરણ સમાન છે. માત્ર ત્રણ વર્ષમાં ATSએ ગુજરાતમાં પગપેસારો કરવા માગતાં અને શાંતિ ડહોળવા માગતાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના અનેક હેન્ડલરો, ઓપરેટિવની ધરપકડ કરીને નાગરિકોના માથેથી અનેક વખત મોટી ઘાત ટાળી દીધી.

- Advertisement -

પહલગામના આતંકવાદી હુમલા વખતે ‘ઇન્ટેલ ફેલ્યોર’ના આરોપો એજન્સીઓ પર લાગી રહ્યા હતા ત્યારે ઘણા વરિષ્ઠ અધિકારીઓએ આ વાત કહી હતી કે એજન્સીઓ નિયમિત ધોરણે આવા અનેક હુમલાઓ, અનેક કાવતરાં ટાળતી રહે છે, પરંતુ તે ક્યારેય બહાર આવતું નથી, કારણ કે ઇન્ટેલ ઑપરેશનો કહીને થતાં હોતાં નથી. બીજી તરફ આતંકવાદીઓએ માત્ર એક જ વખત સફળ થવાનું હોય છે. એક વખત તેમના મનસૂબા પાર પાડી ગયા તો આવી ઘટનાઓ બની જાય છે અને એજન્સીઓએ આરોપ સ્વીકારવા પડે છે. હમણાં દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો પછી જાણવા મળ્યું કે વાસ્તવમાં આ બહુ મોટું કાવતરું હતું અને દેશમાં અનેક ઠેકાણે બ્લાસ્ટ કરવાની યોજના હતી, પરંતુ એજન્સીઓએ પહેલાં જ ફરીદાબાદમાં ટેરર મોડ્યુલ પકડી પાડ્યું એટલે હડબડાટીમાં આતંકીઓએ બ્લાસ્ટને અંજામ આપ્યો. તે પહેલાં ગુજરાત ATSએ ત્રણ આતંકવાદીઓને પકડીને એક બહુ મોટું ષડ્યંત્ર પાર પાડવામાં આવે તે પહેલાં જ નિષ્ફળ બનાવ્યું હતું.

ગુજરાત ATSએ હૈદરાબાદનો એક અને યુપીના બે એમ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાંથી મુખ્ય આરોપી અહેમદ મોહિયુદ્દીન સૈયદ પાસેથી કેસ્ટર ઓઇલ મળી આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ આતંકીઓ રાઈસિન નામનું ઝેર બનાવવાની ફિરાકમાં હતા. આ ઝેર થોડા પ્રમાણમાં પણ જો માનવ શરીરમાં જાય તો ગંભીર પરિણામો સર્જી શકે અને મૃત્યુ પણ થઈ શકે. પરંતુ આતંકીઓ કોઈ પણ મનસૂબા પાર પાડે તે પહેલાં જ ATSએ પકડીને જેલના સળિયા ગણતા કરી દીધા. હાલ આ કેસમાં વિસ્તૃત તપાસ ચાલી રહી છે.

એટલું જ નહીં, ગુજરાત ATSએ પાછલાં વર્ષોમાં આવાં અનેક ટેરર મોડ્યુલ પકડીને રાષ્ટ્રવ્યાપી હુમલા કરવાની યોજનાઓ નિષ્ફળ બનાવી છે. 2022થી 2025 સુધીનાં જ વર્ષો જોઈએ તોપણ આવા અનેક કેસ મળી આવશે.

- Advertisement -

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે વર્ષ 2022થી 2025 સુધીના ગાળામાં કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી સંગઠનો અલ-કાયદા, ISIS અને ISKP વગેરેના કુલ 6 મોડ્યુલ પકડી પાડ્યાં. આ ઑપરેશનોમાં કુલ 28 આતંકવાદીઓની ધરપકડ થઈ છે.

રાઈસિન ટેરર પ્લોટ: ત્રણ આતંકવાદીઓની ધરપકડ

7 નવેમ્બરની રાત્રે અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા નજીક ગુજરાત ATSએ એક સફેદ ફોર્ડ કારને ઘેરી લીધી હતી. કારની ડિકીમાંથી બે ઓસ્ટ્રિયન ગ્લોક પિસ્તોલ, એક ઇટાલિયન બેરેટા પિસ્તોલ, 35 કારતૂસ, ચાર લિટર કેસ્ટર ઓઇલની કેન અને અમુક રસાયણ મળી આવ્યાં. ત્યારબાદ પોલીસે કારમાં બેઠેલા ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદની (ઉં. 35, હૈદરાબાદ) ધરપકડ કરી લીધી હતી.

ત્યારપછીના 3 જ કલાકમાં ATSએ મોબાઇલ લોકેશન ટ્રેકિંગની મદદથી બાકીના 2 આતંકીઓ આઝાદ સુલેમાન શેખ (20, શામલી, UP), મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનને (23, લખીમપુર ખેરી, UP) પાલનપુરની એક હોટલમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન તથા ટાર્ગેટ સ્થળોની રેકીના ફોટા અને વિડીયો મળી આવ્યા હતા.

આઝાદ સુલેમાન શેખ, ડૉ. અહેમદ સૈયદ, મોહમ્મદ સુહેલ (ફોટો: ઑપઇન્ડિયા)

તપાસમાં સામે આવ્યું હતું કે ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ ચીનની યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી ધરાવે છે. હૈદરાબાદમાં તે ઓનલાઇન ક્લિનિક ચલાવે છે અને એક રેસ્ટોરન્ટનો પણ માલિક છે. તેના મોબાઇલમાં ચેટજીપીટી પર રાઈસિન ઝેર બનાવવા અંગેની સર્ચ હિસ્ટ્રી મળી આવી હતી. આ સિવાય તપાસમાં ખૂલ્યું હતું કે આ આતંકીઓ હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવા સ્થળોની દોઢેક વર્ષથી રેકી કરી રહ્યા હતા.

આતંકીઓ પાસેથી મળેલાં હથિયારો.
આતંકી પાસેથી ઝડપાયેલી વસ્તુઓ (ફોટો: ઑપઇન્ડિયા)

આ સ્થળોમાં લખનૌનું RSS મુખ્યાલય, દિલ્હીની આઝાદપુર APMC મંડી, અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ, મુંબઈના ક્રોફોર્ડ માર્કેટ અને જમ્મુના રઘુનાથ મંદિર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે રાઈસિન ઝેર એરંડાના બીજમાંથી મળતા ટોક્સિન પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે, જે હજારોની સંખ્યામાં લોકોને મારી શકે છે. આ આતંકીઓ ઝેરને પાણીની ટાંકીમાં ભેળવીને કે ફળ-શાકભાજી પર સ્પ્રે કરીને મોટાપાયે હત્યાકાંડ આચરવાનું ષડ્યંત્ર રચી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ત્યારબાદ સૈયદ વિરુદ્ધ UAPAની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ તપાસમાં NIA પણ જોડાઈ છે. એજન્સીઓએ સૈયદના હૈદરાબાદ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પણ અમુક રસાયણો મળી આવ્યાં હતાં. બાકીના બે આતંકવાદીઓના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવશે. કેસની વિસ્તૃત તપાસ હાલ ચાલી રહી છે.

ઑપરેશન સિંદૂરનો બદલો લેવા રચાઈ રહ્યું હતું કાવતરું

2025 જૂનમાં સોશિયલ મીડિયા પર અલ-કાયદાની વિચારધારાને પ્રોત્સાહન આપનારાં 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ એક ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATS અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના (AQIS) ચાર ખતરનાક આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા. આ ચારેય આતંકીઓનો એકમાત્ર ઉદ્દેશ હતો – ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ચલાવેલા ઑપરેશન સિંદૂરનો બદલો લેવો અને ભારતમાં જેહાદી હુમલા કરવા.

ગુજરાત ATSએ અલ-કાયદા આતંકવાદીઓ
અલ-કાયદાના આતંકવાદીઓ (ફોટો: ઑપઇન્ડિયા)

આતંકવાદીઓની ઓળખ ફરદીન શેખ (અમદાવાદ), મોહમ્મદ ફૈક (દિલ્હી), ઝીશાન અલી (નોઇડા) અને સૈફુલ્લાહ કુરેશી (મોડાસા, ગુજરાત) તરીકે થઈ હતી.  તપાસમાં ખુલાસો થયો હતો કે આ ચારેય આતંકીઓ ઇન્સ્ટાગ્રામ પર ગુપ્ત એકાઉન્ટ્સ ચલાવીને હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકતા અને પ્રોપેગન્ડા ફેલાવતા હતા. તેઓ યુવાનોને રૅડિકલાઇઝ કરીને અલ-કાયદામાં ભરતી કરવાનું કામ કરી રહ્યા હતા. તેમની પાસેથી મળેલાં મોબાઇલ અને લેપટોપમાંથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથેના ચેટ અને જેહાદી વિડીયો પણ મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ ‘ગઝવા-એ-હિંદ’ના મિશન હેઠળ મજહબી હિંસા અને આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ નકલી ભારતીય ચલણી નોટોના રેકેટમાં પણ સંડોવાયેલા હતા. આ કેસનું સૌથી મોટું નામ છે શમા પરવીન. તે પાકિસ્તાની મૂળની છે જે આ ચારેય આતંકીઓની ચીફ હતી અને આ મોડ્યુલને સંચાલિત કરી રહી હતી. તેની ધરપકડ બેંગ્લોરથી કરવામાં આવી હતી.

AQISની શમા પરવીન ગુજરાત
અલ-કાયદાના આતંકવાદીઓ અને શમા પરવીન (ફોટો: ઑપઇન્ડિયા)

તપાસમાં સામે આવ્યું હતું કે શમા પરવીન પાકિસ્તાની ISIના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડી રહી હતી. તેના મોબાઈલ ફોનમાંથી AQISનું જેહાદી સાહિત્ય અને ઉશ્કેરણીજનક વિડીયો સામગ્રી મળી આવી હતી, જેમાં ‘ગઝવા-એ-હિંદ’ અને મજહબી હિંસાને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ સામેલ હતું.

ભારતમાં ઘૂસ્યા શ્રીલંકાના આતંકીઓ, ISના સભ્યો

18 મે, 2024ના રોજ બાતમી મળી હતી કે શ્રીલંકાના રહેવાસી મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન નામના વ્યક્તિ અમદાવાદમાં ઘૂસવાના છે. માહિતી મળ્યા બાદ ATSના અધિકારીઓ અલગ-અલગ ટીમો દ્વારા રેલ માર્ગ, હવાઈ માર્ગ અને સંભવિત તમામ રૂટ પર બાજ નજર રાખીને બેઠા હતા. 

(ફોટો: ઑપઇન્ડિયા)

ચારેય આતંકવાદીઓ 19 મે 2024ના રોજ સવારે કોલંબોથી ચેન્નાઈ એરપોર્ટ ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. બોર્ડિંગ અંગે વેરિફિકેશન થતાં જ ગુજરાત ATSએ આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામને મૂળ શ્રીલંકાના અને પાકિસ્તાનમાં રહેતા અબુએ ભારતમાં આતંકવાદી કૃત્ય કરવા નિર્દેશ અને 4 લાખ આપ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા. 

તપાસમાં અમદાવાદના નાના ચિલોડાનું લોકેશન મળ્યું, જ્યાં હથિયાર રાખ્યા હોવાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે ATSએ નાના ચિલોડામાં દરોડા પાડ્યા જ્યાં ત્રણ પિસ્ટલ મળી આવી હતી. આ પિસ્ટલ્સના બટ પર સ્ટાર બનેલા હતા, તેના સીરિયલ નંબર ભૂંસેલા હતા. ત્રણેય પિસ્ટલ લોડેડ હતી, જેમાં 2માં 7 અને એકમાં 6 એમ કુલ 20 રાઉન્ડ ભરેલા હતા. તેની ઉપર FATA લખેલું જોવા મળ્યું અને ISISનો ઝંડો પણ મળી આવ્યો હતો.

સામે આવ્યું હતું કે આતંકીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જયારે પણ તેઓ આતંકવાદી ઘટનાને અંજામ આપે ત્યારે ISISનો ઝંડો ત્યાં ફરકાવી દેવાનો હતો. આતંકવાદીઓ સામે UAPA તેમજ 1967ની કલમ 18 તથા 38, ઉપરાંત આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ IPCની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

રાજકોટથી ઝડપાયા હતા ત્રણ મુસ્લિમ શખ્સ: તાજેતરમાં કોર્ટે ફટકારી આજીવન કેદ

1 ઑગસ્ટ 2023માં રાજકોટના સોની બજાર વિસ્તારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયના નામ અબ્દુલ શુકુર અલી (સુકુર અલી), અમન સિરાજ મલિક (અમન મલિક) અને સૈફ નવાઝ અબુશાહિદ (શૈફ નવાઝ) હોવાનું જાણવા મળ્યું. તેઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે, જેમાં અમન અને અબ્દુલ સાળા-બનેવી છે. મહિનાઓ સુધી આ લોકો રાજકોટમાં રહીને કામ કરતા રહ્યા, જ્યાં 50 હજારથી વધુ પશ્ચિમ બંગાળના કારીગરો કામ કરે છે.

રાજકોટ આજીવન કેદ
ગુનેગારો અમન સિરાજ, અબ્દુલ અને શાહનવાઝ (ફોટો: ઑપઇન્ડિયા)

ધરપકડ વખતે તેમની પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતુસ, અલ-કાયદાનું કટ્ટરવાદી સાહિત્ય અને જેહાદી વિડીયો મળી આવ્યાં હતાં. ATSની 6 ટીમોએ રાત્રે ઑપરેશન કરીને તેમને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા AK-47 જેવા હથિયારો ચલાવવાની તાલીમ લેતા હતા અને વધુ હથિયારો ખરીદવાની તૈયારીમાં હતા.

આ આતંકવાદીઓનો મુખ્ય હેન્ડલર બાંગ્લાદેશમાંથી ઓપરેટ કરતો અબુ તલ્હા હતો, જેની સામે ભારતમાં 21 ગુના નોંધાયેલા છે. અબુ તલ્હાએ તેમને ગુજરાતને કાશ્મીર બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. તેઓ શરિયા કાયદાનો વિરોધ કરનારાઓને ટાર્ગેટ કરવા માંગતા હતા, જેમાં સુરક્ષા એજન્સીઓ પણ સામેલ હતી. ત્રણેયએ બાંગ્લાદેશમાં અબુ તલ્હા પાસેથી હથિયારોની તાલીમ લીધી હતી.

રાજકોટ આતંકવાદીઓ
(ફોટો: ઑપઇન્ડિયા)

આ ત્રણેય સોશિયલ મીડિયા દ્વારા અન્ય મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડવા, બ્રેનવૉશ કરવા અને ભંડોળ એકઠું કરવાનું કામ કરતા હતા. તેમની વોટ્સએપ ચેટ અને કોલ્સમાંથી આ તમામ માહિતી સામે આવી હતી.

ઑક્ટોબર 2025માં રાજકોટ એડિશનલ સેશન્સ કોર્ટે ત્રણેયને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી. તેઓ IPC કલમ 121(C) (રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડવું) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠર્યા હતા. કોર્ટે નોંધ્યું કે તેઓ જેહાદ દ્વારા શરિયા કાયદો લાવવા માંગતા હતા, મસ્જિદમાં ઉશ્કેરણીજનક ભાષણો આપતા હતા અને કાશ્મીરમાં તાલીમ લીધી હતી. તેમના મોબાઈલમાંથી જેહાદને અનિવાર્ય ગણાવતા વિડીયો પણ મળી આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. દરેકને ₹12,000નો દંડ પણ થયો હતો.

ISKPના ખતરનાખ મોડ્યુલનો પર્દાફાશ

ગુજરાત ATSએ જૂન 2023માં રાજ્યમાં ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સના (ISKP) ખતરનાક મોડ્યુલનો સંપૂર્ણ પર્દાફાશ કરીને અનેક આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ આતંકીઓ પોરબંદરના દરિયાઈ માર્ગે બોટ દ્વારા ઈરાન થઈને અફઘાનિસ્તાન ભાગી જઈને તાલીમ લેવા અને ભારતમાં મોટા હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ગુજરાત ATS ISKP મોડ્યુલ
(ફોટો: ઑપઇન્ડિયા)

આ ઑપરેશનની શરૂઆત ગુજરાત ATSને પોરબંદર રેલવે સ્ટેશન પર આતંકીઓ ભેગા થવાના ઈનપુટ મળ્યા બાદ થઈ હતી. ATSએ ઉબૈદ નાસિર મીર (શ્રીનગર, જમ્મુ-કાશ્મીર), હનન હયાત શોલ (શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) અને મોહમ્મદ હાજિમ શાહ (શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) આ ત્રણેય આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય ફિશિંગ બોટ દ્વારા અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી ડિજિટલ ડિવાઈસ, છરીઓ, ISKPના બેનર-ફ્લેગ, ઓથ વીડિયો અને અન્ય જેહાદી સામગ્રી મળી આવી હતી. તેમના ગેજેટ્સમાંથી ક્લાઉડ ડેટા રિકવર કરીને સંપર્કો અને યોજનાઓનો ખુલાસો થયો હતો.

આ કેસમાં સુરતના લાલ ગેટ વિસ્તારની મહિલા આતંકી સુમેરા બાનુની (મૂળ ભરૂચની રહેવાસી) ધરપકડ કરવામાં આવી હતી. સુમેરા બાનુ ISKPથી પ્રભાવિત હતી અને લવ જેહાદનું રેકેટ ચલાવતી હતી. તે 16-18 વર્ષના મુસ્લિમ યુવાનોને તાલીમ આપીને બિન-મુસ્લિમ યુવતીઓને ફસાવડાવતી અને તેમને જેહાદી બનાવતી હતી. તેના ઘરેથી ISKP સાથે જોડાયેલી સામગ્રી મળી આવી હતી.

ISKP પાંચમો આતંકવાદી
આતંકી ઝુબૈર અહમદ મુન્શી (ફોટો: ઑપઇન્ડિયા)

તપાસ આગળ વધતાં મોડ્યુલનો પાંચમો આતંકી ઝુબૈર અહમદ મુન્શીને (શ્રીનગર) જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુજરાત ATSના સંયુક્ત ઑપરેશનમાં પકડવામાં આવ્યો. ઝુબૈર ભારતમાં ISKPનો મુખ્ય હેન્ડલર હતો. તે સોશિયલ મીડિયા પર ભારતવિરોધી અને ભડકાઉ પોસ્ટ્સ કરતો, કટ્ટરપંથી યુવાનોની યાદી બનાવીને સુમેરા બાનુ પાસે મોકલતો અને જેહાદી સાહિત્ય-વિડીયો દ્વારા બ્રેનવોશ કરાવતો હતો. તે આતંકીઓને દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન મોકલવામાં સીધો સંડોવાયેલો હતો. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવ્યો હતો.

આ કેસમાં વધુ એક મહિલા ખદીજાને (હૈદરાબાદની રહેવાસી) પણ ગુજરાત ATSએ અટકાયતમાં લીધી. ખદીજા કટ્ટરપંથી બની ચૂકી હતી અને ISKP આતંકીઓ સાથે સતત સંપર્કમાં હતી. તેની કોલ ડિટેલ્સની તપાસમાં વધુ નામો સામે આવ્યાં. આ તમામ આતંકીઓ સામે UAPA, આર્મ્સ એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયા હતા.

અલ-કાયદાના 4 બાંગ્લાદેશી આતંકીઓ ઝડપાયા

ગુજરાત ATSએ 21 મે 2023ની રાત્રે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી અલ-કાયદા માટે કામ કરતા ચાર બાંગ્લાદેશી આતંકીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આતંકીઓમાં મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબમિયાં, મુન્ના ખાલિદ અન્સારી, અઝરૂલ ઇસ્લામ અન્સારી અને અબ્દુલ લતીફનો સમાવેશ હતો. આ ચારેય બાંગ્લાદેશી નાગરિકો હતા જે બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય ઓળખપત્રો બનાવીને અમદાવાદમાં છુપાઈને રહેતા હતા.

તેમની પાસેથી અલ-કાયદાનું કટ્ટરવાદી સાહિત્ય, જેહાદી વિડીયો અને બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. ATSએ જણાવ્યું હતું કે આ ગ્રુપ બાંગ્લાદેશમાં બેઠેલા હેન્ડલર શરીફુલ ઇસ્લામના સીધા સંપર્કમાં હતું. તેઓ ગુજરાતમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા, અલ-કાયદામાં ભરતી કરવા અને ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવાનું કામ કરતા હતા. સોજીબને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.

ગુજરાત અલ કાયદા ગ્રુપ
(ફોટો: ઑપઇન્ડિયા)

મુખ્ય આરોપી સોજીબ 2019-20માં પહેલી વાર ભારત આવ્યો હતો, કોરોના પહેલાં પરત ગયો અને ડિસેમ્બર 2021માં ફરી ઘૂસણખોરી કરીને આવ્યો હતો. તે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક સંદિગ્ધો સાથે પણ સંપર્કમાં હતો. આરોપીઓ સામે UAPA કલમ 38, 39, 40 તેમજ IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ લોકો રથયાત્રા દરમિયાન મોટા હુમલાનું કાવતરું રચી રહ્યા હતા.

વડોદરામાંથી ઝડપાયું આતંકી મોડ્યુલ

જૂન 2022માં ગુજરાત ATSએ વડોદરા, ગોધરા અને અમદાવાદમાંથી ચાર મુખ્ય આતંકીઓની અટકાયત કરી હતી. ઝડપાયેલ આતંકીઓમાં  ડૉ. સાદાબ પાનવાળા (વડોદરા), મહિલા આતંકી સાબિહા ખીલજી (ફતેગંજ, વડોદરા), ઇશાક (ગોધરા – ભંગાર વેપારી) અને શાહનવાઝ પઠાણ (દાણીલીમડા – ફેક્ટરી સંચાલક) સામેલ હતા. ATSએ વડોદરામાં દરોડા પાડીને ડૉ. સાદાબ અને સાબિહાને ઝડપીને અમદાવાદ લાવ્યા હતા.

તપાસમાં ખુલ્યું કે આ ચારેય ISISના વિદેશી હેન્ડલરોના સીધા સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા દ્વારા તેઓ રેડિકલાઈઝ થયા હતા અને વિદેશથી ટેરર ફન્ડિંગ પણ મેળવી રહ્યા હતા. ATSએ તેમના મોબાઈલ, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, ISISનું પ્રોપેગન્ડા મટિરિયલ અને જેહાદી વિડીયો પણ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડૉ. સાદાબ પાનવાળાની ઓક્ટોબર 2021માં પણ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હવાલા કેસમાં પૂછપરછ કરી હતી. તે કેસમાં યુકેના નાગરિક અબ્દુલ ફેફડાવાલાને 79 કરોડ રૂપિયા મળ્યા હતા. સાદાબના મિત્રો સલાઉદ્દીન શેખ, ઇમરાન ઘીવાલા, આસિફ બોડાવાલા અને અલ્તાફ મન્સૂરી પર પણ પ્રતિબંધિત સંગઠન SIMIના સંપર્કમાં હતા.

આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ ગુજરાત ATSએ ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત ATSની આ અવિરત કાર્યવાહી દેશની આંતરિક સુરક્ષાના મામલે એક ઉદાહરણ સમાન છે. માત્ર ત્રણ વર્ષમાં ATSએ ગુજરાતમાં પગપેસારો કરવા માગતાં અને શાંતિ ડહોળવા માગતાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના અનેક હેન્ડલરો, ઓપરેટિવની ધરપકડ કરીને નાગરિકોના માથેથી અનેક વખત મોટી ઘાત ટાળી દીધી. રાઈસિન ઝેર જેવા જૈવિક હથિયારથી લઈને ઑપરેશન સિંદૂરના બદલાની આતંકી યોજના સુધી, શ્રીલંકાઈ ISIS આતંકીઓના ઘૂસણખોરીથી માંડીને રાજકોટમાં જન્માષ્ટમી પર હુમલાના કાવતરા સુધી – દરેક કેસમાં ગુજરાત ATSએ પાકિસ્તાની ISI, બાંગ્લાદેશી હેન્ડલર્સ અને વિદેશી ટેરર ફંડિંગના જાળાને ઉજાગર કર્યું છે.

આ ઑપરેશનો એક વાત સ્પષ્ટ કરે છે કે ભારત વિરુદ્ધ જેહાદી યુદ્ધ હજુ પણ જીવંત છે; માત્ર તેનું સ્વરૂપ બદલાયું છે. હવે આતંકવાદીઓ ડોક્ટર, રેસ્ટોરન્ટ માલિક, મહિલાઓ, વિદેશી વિદ્યાર્થીઓ કે પછી સોશિયલ મીડિયા પર પ્રોપેગન્ડા ફેલાવનારા યુવાનોના રૂપમાં આવે છે. તેઓ ચેટજીપીટી જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને ઝેર બનાવવાની રેસિપી શોધે છે, લવ જેહાદના કાવતરા રચે છે અને ગઝવા-એ-હિંદ જેવા તૂતને પૂરું કરવા માટે હજારો નિર્દોષ જીવ લેવાની તૈયારી કરે છે.

પરંતુ ગુજરાત ATSએ સાબિત કરી દીધું છે કે ભારતની સુરક્ષા એજન્સીઓ આવા કાવતરાઓની એક ઈંચ આગળ છે. દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન ભાગતા આતંકીઓથી લઈને એરપોર્ટ પર જ ઝડપાતા શ્રીલંકાઈ ISIS સભ્યો સુધી, દરેક જગ્યાએ તેમની નજર અને ત્વરિત કાર્યવાહીએ આતંકના મનસૂબા નિષ્ફળ બનાવ્યા છે. રાજકોટ કોર્ટનો તાજેતરનો ચુકાદો, જેમાં ત્રણ અલ-કાયદા આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી, એ પણ એક મજબૂત સંદેશો છે કે આવા દેશદ્રોહીઓને કોઈ કાળે છોડવામાં આવશે નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં