ગુજરાત ATSના હાથે ઝડપાયો જે આતંકી, તે ચેટજીપીટીની મદદથી બનાવવા માગતો હતો ઝેર: તપાસમાં ઘટસ્ફોટ

તાજેતરમાં ગુજરાત ATSએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં એક ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ પણ સામેલ છે. ચીનથી MBBS ડિગ્રી મેળવી આવેલો આ સૈયદ ખતરનાક રાઈસિન ઝેર બનાવવાની ફિરાકમાં હતો અને તેના માટે તે ચેટજીપીટીની પણ મદદ લેતો હોવાનું સામે આવ્યું છે.

ATS અનુસાર, આતંકવાદીના મોબાઈલમાં ચેટજીપીટીની હિસ્ટ્રી ચકાસતાં આ બાબત જાણવા મળી છે. હાલ એજન્સી આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ATS દ્વારા ધરપકડ બાદ સૈયદ પાસેથી કેસ્ટર ઓઇલ અને અમુક હથિયારો મળી આવ્યાં હોવાનું પહેલેથી જ સામે આવી ચૂક્યું છે. એજન્સીને આશંકા હતી કે આતંકવાદીઓ રાઈસિન ઝેર બનાવીને કોઈ ગંભીર ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, જે વધુ બળવત્તર બનતી જાય છે.

રાઈસિન એક ટોક્સિક પ્રોટિન છે, જે એરંડાના બીજમાંથી મળી આવે છે. આ બીને પ્રોસેસ કરીને કેસ્ટર ઓઇલ બનાવવામાં આવે છે, પણ આ બીમાં થોડા પ્રમાણમાં રાઈસિન પણ હોય છે. જો બી ખાવામાં કે ગળી જવામાં આવે તો આ ઝેરી રસાયણ શરીરમાં પ્રસરી શકે અને તેનાથી નુકસાન થઈ શકે. જો 2 બી પણ ખાવામાં આવે તો એ ઝેરી સાબિત થઈ શકે. કહેવાય છે કે તે સાઇનાઇડ કરતાં પણ ઝેરી છે અને થોડા પ્રમાણમાં હોય તોપણ વ્યક્તિને મારી શકે છે. ખોરાક, પાણીમાં ભેળવી દેવામાં આવે તો ગંભીર પરિણામો સર્જી શકે છે.

અમેરિકાના ન્યૂયોર્કના હેલ્થ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ કહે છે કે રાઇસિનનો ઉપયોગ ‘ટેરેરિઝમ એજન્ટ’ તરીકે થઈ શકે તેમ છે. તેને પાઉડર, ગોળી સ્વરૂપે કે પછી પાણી કે વિક એસિડમાં ભેળવી દેવામાં આવે તો ઘાતક નીવડી શકે છે અને એક સાથે અનેક લોકો માટે સમસ્યા સર્જી શકે. અગાઉ કહ્યું એમ, તે અકસ્માતે વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે તેમ નથી અને ‘ઝેર’ તરીકે ઉપયોગ કરવા માટે ઇરાદાપૂર્વકનું કૃત્ય જરૂરી છે. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા રાઈસિનને ‘પોટેન્શિયલ બાયોવેપન’ ગણાવવામાં આવ્યું છે.