ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે તાજેતરમાં એક વિશેષ ઑપરેશન પાર પાડીને રાજ્યમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય ઇસ્લામી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. મુખ્ય આરોપી અહેમદ મોહિયુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો છે, જ્યારે બાકીના બે મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી ઉત્તર પ્રદેશના છે. સૈયદ અડાલજના એક ટોલ પ્લાઝા પાસેથી અને બાકીના બંને પાલનપુરની એક હોટેલમાંથી પકડાયા હતા.
ATSને તાજેતરમાં હૈદરાબાદથી એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવવાનો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આખરે 7 નવેમ્બરની સાંજે તેની કલોલમાં મૂવમેન્ટની જાણ થતાં અડાલજ ટોલ પ્લાઝા પર વૉચ ગોઠવવામાં આવી હતી. પોલીસે પછીથી ટોલ પ્લાઝા થોડી વખત માટે બંધ કરી દીધું અને ગાડીઓની તપાસ શરૂ કરી તેમાં મોહિયુદ્દીન સૈયદ પણ કાર સાથે મળી આવ્યો હતો.
કારની તપાસ કરતાં તેની પાસેથી ત્રણ પિસ્તોલ મળી આવી. ઉપરાંત 2-3 પાનકાર્ડ પણ મળ્યાં હતાં. એક પાંચ લિટરની કેન મળી હતી, જેમાં પ્રવાહી ભરવામાં આવ્યું હતું. પછીથી જાણવા મળ્યું કે તે કેસ્ટર ઓઇલ છે. હથિયાર વિશે જાણકારી મળી કે તે તેણે કલોલનાં એક કબ્રસ્તાન પાસેથી મેળવ્યાં હતાં.
વધુ પૂછપરછમાં જાણકારી મળી કે અફઘાનિસ્તાન સ્થિત અબુ ખદીજા નામના હેન્ડલરે સૈયદને કલોલ પાસેથી હથિયાર મેળવવા માટે જણાવ્યું હતું. તે પહેલાં તેને અમદાવાદ આવવા કહેવાયું હતું. સૈયદના મોબાઈલની તપાસ કરતાં બીજા બે ઇસમો વિશે જાણકારી મળી, જેઓ પાલનપુરની એક હોટેલમાં રોકાયા હતા. પછીથી આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી. આ બંનેનું કામ રાજસ્થાનથી હથિયારો લઈને કલોલ પહોંચાડવાનું હતું. હેન્ડલરે કહ્યા અનુસાર બંનેએ રાજસ્થાનથી હથિયારો લઈને ટ્રેનમાં પહોંચીને કલોલના એક કબ્રસ્તાનમાં હથિયાર પહોંચાડી દીધાં હતાં અને પાલનપુર જઈને રોકાયા હતા.
ATSએ ત્રણેયની ધરપકડ કરીને કસ્ટડી મેળવી છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ અત્યંત પ્રાણઘાતક ઝેર રાઈસિન બનાવવાની ફિરાકમાં હતા. તેના માટે સૈયદે રિસર્ચ પણ શરૂ કરી દીધું હતું અને રૉ મટીરીયલ તેમજ પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા અને તેના માટે જરૂરી સાધનો વગેરે માટે પણ તૈયારી શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સૈયદ 2010માં ચીનથી MBBS થયો હતો, પણ ભારતમાં લાઈસન્સ મેળવવા માટે જરૂરી MCI પરીક્ષા આપી ન હોવાના કારણે પ્રેક્ટિસ કરતો ન હતો.
શું છે રાઈસિન, કઈ રીતે પ્રાણઘાતક નીવડી શકે?
રાઈસિન એક ટોક્સિક પ્રોટિન છે, જે એરંડાના બીજમાંથી મળી આવે છે. આ બીને પ્રોસેસ કરીને કેસ્ટર ઓઇલ બનાવવામાં આવે છે, પણ આ બીમાં થોડા પ્રમાણમાં રાઈસિન પણ હોય છે. જો બી ખાવામાં કે ગળી જવામાં આવે તો આ ઝેરી રસાયણ શરીરમાં પ્રસરી શકે અને તેનાથી નુકસાન થઈ શકે. જો 2 બી પણ ખાવામાં આવે તો એ ઝેરી સાબિત થઈ શકે. જોકે જીવલેણ નીવડે કે નહીં તેનો આધાર ચાવવા પર છે. બીજ જો વધુ ચાવવામાં આવે તો રાઈસિન વધુ રિલીઝ થાય અને વધુ નુકસાન કરી શકે છે.
રાઈસિન અકસ્માતે શરીરમાં પ્રવેશે તેની શક્યતાઓ નહિવત છે. ઉપરાંત તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પણ પ્રવેશતું નથી. પણ જો કોઈ સપાટી પર રાઈસિનની હાજરી હોય તો તે ટ્રાન્સફર થઈ શકે છે.
લક્ષણો
લક્ષણોનો આધાર તે કેવી રીતે શરીરમાં પ્રવેશે છે તેની ઉપર પણ રહે છે. જો ખોરાકમાં લેવામાં આવે તો પેટની સમસ્યાઓ દેખાય છે. જેમકે, ઉબકા આવવા, વૉમિટિંગ થવું. જો શ્વાસમાં જાય (પાઉડર સ્વરૂપે) તો કફ, ગળાની તકલીફ, તાવ વગેરે જોવા મળી શકે. ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે તો બળતરા થાય. આ તમામ લક્ષણો પછીથી ઓર્ગન ફેલ્યોર અને મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે. જોકે પાંચ દિવસ સુધી માણસને કશું ન થાય તો પછી જોખમ રહેતું નથી.
રાઈસિનની શરીરમાં હાજરી છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે આમ તો કોઈ ટેસ્ટ ઉપલબ્ધ નથી. તેનો કોઈ સ્પષ્ટ ઉપચાર પણ નથી. પરંતુ તબીબો અન્ય ઉપચાર થકી સારવાર કરી શકે છે અને ઝેરની અસર ઓછી કરવામાં મદદ કરી શકે છે. વેક્સિન બનાવવા માટે રિસર્ચ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પણ હજુ સુધી એ શક્ય બની નથી.
આમ તો રાઈસિન પોઈઝનિંગની ઘટનાઓ બહુ ખાસ જોવા મળતી નથી, એટલે ખાસ ડેટા પણ ઉપલબ્ધ નથી, પરંતુ તેનાથી સમયસર સારવાર મળે તો લોકો બચી શકે તેવું કહેવાય છે. જો ઝેરનું પ્રમાણ વધારે હોય તો પ્રાણઘાતક નીવડી શકે.
આતંકવાદીઓ ઉપયોગ કરી શકે
અમેરિકાના ન્યૂયોર્કના હેલ્થ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ કહે છે કે રાઇસિનનો ઉપયોગ ‘ટેરેરિઝમ એજન્ટ’ તરીકે થઈ શકે તેમ છે. તેને પાઉડર, ગોળી સ્વરૂપે કે પછી પાણી કે વિક એસિડમાં ભેળવી દેવામાં આવે તો ઘાતક નીવડી શકે છે અને એક સાથે અનેક લોકો માટે સમસ્યા સર્જી શકે. અગાઉ કહ્યું એમ, તે અકસ્માતે વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે તેમ નથી અને ‘ઝેર’ તરીકે ઉપયોગ કરવા માટે ઇરાદાપૂર્વકનું કૃત્ય જરૂરી છે. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા રાઈસિનને ‘પોટેન્શિયલ બાયોવેપન’ ગણાવવામાં આવ્યું છે.
ભૂતકાળમાં એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં કોઈની હત્યા માટે રાઇસિનના ઉપયોગનો પ્રયાસ થયો હોય. આ આતંકવાદીઓના મનસૂબા પણ એવા જ હતા. તેમની વધુ પૂછપરછ અને તપાસમાં આ આતંકી ઇરાદાઓ વિશે વધુ જાણવા મળશે.
(નોંધ: અહીં રાઇસિન વિશે, તેના શરીરમાં જવાથી જોવા મળતાં લક્ષણો વિશે અને સારવાર વિશે આપવામાં આવેલી જાણકારી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે અને તેને અંતિમ માનવા કરતાં આવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની સ્થિતિમાં નિષ્ણાત કે તબીબનો સંપર્ક કરવો વધુ સલાહભર્યો છે.)


