ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડે (Gujarat ATS) આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા એક મોટા આતંકવાદી મોડ્યુલનો (Terror Module) પર્દાફાશ કરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વની સફળતા હાંસલ કરી છે. આ કાર્યવાહીમાં ATSએ બેંગલુરુની રહેવાસી અને AQISની માસ્ટરમાઈન્ડ શમા પરવીનની (Sama Parveen) ધરપકડ કરી છે. પરવીનની ધરપકડ સાથે ATSએ આ મોડ્યુલ કેસમાં પકડેલા આતંકવાદીઓની સંખ્યા 5 થઈ ગઈ છે. આ પહેલાં 23 જુલાઈએ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર શમા પરવીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા આતંકવાદી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરી રહી હતી. આ સિવાય તે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. અલ-કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા કેટલાક શખ્સો ભારતમાં દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાની યોજના ઘડી રહ્યા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ATS લાંબા સમયથી આ ઈસમો પર નજર રાખી રહી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ ‘ગઝવા-એ-હિંદ’ના મિશન હેઠળ મજહબી હિંસા અને આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ નકલી ભારતીય ચલણી નોટોના રેકેટમાં પણ સંડોવાયેલા હતા.
આ કાર્યવાહીમાં ATSએ ચાર અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી હતી, જેમાં મોહમ્મદ ફૈક (દિલ્હી, ફરાસખાના), ઝીશાન અલી (નોઈડા, સેક્ટર 63), મોહમ્મદ ફરદીન (અમદાવાદ, ફતેહવાડી) અને સૈફુલ્લા કુરેશીનો (અરવલ્લી, મોડાસા) શમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ અલ-કાયદાની વિચારધારા ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવાં કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને અન્ય શંકાસ્પદ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હતા. તેઓ ઓટો-ડિલીટ થતી એપ્લિકેશન્સ દ્વારા પોતાના સંદેશાવ્યવહારને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરતા હતા.
શમા પરવીનની ભૂમિકા
બેંગલુરુની રહેવાસી શમા પરવીન આ મોડ્યુલની માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો છે કે શમા પરવીન પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતી અને ભારતમાં યુવાનોને ઉશ્કેરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહી હતી. તેના મોબાઈલ ફોનમાંથી AQISનું જેહાદી સાહિત્ય અને ઉશ્કેરણીજનક વિડીયો સામગ્રી મળી આવી છે, જેમાં ‘ગઝવા-એ-હિંદ’ અને મજહબી હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રીનો શમાવેશ થાય છે.

આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ATSએ આ પહેલાં AQISના 4 આતંકીઓની ધરપકડ કરી હતી. ગઈકાલે બેંગલુરુથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તે કટ્ટરપંથી વિચારધારાને સમર્પિત છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહી હતી. તેના ઈલેક્ટ્રોનિક સાધનોમાંથી પાકિસ્તાન સાથેના સંપર્કો મળી આવ્યા છે. આ સાથે જ ગુજરાત ATSએ ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહેલા આતંકીઓની ધરપકડ કરી છે.”
આરોપીઓ પાસેથી મળેલી સામગ્રી
ATSની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અનેક પુરાવા મળી આવ્યા છે, જેમાં આરોપીઓના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સમાંથી ‘ગઝવા-એ-હિંદ’, ‘કાફિર’ અને મજહબી હિંસાને પ્રોત્સાહન આપતા વિડીયો અને સામગ્રી પણ સામેલ છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ શમા પરવીનની ધરપકડ અંગે જણાવ્યું હતું કે 22 જુલાઈના રોજ ધરપકડ કરાયેલા આતંકવાદીઓ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા સંપર્કમાં હતા.
તેઓ અન્ય અકાઉન્ટ સાથે પણ સંપર્કમાં હતા, જેના ઘણા ફોલોઅર્સ પણ હતા. શમા પરવીન આ એકાઉન્ટ બેંગલુરુથી ચલાવી રહી હતી. આ એકાઉન્ટ દ્વારા છોકરાઓનું બ્રેઈનવોશ કરવામાં આવતું અને કટ્ટરપંથી બનાવવામાં આવતા હતા. તેમનો હેતુ ભારતમાં ધાર્મિક આધાર પર હિંસા ફેલાવવાનો હતો. તેમણે કહ્યું કે શમા ઘણા પાકિસ્તાની લોકોના સંપર્કમાં હતી. આ ઉપરાંત, તે અન્ય દેશોના લોકોના સંપર્કમાં પણ હતી. જેની તપાસ કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી દરમિયાન ATSએ દિલ્હી, નોઈડા, અમદાવાદ અને મોડાસામાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ વોટ્સએપ ગ્રુપ થકી એકબીજા સાથે જોડાયેલા હતા અને દેશવિરોધી વિચારધારાને ફેલાવવા માટે યુવાનોને ભડકાવવાનું કામ કરતા હતા. ATSની સર્વેલન્સ ટીમે આ આરોપીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખીને પુરાવા એકત્ર કર્યા હતા, જેના આધારે આ ધરપકડ કરવામાં આવી.
ગુજરાત ATSની સતર્કતા
ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું કે આ આરોપીઓ લાંબા સમયથી અલ-કાયદાના મોડ્યુલ સાથે જોડાયેલા હતા અને તેઓ ભારતમાં મોટી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની યોજના ઘડી રહ્યા હતા. આ ધરપકડ બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ATS હાલ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી આ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શખ્સો અને તેમની યોજનાઓનો ખુલાસો થઈ શકે.
નોંધનીય છે કે ગુજરાત ATSની આ કાર્યવાહીએ એકવાર ફરીથી દેશની સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને કાર્યક્ષમતાને પ્રદર્શિત કરી છે. શમા પરવીન અને અન્ય ચાર આરોપીઓની ધરપકડથી AQISના નેટવર્કને નોંધપાત્ર ફટકો પડ્યો છે. આ ઘટના દેશમાં સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી વિચારધારાના પ્રસારના જોખમને પણ ઉજાગર કરે છે. ATSની તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.


