રાજકોટ એડિશનલ સેશન્સ કોર્ટે મંગળવારે (30 સપ્ટેમ્બર) 2023ના એક અગત્યના કેસમાં ચુકાદો આપ્યો. કોર્ટે મૂળ પશ્ચિમ બંગાળના ત્રણ ઇસમો અબ્દુલ શુકરઅલી, અમન સિરાજ મલિક અને શૈફ નવાઝ અબુશાહિદને જેહાદ થકી દેશમાં શરિયા કાયદો સ્થાપવા માટેનું કાવતરું રચવા બદલ અને અન્ય મુસ્લિમ યુવાનોનું બ્રેનવૉશિંગ કરીને તેમને પણ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં જોડવા માટેના પ્રયાસ બદલ દોષી ઠેરવ્યા. તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
કોર્ટે ગુનેગારોને IPC 121(C) (સરકાર વિરુદ્ધ યુદ્ધે ચડવું) તથા આર્મ્સ એક્ટની કલમ 25(1-B)A અને 27 હેઠળ દોષી ઠેરવ્યા અને તમામને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા સંભળાવી. ઉપરાંત દરેકને ₹12000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે ચુકાદાની નકલ ઉપલબ્ધ છે.
જુલાઈ 2023માં ATSએ કરી હતી ધરપકડ
ત્રણેય ગુનેગારોને જુલાઈ 2023માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડના (ATS) એક સ્પેશિયલ ઑપરેશનમાં પકડવામાં આવ્યા હતા. તેઓ મૂળ પશ્ચિમ બંગાળના છે અને રાજકોટના સોની બજારમાં રહેતા હતા. આ ઇસમો આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા હોવાની અને અન્ય મુસ્લિમ યુવાનોને પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડતા હોવાની બાતમીના આધારે ATSએ રેડ પાડીને પકડી પાડ્યા હતા. જેમાંથી એકની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી.
પૂછપરછ અને તપાસમાં ATSને જાણવા મળ્યું કે ત્રણેય વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જેમાં તેઓ જેહાદી ઉશ્કેરણીજનક વિડીયો અને અન્ય સામગ્રીની પણ આપ-લે કરતા હતા. ત્યારબાદ હેન્ડલરના ઈશારે તમામે ભારત સરકાર અને અન્ય સંગઠનો વિરુદ્ધ હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેના માટે હથિયારની પણ ખરીદી કરી હતી. ઉપરાંત તમામ રાજકોટમાં રહીને આસપાસના અન્ય મુસ્લિમ યુવાનોનું પણ બ્રેનવૉશ કરીને તેમને તેમની સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા હતા.
પછીથી વધુ તપાસમાં ATSને આ ઇસમોના મોબાઇલમાંથી અમુક વિડીયો મળી આવ્યા હતા, જેમાં ઉશ્કેરણીજનક વાતો લખવામાં આવી હતી. જેમકે, હાલ મુસ્લિમો માટે જેહાદ કરવો અનિવાર્ય છે અને જેહાદ જ તમામ સમસ્યાઓનું સમાધાન છે. જેમની સાથે ઉત્પીડન થઈ રહ્યું હોય તેના માટે જેહાદ એક જવાબદારી છે… વગેરે સામગ્રી મળી આવી હતી. ઉપરાંત તેમના મોબાઈલમાંથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યું હતું.
મસ્જિદમાં નમાજ બાદ કરતા હતા બ્રેનવૉશિંગ
વધુ વિગતો અનુસાર, આરોપીઓ સ્થાનિક મસ્જિદમાં જઈને નમાજ પઢતા અને ત્યારબાદ ઉશ્કેરણીજનક પુસ્તકો વાંચી સંભળાવતા હતા અને કાશ્મીરમાં ભારત સરકાર મુસ્લિમોને હેરાન કરી રહી હોવાનો અને તેમનાં ઘરો તોડી નાખવામાં આવતાં હોવાનો પ્રોપગેન્ડા ચલાવતા હતા. ઉપરાંત કુરાનમાં પણ જેહાદ કરવા માટે કહેવામાં આવતું હોવાનું કહેતા.

ત્રણેય ગુનેગારોના ટાર્ગેટ પર મૂળ બંગાળના અને સોની બજારમાં કામ કરતા મુસ્લિમ યુવાનો હતા, જેમને પણ જેહાદમાં જોડવા માટે તેમણે પ્રયાસ કર્યા હતા. રમઝાનમાં નમાજ અદા કર્યા બાદ ગુનેગારો આ યુવકોને બાંગ્લા ભાષામાં લખેલાં અમુક ઉશ્કેરણીજનક પુસ્તકો બતાવીને સમજાવતા કે દરેક મુસ્લિમ માટે જેહાદ કરવો જરૂરી છે, કારણ કે ભારત સરકાર કાશ્મીર અને અન્ય પ્રદેશોમાં મુસ્લિમોને મારી રહી છે.
કાશ્મીર, બાંગ્લાદેશના મુસ્લિમોને સરકાર હેરાન કરી રહી હોવાનો પ્રોપગેન્ડા ચલાવ્યો
ચર્ચામાં તેઓ બાંગ્લાદેશનો પ્રોપગેન્ડા પણ ફેલાવતા અને કહેતા કે બાંગ્લાદેશના મુસ્લિમોનું પાણી જાણીજોઈને હડપવામાં આવી રહ્યું છે અને તેમની ખેતી નષ્ટ કરવામાં આવી રહી છે. તેમની ફેક્ટરીઓ અને વ્યવસાય પર કબજો કરવામાં આવી રહ્યો છે.
ગુનેગારો અન્ય મુસ્લિમ યુવાનોને જેહાદ કરવા માટે ઉશ્કેરીને કહેતા હતા કે આપણે ભારતની પોલીસ, સેના, ગુપ્તચર એજન્સીઓને નિશાન બનાવીને મારવાનાં છે અને ભારતમાં શરિયા સ્થાપિત કરવાનો છે. ઉપરાંત તેઓ આ યુવાનો સાથે ઉશ્કેરણીજનક સાહિત્ય, વિડીયો વગેરે પણ શેર કરીને તેમને બ્રેનવૉશ કરવાનો પ્રયાસ કરતા હતા. તેઓ કહેતા કે દરેક મુસ્લિમ માટે જેહાદ કરવો અનિવાર્ય છે અને જેહાદ કરવાથી અલ્લાહ જન્નત આપે છે.
કાશ્મીર જઈને મેળવી હતી ટ્રેનિંગ
ATSની તપાસ અને કોર્ટ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે ત્રણેય ગુનેગારો કાશ્મીર પણ જઈ આવ્યા હતા અને ત્યાં અંસાર ગઝવાતુલ હિન્દ નામના એક સંગઠનના હેન્ડલરને પણ મળ્યા હતા, જ્યાંથી ભારત સરકાર, સશસ્ત્રબળો પર હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેના માટે હથિયારોની જરૂર હોઈ તમામે હથિયાર પણ ખરીદ્યાં હતાં.
બચાવમાં દલીલો ન આવી કામ, ગૂગલ ટ્રાન્સલેટના આધારે જેહાદની વ્યાખ્યા કરવા ગયા ગુનેગારોના વકીલ
બચાવપક્ષે ગુનેગારો તરફથી વકીલ એ. એસ વોરાએ દલીલો કરી હતી કે આ યુવાનો કોઈ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા ન હતા અને સમગ્ર કેસ માત્ર ‘જિહાદ’ શબ્દ પર આધારિત છે. તેમણે ગૂગલ ટ્રાન્સલેટનો સહારો લઈને દલીલ કરી કે તેનો અર્થ ‘સંઘર્ષ કરવો’ થાય છે, જેથી તેને ગુનામાં ખપાવી શકાય નહીં.
સાથે એવી પણ દલીલ આપવામાં આવી કે યુવાનો માત્ર લોકોનો સંપર્ક કરીને તેમને પોતાના પંથ માટેના નિયમો સમજાવતા હતા અને નમાજના રીતરિવાજ શીખવતા હતા, જે ગુનો બનતો નથી. જ્યારે પુસ્તક વિશે કહ્યું કે બાંગલા ભાષાના પુસ્તક પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી કે કોઈ પણ તેને ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકે છે. માત્ર પુસ્તક વાંચવાથી કેસ બની શકે નહીં તેવી દલીલો પણ આપવામાં આવી.
બચાવપક્ષે ATS પર કાર્યવાહી કરવા પહેલાં સ્થાનિક પોલીસને જાણ ન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો, પરંતુ કોર્ટે આ તમામ દલીલો નકારી દીધી હતી અને ઠેરવ્યું હતું કે યુવાનોએ ખોટી રીતે સાથી મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરી હતી અને જેહાદ કરવા માટે સરકાર વિરુદ્ધ, સશસ્ત્રબળો વિરુદ્ધ ભડકાવ્યા હતા અને કાશ્મીર જઈને તાલીમ પણ લઈ આવ્યા અને હથિયાર પણ ખરીદ્યું હતું. જ્યાં સુધી વાત ATSએ સ્થાનિક પોલીસને જાણ ન કરવાની છે, તો અમુક સંવેદનશીલ કેસમાં એ શક્ય છે અને ATSનું કાર્યક્ષેત્ર સમગ્ર રાજ્ય આવે છે, એ પણ કોર્ટે નોંધ્યું.
તમામ દલીલોને અંતે કોર્ટે ત્રણેયને ગુનેગારો ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.


