Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોશિયલ મીડિયાથી આતંકીઓના સંપર્કમાં હતી સુરતની સુમેરા બાનુ, ચલાવતી હતી લવ જેહાદનું...

    સોશિયલ મીડિયાથી આતંકીઓના સંપર્કમાં હતી સુરતની સુમેરા બાનુ, ચલાવતી હતી લવ જેહાદનું રેકેટ: સંતાનોને પણ ISKPમાં જોડાવા માટે લઇ જવાનો હતો પ્લાન

    નિકાહના થોડા જ સમયમાં સુમેરાના તલાક થઈ ગયા હતા. તલાક બાદ તે સુરત આવી તેના અમ્મી અબ્બુ સાથે રહેવા લાગી હતી.

    - Advertisement -

    2 દિવસથી ગુજરાત ATSએ પોરબંદરથી પકડી પાડેલા આતંકવાદી ટેરર મોડ્યુલની ખુબ જ ચર્ચા થઈ રહી છે. ISKP જેવા ખતરનાક આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોરબંદરથી 3 પકડાયા હતા જ્યારે એક મહિલા સુરતની પકડાઈ હતી. પકડાયેલા 3 આતંકવાદીઓની પૂછપરછ બાદ સુરતથી ઝડપાયેલી મહિલા આતંકવાદી સુમેરા બાનુ પણ આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. આ સુમેરા બાનુ વિશ્વભરમાં કુખ્યાત ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISની વિચારધારાથી પ્રભાવિત હતી. જેના કારણે તે ISISના જ સહયોગી સંગઠન ISKP સાથે જોડાઈ હતી. ધોરણ 12 સુધી ભણેલી અને 2 દીકરાઓની મા સુમેરા લવ જેહાદનું રેકેટ ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે.

    રિપોર્ટ્સ અનુસાર, પૂછપરછ દરમિયાન ત્રણ આતંકવાદીઓએ સુરતની સુમેરા બાનુ નામની મહિલા પણ તેનાં બે સંતાનોને લઈને આવવાની હોવાની વિગતો આપતાં પોલીસે તેને પણ સુરતથી ઝડપી પાડી હતી. તેની પાસેથી પોલીસને કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું, જેમાં ‘વોઇસ ઑફ ખુરાસાન’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે ISKP હેન્ડલર માટે એક પ્રતિજ્ઞા પણ લખી હોવાનું સામે આવ્યું છે. અહીં નોંધનીય છે કે આ ચારેય આતંકવાદીઓ એક અબુ હમઝા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતા અને તેણે જ તેમને પોરબંદરના રસ્તે ઈરાન જવા માટે કહ્યું હતું. જ્યાંથી તમામ અફઘાનિસ્તાન જઈને આતંકી સંગઠનના મુખ્ય મોડ્યુલમાં જોડાવાના હતા.

    સુરતથી ઝડપાયેલી મહિલા આતંકવાદી સુમેરા બાનુ અને તેનો પરિવાર મૂળ રૂપે ભરૂચના રહેવાસી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના બાળકો અને અમ્મી-અબ્બુ સાથે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી હતી. સુમેરા ધોરણ 12 સુધી ભણેલી છે અને તેણે તમિલનાડુના યુવક સાથે નિકાહ કર્યા હતા. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર નિકાહના થોડા જ સમયમાં સુમેરાના તલાક થઈ ગયા હતા. તલાક બાદ તે સુરત આવી તેના અમ્મી અબ્બુ સાથે રહેવા લાગી હતી. સુમેરના અબ્બુ પોસ્ટમાં નોકરી કરતા હતા, હાલ તેઓ નિવૃત્ત છે અને જણાવાયું છે કે તેમના પેન્શન પર જ તેમનું ઘર ચાલતું હતું.

    - Advertisement -

    સુમેરાબાનુના પાડોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, તે કાયમ બુરખો પહેરતી અને મોટાભાગે ઘરમાં જ રહેતી હતી અને આસપાસ કોઈ સાથે વધુ ભળતી ન હતી. માત્ર બાળકોને શાળાએ લેવા-મૂકવા જવા માટે જ બહાર નીકળતી હતી. તેના પાડોશીઓએ દાવો કર્યો છે કે તેઓ તેના વિશે વધુ જાણતા નથી તો અમુકે ઓળખતા પણ ન હોવાનું કહ્યું હતું.

    નિકાહ પહેલાં જ ISISમાં જોડાવવા માંગતી હતી સુમેરા

    કેટલાક અહેવાલોમાં ATSના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સુમેરા બાનુ નિકાહ પહેલાંથી જ આતંકવાદી સંગઠન ISISથી ખૂબ પ્રભાવિત હતી અને તેમાં જોડાવવા માંગતી હતી. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના સંગઠનો બાકીના ભાગો કરતાં દક્ષિણ ભારતમાં વધુ સક્રિય હોવાના કારણે જ સુમેરાએ તમિલનાડુના મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે તલાક લઈને તેના શૌહરથી અલગ થઈ ગઈ હતી અને સુરત આવી ગઈ હતી. જોકે આ સમયગાળા દરમિયાન તે ISISમાં સફળતાપૂર્વક જોડાઈ ગઈ હતી. ગુજરાત ATSને સુમેરાબાનુ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં ISISને લગતી સામગ્રીઓ પણ મળી આવી હતી.

    લવ જેહાદ માટે મુસ્લિમ યુવાનોને ટ્રેનિંગ આપતી સુમેરા

    મહિલા આતંકવાદી સુમેરા કઈ હદે કટ્ટરપંથી વિચારધારા ધરાવતી તે વાતનો અંદાજો તે વાત પરથી આવે છે તે ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલ માટે કામ કરવા ઉપરાંત મોટાપાયે લવ જેહાદ કરાવવા માટે પણ કાર્યરત હતી. સુમેરા 16 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના મુસ્લિમ યુવકોને લવ જેહાદ માટે ટ્રેનિંગ આપતી હતી અને તૈયાર થયેલા જેહાદીઓને બિન મુસ્લિમ યુવતીઓને ફસાવવા પ્રેરિત કરતી હતી. લવ જેહાદના રેકેટ સાથે સંકળાયેલી સુમેરા બાનુ આ પ્રકારની કટ્ટર માનસિકતા ધરાવતા યુવકોને ISISમાં પણ જોડવા માંગતી હતી.

    પોરબંદરથી ઝડપાયેલા આતંકવાદીઓથી મળ્યું સુમેરનું પગેરું

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે ગુજરાત ATSએ પોરબંદરમાંથી ISISનું એક ટેરર મોડ્યુલ પકડી પાડ્યું હતું અને આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આતંકવાદીઓ પોરબંદરના રસ્તે ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાની ફિરાકમાં હતા. પરંતુ સફળ થાય તે પહેલાં જ ATSની ટીમે દબોચી લીધા હતા.

    આ ત્રણેયની પૂછપરછ કરતાં તેમની ઓળખ ઉબૈદ નાસિર મીર, હાનન હયાત શોલ અને મોહમ્મદ હાજિમ શાહ (ત્રણેય રહે. શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) તરીકે થઇ હતી. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે તેઓ ISKP માટે કામ કરે છે અને તેના હેન્ડલર અબુ હમઝાના સંપર્કમાં હતા. તેણે જ તેમને કટ્ટરપંથી બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેણે જ તેમને પોરબંદર પહોંચવા માટે કહ્યું હતું, જ્યાંથી તેઓ ફિશિંગ બોટ મારફતે ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન અન્ય બે નામ પણ ખૂલ્યાં હતાં. જેમાં એક ઝુબૈર અહમદ મુન્શી નામનો શખ્સ છે, જે કાશ્મીરના શ્રીનગરનો રહેવાસી છે. જ્યારે સુરત રહેતી સુમેરા બાનુનું નામ પણ સામે આવ્યું હતું.

    ત્યારબાદ સુરત પોલીસ તેમજ ત્યાંની ATSની ટીમને જાણ કરવામાં આવી હતી, જેમણે સુમેરાબાનુના ઘરે જઈને તેની અટકાયત કરી લીધી હતી. સુમેરાબાનુના ઘરમાંથી અમુક એવી સામગ્રી મળી આવી હતી, જેનાથી એ વાતની સાબિતી મળે છે કે તે ISKP સાથે જોડાયેલી હતી. જ્યારે બાકીના ત્રણના મોબાઈલ, લેપટોપ વગેરે ગેજેટ્સની તપાસ કરતાં તેમાંથી પણ અમુક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તેમણે ઓટોડિલીટ સિસ્ટમ રાખી હતી, પરંતુ ક્લાઉડમાંથી ઘણી સામગ્રી મળી આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં