તાજેતરમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ તમામ અલ-કાયદાની જ એક શાખા અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ ઉપરાંત આતંકવાદીઓની ઓળખ ફરદીન શેખ (અમદાવાદ), મોહમ્મદ ફૈક (દિલ્હી), ઝીશાન અલી (નોઇડા) અને સૈફુલ્લાહ કુરેશી (મોડાસા, ગુજરાત) તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકીઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા જેહાદી પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા હતા.
ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આતંકીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મુસ્લિમ યુવાનોને આતંકવાદી હુમલા કરવા માટે પ્રેરી રહ્યાં હતાં અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી મોદી સરકાર વિરુદ્ધ સશસ્ત્ર હિંસાની વાત કરતાં હતાં. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સનાં નામ અનુક્રમે ‘f4rdeen_03’ (મોહમ્મદ ફરદીન દ્વારા સંચાલિત), ‘Sharyat_ya_shahadat’ (મોહમ્મદ ફૈક દ્વારા સંચાલિત), ‘Mujahideen1’ અને ‘Mujahideen3’ (ઝીશાન દ્વારા સંચાલિત) છે. તે સિવાય ‘Sefullah_muja_hid313’ નામનું એકાઉન્ટ સૈફુલ્લાહ ચલાવતો હતો.
ઇન્સ્ટાગ્રામ દ્વારા કરતા હતા જેહાદ માટે ઉશ્કેરણી
તમામ આતંકીઓનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની તપાસ કરતા અનેક ઘટસ્ફોટ થયા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર કટ્ટરવાદી ભાષણો સાથેના વિડીયો પોસ્ટ કરતા હતા અને મુસ્લિમ યુવાનોને ‘ગઝવા-એ-હિન્દ’માં સામેલ થવા માટે ઉશ્કેરતા હતા. એક વિડીયોમાં ‘જિહાદ કી તાકાત’ના ટાઇટલ જેહાદનું ખુલ્લુ સમર્થન કરવામાં આવ્યું છે અને તેમાં સામેલ થવા માટેની ઉશ્કેરણી કરવામાં આવી છે. આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં નફરતી તહેરીક સાંભળવા મળે છે. વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, “અલ્લાહે કહ્યું છે કે, કોઈ આવે કે ન આવે તમે અલ્લાહના માર્ગે જેહાદ માટે નીકળો અને જેહાદ જારી રાખો.”

વધુમાં વિડીયોમાં કહેવાયું છે કે, “જે જકાત નથી આપી રહ્યા તેમના વિરુદ્ધ બળવો કરવાનો છે. કોઈ સાથ આપે કે ન આપે, હું આ કામ કરતો રહીશ. મારા વજૂદનો અડધો ભાગ પણ મારી ખિલાફ થઈ જાય તો પણ હું આ કરીશ જ. જે શરિયાનો ઇનકાર કરે તેમની સામે જેહાદ કરીશ. મારો ડાબો હાથ પણ જો મારો સાથે નહીં આપે તોપણ હું જેહાદ કરીશ અને અલ્લાહના દુશ્મનો સામે જંગ માટે નીકળી પડીશ.” વધુમાં આ વિડીયોમાં તે પણ જણાવાયું છે કે, ‘કાફિરો’ને કઈ રીતે ખતમ કરવા. મૌલવી આગળ કહેતો સંભળાય છે કે, “તેનો જવાબ પણ અલ્લાહે આ આયાતમાં આપ્યો છે.”
આગળ કહે છે કે, “અલ્લાહ કાફિરોની શક્તિને નિર્બળ કરી નાંખશે. તમે કાફિરો વિરુદ્ધ નીકળશો તો તેનું એ પરિણામ હશે કે અલ્લાહ આ કાફિરોની ટેકનોલોજીને રોકી દેશે. કાફિરોની સેના સામે હશે, ઉપર શસ્ત્રો મંડરાતા હશે તોપણ અલ્લાહ કાફિરોની શક્તિને ક્ષીણ કરી દેશે. શરત માત્ર એટલી છે કે, આ જેહાદને ક્યારેય ન છોડશો. અલ્લાહના રસ્તા પર નીકળી પડો, અલ્લાહ આ સુપરપાવરનું અભિમાન પણ રાખમાં ભેળવી દેશે.”
‘તમે 35 કરોડથી વધારે છો, દરેક ભાગમાં છો, તલવારો લઈને નીકળી પડશો તો હિંદુઓ સામનો નહીં કરી શકે’
આ આતંકવાદીઓએ ઈન્સ્ટાગ્રામ પર એવી અનેક પોસ્ટ કરી હતી, જેમાં મુસ્લિમ મૌલવીઓ દ્વારા સ્પષ્ટ રીતે મુસ્લિમ યુવાનોને હિંદુઓ વિરુદ્ધ, ભારત સરકાર વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા હોય.
એક વિડીયોમાં મૌલવી બોલતો સંભળાય છે કે, “મારા મુસલમાન ભાઈઓ, તમે એ વિચાર કાઢી નાખો કે હિન્દુસ્તાન હિંદુઓનું છે અને તેઓ ઇચ્છે ત્યારે આપણને અહીંથી કાઢી મૂકશે. તમે અલ્લાહ પર ભરોસો રાખો. આ જમીન અલ્લાહની છે, આ જમીન પર તમે સદીઓ શાસન કર્યું છે, પરંતુ આજે કમજોરી, મજબૂરી અને ગુલામી કેમ છે?

આગળ વિડીયોમાં મુસ્લિમ યુવાનોને ‘જેહાદ’ તરફ વળવા માટે ઉશ્કેરણી કરીને કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમે બીજાં કામોમાં પરોવાય જશો, જેહાદથી દૂર થતા જશો તો અલ્લાહ એવી મુશ્કેલીઓ વરસાવશે, જે ત્યાં સુધી નહીં દૂર નહીં થાય ત્યાં સુધી તમે જેહાદના માર્ગે નહીં આવો. ત્યારબાદ અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપવામાં આવે છે, ‘અલ-કાયદા’ હજુ પણ મજબૂત છે તેવા દાવા કરવામાં આવે છે અને ભારતમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે કહેવામાં આવે છે.
મૌલવી કહે છે, “તમે હિંદુસ્તાનમાં 35 કરોડથી વધારે છો, સારામાં સારા લડવૈયાઓ છે. દેશના દરેક ભાગમાં તમારી વસ્તી છે. હાથમાં માત્ર ચાકુ અને તલવાર લઈને પણ નીકળી પડશો તો ઇતિહાસ સાક્ષી છે કે આ બુઝદિલ હિંદુઓ તમારો સામનો નહીં કરી શકે. તેઓ દુશ્મનો પર એટલો જુલમ વરસાવે છે કે તે ક્યારેય ફરી ઉઠી ન શકે. હિંદુઓ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને, તેમને દુશ્મનો ગણાવીને આગળ કહે છે કે, જો તેમનો સામનો કરવામાં આવે તો તેઓ પગમાં પડીને જીવની ભીખ માંગવા માંડે છે.
ભારતમાં મુસ્લિમોને ગાજર-મૂળાની જેમ કાપી નાખવામાં આવે છે તેવા ઉશ્કેરણીભર્યા દાવા બાદ મૌલવી કહે છે કે તેમાં સરકાર પણ પૂરતી ભાગીદાર છે. પછી કહે છે કે જે રીતે સરકાર હિંદુઓને આવી ‘છૂટ’ આપે છે તેવી જ છૂટ ભારતના મુસ્લિમ યુવાનોને પણ આપવામાં આવે અને ઉમેરે છે કે પછી દુનિયા જોશે કે હિંદુ કેટલો બહાદુર છે અને ભારતનો મુસલમાન શું કરી શકે છે. સરકાર મુસ્લિમો વિરુદ્ધ અત્યાચાર કરવા માટે હિંદુઓને ઉશ્કેરતી હોવાની ભડકાઉ વાતો કરીને કહે છે કે ભારતના મુસ્લિમો તેમની વાતમાં ન આવે, નહીંતર સરકાર તેમને ભારતમાંથી કાઢી મૂકશે.
કાશ્મીર પર પ્રોપગેન્ડા
‘કાશ્મીર કી હકીકત’ ટાઇટલ સાથેના એક વિડીયોમાં એક મૌલવી ઉશ્કેરણીજનક વાતો કરતાં કહે છે કે કાશ્મીરમાં મુસ્લિમ યુવતીઓને ‘ઇન્ડિયાવાળાઓ’ દ્વારા ઉઠાવી લેવામાં આવે છે અને તેમની ઉપર અત્યાચાર થાય છે. સાથે એમ પણ કહે છે કે, આ ‘હિંદુ’ની આટલી હિંમત કઈ રીતે ચાલે છે? ત્યારબાદ મુસ્લિમ યુવાનોને ભડકાવવા માટે કથિત અત્યાચાર વિરુદ્ધ હથિયારો ઉઠાવવાની વાત થાય છે.

‘કુફ્ર બહુત કમજોર હૈ’ શીર્ષક ધરાવતા વિડીયોમાં હિંદુઓ અને યહૂદીઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે. બંને સમુદાયો વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરીને કહે છે કે, તેઓ મુસ્લિમો સામે શું લડશે? તેઓ સાવ કમજોર થઈ ચૂક્યા છે. મુસલમાનો નહીં સુધરે, એકબીજા સામે લડતા રહેશે અને કાફિર દૂરથી તમાશો જોતો રહેશે.
‘આઓ જિહાદ કરે’ નામના એક વિડીયોમાં મૌલવી કહે છે કે, “હિન્દુસ્તાની ભાઈઓ, જિહાદ મેં અલ્લાહ ને વો કુવ્વત રખી હૈ, જિસકા મુકાબલા કાફિરોં કે બયાલીસ મુલ્ક મિલકર ભી નહીં કર સકતે.” આગળ ફિદાયીન હુમલાનો ઉલ્લેખ કરીને કહે છે કે, હવે બધા તમારી રાહ જોઈ રહ્યા છે, બધા ભારતના મુસ્લિમો સાથે છે. એક વખત તમે જેહાદ માટે ઊભા થશો તો પેલેસ્ટાઇનથી લઈને અફઘાનિસ્તાન સુધીના મુસ્લિમો તમારી સાથે હશે.”
વારંવાર જેહાદ તરફ વળવાના સંદેશ સાથે ભડકાઉ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા
‘આઓ જિહાદ કી તરફ’ વિડીયોમાં એક મૌલવી ભાષણમાં કહે છે કે, “શું હવે એવું કોઈ પેદા નથી થઈ રહ્યું છે ભારતના મુસ્લિમોને ખિલાફતના ભૂલેલા પાઠ ફરી યાદ કરાવી શકે?” ત્યારબાદ બાલાકોટનો ઉલ્લેખ કરીને કહે છે કે શું તેમનો કોઈ વારસ નથી, જે બદલો લેવા માટે આગળ આવે. આગળ UP, બંગાળ અને બિહારનો ઉલ્લેખ કરીને ત્યાંના મુસ્લિમ યુવાનોને ભડકાવવામાં આવે છે. ગુજરાત અને સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરીને ગુજરાતી મુસ્લિમોની પણ ઉશ્કેરણી કરવામાં આવી છે. અંતે કહેવામાં આવ્યું છે કે, ભારતના મુસ્લિમોએ હંમેશા ઇસ્લામના દુશ્મનો સામે ‘લડત’ આપી છે, પણ હવે શું થયું કે જેહાદનાં મેદાનોમાં તેઓ જોવા મળી રહ્યા નથી. આ ભાષણમાં પણ હિંદુઓને ‘કાફિર’ ગણાવીને તેમની વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું.
‘વૉટ શરિયતનો હિસ્સો નહીં’
એક વિડીયો ‘વોટ શરિયત કા હિસ્સા નહીં’ લખીને પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમોને મત ન આપવા માટે ભડકાવવામાં આવ્યા હતા. વિડીયોમાં શખ્સ કહે છે કે, વૉટ નાખવા એ ટાઇમપાસ છે અને એ દીનનો ભાગ નથી. આગળ સરકારનો ઉલ્લેખ કરીને કહે છે કે, તેઓ ઇસ્લામના દુશ્મન છે અને તેમને હટાવવા માટે અલ્લાહે બતાવેલા માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો કારગત નથી. જેના માટે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો ઉલ્લેખ કરીને તેનું ઉદાહરણ આપે છે અને કહે છે કે, સરકારી ઉલેમાની વાતમાં ન આવવું કે વોટ કરવાથી સરકાર હટી જશે.

આ આતંકવાદીઓએ AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પણ ઘણા વિડીયો પોસ્ટ કર્યા હતા. તેમનાં વિવિધ અકાઉન્ટ પરથી ઓવૈસીનાં ભાષણોની ક્લિપ શૅર કરવામાં આવી રહી હતી. જોકે જ્યારે ઑપરેશન સિંદૂર વખતે ઓવૈસીએ પાકિસ્તાનવિરોધી નિવેદનો આપવાનાં શરૂ કર્યાં તો ‘સરકારી ગુલામ’ ગણાવીને પોસ્ટ કરવાની શરૂ કરી હતી.
બાબરી, વક્ફ બિલ પર પણ ભડકાઉ પોસ્ટ
આ આતંકવાદીઓએ ‘બાબરી મસ્જિદ’ પર પણ પોસ્ટ કરી હતી. 6 ડિસેમ્બર, 2024ના રોજ કરેલી એક પોસ્ટમાં એક આતંકી બાબરીની તસવીર મૂકીને લખે છે કે, ‘અમે અમારી પેઢીઓને યાદ અપાવતા રહીશું કે બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે.’

વક્ફ બિલ વિરુદ્ધ પણ આ આતંકીઓએ અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શૅર કરી હતી. એક પોસ્ટમાં વક્ફના ઉલ્લેખ સાથે લખવામાં આવ્યું છે કે જે અમારી પાસેથી આંચકી લેવામાં આવી રહ્યું છે તેનો નિર્ણય મેદાનમાં થશે. પાછળ યુદ્ધનાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે.

આ સિવાય પણ હિંદુઓ વિરુદ્ધ, પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓકતી, તેમની મજાક ઉડાવતી અનેક પોસ્ટ્સ શૅર કરવામાં આવી હતી.

હાલ ગુજરાત ATS આ તમામ ઓનલાઇન સામગ્રી, ઉપરાંત વોટ્સએપ અને અન્ય એપ્લિકેશનોમાં આતંકવાદીઓ વચ્ચે, તેમના હેન્ડલરો વચ્ચે જે કંઈ વાતચીત થઈ હતી તેની તપાસ કરી રહી છે. જેમ તપાસ આગળ વધશે તેમ વધુ ઘટસ્ફોટ થશે અને આ આતંકીઓ સાથે અન્ય પણ કોઈ સંકળાયેલું છે કે કેમ તે પણ બહાર આવશે.


