પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાને કે તેમની વાતોને ગંભીરતાથી લઈએ એવા આપણા જેન્યુઇન પ્રયાસો હોય છે પણ સંભવતઃ બાપુ પોતે ઈચ્છતા નથી કે ગામ તેમની વાતોને સિરિયસલી લે. વખતોવખત તેઓ એવી-એવી વાતો લઈ આવે છે જે સાંભળીને હસી કાઢવા સિવાય બીજું કશું કરવાનું હોતું નથી. હમણાં તેમણે ફરી એક વખત આવું કર્યું છે.
એક કાર્યક્રમમાં શંકરસિંહે કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે જો તેમને (રાહુલને) ખરેખર ગુજરાતમાં ભાજપને હરાવવામાં રસ હોય તો શંકરસિંહનો સંપર્ક કરે. સાથે ચોખવટ કરી છે કે પોતાને ન ચૂંટણીમાં ટિકિટ જોઈએ છે કે ન મુખ્યપ્રધાનનું પદ. પરંતુ શરત એટલી કે ચૂંટણી પહેલાં કોંગ્રેસ એ પ્રમાણે ચાલવી જોઈએ જેવું શંકરસિંહ કહે અને કેમ્પેઈન પણ પોતે જ ડિઝાઇન કરશે.
‘મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે, ગુજરાતમાંથી ભાજપને કાઢવામાં રસ હોય તો કહેજો’: શંકરસિંહ વાઘેલા ઉવાચ
— ઑપઇન્ડિયા (@OpIndia_G) May 25, 2026
કહ્યું– હું કહું એ પ્રમાણે પાર્ટી ચલાવવાની ગણતરી હોવી જોઈએ, મુખ્યમંત્રી પદ નથી જોઈતું
એ વાત અલગ છે કે શંકરસિંહ છેલ્લા એક દાયકામાં ઢગલાબંધ પાર્ટીઓ બનાવી ચૂક્યા છે અને એક પણ સીટ… pic.twitter.com/uI0wJ5nUY1
દાદ શંકરસિંહ વાઘેલાની સોશિયલ મીડિયા ટીમને પણ આપવી પડે એમ છે. આ વિડીયો સ્વયં તેમના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ થયો છે. જોકે લોકોએ નીચે વાત હસવામાં કાઢી નાખી છે. કારણ કે તેઓ બીજું કશું કરી શકે એમ નથી.
એક હકીકત એ પણ છે કે શંકરસિંહે કોંગ્રેસ છોડી પછી છેલ્લા દાયકામાં ઘણી પાર્ટીઓ બનાવી છે. દરેક ચૂંટણી પહેલાં બાપુ એક નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતરે છે. થોડોઘણો કચાટ કરી જાણે છે, થોડાઘણા ઉમેદવારો ઊભા રાખે છે અને ડિપોઝિટ ચૂંટણી પંચને દાન કરી આવે છે. પરિણામોમાં પાર્ટી ગાયબ થઈ જાય છે. બીજા દિવસથી એવા અંધકારમાં ડૂબી જાય છે કે ફરી બાપુને પણ જડતી નથી અને એટલે તેમણે બીજી ચૂંટણીમાં બીજી પાર્ટી બનાવવી પડે છે. તેનું પણ એ જ થાય છે, જે આગલીનું થયું હોય. એકેય ચૂંટણીમાં બાપુની પાર્ટીને સમ ખાવા પૂરતી એક સીટ પણ મળી નથી એ હકીકતની પણ નોંધ લેવા જેવી ખરી.
રાહુલ ગાંધી ખરેખર આવી કોઈ વાત માનશે એવું માનવું પણ મૂર્ખતા છે. રાહુલ ગાંધીની રાજકારણ કરવાની સ્ટાઈલ અને ટ્રેકરેકોર્ડ કહે છે કે તેઓ પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ બહુ વહેલા સાંભળતા નથી. શંકરસિંહ જેવા વર્ષો પહેલાં પાર્ટી છોડી ચૂકેલા નેતાને તેઓ સાંભળશે કે તેમની વાતો પર વિચાર કરશે એવું માની લેવું વધારે પડતું છે. શક્ય જ નથી રાધર.
બંને ભેગા પણ થયા તો શું?
દલીલ ખાતર માની લઈએ કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી (જે ડિસેમ્બર 2027માં આવશે) પહેલાં શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી બંને કોંગ્રેસ માટે કામ કરવા ભેગા થયા તો તેનું પરિણામ શું આવશે? એ જ કે કોંગ્રેસ અત્યારે છે એના કરતાં ખરાબ હાલતમાં આવી જશે અને ફાયદો આખરે ભાજપને જ થશે.
સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તો આ મજાક બહુ ચાલે છે કે રાહુલ ગાંધી ખરેખર ભાજપના સ્ટાર પ્રચારક છે. એટલે રાહુલ ગાંધી જ્યાં ચૂંટણીમાં વધુ રસ લે ત્યાં ભાજપને જ ફાયદો કરાવી આવે છે. આમ જોવા જઈએ તો શંકરસિંહ અને રાહુલ ગાંધીનામાં સામ્યતા ઘણી છે.
બંને પાસે નક્કર આયોજન, રોડમેપનો સદંતર અભાવ છે. જે કંઈ છે એ ફાંકા ફોજદારી અને મોટી-મોટી વાતો છે અને એ આવે છે ક્યાંથી? મોદી પ્રત્યેના દ્વેષમાંથી. કોનો મોદીદ્વેષ વધારે એ માપવું કઠિન કામ છે. જોકે સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા શંકરસિંહે પર્સનલ સંબંધોવાળી એક બારી ખુલ્લી રાખી છે. રાહુલ ગાંધીનામાં એ સંસ્કાર નથી. હોય એવી આશા રાખવી વધારે પડતી છે. પણ બંનેને મોદી દીઠા ગમતા નથી. કારણો બંનેનાં અલગ છે.
વ્યક્તિદ્વેષ માણસને ક્યાં લઈ જાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાપુ
શંકરસિંહ વાઘેલા છાશવારે મોદીને ટાર્ગેટ કરતા રહે છે. મોદી પ્રત્યેના દ્વેષમાં માણસ ક્યાં સુધી જઈ શકે તેનું ઉદાહરણ વાઘેલાએ હમણાં થોડા વખત પહેલાં જ આપ્યું અને એવું કહી દીધું કે ગોધરા સ્ટેશન પર ડબ્બો અંદરથી સળગાવવામાં આવ્યો હતો. એક રીતે શંકરસિંહે હિંદુ કારસેવકોનું સરાજાહેર અપમાન કર્યું. તેના મૂળમાં મોદી પ્રત્યેનો દ્વેષ હતો. શંકરસિંહ સાબિત કરવા માગતા હતા કે મોદીના રાજમાં, મોદીના શાસનમાં હિંદુ મત મેળવવા, મુસ્લિમોની વિરુદ્ધ માહોલ ઉભો કરવા સરકારના પ્રોત્સાહનથી આ થયું હતું. શંકરસિંહ જેવા નેતા હકીકત ન જાણતા હોય તેમ ન બને પણ આંધળો દ્વેષ આ બધું કરાવે છે.
રાહુલ ગાંધીનું પણ એવું જ છે. દાયકાઓ સુધી બાપ-દાદાઓ જે ખુરશી પર બેસીને શાસન કરી ચૂક્યા હોય ત્યાં પોતાને તો બેસવા ન મળ્યું, કાયમ માટે હવે નહીં મળે એ અલગ અને મોદી જેવો સર્કલ બહારનો માણસ આવીને દોઢ દાયકાથી શાસન કરે છે એ હકીકત પચાવતાં રાહુલ ગાંધીને હજુ થોડાં વર્ષો લાગશે અને ત્યાં સુધી તેઓ પોતાનાં નિવેદનોમાં મોદીદ્વેષ ઠાલવતા રહેશે.
ચૂંટણીઓ જીતવી હોય તો નક્કર આયોજન હોવાં જોઈએ. સંગઠન હોવું જોઈએ. જમીન પર દોડવા માટેના કાર્યકરો અને માણસો હોવા જોઈએ. પાર્ટી ચલાવી શકે એવા સક્ષમ માણસો હોવા જોઈએ અને સક્ષમ હોય તેમને તક આપવી પડે છે. રાહુલ ગાંધી પાસે પાર્ટી છે, ચલાવતાં આવડતું નથી. ગુજરાતમાં શંકરસિંહ પાસે પાર્ટી નથી. જે પાર્ટીને બેઠી કરવાનો તેમને અભરખો જાગ્યો છે તેની ગુજરાતમાં હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.
રાહુલ ગાંધી પાસે ગુજરાત આવીને ઘોડા-ગધેડાની વાતો કરવા સિવાય બીજું કોઈ આયોજન નથી
રાહુલ ગાંધી પાસે પણ આયોજનના નામે મીંડું છે. 2024ની લોકસભા ચૂંટણી પછી માર્ચ 2025માં અમદાવાદમાં પાર્ટીનું અધિવેશન કરવા આવ્યા ત્યારે તેમણે જાણે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાના હોય અને ક્રાંતિ લાવી દેવાના હોય એવી વાતો કરી હતી. સંગઠન ધરમૂળમાંથી બદલી નાખવાનાં સપનાં પાર્ટીના કાર્યકરોને બતાવ્યા હતા. ઘોડા-ગધેડાની વાતો કરી ગયા હતા. પછી શું થયું? કશું નહીં. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ તેમાં કોંગ્રેસ વધુ કંઈ ઉકાળી ન શકી અને ભાજપે એકપક્ષીય વિજય મેળવ્યો.
આયોજન શંકરસિંહ પાસે પણ નથી. તેઓ જો ખરેખર ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા જેટલી શક્તિ અને સંગઠન પર પકડ રાખતા હોત તો પોતે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે જ ફેર દેખાયો હોત. ત્યારે તો પાર્ટી સારી સ્થિતિમાં હતી, હવે સંગઠન જેવું કશું રહ્યું નથી. ચૂંટણી લડવા માટે માણસો પણ રહ્યા નથી.
ટૂંકમાં માની પણ લઈએ કે બંને નેતાઓ ભેગા થયા તો ડરવાનું ભાજપે નહીં પણ કોંગ્રેસે છે. કારણ કે મોદીદ્વેષમાં ભાજપને ‘પાડી દેવા’ માટે એકઠા થયેલા આ બંને એવા ખેલ કરશે કે ‘એક સે ભલે દો’ની ફોર્મ્યુલા લાગુ કરીને ભાજપને જ ફાયદો કરાવશે. વૈચારિક મતભેદો હોય એ વાત અલગ છે અને વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ અલગ છે. દ્વેષ રાખીને કામ કરતો માણસ કેવી ગફલતો કરતો જાય છે એ રાહુલ ગાંધી એક દાયકાથી સાબિત કરતા રહે છે. તેમને શંકરસિંહ સાચો માર્ગ દેખાડશે એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી કારણ કે મોદીવિરોધમાં તેઓ રાહુલ ગાંધી કરતાં પણ એક ડગલું આગળ ચાલે છે.
બીજું, બંગાળ ચૂંટણીએ પણ સાબિત કર્યું કે ચૂંટણી લડવા માટે, જીતવા માટે માત્ર વાતોથી કામ ચાલતું નથી. મહિનાઓની મહેનત, યોગ્ય દિશામાં મહેનત, ચોકસાઈપૂર્વકની કામગીરી, નક્કર આયોજન, મજબૂત સંગઠન જોઈએ છે. તેની સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા રાજકારણીઓ જોઈએ છે. આવા રાજકારણીઓ ઓછા છે. શંકરસિંહ અને રાહુલ ગાંધી જેવાઓનું પ્રમાણ ઝાઝું છે.


