રાજકારણ એ સર્કસ છે કે નહીં એ અલગ ચર્ચાનો વિષય છે, પણ તેમાં જોકરોની સંખ્યા ઠીકઠાક પ્રમાણમાં છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયા પછી, સાવ અપ્રાસંગિક બની ગયા પછી પણ મીડિયા-સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે તેમને આડાંઅવળાં અને ઉટપટાંગ નિવેદનોની જરૂર પડે છે. ગુજરાતમાં આવાઓની સંખ્યા કેટલીક છે તે જાણવા માટે કોઈ વિશેષ વસ્તી ગણતરી થઈ હોય તેવું ધ્યાનમાં નથી, પણ શંકરસિંહ વાઘેલા ધરાર પોતાનું નામ સામેલ કરવા માટે પ્રયત્નશીલ હોય એવું ઘણા સમયથી લાગે છે.
પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા શંકરસિંહે થોડાં વર્ષો પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો પછી મુખ્યધારાના રાજકારણમાંથી ઘણાખરા અલિપ્ત થઈ ગયા. હવે તો ચૂંટણી પણ લડતા નથી. એ વાત અલગ છે કે દર ચૂંટણી પહેલાં બાપુ એક નવી પાર્ટી લઈને આવે છે, તેમની પાર્ટી થોડોઘણો ઘોંઘાટ કરે છે અને પરિણામ પછી શાંત થઈ જાય છે.
બાપુ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતા ન હતા. હમણાં અચાનક સક્રિય થયા છે. તેઓ સક્રિય થયા તેના કરતાં વધારે સક્રિય તેમનું સોશિયલ મીડિયા થયું છે. હમણાં શંકરસિંહની ફેસબુક દીવાલ જોશો તો રોજ બે-પાંચ રીલ પોસ્ટ થયેલી જોવા મળશે. આ તાજું-તાજું જ શરૂ થયું છે. મોટાભાગની ક્લિપ તેમણે વિવિધ ચેનલોને આપેલા ઇન્ટરવ્યુમાંથી લેવામાં આવી છે.
આ ઇન્ટરવ્યુમાં શંકરસિંહ કાયમ જુદા-જુદા મુદ્દે ભાજપ, મોદી-શાહ, ગુજરાત સરકાર વગેરેને ઘેરતા રહે છે અને તેમાં કોઈ વાંધો પણ ન હોય. વિરોધ પક્ષના નેતા તરીકે એ તો તેમનું કામ કહેવાય. પણ હવે તેમણે દિશા બદલી છે અને એક ખતરનાક રસ્તો પકડ્યો છે. ભાજપ પર, મોદી ઉપર હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાવવા માટે તેઓ ગોધરા હિંદુ હત્યાકાંડને વચ્ચે લઈ આવ્યા છે.
ગોધરા હિંદુ હત્યાકાંડ પર શંકરસિંહના એક ઇન્ટરવ્યુની ક્લિપ ચાર દિવસ પહેલાં (8 જાન્યુઆરી) પોસ્ટ થઈ હતી અને એમાં અત્યંત ઘૃણાસ્પદ, અપમાનજનક અને વાહિયાત વાતો કરવામાં આવી છે.
શંકરસિંહ કહે છે કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો બહારથી નહીં પણ અંદરથી સળગાવવામાં આવ્યો હતો અને સ્થાનિક મુસ્લિમો તો જાણતા પણ ન હતા કે ટ્રેન કયા સમયે આવવાની છે અને કયા ડબ્બામાં કોણ છે!
એટલું જ નહીં, આગળ શંકરસિંહની દલીલ છે કે અંદરના જ કોઈ માણસે ડબ્બો સળગાવી દીધો હતો. આગળ કહ્યું કે આ એટલા માટે કરવામાં આવ્યું જેથી ભાજપ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય સર્જીને ચૂંટણીમાં લાભ લઈ શકે.
શંકરસિંહ શું કહે છે, સાંભળો.
“હિંદુઓને પોલરાઇઝ કરો, મુસ્લિમોને કરો, લોકોને રિલિજિયસલી ડિવાઇડ કરો. રિલિજિયસલી ડિવાઇડ કરવા હોય તો શું કરવું? એ કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું, ષડ્યંત્ર હું કહીશ, આ કોન્સ્પિરસીમાં કારસેવકોનો ડબ્બો ગોધરામાં સળગાવવામાં આવ્યો… આ કારસેવકોનો પરત આવવાનો નહીં પણ કારસેવ કરવા માટે અયોધ્યા જવાનો સમય હતો.”
આગળ કહે, “તેઓ પરત આવવાના હતા એ કોને ખબર હતી? એ તો અંદરનો માણસ જ જાણે… એ ગોધરાના મુસ્લિમો ક્યાં જાણતા હતા કે કોણ ક્યાં છે? કયા ડબ્બા પર લખ્યું હતું કે આમાં કારસેવકો છે? એ ડબ્બો ષડ્યંત્રના હિસાબે અંદરથી સળગાવવામાં આવ્યો. તમામ હિંદુઓ હતા. આટલું જ નહીં, એ ડેડબોડીને સફેદ કપડાંમાં વીંટાળીને અમદાવાદમાં શોભાયાત્રા કાઢવાનું પ્લાનિંગ. આ કેટલું રાક્ષસી દિમાગનું પ્લાનિંગ હશે. ગુજરાતમાં ભાજપ આવવાના કારણે ગોધરામાં ડબ્બો સળગાવવામાં આવ્યો. એટલું જ નહીં, રક્ષકો ભક્ષકો બન્યા.”
ગોધરામાં શું બન્યું હતું તેની સ્વતંત્ર તપાસ થઈ ગયા બાદ, દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધા બાદ, અનેક મુસ્લિમ ગુનેગારોને સજા આપી દેવામાં આવ્યા બાદ બે દાયકા પછી પણ આવી ધડમાથાં વગરની વાતો આમ તો ઘણી ચાલે છે, પણ અહીં ગંભીરતા એટલા માટે પણ વધારે છે કારણ કે કોઈ સામાન્ય માણસે નહીં પણ એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ કરી છે, જ્યાં આ ઘટના બની હતી.
શું શંકરસિંહ એટલા મૂરખ છે કે તેમને 27મી ફેબ્રુઆરીએ ખરેખર શું બન્યું હતું તેની ખબર નહીં હોય? શું તેઓ નથી જાણતા કે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આ ઘટના વિશે શું લખવામાં આવ્યું છે? શું તેમને એટલી જાણકારી નહીં હોય કે સ્થાનિક મુસ્લિમોએ આગલા દિવસે રીતસરનું પ્લાનિંગ કરીને, કાવતરું ઘડીને, પથ્થર-પેટ્રોલ એકઠાં કરીને બીજા દિવસે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ આવી ત્યારે તેના બે ડબ્બા બહારથી બંધ કરીને આગ ચાંપી દીધી હતી? જવાબ સ્વભાવિક ના જ હોય.
શું એક રાજકારણી, એક પૂર્વ મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ એ હદે ઉતરી શકે કે હત્યાકાંડમાં માર્યા ગયેલા 59 કારસેવકોનું અપમાન કરે? એમ કહેવું કે ડબ્બો અંદરથી સળગાવવામાં આવ્યો હતો, શું એ કારસેવકોનું, તેમનાં બલિદાનનું, તેમનાં સ્વજનોનું, પરિજનોનું અપમાન નથી?
ટ્રેન આટલા વાગ્યે આવશે એમ કોને ખબર હતી?– આવી બાલિશ દલીલો શંકરસિંહે કરી છે. પણ શું તેઓ નથી જાણતા કે કાવતરું પહેલેથી ઘડી રાખવામાં આવ્યું હતું અને આગલા દિવસે એક ગેસ્ટ હાઉસમાં મીટિંગ પણ થઈ હતી? ‘મુસ્લિમો ક્યાં જાણતા હતા કે ટ્રેન ક્યારે આવશે અને કયા ડબ્બામાં કોણ બેઠું છે?’ એવો પ્રશ્ન કરનાર શંકરસિંહને ખબર નથી કે આ જ મુસ્લિમ ગુનેગારોએ પેટ્રોલ પહેલેથી એકઠું કરી રાખ્યું હતું અને આ બધું કોર્ટમાં સાબિત થઈ ચૂક્યું છે. કોર્ટ ગુનેગારોને સજા સંભળાવી ચૂકી છે, જામીન ફગાવી ચૂકી છે.
27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાના કારણે માર્યા ગયેલા 59 હિંદુઓ કારસેવકો હતા. તેમાં 27 મહિલાઓ અને 10 બાળકો હતાં. તેમનો ‘ગુનો’ એટલો હતો કે તેઓ તેમના આરાધ્યના જન્મસ્થળેથી કારસેવા કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે આસ્થાનું પ્રદર્શન કરવા બદલ જીવની કિંમત ચૂકવવી પડી. એટલા માટે જેથી ત્યારપછી પણ વર્ષો સુધી તેમની ઉપર અંદરથી ડબ્બો સળગાવવાના આરોપ લાગતા રહે કે કોઈ રાજકારણી માત્ર પોતાનું રાજકારણ ચમકાવવા માટે, સમુદાય વિશેષને વહાલા થવા માટે આરોપો આ જ કારસેવકો પર નાખી દે.
શંકરસિંહની આ રીલ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 1 મિલિયન પાર કરી ગઈ છે. કૉમેન્ટ બોક્સમાં લોકો શંકરસિંહની વાતો સાચી માનીને એને આગળ વધારી રહ્યા છે એ આપણું સામૂહિક દુર્ભાગ્ય છે. તેમને, શંકરસિંહને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરીએ. બીજી એક પ્રાર્થના કરીએ. ક્યારેય જીવનમાં શંકરસિંહની મુલાકાત એ 59 કારસેવકોના પરિજનો સાથે ન થાય! કારણ કે ત્યારે તેમને આ પરિવારોનો સામનો કરવામાં જે મુશ્કેલી પડશે, એવી મુશ્કેલી એક એંશી પાર કરી ગયેલા વરિષ્ઠ રાજકારણીને પડે એવું આપણે ઇચ્છતા નથી!


