UAEના નામે પાકિસ્તાની ખારેક ભારતમાં ઘૂસાડાઈ, DRIએ કંડલા બંદરેથી 364 ટન જપ્ત કરી

ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સે પાકિસ્તાની સામાન ભારતમાં ઘૂસાડવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, કંડલા પોર્ટ પરથી 13 કન્ટેનરમાં લાવવામાં આવેલી 364 ટન સૂકી ખજૂર એટલે કે ખારેક જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે ₹3 કરોડ છે.

આ ખારેક યુનાઇટેડ આરબ અમીરાતથી (UAE) આવી હોવાનું કાગળો પર દર્શાવાયું હતું. પરંતુ DRIની તપાસમાં સામે આવ્યું કે આ સામાન વાસ્તવમાં પાકિસ્તાનનો જ હતો. આયાતકારોએ સરકારી પ્રતિબંધથી બચવા માટે UAEનું નામ દર્શાવ્યું હતું.

વેપારીઓએ આ સામાનને પહેલા પાકિસ્તાનથી દુબઈ મોકલ્યો હતો. દુબઈ પહોંચાડ્યા પછી તેને બીજા કન્ટેનરોમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને ખોટા દસ્તાવેજો બનાવીને ભારત તરફ રવાના કરાયો હતો, જેથી કોઈને શંકા ન જાય.

આ પહેલાં ઝડપાઈ હતી સુરક્ષિત વનસ્પતિ ગુગળ

આ પહેલા તુતીકોરીન પોર્ટ પરથી પણ 14 ટન પાકિસ્તાની ગુગળ રેઝિન જપ્ત કરાયું હતું, જેની કિંમત ₹1.4 કરોડ હતી. તેને સોમાલિયાનો સામાન બતાવીને દુબઈ થઈને ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરાયો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુગળ એ એક દુર્લભ વનસ્પતિ છે જે ભારતના અને પાકિસ્તાનના શુષ્ક વિસ્તારોમાં થાય છે. ગુગળની સંખ્યા ખૂબ ઘટી ગઈ હોવાથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ખાસ સુરક્ષિત વનસ્પતિ’નો દરજ્જો મળ્યો છે. તેથી ખાસ સરકારી પરવાનગી કે કાયદાકીય કાગળો વગર તેને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવો કે વેચવો એ ગંભીર ગુનો (તસ્કરી) ગણાય છે.

નોંધનીય છે કે એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેનો સીધો વેપાર બંધ કર્યો હતો. પરંતુ ત્રીજા દેશો મારફતે આવતો માલ રોકવા માટે મે 2025થી પાકિસ્તાનથી સીધી કે આડકતરી રીતે થતી તમામ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

સામાન્ય રીતે ભારતમાંથી પાકિસ્તાનમાં સોયાબીન, શાકભાજી અને મરચાં જતાં હતાં, જ્યારે ત્યાંથી સૂકો મેવો, ખજૂર અને સિમેન્ટ આવતાં હતાં. પરંતુ 2019ના પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચેનો વેપાર સતત ઘટી રહ્યો છે અને હવે નિયમો ખૂબ કડક કરી દેવાયા છે. DRIએ ભારતની મુખ્ય એન્ટી-સ્મગલિંગ અને તપાસ એજન્સી છે. તે વિદેશી વેપારમાં થતી આવી ગેરરીતિઓ, ટેક્સ ચોરી અને તસ્કરી સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે.