પંજાબ પોલીસે પકડ્યાં ISI મોડ્યુલ, સગીરો પાસે કરાવાતી જાસૂસી: જંતર-મંતર પર પેટ્રોલ બૉમ્બ વડે હુમલાનું ષડ્યંત્ર હોવાનો પણ ઘટસ્ફોટ

પંજાબ પોલીસે સરહદ પારથી ચાલતા એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને ISI સમર્થિત બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે કાર્યરત આ મોડ્યુલે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પેટ્રોલ બૉમ્બથી મોટો હુમલો કરવાનું અને અરાજકતા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું.

આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે કુલ 9 લોકોની અટકાયત અથવા ધરપકડ કરી છે, જેમાં 4 સગીરોનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 3 ગેરકાયદેસર પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને 4 પેટ્રોલ બૉમ્બ મળી આવ્યા છે.

તપાસ દરમિયાન થયેલા ખુલાસા

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા ISI અને આતંકી સંગઠનોના હેન્ડલર્સ સ્થાનિક ભારતીય યુવાનોને લાલચ આપીને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભરતી કરી રહ્યા હતા. પહેલું મોડ્યુલ અમૃતસરના રાજાસાંસી વિસ્તારમાંથી ઝડપાયું હતું, જેનો મુખ્ય આરોપી 19 વર્ષનો સુખમન સિંઘ છે. તે પાકિસ્તાન સ્થિત આતંકી શેહઝાદ ભટ્ટી સાથે વોટ્સએપથી સતત સંપર્કમાં હતો.

પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરે જણાવ્યા મુજબ આ મોડ્યુલના આતંકીઓ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન હુમલો કરવાનું કામ સોંપાયું હતું. સુખમન અને તેના સાથીઓ પેટ્રોલ બૉમ્બ બનાવવાની સામગ્રી અને સ્થાનિક મદદ સાથે દિલ્હી પહોંચી પણ ગયા હતા પરંતુ દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના કડક સુરક્ષા બંદોબસ્તને કારણે તેઓ હુમલો કરવામાં નિષ્ફળ રહ્યા અને પરત પંજાબ આવી ગયા હતા.

બીજું મોડ્યુલ કરી રહ્યું હતું રેકી

બીજું મોડ્યુલ રેલવે ટ્રેક અને સુરક્ષા દળોની ઈમારતોની રેકી કરી રહ્યું હતું. આ જૂથે અમૃતસર પાસે રેલવે ટ્રેક નજીક ગુપ્ત CCTV કેમેરા લગાવ્યા હતા, જેના દ્વારા લાઈવ ફૂટેજ સરહદ પાર બેઠેલા પાકિસ્તાની હેન્ડલર્સને મોકલવામાં આવતા હતા. પોલીસ આ કેમેરાની મદદથી આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

જેલમાં બંધ ગુનેગારો પણ આ કાવતરામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ હરમાન સિંઘ અને સુખદેવ સિંઘે જેલમાંથી જ આ CCTV કેમેરા લગાવવા માટે પેટીએમ દ્વારા નાણાકીય લેવડદેવડ કરી હતી. પોલીસે તેને પ્રોડક્શન વોરંટ આધારે જેલમાંથી કસ્ટડીમાં લઈને ઔપચારિક ધરપકડ કરી છે અને હવાલા એન્ગલની પણ તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત અટકાયત કરવામાં આવી હોય તેવા અન્ય લોકોમાં વંશ કુમાર (19), અનમોલ સિંઘ (20), હરમાન સિંઘ (24), સુખદેવ સિંઘ (30) અને સુખમન સિંઘનો (19)સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આતંકવાદી આકાઓ હવે ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા સગીરો અને યુવાનોને પૈસાની લાલચ આપીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલી રહ્યા છે.

હાલમાં અમૃતસરના મોહકમોપુરા, એરપોર્ટ અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અને ફન્ડિંગના સ્ત્રોત સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.