‘ધર્મ પ્રચાર અધિકાર, પરંતુ બળજબરી કે લાલચથી ધર્માંતરણ નહીં’: ગુજરાત હાઇકોર્ટે ધર્માંતરણનો કેસ રદ કરવાની અરજી ફગાવી

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ નોંધાયેલા એક ગંભીર કેસમાં સ્પષ્ટ કર્યું છે કે સંપ્રદાયનો પ્રચાર કરવો એ અધિકાર હોય શકે, પરંતુ બળજબરી, લાલચ, છેતરપિંડી કે દબાણ દ્વારા કરાતી પ્રવૃત્તિઓ કાયદાની નજરમાં ગંભીર અપરાધ છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદ આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે. અહીં હેલ્થ વિભાગના આંતરિક માળખામાં જ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાની ઘટના સામે આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા સામે તેની જ નીચે કામ કરતી એક ASHA ફેસિલિટેટર અને અન્ય ચાર ASHA વર્કરોએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી સરકારી કામકાજ કે આરોગ્ય વિષયક સત્તાવાર બેઠકો પૂર્ણ થયા બાદ ASHA વર્કરોને અલગથી રોકાઈ જવાનો આદેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ તેમને ઈસાઈ પંથ અંગે વાતો સમજાવવામાં આવતી, બાઈબલનું વાંચન કરવા પ્રેરિત કરવામાં આવતી અને હિંદુ ધર્મમાં પ્રચલિત મૂર્તિપૂજાની ખુલ્લેઆમ ટીકાઓ કરવામાં આવતી હતી.

વાત માત્ર મૌખિક વાતો સુધી સીમિત ન રહેતા આરોપી મહિલા કર્મચારી દ્વારા ASHA વર્કરોને પોતાના મોબાઈલમાં યુટ્યુબ પર ઈસાઈ પંથ સંબંધિત વિડીયો જોવા માટે પણ મજબૂર કરવામાં આવતી હતી. આ વિડીયોમાં ઈસુ ખ્રિસ્તના પુનરાગમન, સંસારના અંત પછી નવા વિશ્વની સ્થાપના અને ઈસાઈ સમુદાયના વિવિધ પ્રચારો દર્શાવવામાં આવતા હતા.

જ્યારે હિંદુ મહિલા કર્મચારીઓ આવા વિડીયો જોવાનો કે આવી ચર્ચાઓ સાંભળવાનો વિરોધ કરતી ત્યારે તેમને નોકરીમાં ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી અપાતી હતી. મહિલા કર્મચારીઓને તેમનું માસિક ભથ્થું કે પગાર કાપી નાખવાની અને નોકરીમાંથી દૂર કરાવી દેવાની ધમકીઓ આપીને સતત માનસિક દબાણમાં રાખવામાં આવતી હતી.

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો વડોદરાના એક કાર્યક્રમ અંગે થયો હતો. મહિલા કર્મચારીઓને વડોદરા ખાતે આરોગ્ય વિભાગની સરકારી બેઠક હોવાનું કહીને બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે તે ઈસાઈ સંપ્રદાયનો એક મોટો કાર્યક્રમ હતો. સરકારી બેઠકના બહાને મહિલાઓને ત્યાં લઈ જઈ નાટકો અને પ્રવચનો દ્વારા ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આરોપી મહિલાની રિટ પિટિશન અને દલીલો

બીજી તરફ, આરોપી મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરીને FIR અને ચાર્જશીટ રદ કરવાની માંગ કરી હતી. તેના વકીલે દલીલ કરી હતી કે મહિલા ‘જેહોવાહ વિટનેસીસ’ (Jehovah’s Witnesses) સંપ્રદાયના અનુયાયી છે અને બાઈબલના ઉપદેશો ફેલાવવા એ તેમની સાંપ્રદાયિક માન્યતાનો મૂળભૂત ભાગ છે. બંધારણની કલમ 25 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનો પ્રચાર કરવાનો મૌલિક અધિકાર મળેલો છે.

બચાવ પક્ષે દાવો કર્યો હતો કે કોઈને બળજબરી કે લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવ્યું નથી, માત્ર સાંપ્રદાયિક સાહિત્ય આપવા અને જાહેર સામગ્રી બતાવવામાં આવતી હતી તેમજ વડોદરાનો કાર્યક્રમ પણ સ્વૈચ્છિક હતો. આ ઉપરાંત આ ફરિયાદ અંગત રંજિશથી થઈ હોવાનો અને ફરિયાદી અન્ય કર્મચારીઓ વતી ફરિયાદ ન કરી શકે તેવો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વધુમાં દલીલ કરવામાં આવી હતી ચાર્જશીટ પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી ન લેવાઈ હોવાથી આખી કાયદાકીય પ્રક્રિયા રદબાતલ ઠરે છે.

પોલીસ તપાસમાં થયેલ ઘસ્ફોટ

સરકારી વકીલે હાઇકોર્ટમાં આ દલીલોનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પોલીસ તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ફરિયાદી અને અન્ય ભોગ બનનારને ‘પવિત્ર બાઇબલ શું શીખવે છે’ નામના શિર્ષક ધરાવતી બાઇબલની નકલો આપવામાં આવી હતી. પોલીસ આરોપીના મોબાઈલ ફોન અને લેપટોપને FSL તપાસ માટે મોકલી આપ્યા છે.

સરકારી પક્ષના જણાવ્યા અનુસાર આરોપી મહિલા ‘જેહોવાઝ વિટનેસીસ ઑફ ઇન્ડિયા’ (JWI) નામના સંગઠન સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ સંગઠન સાથેના સંબંધો અને નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન કરોડો રૂપિયાની ભારે લેવડદેવડના ગંભીર પુરાવા હાથ લાગ્યા છે.

આરોપી મહિલા, તેના પિતા અને તેના ભાઈનાં બેન્ક ખાતાની તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીના ICICI બેન્ક ખાતામાં JWIના ખાતામાંથી 10 કરોડથી વધુ જમા થયા હતા, જેમાંથી 7 કરોડથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ ઉપરાંત, તેના HDFC બેન્ક ખાતામાં પણ JWI તરફથી જ 20 કરોડથી વધુ જમા કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 કરોડથી વધુ ઉપાડી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ આરોપી મહિલાના નિવાસસ્થાને પાડવામાં આવેલા દરોડા દરમિયાન ખ્રિસ્તી પંથ અને બાઇબલ સંબંધિત મોટા પ્રમાણમાં સાહિત્ય જપ્ત કરાયું હતું. જેમાં ગુજરાતી ભાષાનું ‘પવિત્ર શાસ્ત્ર’, ‘પવિત્ર શાસ્ત્ર કા નયી દુનિયા’, નાનાં પુસ્તકો, ‘બાઇબલ અભ્યાસ કરવા મદદ’, ‘પરમેશ્વર કે પ્યાર કે લાયક બને રહે’ અને ‘જેહોવા કી ઇચ્છા પૂરી કરને કે લિયે સંગઠિત’ જેવાં પુસ્તકો મળ્યાં હતાં. આ સિવાય, વર્ષ 2025ના ‘મહા સંમેલન – જેહોવાની ભક્તિ’નાં 8 પાનાંના પેમ્ફલેટ્સ તેમજ ‘સાગ જાગ બનો’, ‘સચ્ચા ઈશ્વર કો જાનો’, ‘ચોકી બુરજ’ જેવાં વિવિધ પુસ્તકો, ડાયરીઓ અને નોટબુક્સ પણ રિકવર કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે અત્યંત સ્પષ્ટ અને મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ આ અધિકાર અમર્યાદિત નથી, તે જાહેર વ્યવસ્થા (Public Order), નૈતિકતા અને આરોગ્યને આધીન છે.

અદાલતે અવલોકન કર્યું કે કાયદો સ્વૈચ્છિક ધાર્મિક પ્રચાર સામે નથી, પરંતુ જ્યાં ધર્મ પ્રચારની સાથે બળજબરી, છેતરપિંડી, લાલચ, ધમકી કે સત્તાનો દુરુપયોગ જોડાય છે ત્યાં તે બંધારણીય રક્ષણ ગુમાવી દે છે અને કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કોર્ટે નોંધ્યું કે પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવીને અન્ય ધર્મ કે મૂર્તિપૂજાની ટીકા કરવી એ ભારતીય બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

ફરિયાદીની સત્તા અંગેની દલીલ ફગાવતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે ગેરકાયદે ધર્માંતરણ જેવા ગંભીર મામલાઓમાં ‘પીડિત વ્યક્તિ’નો વ્યાપક અર્થ કરવો જરૂરી છે. સમાજની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પીડિત વ્યક્તિ કે સંસ્થા પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે. અરજદારની એવી દલીલ કે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના ચાર્જશીટ થઈ છે, તે કોર્ટે નકારી કાઢી હતી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા કે આણંદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે 6 માર્ચ, 2026ના રોજ જરૂરી કાનૂની મંજૂરી આપી દીધી હતી.

ઉપરાંત, કોર્ટે નોંધ્યું કે આરોપી ભલે સીધી રીતે પગાર ચૂકવવાની સત્તા ધરાવતી ન હોય, પરંતુ તે ASHA વર્કરોની સુપરવાઇઝર હતી. સુપરવાઇઝર તરીકે તે નીચલા કર્મચારીઓ પર પોતાનો પ્રભાવ કે દબાણ બનાવી શકવાની સ્થિતિમાં હતી કે નહીં, તેની ઊંડાણપૂર્વક તપાસ ટ્રાયલ કોર્ટમાં હાથ ધરાશે.

અદાલતે સ્પષ્ટ કર્યું કે તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ પરથી પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો જણાય છે. આથી, ‘ભજન લાલ’ કેસના સિદ્ધાંતો મુજબ FIR કે ચાર્જશીટ રદ કરી શકાય નહીં. હાઇકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી અને નીચલી ટ્રાયલ કોર્ટને કાયદા મુજબ સ્વતંત્ર રીતે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.