
ગેંગસ્ટર-માફિયા અતીક અહમદના નાના પુત્ર અબાન અહમદનું રોડ અકસ્માતમાં મોત થયું છે.
ઘટના ઝાંસીમાં બની હતી. અબાન પ્રયાગરાજની જેલમાં બંધ તેના ભાઈ અલી અહમદને મળવા જઈ રહ્યો હતો ત્યારે માર્ગ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. ઘટનામાં અન્ય એક શખસનું પણ મોત થયું છે.
તમામ હ્યુન્ડાઈ ક્રેટા કારમાં જઈ રહ્યા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર તેજ ગતિએ જઈ રહેલી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગાડીની ઝડપ વધુ હોવાના કારણે વધુ નુકસાન થયું. ઘટનામાં મોહમ્મદ જીદ, ઉમર સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે.
Uttar Pradesh | "Deceased mafia Atiq Ahmed's son Aaban, died after his speeding car collided with a divider. His friend Sonu also lost his life in the accident, says SSP Jhansi.
— ANI (@ANI) August 6, 2026
ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મૃતકોમાં અબાન અહમદની ઓળખ કરી દેવામાં આવી છે. બંને મૃતકોના મૃતદેહોને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા થશે.
અબાન અહમદ અતીક અહમદનો સૌથી નાનો પુત્ર હતો. ઉમેશ પાલ હત્યાકાંડમાં પણ તેનું નામ આવ્યું હતું પણ સગીર હોવાના કારણે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. ઑક્ટોબર 2023માં તેને મુક્ત કરાયો હતો.
અનેક ગુનાઓમાં સપડાયેલો અતીક અહમદનો મોટો પુત્ર અને અબાનનો મોટો ભાઈ અલી અહમદ હાલ પ્રયાગરાજની જેલમાં બંધ છે. કહેવાય છે કે અબાન તેના મિત્રો અને પરિજનો સાથે તેના ભાઈને જેલમાં મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ એક્સિડન્ટ થયો.
અલી અહમદ જુલાઈ 2022થી જેલમાં બંધ છે. તેનું નામ એક ખંડણીના કેસમાં સામે આવ્યા બાદ તેને જેલભેગો કરવામાં આવ્યો હતો. 2023ના ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પણ અલીનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં પણ તે આરોપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં નામ સામે આવ્યા બાદ સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા. અહીં તેમના મેડિકલ પરીક્ષણ દરમ્યાન ત્રણ યુવાનોએ આવીને અતીક અને અશરફને જાહેરમાં ગોળી મારી દીધી હતી. બંને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘટના મીડિયાના કેમેરાની સામે બની હતી.
આ ઘટનાના થોડા જ દિવસ પહેલાં ઉમેશપાલ હત્યાકાંડમાં સંડોવાયેલા અતીક અહમદના અન્ય એક પુત્ર અસદ અહમદનું પોલીસે એનકાઉન્ટર કરી નાખ્યું હતું. અસદ ઉમેશપાલ હત્યાકાંડ બાદ સતત ફરાર હતો. ઝાંસી નજીક તે પોલીસને મળી ગયો હતો. ક્રોસ ફાયરિંગમાં માર્યો ગયો હતો. હવે અતીકનો અન્ય એક પુત્ર માર્ગ અકસ્માતમાં માર્યો ગયો છે.

