પીએમ મોદીનો વિડીયો હટાવવા મામલે મેટા CEO માર્ક ઝકરબર્ગે સરકારની માફી માગી, કંપનીએ સ્વીકાર્યું– અમુક પ્રકારનું કન્ટેન્ટ આગળ વધારવા મોટી રકમ ખર્ચાતી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) વિડીયો હટાવવા મામલે મેટાના CEO માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) ભારત સરકારની માફી માગી છે. સાથે પ્લેટફોર્મ ડીપફેક અને CSAM (ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ) કન્ટેન્ટ દૂર ન કરી શક્યું હોવાનું પણ સ્વીકાર્યું છે.

બીજી તરફ સરકારે મેટાને જણાવ્યું છે કે તેઓ ઇન્ટરમીડિયેટરીની વ્યાખ્યામાં આવતા નથી કારણ કે કન્ટેન્ટ કોણ જુએ છે અને કોણ નહીં એ કંપની પોતે પસંદ કરે છે. જેથી આઈટી એક્ટ હેઠળ ‘સેફ હાર્બર’ રક્ષણ મેટાને લાગુ પડતું નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ઇન્ટરમીડિયેટરીનો અર્થ થાય કે સોશિયલ મીડિયા કંપની માત્ર એક માધ્યમ છે, મધ્યસ્થી છે, જે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આઈટી એક્ટના ‘સેફ હાર્બર’ના નિયમો મુજબ તેની ઉપર અપલોડ થતી સામગ્રી માટે કંપની જવાબદાર રહેતી નથી. પરંતુ તેની કેટલીક શરતો છે.

શરતો મુજબ કંપની કોઈ કન્ટેન્ટ પોતે ન બનાવી શકે કે તેને પોતાની રીતે આગળ ન વધારી શકે. અહીં મેટાએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સરકારે જણાવ્યું છે.

સાથે મેટાએ એ પણ સ્વીકાર્યું છે કે અમુક ચોક્કસ પ્રકારનું કન્ટેન્ટ આગળ વધારવા માટે મોટી માત્રામાં રકમ ખર્ચવામાં આવતી હતી.

મેટાના અધિકારીઓ બુધવારે (5 ઑગસ્ટ) કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા અને ઝકરબર્ગની માફી વિશે જણાવ્યું હતું.

સંસદની પેનલે આપી હતી ચેતવણી

આ પહેલાં સંસદની કોમ્યુનિકેશન અને આઈટી સમિતિએ મેટાને ચેતવણી આપી હતી કે ક્યાં તેઓ ત્રણ દિવસમાં સરકારની માફી માગે અથવા કાર્યવાહી માટે તૈયાર રહે, જેમાં ‘સેફ હાર્બર’ પરત લઈ લેવામાં આવશે. આખરે મેટાએ માફી માગી લીધી છે.

આ સમગ્ર મામલો મેટાએ પીએમ મોદીનો એક વિડીયો હટાવ્યા બાદ શરૂ થયો હતો. જંતર-મંતર પર કોકરોચોના પ્રદર્શન બાદ વડા પ્રધાને સોશિયલ મીડિયા પર અમુક વિડીયો બનાવીને મૂક્યા હતા જે બહુ વાયરલ થયા હતા. આમાંનો એક વિડીયો ફેસબુકે હટાવી દીધો હતો. જોકે પછીથી રિસ્ટોર કરી દેવાયો હતો અને હટાવવા પાછળ ‘ટેકનિકલ ખામી’નું કારણ આપ્યું હતું. પરંતુ સરકારે નમતું મૂક્યું નહીં અને વિગતવાર ખુલાસો માગવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસદની પેનલે પણ ચેતવણી આપી હતી. આખરે મેટાએ ફરી એક વખત માફી માગી લીધી છે. જોકે સરકારે હજુ સેફ હાર્બર પુનઃસ્થાપિત કરવા અંગે જણાવ્યું નથી.

સેફ હાર્બર વિશે અહીંથી વિગતવાર જાણી શકાશે.