
ભારતે નાસતા ફરતા વિદેશી ભાગેડુઓ અને ગંભીર ગુનાના આરોપીઓને દેશમાં પરત લાવવા માટે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ વર્ષ 2019થી 2026 દરમિયાન 36થી વધુ દેશોમાંથી 274 ભાગેડુ વિદેશી ગુનેગારોનું પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) કરીને ભારત પરત લાવવામાં આવ્યા છે. અગાઉના દાયકાઓમાં નબળા કાયદા અને ઈચ્છાશક્તિના અભાવે આ પ્રક્રિયા ધીમી હતી, પરંતુ વર્તમાન સરકારે ભાગેડુઓને પકડવાને ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા’ બનાવી છે.
સરકારી પ્રેસ વિજ્ઞપ્તિના આંકડાઓ અનુસાર વર્ષ 2019માં 9, 2020માં 07, 2021માં 23, 2022માં 40, 2023માં 37, 2024માં 43 ગુનેગારોને ભારત લાવવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર વર્ષ 2025માં સૌથી વડુ 70 ગુનેગારોને દેશમાં લાવવામાં આવ્યા છે. આ સિવાય વર્ષ 2026માં જુલાઈ મહિના સુધીમાં જ 45 ગુનેગારોનું પ્રત્યાર્પણ કરાવવામાં સફળતા મળી છે.
ભાગેડુઓને પકડવા કરાયેલ ટેકનોલોજી-સંચાલિત મોડેલ અને કાયદાકીય સુધારાઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારતે એક સંકલિત, ઇન્ટેલિજન્સ આધારિત અને ટેકનોલોજી-સંચાલિત મોડેલ તૈયાર કર્યું છે. આ વ્યૂહરચના મુખ્યત્વે ત્રણ સ્તંભો પર આધારિત છે- ગ્લોબલ ઑપરેશન્સ, મજબૂત આંતરિક સંકલન અને સ્માર્ટ કૂટનીતિ. સરકારનું માનવું છે કે દેશમાંથી ભાગી ગયેલા ગંભીર અપરાધીઓનો મુદ્દો સીધો ભારતની સાર્વભૌમત્વ, આર્થિક સ્થિરતા, કાયદો અને વ્યવસ્થા તથા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે.
ભાગેડુઓ સામે કાયદાકીય શિકંજો કસવા માટે સરકારે મહત્વપૂર્ણ કાયદાકીય સુધારા કર્યા છે. વર્ષ 2018માં ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ’ અને 2019માં ‘NIA સુધારા બિલ’ તથા ‘UAPA સુધારા બિલ’ લાગુ કરાયા. એટલું જ નહીં, 2024માં અમલમાં આવેલા નવા ક્રીમિનલ કાયદાની (BNSS) કલમ 355 અને 356 હેઠળ દેશમાં પ્રથમ વખત ભાગેડુ આરોપીઓની ગેરહાજરીમાં પણ કેસ ચલાવવાની (‘ટ્રાયલ ઇન એબસન્શિયા’) જોગવાઈ કરવામાં આવી છે, જેથી ન્યાયિક પ્રક્રિયા અટકે નહીં.
‘ઑપરેશન ત્રિશૂળ’ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ
વિદેશમાં છુપાયેલા ગુનેગારોને શોધવા માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ઑપરેશન ત્રિશૂળ’ હેઠળ સેટેલાઇટ ઇનપુટ્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને સર્વેલન્સની મદદથી નામ કે ઓળખ બદલીને વિદેશમાં રહેતા ગુનેગારોને જીઓ-લોકેટ કરવામાં આવ્યા. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં ‘ભારતપોલ’ (BHARATPOL) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, જેણે સીબીઆઈ, રાજ્ય પોલીસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વચ્ચે માહિતી આપવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. આનાથી માહિતી શેર કરવાનો સમય ઘટીને માત્ર 3થી 10 દિવસનો થઈ ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારોને ઘેરવા માટે ઇન્ટરપોલની મદદથી ‘રેડ કોર્નર નોટિસ’ (RCN) જારી કરવાની ઝડપમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સરકારે આપેલ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આંકડાઓ અનુસાર વર્ષ 2022માં જ્યાં માત્ર 40 નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યાં આ સંખ્યા વધીને 2023માં 100, 2024માં 107, 2025માં 112 અને વર્ષ 2026માં અત્યાર સુધીમાં જ 182 નોટિસ જારી કરી દેવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં જ 401થી વધુ ભાગેડુ અપરાધીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. આ ઝડપી માહિતી આદાન-પ્રદાન માટે સીબીઆઈએ એક ‘સ્પેશિયલ ગ્લોબલ ઑપરેશન્સ સેન્ટર’ શરૂ કર્યું છે અને દરેક રાજ્યમાં ઇન્ટરપોલ કોન્ટેક્ટ ઑફિસર્સ નિયુક્ત કર્યા છે.
₹17,874 કરોડની મિલકતો જપ્ત
આર્થિક ગુનાઓ આચરનારા ભાગેડુઓ સામે ED અને અન્ય એજન્સીઓએ ‘પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળ કડક કાર્યવાહી કરી છે. વર્ષ 2019થી 2026 વચ્ચે ભાગેડુ ગુનેગારોની ₹17,874 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વધુમાં, દેશમાંથી નાણાં લઈને ભાગી ગયેલા આર્થિક અપરાધીઓ પાસેથી ₹18,762 કરોડથી વધુની રકમની સફળતાપૂર્વક વસૂલાત (રિસ્ટીટ્યુશન) પણ કરવામાં આવી છે.
વર્ષ 2019થી 2026 સુધીમાં લાવવામાં આવેલા 274 ભાગેડુઓમાં વિવિધ ગંભીર ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 62 હત્યા-લૂંટના, 53 જાતીય ગુનાઓ અને POCSOના, 42 ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને ગેંગસ્ટરોના, 18 માનવ તસ્કરીના, 17 આતંકવાદી પ્રવૃત્તિઓના, 16 ડ્રગ્સ તસ્કરીના અને 9 આર્થિક ફ્રોડના આરોપીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં ટેરર કેસમાં તહવ્વુર હુસૈન રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ આ કૂટનીતિક સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વિવિધ એજન્સીઓની સફળતા
નોંધનીય છે કે આ અભિયાન માત્ર એક એજન્સી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં IB, CBI, R&AW, NIA, ED, નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB), વિદેશ મંત્રાલય અને રાજ્ય પોલીસ દળોનું એકીકૃત ‘હોલ-ઑફ -ગવર્નમેન્ટ’ મોડેલ કામ કરી રહ્યું છે. આ સિવાય જાન્યુઆરી 2026માં IBના મલ્ટી એજન્સી સેન્ટર હેઠળ ‘સ્ટેન્ડિંગ ફોકસ ગ્રુપ’ની સ્થાપના કરવામાં આવી છે, જે વિદેશમાં સક્રિય ભાગેડુઓ સામે સતત ફોલોઅપ રાખીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.

