DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને ઘરેથી ઉઠાવી લઈ ગઈ પોલીસ, અભિનેત્રી ત્રિષા અંગે અભદ્ર ટિપ્પણી મામલે ધરપકડ

DMK નેતા અને તમિલનાડુના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનની મંગળવારે (4 ઑગસ્ટ) તેના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રી ત્રિષા કૃષ્ણનને નિશાન બનાવી દ્વિઅર્થી અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

3 ઑગસ્ટે તંજાવુરમાં કાવેરી જળ વિવાદને લઈને આયોજિત વિરોધ રેલી દરમિયાન ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની ટીકા કરી રહ્યો હતો. તે દરમિયાન ભીડમાંથી ‘ત્રિષા, ત્રિષા’ના નારા લાગ્યા હતા. ત્યારબાદ ઉદયનિધિએ એક એવી ટિપ્પણી કરી હતી, જેને અભિનેત્રી ત્રિષા કૃષ્ણનને લઈને કરવામાં આવેલી દ્વિઅર્થી અને અશ્લીલ ટિપ્પણી તરીકે વ્યાપક રીતે જોવામાં આવી રહી છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉદયનિધિ સ્ટાલિનની ભારે ટીકા થઈ હતી. સત્તાધારી TVK સહિત ભાજપે પણ તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ પોલીસે તેની સામે નોંધાયેલા કેસમાં કાર્યવાહી કરતા મંગળવારે (4 ઑગસ્ટ)  તેના નિવાસસ્થાનેથી તેને પકડી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉદયનિધિ સ્ટાલિન અગાઉ પણ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરીને તેને નાબૂદ કરવાની વાતને લઈને દેશવ્યાપી વિવાદમાં આવ્યો હતો. વારંવાર તેણે આ નિવેદનનો બચાવ પણ કર્યો હતો અને તેને યોગ્ય પણ ગણાવ્યું હતું.