હોમપેજદેશસોશિયલ મીડિયા કંપનીઓને મળતું 'સેફ હાર્બર' પ્રોટેક્શન શું છે?

સોશિયલ મીડિયા કંપનીઓને મળતું ‘સેફ હાર્બર’ પ્રોટેક્શન શું છે?

ભારતીય અદાલતોએ પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે કલમ 79 હેઠળ મળતું સેફ હાર્બર એ કોઈ સંપૂર્ણ કે કાયમી છૂટછાટ નથી, પરંતુ તે એક શરતી કાયદાકીય રક્ષણ છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો ફેસબુક પરથી હટાવવાની અવળચંડાઈ કરી ચૂકેલા ‘મેટા’ અને તેના સીઈઓ માર્ક ઝકરબર્ગને સંસદની ‘કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ કમિટીએ જણાવ્યું છે કે ક્યાં તેઓ પીએમ મોદીનો વિડીયો હટાવવા બદલ માફી માગે અન્યથા કાર્યવાહીનો સામનો કરે. આ કાર્યવાહીમાં ‘સેફ હાર્બર’ સુરક્ષા પરત ખેંચી લેવાની ચેતવણી આપવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અમુક વિડીયો બનાવ્યા હતા, જેમાંનો એક વિડીયો ફેસબુકે હટાવી દીધો હતો. જોકે પછીથી આ વિડીયો રિસ્ટોર કરી દેવાયો હતો અને કારણ ‘ટેકનિકલ ગ્લિચ’નું આપવામાં આવ્યું હતું. જેને લઈને સરકારે ‘મેટા’ના અધિકારીઓને નોટિસ પણ પાઠવી હતી. સરકાર આને મામૂલી ટેકનિકલ ખામી તરીકે જોઈ રહી નથી અને કંપની પાસેથી સ્પષ્ટ જવાબ માગ્યા છે.

બીજી તરફ, સંસદનું સત્ર પણ હમણાં ચાલી રહ્યું છે. સંસદની ‘કમિટી ઓન કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ દ્વારા મેટાને ચેતવણી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો મેટા ભારતની માફી નહીં માગે અને વિડીયો હટાવવા માટે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો કંપની ‘સેફ હાર્બર’ પ્રોટેક્શન ગુમાવી દેશે. સમિતિના અધ્યક્ષ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે પીએમ મોદી આખા દેશનું, 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બાબતને હળવાશથી લઈ શકાય નહીં. સમિતિએ મેટાને ત્રણ દિવસમાં ઘટના પાછળ જવાબદાર વ્યક્તિઓ અને ટેકનિકલ કારણો અંગે લેખિત સ્પષ્ટતા રજૂ કરવા અને ભારતની માફી માગવા માટે કહ્યું છે.

- Advertisement -

મેટાનું કહેવું છે કે આ AI-આધારિત ઓટોમેટેડ કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમની એક ‘ટેક્નિકલ ભૂલ’ હતી અને તરત સુધારી લેવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, મૂળ વિડીયોના આધારે બનેલાં મીમ્સ, રીપોસ્ટ અને અન્ય યુઝર્સના વિડીયોની તપાસ કરતી વખતે તેમની ઓટોમેટેડ સિસ્ટમે ભૂલથી વડા પ્રધાનના મૂળ અધિકૃત વિડીયોને પણ ફ્લેગ કરીને હટાવી દીધો હતો. પરંતુ પછીથી રિસ્ટોર કરી દેવાયો હતો. જોકે સંસદે આટલા ખુલાસા પર અસંતોષ વ્યક્ત કરીને વિગતવાર જવાબ માગ્યો છે અને કંપનીને જણાવ્યું છે કે જો તેમની AI સિસ્ટમ આવી ભૂલો કરતી હોય તો તેને સુધારવા માટે કંપની શું કરી રહી છે એ પણ જણાવે.

શું છે સેફ હાર્બર પ્રોટેક્શન

આ સમગ્ર વિવાદની મધ્યમાં રહેલો સૌથી મહત્વનો શબ્દ ‘સેફ હાર્બર’ છે. સેફ હાર્બર એ ઓનલાઈન સોશિયલ મીડિયા માધ્યમોને મળતી એક કાયદાકીય છત્રછાયા છે. ભારતમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની (IT Act) કલમ 79 હેઠળ ગુગલ, યુટ્યુબ, ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, ઈ-બે, બ્લિન્કિટ અને ઝેપ્ટો વગેરે જેવી સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ કંપનીઓને આ સુરક્ષા આપવામાં આવે છે.

આ જોગવાઈનો અર્થ એ થાય કે આ કંપનીઓ માત્ર એક ‘ઇન્ટરમીડિયેટરી’ એટલે કે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તેમને ત્યાં ત્રીજી વ્યક્તિ દ્વારા (યુઝર) મૂકાયેલી કોઈ સામગ્રી વાંધાજનક હોય કે કાયદાથી વિપરીત હોય તો તેના માટે પ્લેટફોર્મ સીધી રીતે જવાબદાર ગણાતું નથી.

અર્થાત્, કોઈ યુઝરે ફેસબુક, ઈન્સ્ટાગ્રા, એક્સ, યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ વાંધાજનક સામગ્રી અપલોડ કરી, ગેરકાયદેસર કે ભડકાઉ પોસ્ટ મૂકી તો ગુનો માત્ર જે-તે પોસ્ટકર્તાને લાગુ પડે છે. પ્લેટફોર્મ કાયદાકીય રીતે જવાબદાર ગણાતું નથી. પ્રથમ દૃષ્ટિએ તમામ રીતે જવાબદાર માત્ર પોસ્ટ મૂકનાર યુઝર ગણાય છે.

જોકે એ પણ યાદ રાખવું જોઈએ કે આ સંરક્ષણ અમર્યાદિત નથી; તેને મેળવવા માટે પ્લેટફોર્મે કાયદાની કડક શરતોનું સતત પાલન કરવું અનિવાર્ય હોય છે.

આ શરતો હેઠળ કંપનીઓ પોતે કન્ટેન્ટનું નિર્માણ કે તેમાં કોઈ સુધારો-વધારો કરી શકતી નથી. સૌથી મહત્વની શરત એ છે કે જ્યારે પણ સરકાર, લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કે કોઈ કોર્ટ તરફથી કોઈ ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવાનો આદેશ મળે ત્યારે પ્લેટફોર્મે નિર્ધારિત સમયમર્યાદામાં તે કન્ટેન્ટ દૂર કરવું પડે છે. જો પ્લેટફોર્મ આ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય કે આદેશોની અવગણના કરે તો તેનું સેફ હાર્બર રક્ષણ રદ થઈ શકે છે.

જો કોઈ ટેક કંપનીનું સેફ હાર્બર સંરક્ષણ પરત લઈ લેવામાં આવે તો કંપનીને મુશ્કેલી પડી શકે છે. કારણ કે ‘સેફ હાર્બર’ વિના પ્લેટફોર્મ પર પોસ્ટ થતી દરેક ગેરકાયદેસર, અપમાનજનક કે ગુનાહિત સામગ્રી માટે કંપની પણ ‘સહ-આરોપી’ બની જાય છે. એનો અર્થ એ થયો કે યુઝર દ્વારા મુકાયેલી કોઈ વાંધાજનક કન્ટેન્ટ માટે સીધી ફેસબુક કે ગૂગલના ભારતીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સામે FIR દાખલ થઈ શકે છે, ગુનાહિત તપાસ ચાલી શકે છે અને તેમને કોર્ટના કેસનો સામનો કરવો પડી શકે છે.

ઇ-કોમર્સ વેબસાઇટને મળતું સેફ હાર્બર પ્રોટેક્શન

અગાઉ કહ્યું એમ IT એકટની કલમ 79 હેઠળ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને પણ ‘સેફ હાર્બર’ આપવામાં આવે છે. અર્થાત્ એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પર વેચાતી સામગ્રી માટે ખરીદનાર અને વેચનાર જ જવાબદાર હોય છે, કંપનીઓ માત્ર માધ્યમ પૂરું પાડે છે. જોકે આમાં પણ દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક કેસમાં કહ્યું હતું કે જો કોઈ પ્લેટફોર્મ સામાનના પેકિંગ, વેરહાઉસિંગ, પ્રમોશન અને ડિલિવરીમાં સક્રિય ભૂમિકા ભજવતું હોય તો તેને આ ‘સેફ હાર્બર’ મળી શકે નહીં.

જોકે પછીથી કોર્ટે અન્ય એક કેસમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માત્ર વેલ્યૂ એડેડ સર્વિસ આપવાથી આ સુરક્ષા ખતમ થતી નથી અને કાયદો એક્ટિવ કે પેસિવ ઇન્ટરમીડિયેટરી વચ્ચે ભેદભાવ કરતો નથી.

સેફ હાર્બર મેળવવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે કલમ 79(2)(b)ની મુખ્ય ત્રણ શરતોનું પાલન કરવું પડે છે: (1) તેઓ ટ્રાન્સમિશનની શરૂઆત કરતા ન હોવા જોઈએ, (2) મેળવનાર-ખરીદદારની પસંદગી કરતા ન હોવા જોઈએ, અને (3) પ્રોડક્ટ કે સામગ્રીમાં કોઈ ફેરફાર કરતા ન હોવા જોઈએ. માયસ્પેસ (Myspace Case) કેસમાં અદાલતે અવલોકન કર્યું હતું કે જો કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિસ્ટમ દ્વારા માત્ર ઓટોમેટિક ફોર્મેટ બદલે તો તેને કન્ટેન્ટમાં સુધારો કે ફેરફાર કર્યો ગણાય નહીં. એટલે કે, જો પ્લેટફોર્મ ગ્રાહક અને સેલર વચ્ચેની માહિતી કે પ્રોડક્ટની વિગતો બદલ્યા વગર સુવિધા આપે છે તો તે કાનૂની શરતોનું યોગ્ય પાલન કરે છે એમ કહી શકાય.

આ ઉપરાંત, પ્લેટફોર્મ્સે કલમ 79(2)(c) અને 79(3) હેઠળ પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે, જે અંતર્ગત તેમણે ‘IT નિયમો, 2021’નું પાલન કરવું પડે છે. કંપનીઓએ પોતાના યુઝર એગ્રીમેન્ટ અને પોલિસી જાહેર કરવી પડે છે અને સેલર્સને કાયદાનું પાલન કરાવવું પડે છે. જો પ્લેટફોર્મ પર કોઈ ગેરકાયદેસર કે ટ્રેડમાર્ક ઉલ્લંઘન કરતો સામાન વેચાતો હોવાની જાણ થાય અથવા કોર્ટ કે સરકારનો આદેશ મળે તો તેમણે તાત્કાલિક તે લિસ્ટિંગ હટાવવું પડે છે. જો પ્લેટફોર્મ કોઈ ગેરકાયદે કૃત્યમાં મદદ કરે કે સાથ આપે તો તેને મળતું રક્ષણ રદ થાય છે.

સેફ હાર્બર કાયમી છૂટછાટ નથી

ભારતીય અદાલતોએ પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે કલમ 79 હેઠળ મળતું સેફ હાર્બર એ કોઈ સંપૂર્ણ કે કાયમી છૂટછાટ નથી, પરંતુ તે એક શરતી કાયદાકીય રક્ષણ (Conditional Immunity) છે.

આ ઉપરાંત, IT નિયમો, 2021 હેઠળ તમામ માધ્યમોએ ભારતમાં નિવાસી ગ્રીવન્સ ઓફિસર અને નોડલ કન્ટેક્ટ પર્સનની નિમણૂક કરવી અને માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટ આપવો ફરજિયાત છે. સરકાર હવે વર્ષ 2000ના જૂના IT એક્ટને બદલીને નવું ‘ડિજિટલ ઇન્ડિયા બિલ’ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં સેફ હાર્બરના નિયમો વધુ આકરા બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીના વિડીયોને હટાવવાના આ સમગ્ર બનાવથી ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની મનમાની અને અલ્ગોરિધમ સંબંધિત પક્ષપાત સામે નવો મોરચો ખૂલ્યો છે. વિદેશી ટેક કંપનીઓ પોતાના સ્વયંસંચાલિત નિયમો કે ટેકનિકલ ભૂલોના બહાને લોકશાહી દેશના પ્રમુખ કે બંધારણીય સંસ્થાઓના અવાજને દબાવી શકે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

વિડીયો હટાવવાના વિવાદ પછી ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે સોશિયલ મીડિયા કંપનીઓ કેટલી જવાબદાર હોવી જોઈએ અને ક્યારે તેમની સુરક્ષા પાછી ખેંચી શકાય. આ મુદ્દો હવે માત્ર એક વિડીયો સુધી સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર કન્ટેન્ટ મોડરેશન અને પ્લેટફોર્મ જવાબદારી સાથે જોડાઈ ગયો છે. આ મામલે આગામી દિવસોમાં મેટાનો જવાબ અને સરકારનું અંતિમ વલણ સમગ્ર ડિજિટલ મીડિયા જગતનું ભવિષ્ય નક્કી કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં