
છેલ્લા કેટલાક સમયથી દેશમાં UPI (Unified Payments Interface) પર ચાર્જ લાગવા અંગે અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી. જેના લીધે સામાન્ય નાગરિકોથી લઈને નાના વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. આ તમામ ચર્ચાઓ અને ભ્રમણાઓ પર વિરામ મૂકતા ‘પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા’એ (PCI) તમામ તથ્યો અને સાચી માહિતી જાહેર કરી છે.
સામાન્ય ગ્રાહકો માટે UPI સપૂર્ણપણે મફત જ રહેશે
PCIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકોએ UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ જ ચાર્જ ચૂકવવો નહીં પડે. વર્ષ 2016માં જ્યારે UPI લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારથી જ તે ગ્રાહકો માટે ફ્રી છે અને ભવિષ્યમાં પણ દેશનો દરેક નાગરિક કોઈપણ વધારાના ચાર્જ વગર ઇન્સ્ટન્ટ ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
નાના કરિયાણા અને દુકાનદારો પર નહીં લાગે કોઈ મરચન્ટ ચાર્જ
વધુમાં સ્પષ્ટતા કરી છે કે નાના વેપારીઓ અને શાકભાજી કે કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે કોઈ જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કે અન્ય ચાર્જ આપવો પડશે નહીં. UPIનો મુખ્ય હેતુ દેશના નાનામાં નાના વેપારી સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચાડવાનો છે અને તે નીતિ જળવાઈ રહેશે.
There has been considerable discussion around UPI and merchant charges. Here are the facts behind the conversation what it means for consumers, merchants, and India's digital payment ecosystem.
— PCI – Payments Council of India (@PCIUpdates) August 7, 2026
1. Will I have to pay to use UPI?
No. UPI has always been free for consumers since…
તો પછી અત્યારે UPI ચાર્જની ચર્ચા કેમ શરૂ થઈ?
PCIની સ્પષ્ટતા અનુસાર શરૂઆતમાં UPI માત્ર એક નવું પેમેન્ટ માધ્યમ હતું, પરંતુ આજે તે વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ગયું છે. દરોજજ કરોડો ટ્રાન્ઝેક્શન થાય છે. આ સિસ્ટમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત રહે, સિક્યોરિટી જળવાઈ રહે અને સુચારૂ રીતે ચાલે તે માટે તેને આર્થિક રીતે કેવી રીતે સસ્ટેનેબલ (ટકાઉ) બનાવવું તે અંગે નિષ્ણાતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે, જેથી ગ્રાહકો કે નાના વેપારીઓને નુકસાન ન થાય.
UPI બનાવવા અને ચલાવવા પાછળ કોણ રોકાણ કરે છે?
છેલ્લા 10 વર્ષથી બેંકો, પેમેન્ટ કંપનીઓ, ફિનટેક ઈન્ડસ્ટ્રી, NPCI અને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ સાથે મળીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, ફ્રોડ અટકાવવા અને 24 કલાક કસ્ટમર સપોર્ટ આપવા માટે આ સંસ્થાઓ સતત ફંડિંગ અને મહેનત કરી રહી છે, જેથી આપણે સુરક્ષિત પેમેન્ટ કરી શકીએ.
જો ગ્રાહકો માટે UPI ફ્રી હોય તો તેનો ખર્ચ કોણ ભોગવે છે?
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત અને ઝડપી રાખવા માટે સતત ટેકનોલોજી અપડેટ કરવી પડે છે. અત્યારે આ તમામ ઑપરેટિંગ ખર્ચ ડિજિટલ ઇકોસિસ્ટમમાં સામેલ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (જેમ કે Google Pay, PhonePe, Paytm વગેરે) પોતે જ ભોગવી રહ્યા છે, જેથી ગ્રાહકને વગર કોઈ અવરોધે સેવાનો લાભ મળી શકે.

મોટા વેપારીઓ પાસેથી ચાર્જ લેવાય તો ગ્રાહક પર અસર પડશે?
PCIના જણાવ્યા મુજબ, મોટા વેપારીઓ (Large Merchants) અને પેમેન્ટ કંપનીઓ વચ્ચેના ચાર્જિસ એ તેમના કોમર્શિયલ એગ્રીમેન્ટનો ભાગ હોય છે. જો મોટા વેપારીઓ પાસેથી કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવે તો પણ તેની અસર સામાન્ય ગ્રાહક પર પડશે નહીં. સમગ્ર વિશ્વમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટા વેપારીઓ માટે મરચન્ટ ચાર્જ હોવો એક સામાન્ય બાબત છે.
UPI સિસ્ટમને મજબૂત બનાવવી કેમ જરૂરી છે?
આજે UPI ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ બની ગયું છે અને સો મિલિયનથી વધુ ભારતીયો દરરોજ તેનો ઉપયોગ કરે છે. જેમ જેમ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેમ તેમ સાયબર ફ્રોડ રોકવા, સિસ્ટમ ક્રેશ ન થાય તે માટે સર્વર મજબૂત કરવા અને નવી નવી ટેકનોલોજી લાવવા માટે સતત રોકાણ કરવું અનિવાર્ય છે.
ટૂંકમાં, UPI ચાર્જ થવા અંગેની અટકળો માત્ર અફવા છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે UPI હંમેશાની જેમ બિલકુલ મફત અને સુરક્ષિત રહેશે, તેથી કોઈએ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

