
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ કોઈ પાર્ટીમાં નથી કે તેમની પાસે કોઈ હોદ્દો પણ નથી, છતાં પોતાનાં આડાંઅવળાં નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે કહી દીધું છે કે પોતે રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે ગુજરાતમાંથી ભાજપને કાઢવામાં ખરેખર રસ હોય તો રાહુલ ગાંધીએ શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરવો જોઈએ.
શંકરસિંહે નડિયાદના સર્કિટ હાઉસમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન આ બધું કહ્યું હતું, જેનો વિડીયો પોતે જ ફેસબુક વૉલ પર શૅર કર્યો છે.
શંકરસિંહ કહે છે, “મેં કોંગ્રેસને કહેવડાવ્યું છે કે ભાજપ સામે લડવાનું છે. દાતણ હોય તો ચપ્પાથી કપાય. મોટું થડ હોય તો એ ચપ્પાથી ન કપાય. ભાજપ સામે ચપ્પુથી ન ચાલે… આ ઓવરનાઈટ નથી હોતું. તમારે આજથી મથવું પડે. છેલ્લી ઘડીએ કામ કરવાથી ન ચાલે. નક્કી કરવું પડે કે આ રીતે મેદાનમાં લડવું.”
આગળ તેઓ કહે છે, “મેં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે તમારે ભાજપને કાઢવામાં રસ હોય તો કહેજો… હું જે પ્રમાણે ડિઝાઇન કરું એ તમારી તૈયારી હોય તો કહેજો. મારે કશું જોઈતું નથી. મારે ટિકિટ નથી લેવી. મુખ્યમંત્રી પણ તમારી રીતે નક્કી કરજો.”
શંકરસિંહ વાઘેલા આગળ કહે છે કે સમાજમાં જે માણસની આબરૂ હોય તે બાજુ લોકો જતા હોય છે. જેથી એ લોકો સાથે કામ કરવું પડશે જેમની સમાજમાં પ્રતિષ્ઠા હોય.
શંકરસિંહ વાઘેલા અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં રહી ચૂક્યા છે અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શંકરસિંહ વિપક્ષ નેતા હતા. પછીથી તેમણે પાર્ટી છોડી. ત્યારબાદ તેઓ ઢગલાબંધ પાર્ટીઓ બનાવી ચૂક્યા છે પરંતુ ક્યાંય કોઈ સફળતા મળી નથી. વચ્ચે પણ તેઓ કોંગ્રેસના G-23 જૂથના નેતાઓની બેઠકમાં પહોંચ્યા હતા. આ સિવાય પણ અન્ય પાર્ટીના નેતાઓને મળતા રહે છે.
ગુજરાતમાં ભાજપને ઉખાડી ફેંકવાની વાતો કરવી, નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરવી એ હવે શંકરસિંહની પ્રિય પ્રવૃત્તિ થઈ ગઈ છે. જોકે તેનો ખાસ કોઈ ફેર પડતો નથી અને લોકો ગંભીરતાથી લીધા વગર આગળ વધી જતા હોય છે. આ ટિપ્પણીઓમાં પણ એવું જ થવાની સંભાવના છે.

