Tuesday, March 31, 2026
More
    Home Blog Page 1159

    ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી: લીસ્ટમાં 6 માંથી 2 મહિલાઓ, કાલે થઇ શકે છેલ્લી યાદી જાહેર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ ચલાવ્યો છે. દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. પહેલી યાદીમાં 160 ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

    બીજી યાદીમાં જાહેર થયેલ બેઠકો અને ઉમેદવારો

    1. ધોરાજી : મહેન્દ્રભાઈ પાડલીયા
    2. ખંભાળિયા : મુળુ બેરા
    3. કુતિયાણા : ઢેલીબેન માધાભાઇ ઓડેદરા
    4. ભાવનગર પૂર્વ : સેજલ રાજીવકુમાર પંડ્યા
    5. દેડિયાપાડા (ST) : હિતેશ દેવજી વસાવા
    6. ચોર્યાસી : સંદીપ દેસાઈ

    ભાજપની ઉમેદવારોની બીજી યાદી અંતર્ગત 6માંથી 2 સીટ મહિલાઓને અપાઈ છે. આ તમામ બેઠકો એવી છે જ્યાં મતદાન પ્રથમ ચરણમાં છે. આમ પહેલી અને બીજી યાદી ભેગી કરીએ તો કુલ 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે હમણાં સુધી.

    હવે 16 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. સંભાવના છે કે આવતી કાલે આ 16 બેઠકો માટેની ભાજપની છેલ્લી યાદી જાહેર થઇ શકે છે.

    પહેલી યાદીમાં જાહેર કરાયા હતા 160 નામો

    ગુરુવારે (10 નવેમ્બર) ભાજપે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. 182માંથી 160 બેઠકો પર ઉમેદવારો જાહેર થઇ ગયા છે. જેમાંથી 69 ધારાસભ્યોને રિપીટ કરાયા છે, 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. આ ઉપરાંત 12 મહિલાઓને પણ ટિકિટ અપાઈ હતી. તો કેટલાંક મોટાં નામો પણ સામેલ કરાયાં છે, અનેક મોટાં નામોની બાદબાકી પણ કરી દેવામાં આવી છે. 

    હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના બાકીના 16 ઉમેદવારોની જાહેરાત ક્યારે કરે છે.

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: તમામ 68 બેઠકો પર મતદાન શરૂ, પરિણામ 8 ડિસેમ્બરે આવશે; CM જયરામે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    આજે (શનિવાર, 12 નવેમ્બર 2022) વહેલી સવારથી જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની તમામ 68 વિધાનસભા બેઠકો પર આજે એક સાથે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવનાર છે.

    વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હિમાચલ પ્રદેશવાસીઓને પોતાના મતદાનના અધિકારનો અચૂક ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે આજે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.”

    ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે હિમાચલ પ્રદેશ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જો ઈતિહાસની વાત કરીએ તો અહીં જે પાર્ટી છેલ્લા ચાર દાયકામાં સત્તામાં હતી તે પાર્ટી બહાર થઈ ગઈ છે અને વિપક્ષી પાર્ટીની સરકાર બની છે.

    412 ઉમેદવારો મેદાનમાં છે

    હિમાચલના 55 લાખ મતદારો ચૂંટણી મેદાનમાં ઉતરેલા 412 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. આ ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર 24 છે.

    પાર્ટીઓની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે તમામ 68 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે AAP 67 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત બસપા, રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી, હિન્દુ સમાજ પાર્ટી, સ્વાભિમાન પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે.

    તમામ પક્ષોએ કરી છે મોટી મોટી જાહેરાતો

    કોંગ્રેસે તેના ઢંઢેરામાં પાંચ લાખ યુવાનોને રોજગાર આપવા, ઓપીએસ ફરીથી લાગુ કરવા, સફરજન માટે એમએસપી જાહેર કરવા અને રસ્તાઓના નિર્માણને ઝડપી બનાવવાનું વચન આપ્યું છે.

    AAPએ છ લાખ યુવાનોને રોજગાર આપવાનું, ફળો પર OPS અને MSP રોલબેક કરવાનું વચન પણ આપ્યું છે.

    બીજી તરફ, ભાજપે આઠ લાખ યુવાનોને રોજગાર આપવાથી લઈને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા સુધીના વચનો આપ્યા છે.

    જયરામ ઠાકુરે કહ્યું ‘વિજય નિશ્ચિત’

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યમાં મતદાન પહેલા વિજયની નિશાની બતાવી હતી. તેમની સાથે તેમના પત્ની પણ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડ્યા હતા.

    પત્ની સાથે હિમાચલના મુખ્યમન્ત્રી જયરામ ઠાકુર (ફોટો: AajTak)

    જયરામ ઠાકુરે કહ્યું કે ‘હિમાચલના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. લોકો પીએમ મોદીના હાથ મજબૂત કરશે.’

    હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં હાજર રહેનાર AAP નેતા કેજરીવાલ માટે સ્ટાર પ્રચારક: MCD ચૂંટણી માટેની ‘આપ’ના પ્રચારકોની યાદીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું પણ નામ

    આગામી મહિને દિલ્હી નગર નિગમની ચૂંટણી થનાર છે ત્યારે રાજ્યની શાસક પાર્ટી આમ આદમી પાર્ટીએ શુક્રવારે (11 નવેમ્બર 2022) સ્ટાર પ્રચારકોની એક યાદી જારી કરી હતી. આ યાદીમાં કુલ 30 નામો સામેલ કરવામાં આવ્યાં છે. જેમાંથી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તેવું નામ હતું- રાજેન્દ્ર પાલ ગૌતમ. આ એ જ નેતા છે જેમણે હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં સામેલ થઈને હિંદુવિરોધી શપથ લીધી હતી. 

    આમ આદમી પાર્ટીએ ત્રીસ સ્ટાર પ્રચારકોની અધિકારીક યાદી જાહેર કરી તેમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું નામ 22મા ક્રમે જોવા મળી રહ્યું છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનિષ સિસોદિયા, સંજય સિંઘ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંઘ વગેરે નેતાઓ પણ સામેલ છે. 

    આ યાદીમાં ‘આપ’ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમનું નામ જોઈને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો છે અને સવાલ ઉઠાવ્યા છે. દિલ્હી ભાજપના નાયબ પ્રધાન વીરેન્દ્ર સચદેવે કહ્યું કે, હવે તો સ્પષ્ટ થઇ ગયું છે કે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ આખો કાર્યક્રમ અરવિંદ કેજરીવાલજીના નિર્દેશ પર જ થયો હતો. નહીં તો ગૌતમજી ‘આપ’ના સ્ટાર પ્રચારક ન હોત. 

    ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં હિંદુઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત, એક શપથ પણ લેવડાવવામાં આવી હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

    વિડીયોમાં સંભળાય છે કે મંચ પરથી એક વ્યક્તિ લોકોને શપથ લેવડાવે છે. જે કહે છે કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”

    આ ઘટના બાદ દેશભરમાંથી ભારે વિરોધ થયો હતો અને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલનો પણ ગુજરાતીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારબાદ રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

    જ્ઞાનવાપી કેસ: વિવાદિત માળખામાંથી મળી આવેલ શિવલિંગ સુરક્ષિત રાખવાનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો; ASI સરવે મામલે સુનાવણી ટળી

    જ્ઞાનવાપી કેસ મામલે સુનાવણી કરતી કોર્ટે વિવાદિત માળખામાંથી મળી આવેલા શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ 12 નવેમ્બર સુધી શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, અલાહાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે કરવાની માંગ પર સુનાવણી 28 તારીખ સુધી ટાળી દીધી છે. 

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્ય કાન્ત અને પીએસ નરસિમ્હાની ખંડપીઠે મામલાની સુનાવણી હાથ ધરી જે સ્થળેથી શિવલિંગ મળી આવ્યું છે તેની સુરક્ષા કરવાના વચગાળાના આદેશની મુદત લંબાવી દીધી હતી. ગત 17 મેના રોજ કોર્ટે શિવલિંગની સુરક્ષાનો આદેશ આપ્યો હતો. 

    ગત ગુરુવારે (10 નવેમ્બર 2022) હિંદુ પક્ષેથી વકીલ વિષ્ણુ શંકર જૈને સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા માટે અરજી કરી હતી. કારણ કે કોર્ટના અગાઉના આદેશની મુદત 12 નવેમ્બરના રોજ પૂર્ણ થનાર હતી. ત્યારબાદ કોર્ટે સુનાવણી મુકરર કરી હતી. 

    કોર્ટ જ્ઞાનવાપીનું સંચાલન કરતી અંજુમન ઇંતેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા વારાણસીની સિવિલ કોર્ટના સરવેના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને જિલ્લા કોર્ટ સમક્ષ જઈ દલીલો રજૂ કરવાની છૂટ આપી છે. જેથી હવે અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવે કે કેમ તે અંગે જિલ્લા ન્યાયાધીશ નિર્ણય કરશે. સાથે હિંદુ પક્ષને જવાબ રજૂ કરવા 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

    વારાણસીની જિલ્લા કોર્ટે વિવાદિત પરિસરનો ASI સરવે કરાવવાના આદેશ આપ્યા હતા. આ આદેશ સામે મસ્જિદ સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે અલાહાબાદ હાઇકોર્ટે નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. હવે આ મામલે સિંગલ બેન્ચે સુનાવણી કરીને આગળની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. 

    બીજી તરફ, શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 2 નવેમ્બરના રોજ સુનાવણીમાં હિંદુ પક્ષની અરજી પર મુસ્લિમ પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે  જ્ઞાનવાપી મસ્જિદના બાકીના હિસ્સા ખોલીને એડવોકેટ કમિશનની કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે હિંદુ પક્ષે પણ પોતાનો જવાબ દાખલ કર્યો છે. 

    આજીવન કેદની સજા કાપતા ગોધરાકાંડના ગુનેગાર અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીનની મુદત સુપ્રીમ કોર્ટે લંબાવી

    ગોધરામાં મહિલાઓ અને બાળકો સહિત 59 કારસેવકોને ટ્રેનમાં જીવતા સળગાવનારા આરોપી અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીન લંબાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પારિવારિક તકલીફોનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2007માં ગોધરા કાંડને અંજામ આપનાર અને આજીવન કારાવાસના કેદી એવા ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા હતા.

    અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જેબી પારડીવાલાની બેન્ચે સુનાવણી કરતાં નોંધ્યું હતું કે, મજીદની પત્નીની ગંભીર બીમારી અને પુત્રીઓ વિશેષ રૂપે અક્ષમ હોવાના કારણે 13 મે, 2022ના રોજના અગાઉના આદેશના આધારે ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા છે.

    આરોપી મજિદ તરફથી હાજર રહેલા વકીલ સંજય હેગડેએ કોર્ટને માહિતી આપી હતી કે તે 20 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો છે અને તેની અપીલ આ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં હજુ થોડો સમય લાગવાની શક્યતા છે. 9 ઓક્ટોબર, 2017ના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે મજીદની અપીલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે જેનો ચુકાદો હજુ બાકી છે.

    એક્સ્ટેંશનની માંગણી કરતી અરજી મુજબ માજિદની પત્નીને અંડાશયના કેન્સરનું નિદાન થયું છે અને તે 2019 થી સારવાર હેઠળ છે. વધુમાં આરોપીની બે પુત્રીઓ જન્મથી જ માનસિક વિકલાંગ છે જેના કારણે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

    અહેવાલો અનુસાર મજિદને ગોધરા ખાતે ટ્રેનમાં આગ ઓલવવા આવેલા ફાયર ફાઇટર પર પથ્થરમારો કરીને અને ફાયર ફાઇટિંગ વાહનને મોટું નુકસાન કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બદલ ગુજરાત હાઈકોર્ટના આદેશમાં તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. મજિદે હાજી બિલાલ અને અન્યોએ સાથે મળીને ફાયર બ્રિગેડના જવાનો પર પથ્થરમારો કર્યો હતો અને સ્ટાફને ઈજાઓ પહોંચાડી હતી અને તેમની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કર્યો હતો. જ્યારે કોચ નં. S6માં પેટ્રોલ છાંટીને મહિલાઓ અને બાળકો સહિતના લોકોને જીવતા સળગાવી દીધા હતા.

    ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

    ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ કોંગ્રેસમાં ભડકો, ડભોઇમાં 500 કાર્યકરોએ પાર્ટી છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો: એક અઠવાડિયામાં 3 MLA છોડી ચૂક્યા છે પાર્ટી

    ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. એક તરફ પાર્ટીમાંથી ધારાસભ્યોનાં રાજીનામાં ચાલુ જ છે ત્યાં ટિકિટની ફાળવણી બાદ સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી અને રોષ જોવા મળી રહ્યા છે. દરમ્યાન, વડોદરાની ડભોઇ બેઠક પર કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 

    ડભોઇ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલનું નામ ચાલી રહ્યું છે. પરંતુ તેમનાથી નારાજ થઈને કેટલાક કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

    આજે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી આ તમામ કાર્યકરો વિધિવત પાર્ટીમાં જોડાયા હતા. જેમાં શનોર ગામના સરપંચ રાકેશસિંહ અંબાલિયા સહિત રાજપૂત-ઠાકોર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. 

    ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ડભોઇ વિધાનસભા બેઠક પરથી શૈલેષ મહેતાને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. પરંતુ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ જેમના નામની ચર્ચા ચાલતી હતી તેનાથી નારાજ થઈને 500 કાર્યકરો ભાજપમાં ચાલ્યા ગયા છે. 

    હાલ સામી ચૂંટણીએ પક્ષપલટાનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. તેમાં કોંગ્રેસ માટે ‘દુકાળમાં અધિક માસ’ જેવું થયું છે. છેલ્લી ઘડીએ પાર્ટીના ત્રણેક ધારાસભ્યો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતાં કોંગ્રેસ વધુ નબળી પડી છે. 

    થોડા દિવસો પહેલાં છોટાઉદેપુરના કોંગ્રેસી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ 10 ટર્મથી ધારાસભ્ય હતા. પાર્ટીના મોટા નેતાના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. 

    ત્યારબાદ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. 

    આ ઉપરાંત, ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પણ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈ, બીજા દિવસે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. આ ઉપરાંત, વિસાવદરના MLA હર્ષદ રિબડીયાએ પણ તાજેતરમાં જ પાર્ટી છોડી હતી. તેમને ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરાશે. 

    અયોધ્યામાં બનતી મસ્જિદના નિર્માણમાં દાન આપવા માટે હિંદુઓ આગળ, 40 ટકા દાન આપ્યું: ‘ગંગા-જમુની તહેઝીબ’ મજબૂત કરનારાઓને કેટલાક સવાલ

    પાંચસો વર્ષના સંઘર્ષ બાદ વર્ષ 2019માં અયોધ્યામાં હિંદુઓને તેમના આરાધ્ય ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે લીલી ઝંડી આપી. તેની સાથે જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન પણ આપવામાં આવી હતી. ભવ્ય મંદિરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મસ્જિદ વિશે નવી જાણકારી સામે આવી છે. 

    પાંચ એકરમાં બનવા જઈ રહેલ મસ્જિદનો પ્લાન તો પાસ થઇ ગયો છે પણ હજુ કાયદાકીય કોકડું ગૂંચવાયું છે, જેના કારણે મસ્જિદ નિર્માણમાં મોડું થઇ રહ્યું છે. કારણ એ છે કે જમીન એગ્રીકલ્ચર યુઝ માટેની છે, એટલે તેમાં બાંધકામ ન થઇ શકે. આ માટે જે-તે જવાબદાર વ્યક્તિઓએ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને અરજી કરી છે. નકશો પાસ થયા બાદ આગળ કામ ચાલશે. 

    બીજી તરફ, જાણવા એવું મળ્યું છે કે, આ મસ્જિદ માટે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાંથી ‘દાન’ આવ્યું છે. અને આ દાનમાંથી 40 ટકા હિસ્સો હિંદુઓનો હોવાનું કહેવાય છે. અહેવાલો જણાવે છે કે, મસ્જિદ માટે અત્યાર સુધી આવેલ દાનનો 30 ટકા હિસ્સો મુસ્લિમો, 30 ટકા હિસ્સો કોર્પોરેટ્સ તરફથી જ્યારે 40 ટકા હિસ્સો હિંદુઓ તરફથી મળ્યો છે. 

    મસ્જિદ ટ્રસ્ટના મંત્રી અતહર હુસૈન ભાસ્કરને જણાવે છે કે, ઓગસ્ટ 2020માં તેમણે મસ્જિદ નિર્માણમાં આર્થિક સહયોગ આપવા માટે બેંકની વિગતો જારી કરી હતી. તેઓ કહે છે, “અત્યાર સુધી અમારી પાસે 40 લાખ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે. જેનો લગભગ 30 ટકા હિસ્સો કોર્પોરેટ તરફથી આવ્યો છે, 30 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાય જ્યારે બાકીનો 40 ટકા હિસ્સો હિંદુ સમુદાય તરફથી આવ્યો છે.”

    અન્ય એક રિપોર્ટ જણાવે છે કે, અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે જે સૌથી પહેલા 11 લોકોએ ‘દાન’ આપ્યું હતું, તેઓ હિંદુઓ હતા. એવું પણ જણાવવામાં આવ્યું કે, મોટી સંખ્યામાં હિંદુઓ ગુપ્ત દાન કરી રહ્યા છે!

    મસ્જિદ સમિતિએ તો એવું પણ કહ્યું કે તેમણે આ ‘દાન’ ઉઘરાવવા માટે કોઈ પણ પ્રકારનું અભિયાન ચલાવ્યું નથી. એટલે એનો અર્થ એ થયો કે હિંદુઓ સામે ચાલીને ‘ગંગા-જમુની તહેઝીબ’ને બળ આપવા માટે મહેનતનો રૂપિયો દાન કરી રહ્યા છે. 

    આ ‘ગંગા-જમુની તહેઝીબ’ એ જ બકવાસ અને ફાલતુ બાબત છે જેની વાતો કરીને તથાકથિત લિબરલો અને કથિત સેક્યુલરો હિંદુઓને પગ તળે કચડતા આવ્યા છે. આ તહેઝીબ ખરેખર હોત તો તમારે ભગવાન રામની જન્મભૂમિની લડાઈ લડવા માટે આટલાં વર્ષો સંઘર્ષ કરવો પડ્યો ન હોત કે ભગવાન આટલાં વર્ષો તંબૂમાં રહ્યા ન હોત. ખરેખર આ ‘તહેઝીબ’ અસ્તિત્વ ધરાવતી હોત તો કન્હૈયાલાલ, ઉમેશ કોલ્હે અને એવા સેંકડો લોકો આજે આપણી વચ્ચે હોત, જેઓ માત્ર ‘કાફિર’ હોવાના કારણે ધર્માન્ધ મઝહબીઓ દ્વારા માર્યા ગયા હતા. 

    ‘ધાર્મિક સૌહાર્દ’ની આડમાં વાસ્તવિકતાથી કિનારો કરી શકાય નહીં. અને વાસ્તવિકતા એ છે કે અહીં દર થોડા દિવસે કોઈને કોઈ શહેરની કોઈ શેરીમાં ‘સર તન સે જુદા’ના નારા લાગે છે. વાસ્તવિકતા એ છે કે કોઈ વિવાદિત માળખામાંથી શિવલિંગ મળી આવે ત્યારે તેની મજાક ઉડાવવામાં આવે છે. અને તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એક આખી ગ્લોબલ ઇકોસિસ્ટમ વચ્ચે કૂદી પડે છે અને વાત ‘સર તન સે જુદા’ સુધી પહોંચી જાય છે. 

    એટલે ધર્મનિરપેક્ષતા અને આવી તહઝીબના ઝંડા લઈને ફરતાં પહેલાં એ જોજો કે માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કે સામેનો વ્યક્તિ જુદી ધાર્મિક માન્યતા ધરાવતો હોવાના કારણે છેક હત્યા કરવા સુધી પહોંચી જતી મઝહબી વિચારધારાને પોષવામાં ક્યાંક તમારું પણ યોગ’દાન’ નથી ને? કારણ કે, આજના સમયમાં તમારું કામ માત્ર એક પોતાની વિચારધારા ધરાવતી સરકારને મત આપી આવવા માત્ર જેટલું નથી. 

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો 30 વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો છોડી મૂકવાના આદેશ આપવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં શુક્રવારે (11 નવેમ્બર 2022) તમામ દોષિતોને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જો તેઓ અન્ય કોઈ કેસમાં દોષિતો આરોપી ન હોય તો તમામ રાજીવ ગાંધીના હત્યારાઓ જેલમાંથી છોડી દેવામાં આવે.

    જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરથનાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો અને દોષિતો નલિની, સંથન, મુરુગન, શ્રીહરન, રોબર્ટ પાયસ અને રવિચંદ્રનને જેલમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું કે ઘણા લાંબા સમયથી રાજ્યપાલે તેમના પર કાર્યવાહી નથી કરી, તેથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. કલમ 142નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ કેસમાં એક દોષિતને છોડવાનો આદેશ બાકીના 5 દોષિતોને પણ લાગુ પડશે. અર્થાત રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતોની સજા કોર્ટે પૂરી કરી દીધી છે. ત્યારબાદ આજે તેમને છોડવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ, કોર્ટના આદેશના એક કલાક બાદ જ આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ, આ કેસમાં દોષિત પેરારીવલનને જેલમાં સારી વર્તણૂક જોઈને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને મુક્તિની માંગ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

    કોર્ટે દેશની ભાવનાઓનું ધ્યાન ન રાખ્યું: કોંગ્રેસ

    રાજીવ ગાંધી હત્યાના દોષિતોની મુક્તિ પર કોંગ્રેસે કહ્યું કે, આ માફી સ્વીકાર્ય નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પત્ર જાહેર કરીને કહ્યું- સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે દેશની ભાવનાઓને ધ્યાનમાં નથી રાખી. ચુકાદો ભૂલોથી ભરેલો છે.

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા

    ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ તે તેમના પગને સ્પર્શ કરવાના બહાને આગળ આવ્યો અને નીચે નમીને કમરે બાંધેલ વિસ્ફોટકમાં તેણે વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી સહિત અન્ય અનેક લોકો પણ માર્યા ગયા હતા.

    વડાપ્રધાનની હત્યા બાદ ગુનેગારોને સજા

    1999માં આ કેસમાં 26 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાંથી 19ને પહેલેથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના 7ની સજા યથાવત રાખવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમાંથી નલિની નામની આરોપી ગર્ભવતી હતી જેથી તેની સજા માફ કરવામાં આવી હતી.

    ‘ચૂંટણીમાં ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કર્યું’: ‘આપ’ પ્રભારી અને દિલ્હીના MLA ગુલાબસિંહ યાદવ સામે કોંગ્રેસનો આરોપ, એક વિડીયો પણ જારી કર્યો

    ગુજરાતમાં સતત વિવાદો અને ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટીની મુશ્કેલી હજુ વધી છે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા પ્રગતિ આહીરે આમ આદમી પાર્ટીના (આપ) ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ પર ટિકિટ આપવાના બહાને મહિલાઓનું યૌન શોષણ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આરોપ લગાવ્યા હતા. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર, રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા અને અન્ય નેતાઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એક વિડીયો પણ જારી કર્યો હતો. જેમાં એક મહિલા આરોપ લગાવીને કહેતી સંભળાય છે કે આપ નેતા ગુલાબસિંહ યાદવે તેનું શારીરિક શોષણ કર્યું હતું. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી દંગા, દારૂ અને ડ્રગ પર ચાલતી હતી અને હવે વધુ એક D- દુષ્કર્મ પર ચાલે છે. તેઓ શિક્ષણ અને આરોગ્યની વાતો કરે છે પરંતુ તેમના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કૃત્ય દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે.

    કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે, ગુજરાતની જનતા અને મહિલાઓ આમ આદમી પાર્ટીને જવાબ આપશે. તેમણે એ પણ પ્રશ્ન કર્યો હતો કે આમ આદમી પાર્ટી કયા મોઢે લોકો પાસે મત માંગવા જશે. સાથે તેમણે ગુજરાતની મહિલાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, લાલચો આપવામાં આવે કે વાયદાઓ કરવામાં આવે પરંતુ આ પ્રકારના હીન કૃત્યો કરનારાઓથી તેઓ દૂર રહે. 

    તેમણે કહ્યું કે, ટિકિટ આપવાની લાલચે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોય એવો આ એક જ કિસ્સો સામે આવ્યો છે, બની શકે કે ભવિષ્યમાં આવા બીજા કિસ્સાઓ પણ સામે આવી શકે છે. 

    તેમણે વધુ જાણકારી આપતાં કહ્યું કે, આ મહિલાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની અને સંગઠનમાં સારો હોદ્દો આપવાની વાત કરવામાં આવી હતી. સાથે પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરી કે તેઓ પીડિત મહિલાની ફરિયાદ સાંભળીને તેમને રક્ષણ આપે. 

    મીડિયા દ્વારા પૂછવામાં આવતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ વિડીયો મીડિયાના માધ્યમથી તેમની પાસે આવ્યો હતો. તેમણે કહ્યું કે, કાયદાના કારણે મહિલાની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ તેઓ જાણે છે કે આ મહિલા કોણ છે.

    પૂર્વ સૈનિક દેવાથી કંટાળીને ઘર છોડીને ગયા હતા, રાધા સ્વામીનો સત્સંગ સાંભળીને પોતાનો નિર્ણય બદલ્યોઃ પરત ફરીને પોલીસને સાચી વાત કહી

    રાજધાની દિલ્હીના પ્રેમ નગર વિસ્તારમાંથી ગુમ થયેલા 60 વર્ષીય નિવૃત્ત સૈનિક રાજેન્દ્ર પ્રસાદને પોલીસે શોધી કાઢ્યો છે. તે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સરાઈ રોહિલા રેલવે સ્ટેશન પાસે મળી આવ્યો હતો.

    રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે તેમનું અપહરણ થયું ન હતું અને તેઓ સ્વેચ્છાએ પંજાબ ગયા હતા. ત્યાં, બિયાસમાં રાધા-સ્વામીનો સત્સંગ સાંભળીને, તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ઘરે પાછા ફરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તે સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પર પાછો ફર્યો ત્યારે પોલીસે તેમને પકડી લીધા હતા.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૂર્વ સૈનિક રાજેન્દ્ર પ્રસાદે પોતાના પર દેવાના કારણે આ વાર્તા બનાવી હતી. તેણે પોતાના ફોન પરથી ‘સર તન સે જુડા, અજમેર વાયા પાકિસ્તાન’ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ધ્વજનો ફોટો અને ઘરની કેટલીક ક્લિપિંગ્સ સાથેનો એક સંદેશ મોકલ્યો હતો.

    પૂછપરછ પર નિવૃત્ત સૈનિક રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે તે તેના પરિવાર અને આર્થિક સમસ્યાઓને લઈને તણાવમાં હતો, તેથી તે ઘરથી દૂર રહેવા માંગતો હતો. તેણે એ પણ કબૂલ્યું હતું કે તેણે પોતે જ તેમના ફોન પરથી તેના પરિવારને ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા.

    દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાંચ) રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “મૂળ હરિયાણાના રોહતકના બોહર ગામના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ પ્રેમ નગર સુલતાનપુરીમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમને ત્રણ બાળકો છે. તે 7 નવેમ્બરના રોજ અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમણે તેમના મોબાઈલથી તેના પરિવારના સભ્યોને મેસેજ કર્યો કે ‘સર તન સે જુડા, અજમેર વાયા પાકિસ્તાન’ આ સાથે પ્રતિબંધિત સંગઠન પીએફઆઈનો ઝંડો પણ મોકલ્યો હતો.”

    તેમના પરિવારે 7 નવેમ્બર 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેમના જ નંબર પરથી ‘સર તન સે જુદા ઇન અજમેર વાયા પાકિસ્તાન’નો મેસેજ આવ્યો હતો. આ સાથે પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઝંડાનો ફોટો મોકલવામાં આવ્યો છે. સંબંધીઓનો એવો પણ દાવો છે કે કેટલાક મુસ્લિમો ઘણા દિવસોથી તેમનું અનુસરણ કરી રહ્યા હતા.

    તે જ સમયે, પૂર્વ સૈનિકની પુત્રી કિરણે દાવો કર્યો હતો કે કેટલાક મુસ્લિમો તેના પિતાનો ઘણા દિવસોથી પીછો કરી રહ્યા હતા. આ વાત તેના પિતાએ જાતે ઘરે જણાવી હતી. તેણે કહ્યું હતું કે પીછો કરી રહેલા મુસ્લિમો તેના પર તેમના સંગઠનમાં જોડાવા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. જોકે, તેમણે સંસ્થાનું નામ જાહેર કર્યું ન હતું. રાજેન્દ્ર પ્રસાદની નાની દીકરી ગુલશને જણાવ્યું કે તેના પિતા પ્રેમ નગર સ્થિત સર્વોદય કન્યા વિદ્યાલયમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.