Thursday, April 2, 2026
More
    Home Blog Page 1158

    AAPનો અમાનવીય ચહેરો: મોરબીની દુર્ઘટનાનો રાજકીય લાભ ખાટવા IT સેલે ખોટો વિડીયો શૅર કર્યો

    સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના (AAP) IT સેલે એક વિડીયો ફેરવીને ભાજપની મજાક ઉડાવી હતી અને મોરબીમાં પાર્ટીના કાર્યકરો પ્રચાર કરવા જતાં સ્થાનિકોએ માર માર્યો હોવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં ‘આપ’ આઇટી સેલના પ્રતીક ઇનામદારે આ ખોટો વિડીયો શૅર કરીને મોરબીનો હોવાનો દાવો કર્યો હતો. 

    પ્રતીક ઇનામદારે શનિવારે (12 નવેમ્બર 2022) 7:40 વાગ્યે આ વિડીયો ટ્વિટ કરીને લખ્યું, ‘મોરબીમાં ભાજપનો પ્રચાર કરવા આવેલા કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. જનતા જાગી ગઈ છે.’ સાથે વિડીયોના સોર્સ તરીકે ‘વાયરલ વિડીયો’ હોવાનું જણાવ્યું હતું. 

    (AAP IT સેલના પ્રતીક ઇનામદારે શૅર કરેલ વિડીયો)

    આ વિડીયોમાં કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવેલી એક રિક્ષા પર હુમલો કરતા જોવા મળે છે અને તેમાં બેઠેલા લોકોને લાકડી-દંડા વડે મારતા પણ જોવા મળે છે. વિડીયોમાં એક ખૂણામાં ભાંગેલી-તૂટેલી ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું કે, ‘હવે ક્યાંય ભાજપનો પ્રચાર સંભળાય તોપણ લોકો મારવા દોડે છે.’

    પ્રતીક ઇનામદાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આઇટી સેલ ટીમમાં કામ કરે છે. અગાઉ તેણે પોતાના ટ્વિટર પર આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથેની તસ્વીરો પણ પોસ્ટ કરી હતી.

    જોકે, આ વિડીયો ટ્વિટર પર ફરતો થયો ત્યારથી જ શંકાના દાયરામાં આવી ગયો હતો, કારણ કે તેમાં લોકો જે ભાષા બોલે છે એ ગુજરાતી નથી. આખરે, તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિડીયો ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળનો છે અને તેને મોરબીની દુર્ઘટના સાથે કંઈ લાગતું-વળગતું નથી. 

    આ ઘટનાનો સાચો વિડીયો પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ 6 ઓગસ્ટ 2022ના રોજ શૅર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે હૂગલીના TMC ધારાસભ્ય આસિત મજમુદાર અને તેમના સમર્થકોએ પ્રચાર કરતા ભાજપના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. તેમણે આ વિડીયો ટ્વિટ કરીને મમતા બેનર્જીના શાસન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. 

    આ વિડીયો જોઈને સ્પષ્ટપણે જણાઈ આવે છે કે AAP IT સેલે જે વિડીયો ફરતો કર્યો એ ગુજરાતના મોરબીનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળનો છે અને એ પણ બે મહિના જૂનો! ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી આ પ્રકારના વિડીયો શૅર કરીને મોરબી સાથે જોડીને મોરબીની દુર્ઘટનાનો ફાયદો મેળવવા માંગતી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગત 30 ઓક્ટોબરના રોજ મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થઇ ગયાં હતાં. 

    EWS અનામત પર કોંગ્રેસનો યુ-ટુર્ન: ગરીબ ઉચ્ચ જાતિના આરક્ષણ પર રાજનીતિ કરવાનું કર્યું શરૂ, અગાઉ SCના નિર્ણયનો શ્રેય પોતાને આપ્યો હતો

    થોડા દિવસો પહેલા, સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા EWS અનામત ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો હતો. કોંગ્રેસ નેતાઓ દ્વારા આનો શ્રેય પણ તેમની પાર્ટીને આપવામાં આવ્યો હતો. એ જ કોંગ્રેસ હવે આ નિર્ણયની સમીક્ષાના નામે સામે આવી છે.

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે EWS પર પાર્ટીના નવા સ્ટેન્ડનું સ્વાગત કર્યું છે. આ અંગે તેમણે ટ્વીટ કર્યું, “હું AICCના નિવેદનનું સ્વાગત કરું છું કે પાર્ટી આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા કરશે. નવી આરક્ષણમાંથી SC, ST અને OBCને બાકાત રાખવાથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.”

    આ અંગે દલીલ કરતાં ચિદમ્બરમે આગળ કહ્યું, “કારણ એ છે કે સિંઘો કમિશન મુજબ, SC, ST અને OBC ગરીબી રેખા નીચેની વસ્તીના 82 ટકા છે. ગરીબ એક વર્ગ છે. શું કાયદો 82 ટકા ગરીબોને બાકાત રાખી શકે? આ એક એવો પ્રશ્ન છે જે નિષ્પક્ષ તપાસને પાત્ર છે.”

    હકીકતમાં, દક્ષિણના બિન-ભાજપ શાસિત રાજ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજધાનીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી, જેમાં EWS આરક્ષણ સંબંધિત 103મા બંધારણીય સુધારાને ફગાવી દીધો હતો. આ બેઠકમાં કોંગ્રેસે પણ ભાગ લીધો હતો.

    સિંઘો કમિશન, જેના આધારે ચિદમ્બરમ હવે EWS ક્વોટા માટેના સમર્થનની સમીક્ષા કરવાની વાત કરી રહ્યા છે, કોંગ્રેસના સંચાર વડા જયરામ રમેશે આ નિર્ણયનો શ્રેય કોંગ્રેસને આપ્યો હતો. EWS ક્વોટા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા તેમણે કહ્યું હતું કે અનામત આપવાની પ્રક્રિયા મનમોહન સિંહ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

    જયરામે અનામત લાગુ કરવામાં વિલંબ માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે, “મનમોહન સિંહ સરકારે સિંઘો કમિશનની સ્થાપના કરીને આ પ્રક્રિયા (EWS ને અનામત આપવાની) શરૂઆત કરી હતી. આ પંચે જુલાઈ 2010માં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. આ પછી વ્યાપક પરામર્શ કરવામાં આવ્યું અને 2014 સુધીમાં બિલ તૈયાર થઈ ગયું. મોદી સરકારને આ બિલ લાગુ કરવામાં પાંચ વર્ષ લાગ્યા છે.”

    જાતિના આધારે વસ્તીગણતરીનું સમર્થન કરતાં જયરામે વધુમાં કહ્યું હતું કે, “અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સામાજિક આર્થિક અને જાતિની વસ્તી ગણતરી 2012 સુધીમાં પૂર્ણ થઈ હતી જ્યારે હું પોતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી હતો. મોદી સરકારે જાતિની વસ્તી ગણતરીને અપડેટ કરવા અંગે હજુ સુધી તેની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. કોંગ્રેસ પાર્ટી આ વસ્તી ગણતરીને સમર્થન આપે છે અને માંગ કરે છે.”

    અહીં જયરામનું આ નિવેદન પાર્ટીના સ્ટેન્ડની વિરુદ્ધ હતું. 2009 અને 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં કહ્યું હતું કે SC, ST અને OBC માટે વર્તમાન અનામતને કોઈ પણ સંજોગોમાં અસર થવા દેવામાં આવશે નહીં. આને અસર કર્યા વિના, તમામ સમુદાયો માટે EWS આરક્ષણ આપવામાં આવશે.

    જો કે, સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, EWS ક્વોટામાં તમામ જાતિઓનો સમાવેશ કરવા પર સહમતિ દર્શાવવામાં આવી હતી, અને તેના આધારે કોંગ્રેસ તેના અગાઉના નિવેદનથી પીછેહઠ કરી હતી. ઉત્તર ભારતમાંથી લગભગ લુપ્ત થઈ ગયેલી કોંગ્રેસને દક્ષિણ ભારતના બાકીના મતદારોની ચિંતા થવા લાગી. આ સાથે, રાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવી રહેલા મોદી વિરોધી વિરોધ મંચથી પોતાને અલગ રાખવાનું યોગ્ય માનવામાં આવતું નથી.

    આ પછી, શનિવારે (12 નવેમ્બર 2022) જયરામે સુપ્રીમ કોર્ટના નિર્ણયના સમર્થન પર પક્ષના વલણની સમીક્ષા કરવાની વાત કરી. નોંધનીય છે કે કોંગ્રેસે પણ EWS ક્વોટા માટે ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા બંધારણીય સુધારા બિલને સમર્થન આપ્યું હતું. હવે એ જ કોંગ્રેસ ફરી તેનો વિરોધ કરતી જોવા મળી રહી છે.

    BTPમાં પિતા-પુત્ર વચ્ચે ખેંચતાણ: ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા અપક્ષ ઉમેદવારી કરશે? ફોર્મ ભરવાનું એલાન

    ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે વિખવાદ હોય તેવી ચર્ચાઓ વચ્ચે હવે છોટુ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરવાનું એલાન કરી દીધું છે. મહત્વની વાત એ છે કે આ જ બેઠક પરથી તેમના પુત્ર અને BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 

    છોટુ વસાવાએ ટ્વિટ કરીને પોતે ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરશે તેવી જાણકારી આપી હતી. તેમણે આવતીકાલે (14 નવેમ્બર 2022) 152 ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવા જવાના હોવાનું કહીને કાર્યકર્તાઓને હાજર રહેવા માટે અપીલ કરી હતી. 

    છોટુ વસાવાએ એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે કે અપક્ષ ઉમેદવારી કરશે. કારણ કે BTP તરફથી અધિકારીક યાદી જાહેર કરીને ઝઘડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે પાર્ટી અધ્યક્ષ મહેશ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે છોટુ વસાવા અપક્ષ ઉમેદવારી કરી શકે છે અથવા જેડીયુ જેવી પાર્ટી પણ પકડી શકે. 

    હાલ ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા ધારાસભ્ય છે, જ્યારે તેમના મોટા પુત્ર મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી MLA છે. પરંતુ ડેડિયાપાડા પર આ વખતે સમીકરણો બદલાયાં છે. અહીં એક સમયના મહેશ વસાવાના સાથીદાર અને BTP નેતા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેના કારણે મહેશ વસાવા સુરક્ષિત બેઠકની શોધમાં હતા. 

    વિધાનસભા ચૂંટણી પહેલાં મહેશ વસાવાએ ડેડિયાપાડાને બદલે પિતાની ઝઘડિયા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ આનાકાની કર્યા બાદ પણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની રૂએ મહેશ વસાવાએ પોતાનું નામ ઝઘડિયા બેઠક પરથી જાહેર કરી દીધું હતું. 

    ત્યારબાદ છોટુ વસાવા સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી અને સોશિયલ મીડિયા ઉપર સતત ઝઘડિયા બેઠક પર છોટુભાઈના સમર્થનમાં કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું હતું. બીજી તરફ, છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ ગઈકાલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. 

    દિલીપ વસાવાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી BTP અધ્યક્ષ મહેશ વસાવા પર છોટુ વસાવાની અવગણના કરવાનો આક્ષેપ કરી તેના કારણે લડાઈમાં ભારે નુકસાન થઇ રહ્યું હોવાનું જણાવી પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. 

    હવે છોટુ વસાવા પણ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરવાના હોઈ જો મહેશ વસાવા પણ ચૂંટણી લડે તો એક જ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે યુદ્ધ જામશે અને પાર્ટીમાં પણ બે ભાગ પડવાની શક્યતા છે. 

    ‘ગુજરાતમાં અમદાવાદ સિવાય ક્યાંય ડિજિટલ પેમેન્ટ/UPI નથી ચાલતું’: રાજકોટ આવેલા નવભારત ટાઇમ્સના પત્રકારના દાવામાં કેટલું સત્ય? ફેક્ટ-ચેક

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બિગુલ વાગી ગયા હોવાથી હાલ ગુજરાતમાં દેશભરની સમાચાર ચેનલોના પત્રકારોનો જમાવડો લાગેલો છે. જેમાંથી મોટા ભાગના લોકો પોતાનું કામ એટલે કે ગુજરાત ચૂંટણીના સમાચારો કવર કરતા જોવા મળે છે, જયારે કેટલાંક પોતાની આદતોથી મજબુર થઈને કોઈકને કોઈક રીતે ગુજરાતની છબી ખરાબ કરવાના કુપ્રયત્નોમાં લાગેલા જોવા મળે છે. હાલમાં ગુજરાતમાં ડિજિટલ અને UPI પેમેન્ટના વિષયમાં એક પત્રકારે એવો દાવો કર્યો કે જે ગુજરાતીઓને તો ઠીક બહારના લોકોને પણ હજમ નથી થઇ રહ્યો.

    નવભારત ટાઇમ્સના પત્રકાર મિથિલેશ ધાર જે ટ્વીટર પર પોતાને ‘ભદોહી વાલા’ (Bhadohi Wallah) તરીકે ઓળખાવે છે, તેમની એક ટ્વીટ એક અલગ જ ચર્ચાને સ્થાન આપ્યું હતું.

    તેમણે ગુજરાત ચૂંટણીઓના રિપોર્ટિંગ માટે ગુજરાત આવતા પત્રકારોને ચેતવણી આપતા લખ્યું હતું, “ગુજરાત રિપોર્ટિંગ પર આવતા સાથી પત્રકારો માટે ચેતવણી/સૂચન. પૂરતી રોકડ લઈને જાઓ. અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં ગુગલ પે, ફોન પે, પેટીએમ વગેરે દ્વારા ચુકવણીની સુવિધા નહિવત છે. કાર્ડ પેમેન્ટની સુવિધા પણ ઘણી ઓછી છે.”

    મિથિલેશે આ રીતની ટ્વીટ કર્યા બાદ અભિયાન મેગેઝીનના રિપોર્ટર અર્જવ પારેખે તેમને ટોકતાં લખ્યું કે, “આ બિલકુલ ખોટું છે. ગુજરાતના શહેરોમાં અને ગામડાઓ પણ ડિજિટલ પેમેન્ટ પહોંચી ગયું છે. અમે ગુજરાતમાં રહીએ છીએ, અમે જાણીએ છીએ.”

    જેના જવાબમાં નવભારત ટાઈમ્સના પત્રકાર લાજવાની જગ્યાએ ગાજ્યા અને વધુ એક દાવો કરતા લખી દીધું કે, “હું રાજકોટમાં છું. ગુજરાતની કોઈ પણ હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા હોય તો જણાવો. અમદાવાદથી રાજકોટ તરફ જોયું. આ માત્ર એક ઉદાહરણ છે. યુપી બિહારમાં નાના થેલાવાળા પણ ઓનલાઈન પેમેન્ટ લે છે.”

    એક પત્રકાર અને એક ગુજરાતી તરીકે હું પણ જાણું છું કે મિથિલેશના આ દાવા ખોટા છે તેમ છતાંય અમે, ઑપઇન્ડિયાએ, ગુજરાતની છબીને ધ્રુમિલ કરતા આ પ્રત્યક્ષનું ફેક્ટ ચેક કરવાનું વિચાર્યું.

    ઑપઇન્ડિયાનું જમીની ફેક્ટ-ચેક

    ઑપઇન્ડિયા દ્વારા રાજકોટમાં રહેતા એક સ્થાનિક સૂત્ર રામસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો. પહેલા તો કોલ પર આ દાવાનું સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો, તો ઝાલાએ જણાવ્યું કે “આ દવામાં બિલકુલ દમ નથી. અહીંયા હોટેલો જ નહિ નાના નાના લારી ગલ્લાઓ પર પણ ડિજિટલ પેમેન્ટનો ઓપશન વર્ષોથી ચાલુ જ છે.”

    રામસિંહભાઈએ સામેથી ઑપઇન્ડિયા પાસે 10 મિનિટનો સમય માંગ્યો અને કહ્યું કે, “હું હાલ જ જાતે જ નજીકના કોઈ ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં જઈને આપના સંતોષ ખાતર તાપસ કરું છું અને જે સત્ય હશે એ અપને જાણવું છું.”

    થોડા સમય બાદ રામસિંહ ઝાલા રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટના આઉટલેટ પર પહોંચ્યા અને ત્યાંથી અમને વિડીયોકોલ કરીને પ્રત્યક્ષ રીતે બતાવ્યું કે ત્યાં ડિજિટલ અને UPI પેમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે.

    ઑપઇન્ડિયાએ તે ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કર્મચારી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ જ નહિ પણ ગુજરાત જ નહીં દેશભરના દરેક ઓનેસ્ટ આઉટલેટ પર ડિજિટલ અને UPI પેમેન્ટની સુવિધા ઘણા વર્ષોથી ઉપલબ્ધ છે. તેમણે આગળ જણાવ્યું કે, “હા ક્યારેક એવું બની શકે કે કોઈ ટેક્નિકલ કારણોસર એ સુવિધા ટેમ્પરરી ઉપલબ્ધ ના હોય, પણ તેવું પણ વર્ષમાં એકાદ બે વાર એ પણ કલાક બે કલાક માટે જ બનતું હોય છે.”

    ગુજરાતીઓ જ નહિ બધાએ સાથે મળીને ટ્વીટર પર આ ખોટા દાવાનો છેદ ઉડાડ્યો

    ટ્વીટર પર નવભારત ટાઇમ્સના પત્રકારના આ ધડમાથા વગરના દાવા સામે ગુજરાતીઓમાં ખુબ રોષ જોવા મળ્યો હતો. લોકોએ તેમની ટ્વીટના જવાબમાં તેમને ખોટા અનેક પાડતા અનેક પુરાવાઓ પણ આપ્યા હતા.

    ટ્વીટર પર સુજીત હિન્દુસ્તાની તરીકે ઓળખાતા આરટીઆઈકર્તાએ તેના જવાબમાં અમદાવાદ મહેસાણા હાઇવે પરના એક ગામ આગળ શેરડીના રસની રેંકડીનો ફોટો મુક્યો હતો જ્યાં પણ ડિજિટલ અને UPI પેમેન્ટ સ્વીકારવાં આવે છે અને લખ્યું હતું કે, “મહેરવાની કરીને જૂઠ ન ફેલાવશો. અહીંયા નાના નાના લોકો પણ ડિજિટલ પેમેન્ટ વાપરી રહ્યા છે.”

    અન્ય એક ટ્વીટર યુઝર @Aalapshukla એ લખ્યું કે, “હું અમદાવાદમાં રહું છું. મારે જામનગરથી દમણ પાલનપુર જવાનું છે અને હું મારા ખિસ્સામાં માત્ર 2000ની બે નોટો લઈને કારમાંથી નીકળું છું. તે બે નોટો ક્યાંય બહાર કાઢવાની જરૂર નથી, માત્ર મોબાઈલ UPI દ્વારા જ પેમેન્ટ કરવામાં આવે છે.”

    @Jaypal551983 એ લખ્યું કે, “આ ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરો ડિજિટલ પેમેન્ટની સુવિધા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ છે ખોટી અને અધૂરી માહિતી ફેલાવવાનું બંધ કરો.”

    લોકોમાં આ જુઠા દવાના કારણે ગુસ્સો પણ ઓછો નહોતો. @Jagdish96068228 નામના યુઝરે તો મિથિલેશને ચેતવણી આપતા લખી દીધું કે, “હવે તમારા સડેલા ચહેરા પર માસ્ક પહેરીને જ ગુજરાતમાં ફરજો, નહીંતર ગુજરાતીઓ મોઢા પર થપ્પડ મારશે, સાલા જૂઠ્ઠાઓ.”

    @i_m_prapti એ મિથિલેશની ટ્વીટ પર જ એક એક પોળ મૂકીને લોકોને પીછયું હતું કે શું ગુજરાતમાં બધે જ ડિજિટલ પેમેન્ટ ઉપલબ્ધ છે કે નહીં. જેમાં હમણાં સુધી 311 લોકોએ પોતાનો માટે આપ્યો હતો જેમાંથી 94% લોકોનું માનવું છે કે ગુજરાતમાં બધે જ ડિજિટલ અને UPI પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.

    @just_hu02 નામના યુઝરે કટાક્ષના સ્વરમાં લખ્યું હતું કે, “ખોટા સમાચાર ફેલાવનાર પત્રકારને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે. તેની સોશિયલ મીડિયા આઈડી પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવી જોઈએ.”

    આમ, ઑપઇન્ડિયાની તપાસમાં એ સત્ય સામે આવે છે કે નવભારત ટાઇમ્સના પત્રકાર મિથિલેશ ધાર દ્વારા કરવામાં આવેલ ગુજરાતમાં ડિજિટલ અને UPI પેમેન્ટ વિશેનો દાવો માત્ર ભ્રામક જ નહિ તદ્દન ખોટો છે. જે માત્ર ચૂંટણીને ગુજરાતની છબી ખરાબ કરવાનો એક કુપ્રયાસ માત્ર છે.

    અભૂતપૂર્વ 66% મતદાન, 412 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ: વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક પર 100% મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

    શનિવારે (12 નવેમ્બર 2022), હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ વખતે 412 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જેમાં 22 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે જેનો નિર્ણય 8મી ડિસેમ્બરે થશે.

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં કુલ 66.09% મતદારોએ મતદાન કર્યું છે. જો આપણે જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ, તો લાહૌલ-સ્પીતિમાં સૌથી વધુ 62.75 ટકા અને ચંબા જિલ્લામાં સૌથી ઓછું 46 ટકા મતદાન નોંધાયું છે.

    અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બિલાસપુરમાં 54.14 ટકા, હમીરપુરમાં 55.60 ટકા, કાંગડામાં 54.21 ટકા, કિન્નૌરમાં 55.30 ટકા, કુલ્લુમાં 58.88 ટકા, મંડીમાં 56.90 ટકા, શિમલામાં 55.55 ટકા, સિમલામાં 60.38 ટકા, 45 ટકા. અને ઉના જિલ્લામાં 58.11 ટકા મતદાન થયું છે.

    હિમાચલ પ્રદેશમાં વિશ્વનું સૌથી ઉંચુ મતદાન મથક (પોલીંગ બૂથ) પણ છે. જ્યાં 100 ટકા મતદાન કરીને ઈતિહાસ રચાયો છે. વાસ્તવમાં, તાશિગાંગમાં કુલ 52 મતદારો છે અને બધાએ પોતાનો મત આપ્યો છે.

    નોંધનીય છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભા માટે 1977માં યોજાયેલી ચૂંટણી બાદથી અત્યાર સુધી એક જ પાર્ટીની સરકાર સતત બે વખત બની નથી. એટલે કે રાજ્યની જનતાએ કોઈને બીજી તક આપી નથી. જો કે આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા જે ઓપિનિયન પોલ બહાર આવ્યા છે તે જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની શકે છે. ભાજપ પણ આવો જ દાવો કરતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ દાવો કરે છે કે તેમની પાર્ટી સત્તામાં આવી રહી છે. ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપે ફરી દરકાર બનાવવાનો વિશ્વાસ જતાવ્યો હતો જયારે કોંગ્રેસે પરિવર્તનની આશા બનાવી રાખી છે.

    કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ: આતંકવાદીઓએ હવે ઉત્તર પ્રદેશના બે કામદારોને ગોળી મારી, TRF એ હુમલાની જવાબદારી લીધી

    લઘુમતીઓ અને અન્ય રાજ્યોના કામદારોને નિશાન બનાવવાનું તેમનું કાવતરું ચાલુ રાખીને, આતંકવાદીઓએ શનિવારે દક્ષિણ કાશ્મીરના બિજબેહરા, અનંતનાગમાં ઉત્તર પ્રદેશના બે કામદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    ઇજાગ્રસ્તોમાં છોટા પ્રસાદ (30) પુત્ર નથોની પ્રસાદને પેટમાં અને ગોવિંદ પુત્ર ભીમના નિતંબમાં ગોળી વાગી હતી. બંને ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના રહેવાસી છે. છેલ્લા 10 દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં અન્ય રાજ્યોના કામદારો પર આ બીજો આતંકવાદી હુમલો છે. આ પહેલા 3 નવેમ્બરના રોજ અનંતનાગમાં એક ખાનગી શાળા પાસે, બિહાર અને નેપાળના બે મજૂરો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ, ગત શનિવારે રાત્રે આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના બિજબેહરા પાસે રખ્ખ મોમીન વિસ્તારમાં નજીકથી ઉત્તર પ્રદેશના બે કામદારો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં બંને કામદારો ઘાયલ થઈને જમીન પર પટકાયા હતા. તે મરી ગયા હોવાનું સમજીને આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષાકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    બંને ઘાયલ કામદારોને તેમના સાથીદારો સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે અનંતનાગની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.ઈકબાલના જણાવ્યા અનુસાર બંને કામદારોની હાલત સ્થિર છે.

    બિજબેહરાના SDPOએ જણાવ્યું કે હુમલાખોર આતંકવાદીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. કેટલીક મહત્વપૂર્ણ કડીઓ એકત્રિત કરવામાં આવી છે. હુમલા સમયે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં કાર્યરત તોફાની અને શંકાસ્પદ તત્વોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

    હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે આર્મી અને સીઆરપીએફના જવાનોની સાથે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીઓની પુષ્ટિ કરી નથી, પરંતુ આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ ઇન્ટરનેટ મીડિયા પર હુમલાની જવાબદારી લીધી છે.

    હોસ્ટેલના વિદ્યાર્થીને માર માર્યો, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા: હૈદરાબાદની ઘટના, વિડીયો વાયરલ

    હૈદરાબાદ સ્થિત એક કોલેજની હોસ્ટેલમાં હિંદુ વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓએ મારપીટ કરીને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવા માટે મજબુર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિદ્યાર્થીનું નામ હિમાંક બંસલ હોવાનું અહેવાલો જણાવે છે. 

    આ ઘટના હૈદરાબાદ સ્થિત ‘ICFAI ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશન’ની હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં હિમાંક બંસલને અન્ય વિદ્યાર્થીઓ બહુ ખરાબ રીતે મારતા જોવા મળે છે. તેઓ તેને બેડ પરથી નીચે પણ પાડી નાંખે છે. આ ઘટના બાદ હિમાંકે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. 

    ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, BA-LLBના પહેલા વર્ષમાં ભણતી તેની મિત્ર દિપાશા શર્માએ તેને તેનાથી સાડા ત્રણ વર્ષ નાની છોકરી સાથે મિત્રતા કરવા બદલ ‘પિડોફાઇલ’ (બાળકો પ્રત્યે આકર્ષિત થતો હોય તેવો વ્યક્તિ) ગણાવ્યો હતો. હિમાંકે જવાબમાં કહ્યું કે તેનો તે છોકરી સાથે કોઈ શારીરિક સબંધો બાંધવાનો ઈરાદો નથી અને તે પોતે ખોટો નથી તે સાબિત કરવા માટે ઇસ્લામી ગ્રંથોનો સંદર્ભ આપ્યો હતો. આ મેસેજ તેની મિત્રે કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં પણ શૅર કરી દીધો હતો. 

    હૈદરાબાદ પોલીસને આપેલ ફરિયાદમાં બંસલ આગળ જણાવે છે કે, આ ઘટના પછી 15 થી 20 છોકરાઓ તેની હોસ્ટેલમાં રૂમમાં ધસી આવ્યા હતા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કહીને મારપીટ કરવા માંડ્યા હતા. ત્યારબાદ તેમણે તેને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવા માટે કહ્યું હતું અને તેના પરિજનોને પણ ધમકી આપી હતી. એટલું જ નહીં, પરંતુ તેને નિર્વસ્ત્ર કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેણે ઇનકાર કરતાં વધુ માર મારવામાં આવ્યો હતો. 

    પીડિત હિમાંકે ફરિયાદમાં આરોપીઓનાં નામો પણ લખ્યાં છે તેમજ ઘટનાના વિડીયો અને ફોટોગ્રાફ પણ પોલીસને જમા કરાવ્યા છે. ત્યારબાદ સાયબરાબાદ પોલીસે ફરિયાદના આધારે શુક્રવારે (11 નવેમ્બર 2022) આઇપીસીની કલમ 307, 342, 450, 323, 506, R/W 149 અને રેગિંગ એક્ટની કલમ 4 (1), (2) અને (3) હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. 

    પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે, બીજી તરફ શૈક્ષણિક સંસ્થાએ પણ આ મામલે જવાબદારો તમામ સામે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

    એમ્બ્યુલન્સ ન મળતાં દંપતી બીમાર પુત્રને પેડલ લારીમાં લઇને હોસ્પિટલ પહોંચ્યું, ડોક્ટરોએ કહ્યું- એમ્બ્યુલન્સ VIP ડ્યુટી પર હતી: પંજાબની ‘આપ’ સરકાર સવાલોના ઘેરામાં

    પંજાબ રાજ્યની આમ આદમી પાર્ટીની સરકાર ફરી એક વખત સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને સવાલોના કઠેડામાં ઉભી છે. અહીં એક સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષીય યુવકને અન્ય હોસ્પિટલમાં રિફર તો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ જ મળી શકી ન હતી. યુવકની ગંભીર હાલત જોઈને મજબુર માતા-પિતા પેડલ લારી પર લઇ જતા જોવા મળ્યા હતા. 

    આ ઘટના પંજાબના ડેરાબસ્સીની છે. અહીં રહેતા અબ્દુલ વાહીદના 20 વર્ષીય પુત્રને તાવ આવતાં ઝીરકપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં કોઈ રાહત ન મળતાં ડેરાબસ્સી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ આરોપ છે કે અહીં પણ ડોક્ટરોએ સરખું ધ્યાન ન આપ્યું અને તેની તબિયત વધુ બગડી હતી. તેના પ્લેટલેટ્સ સતત ઘટી રહ્યા હતા અને 20 હજાર સુધી પહોંચી ગયા હતા. સામાન્ય માણસમાં આ પ્લેટલેટ્સની સંખ્યા દોઢ લાખથી 4 લાખ સુધીની હોય છે. 

    યુવકના પિતાએ જણાવ્યું કે, ડોક્ટરોએ તબિયતમાં સુધારો ન થવા પર તેને ચંદીગઢ રેફર કરી દીધો હતો. પરંતુ ત્યાંથી તેમના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને ઉપરથી કહેવામાં આવ્યું કે, તેઓ જાતે જ તેની વ્યવસ્થા કરી લે. ત્યારબાદ તેમણે 108 પર પણ ફોન કર્યો, પરંતુ કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું ન હતું. 

    ત્યારબાદ તેમણે પુત્રની તબિયત લથડતી જોઈને પેડલ લારી દ્વારા ચંદીગઢ લઇ જવાનો નિર્ણય લીધો હતો. પિતાએ લારી હાંકી જ્યારે મારા ગ્લુકોઝની બોટલ લઈને બેસી ગઈ હતી અને ચંદીગઢ પહોંચ્યા હતા. જ્યાં હાલ યુવકની સારવાર ચાલી રહી છે. 

    આ અંગે ડેરાબસ્સીની સિવિલ હોસ્પિટલના એસએમઓ ડૉ. ધરમિન્દર સિંહને પૂછવામાં આવતાં તેમણે વિચિત્ર કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સ છે, જેમાંથી એક વીઆઈપી ડ્યુટી પર હતી અને બીજી એક દર્દીને લઈને ચંદીગઢ હોસ્પિટલ ગઈ હતી. એમ્બ્યુલન્સ ફ્રી ન હોવાના કારણે તેમને પોતાની વ્યવસ્થા જાતે જ કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

    મોહાલી સિવિલ સર્જન ડૉ. આદર્શપાલ કૌરે કહ્યું હતું કે, ડોક્ટરો દર્દીઓને મદદ કરવા માટે તમામ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. અમે મામલાની તપાસ કરીશું અને આ પ્રકારની ઘટના ફરી ન બને તેની તકેદારી રાખીશું.

    દર્દીને એમ્બ્યુલન્સ ન મળતાં માતાપિતા બીમાર પુત્રને પેડલ લારી પર લઇ જતા સમાચાર પોસ્ટ કરીને ભાજપ નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર પર ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું હતું. 

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને આરોગ્યની વાતો કરતી રહે છે, પરંતુ હવે પંજાબમાં છ મહિનાથી તેમની જ સરકાર છે ત્યારે આ પ્રકારની બેદરકારી ઘણા સવાલ ઉભા કરે છે. 

    ‘નરેન્દ્ર મોદીને તેમની ઔકાત બતાવીશું’: કોંગ્રેસ નેતાની વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી, ભાજપનો વળતો પ્રહાર; PM મોદીએ કહ્યું- હું રોજ બે કિલો ગાળો ખાઉં છું

    કોંગ્રેસે આજે ગુજરાત ચૂંટણી માટે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. અમદાવાદથી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમજ રાજસ્થાનના સીએમ અને ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. દરમ્યાન, એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદી વિશે અપમાજનક ટિપ્પણી કરી હતી. 

    કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં સરકાર બને તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ સ્ટેડિયમ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ન્યૂઝ ચેનલ ABP ન્યૂઝના પત્રકારે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રી સાથે આ મુદ્દાને લઈને વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આ નરેન્દ્ર મોદીની ઔકાત બતાવશે. 

    કોંગ્રેસ નેતાએ કહ્યું, “તમે મને પૂછો તો હું કહીશ કે આ નરેન્દ્ર મોદીની ઔકાત બતાવશે. નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર પટેલ સાથે કરી શકાય નહીં.” 

    બીજી તરફ, તેલંગાણામાં સભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મારા કાર્યકર્તાઓને વ્યક્તિગત વિનંતી કરું છું. કેટલાક લોકો નિરાશા, હતાશા, ભય અને અંધવિશ્વાસના કારણે સવાર-સાંજ મોદીને ગાળો આપતા રહે છે, જુદી-જુદી ગાળો આપતા રહે છે. મોદીને ગાળો આપવા માટે ડિક્ષનરી ખપાવી દીધી છે. પરંતુ તમે આવી બાબતોથી પરેશાન થશો નહીં કારણ કે તેમની પાસે બીજું કશું બચ્યું નથી.” 

    પીએમ મોદીએ ઉમેર્યું કે, “હું તો છેલ્લાં 20-22 વર્ષથી જુદી-જુદી ગાળો ખાઈ ચૂક્યો છું. મને લોકો પૂછે છે કે તમે થાકતા કેમ નથી? હું તેમને સમજવું છું કે, હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું. પરમાત્માએ મારી અંદર એવી રચના કરી છે, ઈશ્વરે એવા આશીર્વાદ આપ્યા છે કે આ તમામ ગાળો મારી અંદર પ્રોએસ થઇને ન્યુટ્રીશનમાં બદલાઈ જાય છે. એક સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.”

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પણ પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી મામલે મધુસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. આજે અમદાવાદ આવેલા ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, કોંગ્રેસે પીએમ મોદી સામે નિંદનીય ટિપ્પણી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કોઈ નવી વાત નથી, થોડા મહિના પહેલાં એક કોંગ્રેસ નેતા પીએમ મોદી માટે મૃત્યુની પ્રાર્થના કરી ચૂક્યા છે. સુધાંશુ ત્રિવેદીએ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પીએમ મોદી સામે કરવામાં આવેલ ‘મૌત કા સોદાગર’ની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.  

    ‘આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?’: મમતા બેનર્જીના મંત્રીની અપમાનજનક ટિપ્પણી, રાષ્ટ્રપતિનાં રંગ-રૂપની ઉડાવી મજાક, વિડીયો વાયરલ

    પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના (TMC) એક નેતા અને મમતા બેનર્જી સરકારના મંત્રીનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે ટિપ્પણી કરતો વિડીયો ગઈકાલ (11 નવેમ્બર 2022)થી વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તેઓ ‘આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?’ એમ કહીને તેમના રંગરૂપ પર ટિપ્પણી કરતા સાંભળવા મળે છે. 

    ન્યૂઝ એજન્સી ANIએ તૃણમૂલ કોંગ્રેસના આ નેતા અખિલ ગિરીનો વિડીયો ટ્વિટ કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, “આપણે કોઈને પણ તેમના દેખાવથી આંકતા નથી, રાષ્ટ્રપતિના પદનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?” આ સાંભળ્યા બાદ આસપાસ ઉભેલા લોકો જોરજોરથી હસવા અને તાળીઓ પાડવા માંડે છે. 

    આ વિડીયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ટીએમસી પર નિશાન સાધ્યું છે અને વિવાદિત ટિપ્પણી કરનાર નેતાની ધરપકડની માંગ કરી છે. ભાજપે દાવો કરતાં એમ પણ કહ્યું કે, અખિલ ગિરી રાષ્ટ્રપતિ સામે આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી સરકારની મહિલા કલ્યાણ વિભાગનાં મંત્રી શશિ પંકા પણ ત્યાં હાજર હતાં. 

    બીજી તરફ, ભાજપ સાંસદ સૌમિત્ર ખાને રાષ્ટ્રીય મહિલા આયોગને એક પત્ર લખીને TMC નેતા અખિલ ગિરીની ધરપકડની માંગ કરી છે અને તેમને ધારાસભ્ય પદેથી બરખાસ્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નિંદનીય છે અને મમતા બેનર્જીએ આવા નેતાને તાત્કાલિક બરખાસ્ત કરીને આ પ્રકારની ટિપ્પણીઓ માટે દેશની માફી માંગવી જોઈએ. 

    જોકે, ભારે વિરોધ થયા બાદ મમતાના મંત્રીએ માફી માંગવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિનું સન્માન કરે છે અને જો તેમને અપમાનજનક લાગ્યું હોય તો માફી માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે જે કહ્યું તેનો તેમને ખેદ છે. 

    તેમણે કહ્યું, “મેં પદનો ઉલ્લેખ કર્યો અને સુવેન્દુ અધિકારીને જવાબ આપવા માટે સરખામણી કરી હતી. મેં કોઈનું નામ નથી લીધું. તેમણે કહ્યું હતું કે, અખિલ ગિરી ખરાબ દેખાય છે. હું મંત્રી છું અને શપથ લીધા છે. જો મારી સામે કંઈક કહેવામાં આવે તો એ બંધારણનું અપમાન છે.”