Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ કોંગ્રેસમાં ભડકો, ડભોઇમાં 500 કાર્યકરોએ પાર્ટી...

    ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ કોંગ્રેસમાં ભડકો, ડભોઇમાં 500 કાર્યકરોએ પાર્ટી છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો: એક અઠવાડિયામાં 3 MLA છોડી ચૂક્યા છે પાર્ટી

    ડભોઇ બેઠક પરથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલનું નામ ચાલી રહ્યું છે. પરંતુ તેમનાથી નારાજ થઈને કેટલાક કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. એક તરફ પાર્ટીમાંથી ધારાસભ્યોનાં રાજીનામાં ચાલુ જ છે ત્યાં ટિકિટની ફાળવણી બાદ સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી અને રોષ જોવા મળી રહ્યા છે. દરમ્યાન, વડોદરાની ડભોઇ બેઠક પર કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 

    ડભોઇ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલનું નામ ચાલી રહ્યું છે. પરંતુ તેમનાથી નારાજ થઈને કેટલાક કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

    આજે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી આ તમામ કાર્યકરો વિધિવત પાર્ટીમાં જોડાયા હતા. જેમાં શનોર ગામના સરપંચ રાકેશસિંહ અંબાલિયા સહિત રાજપૂત-ઠાકોર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ડભોઇ વિધાનસભા બેઠક પરથી શૈલેષ મહેતાને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. પરંતુ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ જેમના નામની ચર્ચા ચાલતી હતી તેનાથી નારાજ થઈને 500 કાર્યકરો ભાજપમાં ચાલ્યા ગયા છે. 

    હાલ સામી ચૂંટણીએ પક્ષપલટાનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. તેમાં કોંગ્રેસ માટે ‘દુકાળમાં અધિક માસ’ જેવું થયું છે. છેલ્લી ઘડીએ પાર્ટીના ત્રણેક ધારાસભ્યો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતાં કોંગ્રેસ વધુ નબળી પડી છે. 

    થોડા દિવસો પહેલાં છોટાઉદેપુરના કોંગ્રેસી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ 10 ટર્મથી ધારાસભ્ય હતા. પાર્ટીના મોટા નેતાના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. 

    ત્યારબાદ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. 

    આ ઉપરાંત, ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પણ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈ, બીજા દિવસે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. આ ઉપરાંત, વિસાવદરના MLA હર્ષદ રિબડીયાએ પણ તાજેતરમાં જ પાર્ટી છોડી હતી. તેમને ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં