Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી કેસ: વિવાદિત માળખામાંથી મળી આવેલ શિવલિંગ સુરક્ષિત રાખવાનો આદેશ સુપ્રીમ કોર્ટે...

    જ્ઞાનવાપી કેસ: વિવાદિત માળખામાંથી મળી આવેલ શિવલિંગ સુરક્ષિત રાખવાનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો; ASI સરવે મામલે સુનાવણી ટળી

    સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશની મુદત પૂર્ણ થતી હોઈ હિંદુ પક્ષ તરફથી ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી હતી.

    - Advertisement -

    જ્ઞાનવાપી કેસ મામલે સુનાવણી કરતી કોર્ટે વિવાદિત માળખામાંથી મળી આવેલા શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ 12 નવેમ્બર સુધી શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, અલાહાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે કરવાની માંગ પર સુનાવણી 28 તારીખ સુધી ટાળી દીધી છે. 

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્ય કાન્ત અને પીએસ નરસિમ્હાની ખંડપીઠે મામલાની સુનાવણી હાથ ધરી જે સ્થળેથી શિવલિંગ મળી આવ્યું છે તેની સુરક્ષા કરવાના વચગાળાના આદેશની મુદત લંબાવી દીધી હતી. ગત 17 મેના રોજ કોર્ટે શિવલિંગની સુરક્ષાનો આદેશ આપ્યો હતો. 

    ગત ગુરુવારે (10 નવેમ્બર 2022) હિંદુ પક્ષેથી વકીલ વિષ્ણુ શંકર જૈને સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા માટે અરજી કરી હતી. કારણ કે કોર્ટના અગાઉના આદેશની મુદત 12 નવેમ્બરના રોજ પૂર્ણ થનાર હતી. ત્યારબાદ કોર્ટે સુનાવણી મુકરર કરી હતી. 

    - Advertisement -

    કોર્ટ જ્ઞાનવાપીનું સંચાલન કરતી અંજુમન ઇંતેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા વારાણસીની સિવિલ કોર્ટના સરવેના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને જિલ્લા કોર્ટ સમક્ષ જઈ દલીલો રજૂ કરવાની છૂટ આપી છે. જેથી હવે અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવે કે કેમ તે અંગે જિલ્લા ન્યાયાધીશ નિર્ણય કરશે. સાથે હિંદુ પક્ષને જવાબ રજૂ કરવા 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

    વારાણસીની જિલ્લા કોર્ટે વિવાદિત પરિસરનો ASI સરવે કરાવવાના આદેશ આપ્યા હતા. આ આદેશ સામે મસ્જિદ સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે અલાહાબાદ હાઇકોર્ટે નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. હવે આ મામલે સિંગલ બેન્ચે સુનાવણી કરીને આગળની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. 

    બીજી તરફ, શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 2 નવેમ્બરના રોજ સુનાવણીમાં હિંદુ પક્ષની અરજી પર મુસ્લિમ પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે  જ્ઞાનવાપી મસ્જિદના બાકીના હિસ્સા ખોલીને એડવોકેટ કમિશનની કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે હિંદુ પક્ષે પણ પોતાનો જવાબ દાખલ કર્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં