‘મહિલાઓનું ઘરમાંથી બહાર નીકળવું હિતાવહ નથી. તેનાથી સમાજમાં વિનાશ સર્જાઈ શકે છે. જેમ સોનાના હારને બોક્સમાં મૂકવામાં આવે એમ મહિલાઓનું પણ ઘરમાં જ રહેવું જરૂરી છે. ઇસ્લામમાં એટલે જ પડદા પ્રથા છે. કુરાનમાં પણ આ કહેવામાં આવ્યું છે.’
‘ગ્રાન્ડ મુફ્તી’નું ટાઇટલ ધરાવતા કેરલમના શેખ અબુબકર અહમદે હમણાં કોચીમાં આયોજિત એક ઇસ્લામિક કૉન્ફરન્સમાં આ વાત કહી.
Meet 95-year-old Kanthapuram A. P. Aboobacker Musliyar, from Keralam :
— Facts (@BefittingFacts) August 31, 2026
• He is the Grand Mufti of India, and also the General secretary of both the All-India Sunni Jamiyyathul Ulama and the Samastha Kerala Jem-iyyathul Ulama.
• While speaking at an Islamic conference, he…
મુફ્તીની આ વાતનો વિડીયો પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને હવે તેમની મહિલાઓ વિશેની ટિપ્પણીઓની હેડલાઈનો પણ બની રહી છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં તો થોડીઘણી ચર્ચા છે, પણ આખી એક ટોળકી હવે શાંત થઈ ગઈ છે જે હમણાં ગયા અઠવાડિયા સુધી ‘મનુસ્મૃતિ’ને ટાંકીને હિંદુઓને જ્ઞાન આપતી હતી.
આ ટોળકીના સરગના રાહુલ ગાંધીએ હમણાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણની વાતો કરવા માટે મનુસ્મૃતિને ભાંડવાનું ચાલુ કર્યું. રાહુલે કહ્યું કે આ પિતૃસત્તાક માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. મનુસ્મૃતિમાં લખ્યા અનુસાર મહિલાઓ કોઈના નિયંત્રણ હેઠળ ન જીવી શકે પરંતુ તેઓ સ્વતંત્ર છે.
ત્યારપછી રાહુલ ગાંધીએ ‘સ્મેશ ધ પેટ્રિયાર્કી’ શબ્દ વાપર્યો, જે પછીથી કોંગ્રેસના કેમ્પેઈનમાં ફેરવાઇ ગયો. કોંગ્રેસ નેતાએ મહિલાઓને કહ્યું કે તેઓ પિતૃસત્તાક માનસિકતાને તોડીને બહાર આવે અને તેમની સ્વતંત્રતામાં બાધારૂપ બનતી રૂઢિવાદી બાબતો નકારી દે.
રાહુલ ગાંધીની રાજકીય સમજણ બહુ સીમિત છે. તેઓ એટલું જ બોલે છે અને એ જ કરે છે જે તેમના રાજકીય સલાહકારો તેમને કહે છે. સલાહકારો રાજ્યસભાની સીટની લ્હાયમાં રાહુલ ગાંધીને પ્રેક્ટિકલ જ્ઞાન ઓછું અને રાહુલના નાના મગજમાં સાંભળીને ઉત્સાહ ભરી દે એવી સલાહ વધારે આપે છે. રાહુલ ગાંધી પછીથી બહુ વિચાર્યા વગર એ કામ કરી નાખે છે. પરિણામોની ચિંતા કરવાની તેમને પહેલેથી આદત નથી.
આ આખા કેમ્પેઈન પાછળ અને મનુસ્મૃતિ પાછળ સ્પષ્ટ અને સીધો આશય રાજકીય છે. મનુસ્મૃતિને ટાર્ગેટ કરવાથી હિંદુ સમાજને પણ સરળતાથી વહેંચી શકાય છે. રાજકીય રીતે સમાજ વહેંચાય એટલે મત વહેંચાય છે. બીજી તરફ ‘પેટ્રિયાર્કી’ની વાતો કરીને જેન-ઝી મતો આકર્ષી શકાય છે.
આ જ ક્રમમાં રાહુલ ગાંધીએ હમણાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ પછી શુદ્ધિકરણ હવન કરવાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રશ્ન એ પણ છે કે કાર્યક્રમ થયોને પંદર દિવસ કરતાં વધુ સમય થઈ ગયો હતો, તો રાહુલ ગાંધીને છેક હમણાં કેમ યાદ આવ્યું? અહીં એ જ વાત આવે છે, રાહુલ ગાંધીને કશું યાદ આવતું નથી, બધું સલાહો પર ચાલે છે. રાજકીય નફા-નુકસાન જોઈને કામો થાય છે. આ પ્રકરણમાં તો જોકે રાહુલ ગાંધી વિરુદ્ધ જ FIR થઈ ગઈ છે!
મુફ્તીની ટિપ્પણી પર ક્યારે બોલશે રાહુલ એન્ડ ગેંગ?
મૂળ વાત એ છે કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ કે આ આખી ઇકોસિસ્ટમને ન સ્ત્રી સશક્તિકરણમાં રસ છે ન મહિલાઓ કે ફોર ધેટ મેટર સમાજના કોઈ પણ વર્ગને આગળ વધારવામાં. તેમને આવાં બધાં નાટકો કરીને મત મેળવવામાં માત્ર રસ છે. કારણ કે જો આનાથી વિપરીત હોત તો તેઓ મુફ્તીની ટિપ્પણીઓ પર પણ બે શબ્દો બોલ્યા હોત!
ગ્રાન્ડ મુફ્તીની ટિપ્પણીઓ પર ઇકોસિસ્ટમ ચૂપ થઈને બેસી ગઈ છે. રાહુલ ગાંધીની બોલવાની હિંમત ચાલી નથી. ન તેમની ટોળકીમાંથી કોઈ ‘પેટ્રિયાર્કી સ્મેશ’ કરવાની વાત કરી રહ્યું છે. કોઈ કહી રહ્યું નથી કે મુસ્લિમ મહિલાઓએ પિતૃસત્તાક માનસિકતા છોડીને, રૂઢિઓને તોડીને, પિંજરામાંથી મુક્ત થઈને સ્વતંત્રપણે જીવવું જોઈએ.
સ્ત્રી સશક્તિકરણની જ વાત હોય તો તેમાં મત-મજહબ વચ્ચે ન આવે. એ હિંદુ મહિલા માટે પણ એટલું જ લાગુ પડે, મુસ્લિમ માટે પણ અને ખ્રિસ્તી કે પારસી માટે પણ. પરંતુ હિંદુ ધર્મથી આગળ વધીને અન્ય મત-મજહબોની વાત આવે ત્યારે સેક્યુલારિસ્ટોની ગણતરી બદલાઈ જાય છે.
અહીં બીજી ખાસ નોંધવા જેવી એક વાત છે.
મનુસ્મૃતિ એ હિંદુઓનો મુખ્ય ગ્રંથ નથી. આજે કેટલા હિંદુઓ મનુસ્મૃતિ પ્રમાણે જીવે છે. બહાર નીકળીને પૂછશો તો મનુસ્મૃતિ વિશે મોટાભાગનાને ખબર નહીં હોય. નામ ખબર હશે તો અંદરની સામગ્રી વિશે ખબર નહીં હોય. અર્થાત્ સમાજમાં સર્વસ્વીકૃત ગ્રંથ નથી. હિંદુઓમાં કોઈ નિયમાધારિત ગ્રંથ નથી. એકેશ્વરવાદી પંથોમાં નિશ્ચિત ગ્રંથો છે, સનાતન ધર્મમાં નથી.
મનુસ્મૃતિ અનુસાર જીવન જીવતા હિંદુઓ કેટલા હશે? લગભગ નહિવત. નોંધવાનું એ પણ રહે કે આ જ ગ્રંથમાં એ પણ કહ્યું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. પણ ગ્રંથની ટીકા કરનારાઓ આ વાતો કહેતા નથી.
બીજી તરફ હમણાં મહિલાઓ વિશે જે ટિપ્પણીઓ થઈ એ એક તો ઇસ્લામિક કૉન્ફરન્સમાં થઈ હતી, જ્યાં મૌલવીઓ અને મુફ્તીઓ હાજર હતા. બીજું, આ ટિપ્પણી કોઈ સામાન્ય માણસે કે સોશિયલ મીડિયા યુઝરે નહતી કરી. સીધી ‘ગ્રાન્ડ મુફ્તી’નું ટાઇટલ ધરાવતા માણસ પાસેથી આવી હતી. ઇસ્લામમાં મુફ્તીનો અર્થ ઇસ્લામી કાયદાનો જાણકાર માણસ થાય છે.
ગ્રાન્ડ મુફ્તીએ ભાષણમાં સ્પષ્ટ કહ્યું કે આ તેઓ જ કહેતા હોય એવું નથી, સેંકડો વર્ષોથી ઇસ્લામિક સ્કૉલરો અને મૌલવીઓ કહેતા આવ્યા છે. કુરાનમાં આ બાબતો લખવામાં આવી છે. સાથે કહે છે કે ઇસ્લામી કાયદાના જાણકારોને આ બધું કહેવાનો અધિકાર પણ છે અને તેમની જવાબદારી પણ છે અને કોઈ તેમને કહેતાં રોકી શકે નહીં.
અર્થાત્, આ ઇસ્લામનો સર્વસામાન્ય વિચાર છે. સર્વસ્વીકૃત વિચાર છે. અનેક મૌલવીઓ અને મુફ્તીઓની હાજરીમાં સુન્ની મુસ્લિમોમાં જવાબદાર ઓથોરિટી કહેવાય એવી વ્યક્તિ તરફથી આવ્યો છે. પોતે કહે છે કે આ ગ્રંથોમાં લખવામાં આવ્યું છે. વર્ષોથી કહેવાતું આવ્યું છે.
રાહુલ ગાંધી અને ગેંગે જો ખરેખર ‘પેટ્રિયાર્કી સ્મેશ’ કરવી હોય, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવું હોય તો તેમણે અહીં પણ એટલી જ તીવ્રતાથી વિરોધ કરવો જોઈતો હતો. જાહેરમાં મૌલવીને પડકાર ફેંકવો જોઈતો હતો અથવા એ ગ્રંથો પર ચર્ચા કરવી જોઈતી હતી જેને ટાંકીને જાહેરમાં આ ભાષણ આપવામાં આવ્યું.
પરંતુ તીવ્રતાની વાત દૂર રહી, વિરોધ બિલકુલ જ ન થયો. કારણ કે આવું કરવાની ન ઈકોસિસ્ટમની હિંમત છે, ન તેમની દાનત છે. તેમની દાનત ગમે તેમ કરીને કોઈ પણ બહાને હિંદુઓને ભાંડવાની છે. કારણ કે તેનાથી મત મળે છે. ઇસ્લામ વિશે, તેની પરંપરાઓ વિશે બોલવામાં મત મળતા નથી. ગુમાવવાનો ડર રહે છે. ડર જોકે બીજા પણ ઘણા હોય છે અને જે રીતે શહેરોમાં છાશવારે ‘સર તન સે જુદા’ના નારા લાગતા રહે છે તેને જોતાં થોડો વ્યાજબી પણ લાગે છે.


