Friday, June 13, 2025
More
    હોમપેજદેશયુદ્ધવિરામની જાહેરાત, ત્રણ કલાકમાં જ પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન, પછીથી સ્થિતિ શાંતિપૂર્ણ: રાત્રે...

    યુદ્ધવિરામની જાહેરાત, ત્રણ કલાકમાં જ પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન, પછીથી સ્થિતિ શાંતિપૂર્ણ: રાત્રે શું-શું બન્યું હતું

    ડ્રોનના વિડીયો આવવાના પણ શરૂ થઈ ગયા હતા. ભારતમાં શ્રીનગર, ઉધમપુર, અખનૂર, ભીમ્બર વગેરે જેવા સ્થળોએ પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. જોકે, એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થયા બાદ તમામ ડ્રોનને નષ્ટ કરી દેવાયા હતા.

    - Advertisement -

    પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) પ્રતિશોધ તરીકે ભારતે (India) લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) પણ અકારણ કૂદકે ચડ્યું હતું. 6-7 મેના રોજ મોડી રાત્રે ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં આવેલા નવ આતંકી ઠેકાણાંને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધાં. જેમાં ટોચના કમાન્ડરો સહિત 100થી વધુ આતંકવાદીઓ ઠાર થયા હતા. ત્યારબાદ સતત પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું હતું અને ભારત તમામ હુમલાને નિષ્ફળ કરીને જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ઘૂસીને ભારે તબાહી મચાવી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અચાનક 10 મેના રોજ બંને દેશો યુદ્ધવિરામ (Ceasefire) માટે સહમત પણ થઈ ગયા હતા.

    તારીખ હતી 10 મે, 2025. સવારથી બપોર સુધીના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. પાકિસ્તાન ભારત પર હુમલા કરવાના પ્રયાસોમાં લાગી રહ્યું હતું અને ખાસ ઑપરેશન પણ લૉન્ચ કરી બેઠું હતું. જોકે, ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓ હવામાં જ નિષ્ફળ બનાવી દીધા હતા અને ઑપરેશન સિંદૂર હેઠળ જવાબી કાર્યવાહી આરંભી દીધી હતી. સાંજ સુધી સ્થિતિ તણાવપૂર્ણ હતી.

    અચાનક યુદ્ધવિરામની જાહેરાત

    ત્યારબાદ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરે છે અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થયા હોવાનો દાવો કરે છે. ત્યારપછી અનુક્રમે પાકિસ્તાન અને ભારતના સરકારી અધિકારીઓ તરફથી આ વિશેની આધિકારિક જાહેરાત કરવામાં આવે છે. જેમાં જાણવા મળે છે કે, બપોરના સમયે 3:30 કલાક આસપાસ પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) ભારતના DGMO સાથે સંપર્ક કરે છે અને યુદ્ધવિરામની વાત કરે છે.

    - Advertisement -

    બંને દેશોએ સીધી રીતે કોઈપણ મધ્યસ્થી વગર યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. ભારત અને પાકિસ્તાને LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવા માટેની વાત પણ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલય તરફથી આધિકારિક માહિતી આપવામાં આવી હતી કે, કોઈપણ શરત વગર પાકિસ્તાનના એક કૉલ પર બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી અટકાવવા માટેની સહમતી બની હતી. જોકે, સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય તેમજ પાકિસ્તાન પર લાદેલા અન્ય પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે.

    આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ સમાચાર વહેતા થયા હતા. વિવિધ દેશોએ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત પણ કર્યું હતું. આ ઘટનાના અમુક કલાકો બાદ ઑપરેશન સિંદૂરને રાબેતા મુજબ થતી ભારતીય રક્ષા મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન તરફથી 9 મેના રોજ થયેલી હરકતો વિશે માહિતી આપવામાં આવી હતી અને યુદ્ધવિરામની વાત કરવામાં આવી હતી. સાથે સેનાએ માતૃભૂમિની રક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ હોવાની વાત પણ કહી હતી.

    ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાના દરેક કૃત્યોનો પૂરેપૂરી તાકાતથી જવાબ આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ જો પાકિસ્તાન તરફથી આવી કોઈ હરકત થશે તો આવી રીતે જ જવાબ આપવામાં આવશે. પ્રેસ કૉન્ફરન્સ બાદ સરહદી રાજ્યોમાં થોડા કલાકો માટે શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ આ શાંતિ માત્ર અમુક કલાકો પૂરતી જ મર્યાદિત રહી હતી.

    પાકિસ્તાન તરફથી ત્રણ જ કલાકમાં થયું યુદ્ધવિરામ ઉલ્લંઘન

    યુદ્ધવિરામ જાહેર થયાના ત્રણ કલાક બાદ રાત્રે લગભગ 9:30 કલાકની આસપાસ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરે છે અને કહે છે, “આખરે યુદ્ધવિરામનું શું થયું? આખા શ્રીનગરમાં ધડાકાના અવાજ સંભળાય રહ્યા છે.” તેમની પોસ્ટ બાદ દેશમાં ખળભળાટ મચી જાય છે અને તરત જ સમાચાર સામે આવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ત્યારપછી ફરીથી ઓમર અબ્દુલ્લા પોસ્ટ કરે છે અને કહે છે કે, “આ કોઈ યુદ્ધવિરામ નથી. એર ડિફેન્સ યુનિટ ફરીથી સક્રિય થઈ ગયા છે.”

    ત્યારબાદ ડ્રોનના વિડીયો આવવાના પણ શરૂ થઈ ગયા હતા. ભારતમાં શ્રીનગર, ઉધમપુર, અખનૂર, ભીમ્બર વગેરે જેવા સ્થળોએ પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. જોકે, એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થયા બાદ તમામ ડ્રોનને નષ્ટ કરી દેવાયા હતા, પરંતુ યુદ્ધવિરામ બાદ પાકિસ્તાન તરફથી તેનું સ્પષ્ટ ઉલ્લંઘન (Ceasefire violation) કરવામાં આવી રહ્યું હતું. હજુ જમ્મુ-કાશ્મીરના ડ્રોનને નષ્ટ કર્યાના સમાચાર સામે આવ્યા જ હતા કે જાણવા મળ્યું કે પાકિસ્તાને કચ્છ સરહદ પર પણ ડ્રોન છોડી મૂક્યાં છે.

    કચ્છમાં ડ્રોન દેખાયા કે તરત જ આખા જિલ્લામાં બ્લેકઆઉટના આદેશ આપી દેવાયા. કચ્છના કંડલા, ભુજ, લખીનાળા જેવા વિસ્તારોમાં 12 પાકિસ્તાની ડ્રોન દેખાયાં હતાં અને તમામને ધ્વસ્ત કરી દેવાયાં હતાં. રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાં હોવાના વિડીયો અને સમાચાર સામે આવ્યા હતા. જોકે, સુરક્ષાદળોએ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાન તરફથી થયેલી આ અવળચંડાઈનો પૂરી તાકાતથી જવાબ આપવાના આદેશ પણ આવી ગયા હતા.

    તે સિવાય LoC પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થતો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ ગણતરીના સમયમાં જ સુરક્ષાદળોએ સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી અને જવાબી કાર્યવાહી આરંભી દીધી હતી. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓમાં નાના હથિયારો વડે ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

    વિદેશ મંત્રાલયનું બ્રીફિંગ

    આ ઘટનાઓ બાદ 10 મે 2025ની રાત્રે લગભગ 11 કલાક આસપાસ ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ બ્રીફિંગ યોજ્યું હતું. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનની આવી નાપાક કાર્યવાહીની નિંદા કરી હતી. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, “પાકિસ્તાને DGMO વચ્ચે થયેલી સમજૂતીનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. આ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી શાંતિની પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે.”

    વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયોને પણ આ ઘટના અંગે જાગૃત કર્યા હતા અને પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવા આહ્વાન કર્યું હતું. બ્રીફિંગમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ભારતીય સેનાને જવાબી કાર્યવાહી માટે પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારત કોઈપણ જોખમનો સામનો કરવા તૈયાર છે.

    જોકે, ત્યારબાદ આખી રાત શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. LoC પર પણ કોઈપણ પ્રકારની હરકત જોવા મળી નહોતી અને ગોળીબાર પણ થયો નહોતો. 11 મે, 2025ના રોજ વહેલી સવારથી પણ બંને દેશોની વચ્ચે શાંતિ જોવા મળી રહી છે. ખાસ કરીને પાકિસ્તાનની કોઈપણ પ્રકારની અવળચંડાઈ જોવા મળી નથી. તેમ છતાં ભારતીય સશસ્ત્રબળો સંપૂર્ણપણે તૈયાર છે અને એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિયપણે ભાગ ભજવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં