‘માતૃભૂમિના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ’: યુદ્ધવિરામ બાદ સેનાએ કહ્યું- પાકિસ્તાનના દરેક કૃત્યનો પૂરેપૂરી તાકાતથી સામનો કર્યો, ભવિષ્યમાં પણ આ જ રીતે જવાબ અપાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન તરફથી પહેલ કરવામાં આવ્યા બાદ બંને દેશો તરફથી યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે અને તમામ હુમલાઓ પણ બંધ કરી દીધા છે. આ સાથે જ રક્ષા મંત્રાલય દ્વારા પ્રેસ કૉન્ફરન્સ પણ કરવામાં આવી છે. જેમાં કોમોડોર રઘુ નાયર, વિંગ કમાન્ડર વ્યોમીકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ વિગતે માહિતી આપી હતી અને ભારતીય સશસ્ત્રબળો કોઈપણ હુમલા કે કાવતરા માટે તૈયાર હોવાની વાત કરી હતી.

કોમોડોર રઘુ નાયરે કહ્યું કે, “અમે ભારતીય સેના, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેનાની સમજનું પાલન કરીએ છીએ. અમે માતૃભૂમિની સંપ્રભુતા અને અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર, સતર્ક અને પ્રતિબદ્ધ છીએ.” વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાનના દરેક દુસ્સાહસનો મજબૂતીથી જવાબ આપવામાં આવ્યો છે. ભવિષ્યની દરેક વૃદ્ધિ પણ નિર્ણાયક પ્રતિક્રિયાને આમંત્રણ આપશે.

અંતે તેમણે કહ્યું છે કે, “અમે રાષ્ટ્રની રક્ષા માટે જે પણ જરૂરી ઓપરેશન્સ હશે, તેને શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.” ટૂંકમાં સ્પષ્ટપણે પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈપણ પ્રકારની અવળચંડાઈ કરી તો ભારતીય સશસ્ત્રબળો તૈયાર છે.