
6 એપ્રિલે સોમવારના રોજ CJI સૂર્યકાંત, જોગમાલ્યા બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચે પશ્ચિમ બંગાળ SIRને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. સાથે જ, જ્યુડિશિયલ અધિકારીઓના ઘેરાવ અંગેના અત્યંત ગંભીર ‘સુઓમોટો’ કેસની પણ કોર્ટે નોંધ લીધી હતી. આ સુનાવણી દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વની ચર્ચાઓ થઈ હતી.
કોર્ટે નોંધ્યું કે ચૂંટણી પંચે આ મામલાની તપાસ NIAને સોંપી છે, જેણે પોતાનો પ્રાથમિક સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ કેસમાં રાજ્યની સ્થાનિક પોલીસ સામે ગંભીર આક્ષેપો છે, તેથી બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને કોર્ટે તમામ FIRની તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો હતો. NIAને જરૂર જણાય તો વધુ ગુનાઓ નોંધવાની પણ છૂટ આપવામાં આવી છે.
તપાસ પ્રક્રિયા અંગે નિર્દેશ આપતા કોર્ટે જણાવ્યું કે તપાસનો અહેવાલ કોલકાતાની NIA કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. જોકે, ચાર્જશીટ દાખલ કરતા પહેલાં સમયાંતરે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવો પડશે. કોર્ટે રાજ્ય અને સ્થાનિક પોલીસને કડક સૂચના આપી છે કે તેઓ આ કેસ સંબંધિત તમામ પુરાવા અને સામગ્રી NIAને સોંપી દે અને તપાસને તેના તાર્કિક અંત સુધી પહોંચાડવા માટે જરૂરી તમામ સહકાર આપે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક હૃદયદ્રાવક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક મહિલા જ્યુડિશિયલ અધિકારીને સુરક્ષા માટે વિનંતી કરી રહ્યાં હતાં. એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ પણ કોર્ટને જણાવ્યું કે જ્યુડિશિયલ અધિકારીઓને રોકવાની અને કાર્યસ્થળ પર તેમનો ઘેરાવ કરવાની આવી ત્રણ ગંભીર ઘટનાઓ બની છે, જે ન્યાયતંત્રની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરે છે.
રાજ્યના અધિકારીઓને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના ફોન કોલ્સનો જવાબ ન આપવા બદલ બેન્ચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને મુખ્ય સચિવની આકરી આલોચના કરી હતી. જસ્ટિસ કાંતે ગુસ્સામાં કહ્યું હતું કે, “તમે એટલા બધા વ્યસ્ત છો કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો ફોન પણ ઉપાડી શકતા નથી?” જેના જવાબમાં મુખ્ય સચિવે બચાવ કર્યો હતો કે તેઓ તે સમયે દિલ્હીની ફ્લાઈટમાં હતા અને તેમને કોઈ ફોન આવ્યો નહોતો.
અધિકારીઓના બચાવ પર વળતો પ્રહાર કરતા જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી હતી કે, “જો તમારો નંબર મુખ્ય ન્યાયાધીશ સાથે શેર કરવામાં આવ્યો હોત તો મદદ મળી હોત.” જ્યારે અધિકારીએ જણાવ્યું કે તેમનો નંબર ‘સુરક્ષિત’ (Secure) છે, ત્યારે CJI એ કટાક્ષમાં કહ્યું કે, “કૃપા કરીને તમારી સુરક્ષા થોડી ઓછી કરો જેથી કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેવા સામાન્ય માણસો પણ તમારો સંપર્ક કરી શકે. તમારી અને પોલીસની નિષ્ફળતાને કારણે જ આ કામ જ્યુડિશિયલ અધિકારીઓને સોંપવું પડ્યું છે.”
કોર્ટે પશ્ચિમ બંગાળના વહીવટીતંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “તમારી છબી સુધારવામાં મદદ કરો, અમને મજબૂર ન કરો.” જસ્ટિસ કાંતે નોંધ્યું કે હોમ સેક્રેટરીનો પણ સંપર્ક થઈ શકતો ન હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે તેઓ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની માફી માંગે અને જે ભૂલ થઈ છે તેને સુધારે. અદાલતે આ સમગ્ર ઘટનાને ‘પ્રેરિત, પૂર્વ આયોજિત અને ઉશ્કેરણીજનક’ ગણાવી હતી. કોર્ટે કહ્યું કે, “પશ્ચિમ બંગાળની અમલદારશાહી કઈ પ્રકારની વિશ્વસનીયતાનો ભોગ બની રહી છે? કૃપા કરીને તમારી છબી સધારો. તમે અમને ફરજ પાડો છો.”
આ પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે માલદા વિસ્તારમાં મોકલવામાં આવેલા જ્યુડિશિયલ કર્મચારીઓ સામેની હિંસાની CBI અથવા NIA તપાસનો આદેશ આપ્યો હતો. આ અધિકારીઓને મતદાર યાદીમાં તાર્કિક વિસંગતતાઓ દૂર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચે આ તપાસ NIAને સોંપી દીધી હતી અને એજન્સીને સીધો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.
જ્યુડિશિયલ અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોર્ટે મુખ્ય સચિવ, ગૃહ સચિવ, DGP, માલદાના કલેક્ટર અને SSPને વર્ચ્યુઅલ રીતે હાજર થઈ સ્પષ્ટતા આપવા આદેશ આપ્યો હતો. વધુમાં, બેન્ચે ભારતીય ચૂંટણી પંચને આવા કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળો (Central Forces) તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
છેલ્લે જસ્ટિસ કાંતે કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા મોકલવામાં આવેલો પત્ર વાંચ્યો હતો, જેમાં જણાવાયું હતું કે સમગ્ર રાજ્યમાં 59 લાખથી વધુ વાંધાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. SIRના આ કેસની આગામી સુનાવણી હવે 13 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલાને તેના તાર્કિક અંત સુધી લઈ જશે.
શું હતો સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળમાં SIR માટે ગયેલા જ્યુડિશિયલ અધિકારીઓ સાથે માલદાના કલિયાચકમાં હિંસાની ઘટના બની હતી. કલકત્તા હાઇકોર્ટે નિયુક્ત કરેલ 3 મહિલાઓ સહિત સાત અધિકારીઓને 1 એપ્રિલ, 2026ના રોજ એક ઉશ્કેરાયેલા ટોળાએ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની (BDO) કચેરીમાં સતત 9 કલાક સુધી બંધક બનાવી રાખ્યાં હતાં. આ અધિકારીઓ મતદાર યાદીમાંથી નામો કાઢવા અંગેની અરજીઓના નિકાલ માટે ત્યાં ગયાં હતાં, પરંતુ સરહદી અને સંવેદનશીલ વિસ્તાર ગણાતા માલદામાં તેમને ઘેરી લેવામાં આવ્યાં હતાં.
આ 9 કલાક દરમિયાન અધિકારીઓની હાલત અત્યંત દયનીય હતી. એક મહિલા અધિકારી તો પોતાના 5 વર્ષના બાળક સાથે ફસાઈ ગયાં હતાં. ખોરાક અને પાણી વિના બંધક બનેલા આ અધિકારીઓ એટલા ડરી ગયા હતા કે એક મહિલા અધિકારીએ રડતાં-રડતાં વિનંતી કરી હતી કે જો તેમને કંઈ થઈ જાય તો તેમના બાળકોની સંભાળ રાખવામાં આવે. આ અધિકારીઓએ અગાઉથી જ સ્થાનિક વહીવટીતંત્રને પોતાની સુરક્ષા અંગે પત્ર લખીને જાણ કરી હતી, તેમ છતાં તેમને આવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
મધ્યરાત્રિ પછી જ્યારે પોલીસ અને કેન્દ્રીય દળોએ સંયુક્ત ઑપરેશન કરીને આ અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા, ત્યારે પણ હિંસક ટોળાએ પીછો છોડ્યો નહોતો. જ્યારે અધિકારીઓને વાહનોમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ટોળાએ પથ્થર અને ઈંટો વડે હુમલો કર્યો હતો અને નેશનલ હાઈવે-12 જામ કરીને અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સરકારી ફરજ પરના જ્યુડિશિયલ અધિકારીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નોંધવા જેવું છે કે FIRમાં ઘણા આરોપીઓની ઓળખ થઈ છે અને તેમાં 24 જેટલા આરોપી TMC સાથે જોડાયેલા છે.

