
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 1 એપ્રિલ 2026ના રોજ બનેલી હિંસક ઘટનાએ રાજ્યના કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે જ્યુડિશિયલ અધિકારીઓને ઉશ્કેરાયેલા ટોળાએ 9 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા બંધક બનાવ્યા હતા, તેમણે આ જોખમ અંગે વહીવટીતંત્રને 10 દિવસ પહેલાં જ પત્ર લખીને જાણ કરી હતી.
ન્યાયિક અધિકારીઓએ ઘટનાના આઠ દિવસ પહેલાં 23 માર્ચ 2026ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજનવીર સિંઘ કપૂરને જિલ્લા જજ મારફતે એક અત્યંત ગંભીર પત્ર લખ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે વોટર લિસ્ટમાંથી અયોગ્ય નામો અને ‘ઘૂસણખોરો’ને દૂર કરવાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને કારણે કલિયાચક-II BDO ઑફિસનું વાતાવરણ અત્યંત સંવેદનશીલ અને તણાવપૂર્ણ બની ગયું છે. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો હતો કે જે સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ સર્જાય અને હિંસક હુમલો થાય તેવી પૂરેપૂરી આશંકા છે.
અધિકારીઓએ આ જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી હતી કે તેમની વ્યક્તિગત સુરક્ષા અને કાર્યની ગરિમા જાળવવા માટે તેમના કાર્યસ્થળને તાત્કાલિક અસરથી કલિયાચક-IIથી ખસેડીને માલદા શહેરમાં આદર્શ રીતે DM ઑફિસની નજીક સ્થળાંતરિત કરવામાં આવે.
મહિલા અધિકારીઓની સુરક્ષા અને પાયાની સુવિધાઓનો અભાવ
પત્રમાં માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ માનવીય સુવિધાઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાત અધિકારીઓની ટીમમાં ત્રણ મહિલા અધિકારીઓ હતી. પત્રમાં જણાવાયું હતું કે BDO ઑફિસમાં જગ્યાની ભારે તંગી છે અને મહિલાઓ માટે યોગ્ય વોશરૂમની સુવિધા પણ નથી. આ ઉપરાંત માલદા શહેરથી કલિયાચક સુધીની 54 કિમીની દૈનિક મુસાફરી જોખમી અને થકવી દેનારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
1 એપ્રિલે અધિકારીઓને બનાવ્યા હતા બંધક
અધિકારીઓની સુરક્ષા અંગેની લેખિત વિનંતી પર કોઈ નક્કર પગલાં ન લેવાતા 1 એપ્રિલની રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. કલિયાચક-II BDO ઑફિસ ખાતે ટોળાએ હુમલો કરી બંને ગેટ બ્લોક કરી દીધા હતા, જેમાં સાત ન્યાયિક અધિકારીઓ નવ કલાક સુધી બંધક બન્યા હતા. આ હિંસક પરિસ્થિતિમાં એક અધિકારીનું પાંચ વર્ષનું માસૂમ બાળક પણ ફસાઈ ગયું હતું, જે આખી ઘટનાની ગંભીરતામાં વધારો કરે છે.
આ નવ કલાક દરમિયાન ન્યાયિક અધિકારીઓને અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. ટોળાના ઘેરાવાને કારણે અધિકારીઓ ખોરાક અને પાણી જેવી પાયાની જરૂરિયાતોથી પણ વંચિત રહ્યા હતા. મધ્યરાત્રિ પછી જ્યારે કેન્દ્રીયદળો અને પોલીસની સંયુક્ત ટીમો રેસ્ક્યુ માટે પહોંચી, ત્યારે પણ ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરીને માર્ગો અવરોધિત કરી દીધા હતા, જેનાથી બચાવ કામગીરીમાં ભારે વિલંબ થયો હતો.
હિંસા માત્ર ઑફિસ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ટોળાએ નેશનલ હાઈવે-12ને પણ જામ કરી દીધો હતો, જેના કારણે ઉત્તર અને દક્ષિણ બંગાળ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 19 કેસ નોંધવામાં આવ્યા છે અને 36 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી પંચે પરિસ્થિતિની ગંભીરતા જોતા આ આખા કેસની તપાસ હવે ‘નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી’ને (NIA) સોંપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળની TMC સરકાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે આ ઘટનાને ‘ન્યાય વ્યવસ્થાને અવરોધિત કરવાનો ગંભીર પ્રયાસ’ ગણાવીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે. અદાલતે સવાલ કર્યો હતો કે જ્યારે અધિકારીઓએ અગાઉથી જ જોખમ અંગે જાણ કરી હતી, ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કેમ ન કરવામાં આવી? કોર્ટના આદેશ બાદ હવે સમગ્ર વિસ્તારમાં કેન્દ્રીય દળોની વ્યાપક તહેનાતી કરવામાં આવી છે.

