હોમપેજરાજકારણજે માલદા હિંસાને સુપ્રીમે ગણાવી પૂર્વનિયોજિત, તેમાં મમતા સરકારના બચાવમાં ઉતર્યા કપિલ...

જે માલદા હિંસાને સુપ્રીમે ગણાવી પૂર્વનિયોજિત, તેમાં મમતા સરકારના બચાવમાં ઉતર્યા કપિલ સિબ્બલ: હિંદુવિરોધી-રાષ્ટ્રદ્રોહી તત્વોની પડખે રહેવાનો છે ઇતિહાસ

કપિલ સિબ્બલ અને ગોપાલ શંકરનારાયણનની જેમ મેનકા ગુરુસ્વામીની પસંદગી પણ એ દર્શાવે છે કે TMC સરકાર એવા વકીલોને પ્રાધાન્ય આપી રહી છે જેઓ કાં તો ઇસ્લામી કટ્ટરપંથીઓના બચાવમાં જોડાયેલા રહ્યા હોય અથવા કોર્ટમાં આક્રમક વલણ અપનાવીને જ્યુડિશિયલ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરતા હોય.

- Advertisement -

પશ્ચિમ બંગાળના મુસ્લિમ બાહુલ્ય માલદા જિલ્લામાં 1 એપ્રિલ 2026ના રોજ લોકશાહી અને કાયદો-વ્યવસ્થા પડી ભાંગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે ચૂંટણી ફરજ પર રહેલા ત્રણ મહિલા અધિકારીઓ સહિત સાત જ્યુડિશિયલ અધિકારીઓને એક મુસ્લિમ ટોળાએ BDO ઑફિસમાં ઘેરી લીધા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન (suo motu) લેતા જ્યુડિશિયલ અધિકારીઓની સુરક્ષામાં નિષ્ફળ રહેવા બદલ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. મમતા બેનર્જી સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર રહ્યા હતા.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બેન્ચે માલદા હિંસા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં TMC સરકારની નિષ્ફળતાને ‘બંધારણીય મશીનરીનું સંપૂર્ણ પતન (complete breakdown of constitutional machinery) ગણાવ્યું હતું.

જોકે, કપિલ સિબ્બલે કોર્ટને વિનંતી કરી હતી કે આ સખત ટિપ્પણીને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવે. રસપ્રદ વાત એ છે કે કપિલ સિબ્બલ તેમની કારકિર્દી દરમિયાન અનેક સીમાચિહ્નરૂપ કેસોમાં સામેલ રહ્યા છે, જેમાંથી ઘણા હિંદુવિરોધી અને ભારતવિરોધી પણ હતા. સિબ્બલ સતત ‘ખોટી બાજુ’ પર રહ્યા છે.

- Advertisement -

રામ જન્મભૂમિ-બાબરી ઢાંચા વિવાદ

રામ જન્મભૂમિ-બાબરી વિવાદ કપિલ સિબ્બલના સૌથી વિવાદાસ્પદ કાયદાકીય કેસોમાંનો એક રહ્યો છે. પૂર્વ કોંગ્રેસ નેતા અને યુપીએ (UPA) મંત્રી રહી ચૂકેલા સિબ્બલે સુન્ની વક્ફ બોર્ડ વતી રામ જન્મભૂમિનો કેસ લડ્યો હતો અને અયોધ્યામાં તત્કાલીન વિવાદિત સ્થળે ભવ્ય રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો.

તેમણે આ કેસમાં વિલંબ કરવાની વ્યૂહરચના પણ અપનાવી હતી અને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે રામ જન્મભૂમિ કેસનો નિર્ણય 2019ની સામાન્ય ચૂંટણીઓ સુધી મુલતવી રાખવામાં આવે. તેમની ધારણા હતી કે જો હિંદુ પક્ષમાં નિર્ણય આવશે તો તેનો રાજકીય ફાયદો ભાજપને મળી શકે છે. હિંદુ આસ્થા અને ચૂંટણી રાજનીતિથી ઉપર એવા આ વિષયનું ખુલ્લેઆમ રાજકીયકરણ કરવા છતાં સુપ્રીમ કોર્ટે 2019માં અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થળે રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ કેસ હારી જવાનો આઘાત કપિલ સિબ્બલના મન પર રહ્યો હોય તેવું જણાય છે, જેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. 500 વર્ષના લાંબા સંઘર્ષના વિજયી અંત સમાન આ ભવ્ય સમારોહને સિબ્બલે ‘દેખાડો’ (Show off) કહીને તેની ટીકા કરી હતી.

હાદિયા ‘લવ જેહાદ’ કેસમાં કપિલ સિબ્બલે કર્યું હતું શાફીન જહાંનું પ્રતિનિધિત્વ

કેરળ હાઇકોર્ટ દ્વારા હાદિયા અને શાફીન જહાંના નિકાહ રદ કરવાના નિર્ણયને પડકારતા ‘શાફીન જહાં વિરુદ્ધ કે.એમ. અશોકન’ કેસમાં (જે હાદિયા લવ જેહાદ કેસ તરીકે પણ જાણીતો છે), કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં હાદિયાના શોહર શાફીન જહાંનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અખિલા નામની એક હિંદુ યુવતીએ ઇસ્લામ અંગીકાર કરી શાફીન જહાં નામના મુસ્લિમ વ્યક્તિ સાથે નિકાહ કર્યા બાદ પોતાનું નામ બદલીને હાદિયા રાખ્યું હતું. હાદિયાના પિતા, જેઓ ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક છે, તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ‘લવ જેહાદ’નો મામલો છે. જોકે સુપ્રીમ કોર્ટે હાદિયાના પુખ્ત વયના નાતે પોતાનો ધર્મ અને જીવનસાથી પસંદ કરવાના અધિકારને માન્ય રાખીને જહાંની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ બાદમાં એ બહાર આવ્યું હતું કે અત્યારે પ્રતિબંધિત એવા ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાએ (PFI) આ કેસમાં 99,52,324 રૂપિયા ખર્ચ્યા હતા. અહેવાલો મુજબ, આ રકમમાંથી 93,85,000 રૂપિયા ચાર વરિષ્ઠ વકીલો – કપિલ સિબ્બલ, દુષ્યંત દવે, ઈન્દિરા જયસિંહ અને મરઝૂક બાફકીને ચૂકવવામાં આવ્યા હતા, જેમણે શાફીન જહાં વતી કેસ લડ્યો હતો.

વર્ષ 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આરોપ લગાવ્યો હતો કે ડિસેમ્બર 2019માં સંસદના બંને ગૃહો દ્વારા નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) પસાર થયા પછી, દેશભરમાં CAA વિરોધી પ્રદર્શનોને ભડકાવવા માટે PFIને મોટું ફંડ મળ્યું હતું. એવા અહેવાલ હતા કે PFIએ દેશમાં હિંસક રમખાણો કરાવવા માટે એક મહિનામાં લગભગ 120 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાં જાણીતા વકીલો કપિલ સિબ્બલ, ઈન્દિરા જયસિંહ અને દુષ્યંત દવેના નામ પણ PFIના ભંડોળના લાભાર્થી તરીકે લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર સિબ્બલને 77 લાખ રૂપિયા મળ્યા હતા. જોકે, વરિષ્ઠ વકીલે આ અંગે ‘સ્પષ્ટતા’ જારી કરતા કહ્યું હતું કે તેમને આ રકમ હવે પ્રતિબંધિત એવા ઇસ્લામી જેહાદી સંગઠન પાસેથી હાદિયા લવ જેહાદ કેસમાં વકીલ તરીકેની સેવાઓ બદલ ફી પેટે મળી હતી.

PFI સભ્ય સિદ્દીક કપ્પનનું પ્રતિનિધિત્વ

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) સાથે કપિલ સિબ્બલનું જોડાણ માત્ર હાદિયા લવ જેહાદ કેસ પૂરતું મર્યાદિત નહોતું. વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટમાં એક હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ) અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સિદ્દીક કપ્પનની મુક્તિની માંગ કરવામાં આવી હતી. કપ્પન એ ચાર PFI સભ્યોમાંનો એક હતો જેમની ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા હાથરસ કેસને લઈને જ્ઞાતિ-આધારિત અશાંતિ અને કોમી તણાવ ઉભો કરવાના કાવતરાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

કેરળ જર્નાલિસ્ટ યુનિયન અને પત્રકાર તરીકે કામ કરતા PFIના સક્રિય સભ્ય સિદ્દીક કપ્પનના કાયદાકીય પ્રતિનિધિ તરીકે હાજર રહીને, સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેને બંધારણની કલમ 32 હેઠળ અરજી કરવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ તેમની આ કોશિશ નિષ્ફળ રહી હતી.

સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં રાખ્યો હિંદુવિરોધી દિલ્હી રમખાણોના માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદ વતી પક્ષ

કાયદાકીય નિષ્ણાત ગણાતા કપિલ સિબ્બલ ટીકાઓ છતાં સતત હિંદુવિરોધી તત્વોના કેસ લડતા રહ્યા છે. 2020ના હિંદુવિરોધી દિલ્હી રમખાણોના આરોપી માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદનું સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરતી વખતે કપિલ સિબ્બલ પર ‘ફોરમ શોપિંગ’ (પોતાની પસંદગીની બેન્ચ પાસે કેસ લઈ જવો) કરવાનો આક્ષેપ પણ લાગ્યો હતો.

ફેબ્રુઆરી 2024માં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે ઉમર ખાલિદને તેની જામીન અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. ખાલિદ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેન્ચને જણાવ્યું હતું કે, ‘પરિસ્થિતિમાં ફેરફાર’ને કારણે અને ટ્રાયલ કોર્ટમાં નવેસરથી જામીન મેળવવા માટે આ અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. કપિલ સિબ્બલે UAPAની કેટલીક કલમોની (ખાસ કરીને જામીન સંબંધિત) કાયદેસરતા પર સવાલ ઉઠાવતી એક અલગ અરજી પણ પાછી ખેંચી લીધી હતી. અગાઉ ઑપઇન્ડિયા દ્વારા એ બાબત હાઈલાઈટ કરવામાં આવી હતી કે 2023 અને 2024 દરમિયાન મળેલી 14 મુદતમાંથી 7 વખત વિલંબ અને મુદત ખુદ ઉમર ખાલિદ દ્વારા માંગવામાં આવી હતી. આ ઇરાદાપૂર્વકનો વિલંબ ખાલિદના વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ઑપઇન્ડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે વારંવારની મુદત અને ત્યારબાદ અરજી પાછી ખેંચવી એ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવેલા ‘ફોરમ શોપિંગ’ના નિષ્ફળ પ્રયાસનું પરિણામ હતું. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડે પણ 2025માં કહ્યું હતું કે ખરી સમસ્યા કેટલાક વકીલો અને રાજકીય જૂથોની માનસિકતામાં છે જેઓ ઈચ્છે છે કે તેમના કેસની સુનાવણી માત્ર ચોક્કસ જજો દ્વારા જ કરવામાં આવે. કોર્ટના રેકોર્ડને ટાંકીને પૂર્વ CJI એ જણાવ્યું હતું કે સિબ્બલની આગેવાની હેઠળની ખાલિદની લીગલ ટીમે ફેબ્રુઆરી 2024માં ‘પરિસ્થિતિમાં ફેરફાર’નું કારણ આપીને જામીન અરજી પાછી ખેંચતા પહેલાં ઓછામાં ઓછી સાત વાર મુદત માંગી હતી.

કપિલ સિબ્બલ ‘મુસ્લિમ વિક્ટિમહુડ’માટે બોલ્યા જૂઠ

કપિલ સિબ્બલ પર કોર્ટમાં મુસ્લિમ પક્ષની તરફેણ કરવા માટે ખોટું બોલવાનો પણ આરોપ લાગ્યો છે. 2022માં સુપ્રીમ કોર્ટમાં તેમણે દાવો કર્યો હતો કે ભાજપ નેતા પરવેશ વર્માએ મુસ્લિમ સમુદાયના બહિષ્કારની હાકલ કરી હતી, જ્યારે વાસ્તવમાં વર્માએ કોઈ સમુદાયનું નામ લીધું નહોતું. જસ્ટિસ કે.એમ. જોસેફે જ્યારે સિબ્બલને મુસ્લિમ નેતાઓ દ્વારા અપાતા નફરતી ભાષણો (Hate Speech) વિશે પૂછ્યું, ત્યારે તેમણે આવી કોઈ ઘટનાની જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તે જ વર્ષે અનેક મુસ્લિમ નેતાઓ અને અજમેર દરગાહના ખાદિમોએ હિંદુઓ વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેરીલા ભાષણો આપ્યાં હતાં.

ઇસ્લામી કટ્ટરપંથીઓને ‘કઠમુલ્લા’ કહેવા બદલ કપિલ સિબ્બલ અને અન્ય સાંસદોએ અલ્હાબાદ હાઇકોર્ટના જજ વિરુદ્ધ રજૂ કર્યો મહાભિયોગનો પ્રસ્તાવ

ડિસેમ્બર 2024માં અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ વિરુદ્ધ કપિલ સિબ્બલની આગેવાનીમાં રાજ્યસભાના સાંસદોએ મહાભિયોગ (Impeachment) પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જજ યાદવે એક કાર્યક્રમમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ માટે ‘કઠમુલ્લા’ શબ્દનો પ્રયોગ કરતા કહ્યું હતું કે આવા લોકો દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે અને તેમનાથી સાવધ રહેવાની જરૂર છે. સિબ્બલ અને અન્ય સાંસદોએ આ નિવેદનને બંધારણીય મર્યાદા અને બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

આ વિવાદ બાદ ચીફ જસ્ટિસે જજ શેખર યાદવનું જ્યુડિશિયલ રોસ્ટર બદલી નાખ્યું હતું અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પણ તેમને ખુલાસો કરવા માટે બોલાવ્યા હતા. જોકે, જાન્યુઆરી 2025માં અલ્હાબાદ હાઇકોર્ટે જજ યાદવ વિરુદ્ધ મહાભિયોગની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. આ ઘટના ફરી એકવાર સિબ્બલની અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા લોકો પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે.

કલમ 370 હટાવવાનો વિરોધ અને કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ

સપ્ટેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટમાં કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ એ જ નેતા હતા જેમણે 2018માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જ્યારે તત્કાલીન ચીફ જસ્ટિસ (CJI) ચંદ્રચૂડે આ અંગે સિબ્બલને સવાલ કર્યા ત્યારે સિબ્બલે નિર્લજ્જતાથી એવી દલીલ કરી હતી કે આ મુદ્દાને ઉઠાવવાથી મીડિયામાં ‘બિનજરૂરી’ કવરેજ મળશે.

સિબ્બલે કલમ 370 અને 35-એ હટાવવાનો સખત વિરોધ કર્યો હતો, જે જોગવાઈઓ દાયકાઓ સુધી કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ અને કાશ્મીરી હિંદુઓ સાથેના ભેદભાવનું કારણ બની હતી. આશ્ચર્યજનક રીતે સિબ્બલે કાશ્મીરમાં ‘બ્રેક્ઝિટ’ (Brexit) જેવો લોકમત (Referendum) યોજવાની વિવાદાસ્પદ માંગ કરી હતી. જોકે, તેમની આ દેશવિરોધી ગણાય તેવી માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ઑપઇન્ડિયાના રિપોર્ટ્સ મુજબ કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અને આર્થિક વૃદ્ધિની નવી લહેર જોવા મળી છે, છતાં સિબ્બલે જૂની વ્યવસ્થા જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

વક્ફ બોર્ડના પક્ષે કપિલ સિબ્બલની દલીલ: ‘હિંદુ તહેવારો ઉજવશો તો મુસ્લિમો ઉશ્કેરાશે’

ઑગસ્ટ 2022માં બેંગલુરુના ઈદગાહ મેદાન પર ગણેશ ચતુર્થીની ઉજવણીના વિવાદમાં કપિલ સિબ્બલે કર્ણાટક વક્ફ બોર્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મેદાનની માલિકી બાબતે વક્ફ બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) વચ્ચે વિવાદ હતો. સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જો આ મેદાન પર અન્ય ધર્મના તહેવારોની મંજૂરી આપવામાં આવશે તો ‘નામદાર જજો જાણે જ છે કે શું થશે’ (Your Lordships know what will happen).

તેમણે પરોક્ષ રીતે એવી ધમકીભરી દલીલ કરી હતી કે મેદાનમાં પૂજાની મંજૂરી આપવાથી કોમી સૌહાર્દ બગડશે અને મેદાનનું ‘સ્વરૂપ’ બદલાઈ જશે. આ ઉપરાંત 2025માં પસાર થયેલા ‘વક્ફ એક્ટ’ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ સામે પણ સિબ્બલે જમીયત ઉલેમા-એ-હિંદ વતી પક્ષ રાખ્યો હતો. નોંધનીય છે કે આ સંસ્થા તોફાનો અને ગુનાખોરીના આરોપી મુસ્લિમોને કાયદાકીય મદદ પૂરી પાડવા માટે જાણીતી છે. આ તમામ કિસ્સાઓ દર્શાવે છે કે સિબ્બલે વારંવાર કોર્ટમાં હિંદુ તહેવારો કે કાયદાઓ વિરુદ્ધ એવી દલીલો કરી છે જે તણાવ ઉભો કરનારી હોય.

જ્યારે કપિલ સિબ્બલે પીડિતાના ન્યાય કરતાં વકીલોની પ્રતિષ્ઠાને મહત્વ આપી TMC સરકારની સંવેદનહીનતાનો બચાવ કર્યો

કપિલ સિબ્બલે આર.જી. કર મેડિકલ કોલેજના ભયાનક બળાત્કાર અને હત્યા કેસમાં પશ્ચિમ બંગાળની TMC સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમની ભૂમિકા અત્યંત વિવાદાસ્પદ રહી હતી. સપ્ટેમ્બર 2024માં તેમણે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગનો વિરોધ કરતા દલીલ કરી હતી કે તેનાથી તેમની પાંચ દાયકાની પ્રતિષ્ઠા ખરડાશે. કોર્ટે તેમની આ વિનંતી ફગાવી દીધી હતી. સિબ્બલની સંવેદનહીનતા ત્યારે ચરમસીમાએ પહોંચી જ્યારે તેમણે FIR નોંધવામાં થયેલા વિલંબ માટે પીડિતાના માતા-પિતાને જ જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે હકીકતમાં રાજ્ય સરકારની બેદરકારી બદલ કોર્ટે પોતે સવાલો ઉઠાવ્યા હતા.

કપિલ સિબ્બલની કાયદાકીય કારકિર્દી પર નજર નાખીએ તો તેઓ સતત વિવાદાસ્પદ અને રાષ્ટ્રવિરોધી ગણાતા પક્ષો સાથે જોડાયેલા રહ્યા છે. અયોધ્યા રામ મંદિરનો વિરોધ, રાફેલ ડીલ કેસ, 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં ‘ઝીરો-લોસ’ થિયરી અને કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ જેવી બાબતોમાં તેઓ હંમેશા ‘ખોટી બાજુ’ જોવા મળ્યા છે. આ સિવાય વક્ફ બોર્ડ દ્વારા હિંદુ બહુમતી ધરાવતા ગામો અને મિલકતો પર કરવામાં આવતા જોહુકમીભર્યા દાવાઓનું સમર્થન કરીને તેમણે ઇસ્લામી સંગઠનોનો બચાવ કર્યો છે.

માલદાની તાજેતરની હિંસક ઘટનામાં પણ સિબ્બલ મમતા સરકાર વતી મેદાનમાં ઉતર્યા છે, જ્યાં AIMIM અને પૂર્વ TMC નેતા મોફ્ફકેરુલ ઇસ્લામ દ્વારા ઉશ્કેરાયેલા ટોળાએ જ્યુડિશિયલ અધિકારીઓને બંધક બનાવી લોકશાહીની મજાક ઉડાવી હતી. મમતા સરકારની નિષ્ફળતાને છાવરવા માટે સિબ્બલે સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણીને પણ હટાવવાની માંગ કરી હતી. આમ રામ મંદિરથી લઈને માલદા હિંસા સુધી, કપિલ સિબ્બલ સતત એવા તત્વોના પક્ષે ઉભા રહ્યા છે જે સામાન્ય જનતા અને ન્યાય પ્રક્રિયાની વિરુદ્ધ હોવાનું જણાય છે.

ગોપાલ શંકરનારાયણન: પશ્ચિમ બંગાળ સરકારના વકીલ, જેઓ ભૂતકાળમાં વિવાદાસ્પદ અને અનામતવિરોધી કેસો સાથે જોડાયેલા રહ્યા છે

માલદા હિંસા કેસમાં પશ્ચિમ બંગાળની TMC સરકાર વતી હાજર રહેલા વકીલોમાં વરિષ્ઠ એડવોકેટ ગોપાલ શંકરનારાયણન પણ સામેલ હતા. શંકરનારાયણન અગાઉ એવા કિસ્સાઓ માટે ચર્ચામાં રહ્યા છે જે લશ્કરી શિસ્ત અને મજહબી કટ્ટરતા સાથે જોડાયેલા હતા. ગત વર્ષે તેમણે ખ્રિસ્તી આર્મી ઓફિસર સેમ્યુઅલ કમલેસનનો કેસ લડ્યો હતો, જેણે રેજિમેન્ટલ પરેડ દરમિયાન મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે શંકરનારાયણનની દલીલો ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે લશ્કરીદળોમાં વ્યક્તિગત મજહબી જડતા કરતાં સામૂહિક શિસ્ત વધુ મહત્વની છે.

શંકરનારાયણનની કાયદાકીય સફર અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ સાથે પણ જોડાયેલી છે. ગત વર્ષે જુલાઈમાં તેમણે બિહારમાં ચૂંટણી પંચે હાથ ધરેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા પર સ્ટે મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં તેમણે આધાર કાર્ડ અને વોટર આઈડીને અવગણવા સામે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ કોર્ટે તેમની દલીલો નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આવી પ્રક્રિયા હાથ ધરવામાં કશું ખોટું નથી. આ કેસમાં વિપક્ષી નેતાઓ પણ તેમની સાથે જોડાયેલા હતા.

ગોપાલ શંકરનારાયણન ઓબીસી (OBC) અનામતના પણ કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે ખાસ કરીને ‘પ્રભુત્વશાળી’ જાતિ સમૂહોને અનામતમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમના વિશે તેમનું માનવું છે કે તેઓ એસસી (SC) અને એસટી (ST) સમુદાયો સાથે ભેદભાવ કરે છે. વર્ષ 2023માં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એવા સમુદાયો દ્વારા અનામતની વધતી માંગ સામે નિરાશા વ્યક્ત કરી હતી જેમણે ક્યારેય ઐતિહાસિક ભેદભાવનો સામનો કર્યો નથી.

રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જે લાલ અને કાળા રંગનું પોકેટ સાઈઝનું બંધારણ ઘણીવાર જાહેરમાં દર્શાવે છે, તેની કલ્પના (Conceptualization) ગોપાલ શંકરનારાયણન દ્વારા કરવામાં આવી હતી. જોકે, અહીં એક વિરોધાભાસ જોવા મળે છે. રાહુલ ગાંધી અનામતની 50% મર્યાદા તોડવાની અને ‘જેટલી વસ્તી તેટલો હક’ની વાત કરે છે, જ્યારે શંકરનારાયણન આ 50%ની મર્યાદાને ઓળંગવાના સખત વિરોધી છે.

શંકરનારાયણન એસસી/એસટી અનામતમાં ‘ક્રીમી લેયર’ની વિભાવના દાખલ કરવાના પણ સમર્થક રહ્યા છે. 2018માં તેમણે એક અરજી દ્વારા માંગ કરી હતી કે એસસી/એસટી સમુદાયના ધનિક લોકોને અનામતનો લાભ મળવો બંધ થવો જોઈએ જેથી ગરીબ અને જરૂરિયાતમંદોને તેનો ખરો ફાયદો મળી શકે. તેમણે 2022માં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના 10% ક્વોટાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

આમ, માલદા હિંસા કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર વતી પક્ષ રાખનારા ગોપાલ શંકરનારાયણનનો ટ્રેક રેકોર્ડ જોતા જણાય છે કે તેઓ એક તરફ બંધારણના રક્ષક તરીકે પ્રોજેક્ટ થાય છે, પરંતુ બીજી તરફ અનામતની મર્યાદા અને લશ્કરી શિસ્ત જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિવાદાસ્પદ વલણ ધરાવે છે. કપિલ સિબ્બલની જેમ તેઓ પણ મમતા સરકારના બચાવમાં ઉતરીને કાયદો અને વ્યવસ્થાના પતનને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાય છે.

મેનકા ગુરુસ્વામી: હિંસક રમખાણોના આરોપીઓનો બચાવ કરનાર વકીલ, હવે રાજ્યસભામાં TMCનો ચહેરો

માલદા હિંસા કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ જ્યુડિશિયલ અધિકારીઓના અપમાન અને કલાકો સુધીના બંધક બનાવવાના પ્રકરણમાં રાજ્ય સરકારની નિષ્ફળતાને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ અધિકારીઓની નિમણૂક ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી અને આ રીતે કાયદો-વ્યવસ્થાના પતન માટે રાજ્ય સરકારની જવાબદારીને બદલે દોષનો ટોપલો ચૂંટણી પંચ પર ઢોળવાની કોશિશ કરી હતી.

મેનકા ગુરુસ્વામીનો ભૂતકાળનો રેકોર્ડ પણ વિવાદાસ્પદ રહ્યો છે. 2023માં તેમણે 2020ના હિંદુવિરોધી દિલ્હી રમખાણોના મુખ્ય સૂત્રધાર અને પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન વતી સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો. આ એ જ તાહિર હુસૈન છે જેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાના ઘરનો ઉપયોગ રમખાણો માટેના ‘લૉન્ચપેડ’ તરીકે કર્યો હતો અને અગાઉથી જ પથ્થરો, ઈંટો અને દારૂગોળો જમા કર્યો હતો જેથી CAA સમર્થકોને ‘પાઠ ભણાવી’ શકાય.

વર્ષ 2026માં મમતા બેનર્જી સરકારે મેનકા ગુરુસ્વામીને રાજ્યસભાની ટિકિટ આપી હતી. તેઓ LGBT સમુદાયના સભ્ય હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, મુસ્લિમ તુષ્ટિકરણ માટે જાણીતી TMCના આ નિર્ણય સામે મુસ્લિમ કટ્ટરપંથીઓએ ભારે વિરોધ કર્યો હતો, કારણ કે તેમના મજહબી ગ્રંથો મુજબ તેઓ સમલૈંગિકતાને સ્વીકારતા નથી. આમ એક તરફ મુસ્લિમ વોટબેન્ક અને બીજી તરફ LGBT પ્રતિનિધિત્વ વચ્ચે મમતા સરકારની બેવડી નીતિ સામે આવી હતી.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કોલસા કૌભાંડ અને પિલ્ફરેજ રેકેટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા ગુરુસ્વામીએ કોર્ટમાં અત્યંત રુક્ષ વર્તન કર્યું હતું. જ્યારે એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ મમતા બેનર્જીને ‘મિસ બેનર્જી’ કહીને સંબોધ્યા ત્યારે ગુરુસ્વામીએ જોરશોરથી બૂમો પાડીને તેમને ‘મ્યુટ’ (શાંત) થઈ જવા કહ્યું હતું અને માંગ કરી હતી કે મુખ્યમંત્રીને ‘બહુ-ટર્મ ચીફ મિનિસ્ટર’ કહીને જ સંબોધવા જોઈએ.

સમગ્ર રીતે જોતા કપિલ સિબ્બલ અને ગોપાલ શંકરનારાયણનની જેમ મેનકા ગુરુસ્વામીની પસંદગી પણ એ દર્શાવે છે કે TMC સરકાર એવા વકીલોને પ્રાધાન્ય આપી રહી છે જેઓ કાં તો ઇસ્લામી કટ્ટરપંથીઓના બચાવમાં જોડાયેલા રહ્યા હોય અથવા કોર્ટમાં આક્રમક વલણ અપનાવીને જ્યુડિશિયલ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરતા હોય. માલદામાં હિંસક ટોળા દ્વારા થયેલા લોકશાહીના અપમાનને છાવરવા માટે આ કાયદાકીય ટીમનો ઉપયોગ રાજ્ય સરકારની ગંભીર નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે.

આ આર્ટીકલ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે, મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં