હોમપેજમંતવ્યન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું હોતું નથી, ન્યાયાધીશના ઘરેથી રોકડા મળી આવવાની ઘટના...

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું હોતું નથી, ન્યાયાધીશના ઘરેથી રોકડા મળી આવવાની ઘટના મંગળ ગ્રહ પર બની હતી

જજ સાહેબોના ભારેભરખમ શબ્દો અને લખાણની ગંભીરતા જોતાં લાગી શકે કે NCERT અને શિક્ષણ મંત્રાલયે બહુ મોટો ગુનો કરી નાખ્યો હશે, પણ તેમનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેમણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાત, જે અત્યાર સુધી થતી ન હતી, તે શરૂ કરી દીધી અને એ પણ પાઠ્યપુસ્તકમાં!

- Advertisement -

NCERTના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) પ્રકરણ ઉમેરાવાની ઘટના પર સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશ સહિતના તેના જજો અને અમુક વકીલોની જે પ્રતિક્રિયા આવી છે એ અનેક સવાલો સર્જે છે. મૂળ પ્રશ્ન એ છે કે એક આઠમા ધોરણનું બાળક ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ વિશે જાણે, ભણે, તેની ચર્ચા કરે તેની ઉપર ન્યાયાધીશોને, વકીલોને આટલો વાંધો કેમ પડ્યો છે? બીજો પ્રશ્ન એ છે કે શું ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું અસ્તિત્વ ધરાવતું નથી? ત્રીજો એ કે ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને કાયમ પ્રાધાન્ય આપતી, સ્વતંત્રતાને, મુક્ત ચર્ચાને કાયમ પ્રોત્સાહન આપતી સંસ્થાએ એક પ્રકરણ આવતાંવેંત તેની ઉપર રોક લગાવીને પ્રતિબંધ શું કામ મૂકવો પડે? ઘણા પ્રશ્નો છે, પહેલાં થોડી પૃષ્ઠભૂમિ જોઈએ.

મોદી સરકાર આવ્યા પછી અભ્યાસક્રમોમાં ઠીકઠાક બદલાવો થઈ રહ્યા છે. પહેલાં બાળકોને જે ઇતિહાસ ભણાવાતો હતો એ મોટેભાગે ડાબેરી ઇતિહાસકારોના મગજની ઊપજ હતો. બાકીની બાબતોમાં પણ મોટેભાગે આવું જ જોવા મળતું. સરકારે આવીને એક છેડેથી ફેરફારો શરૂ કર્યા. 2020માં શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી, જેના હેઠળ ઘણા બદલાવો થઈ રહ્યા છે. આવા ફેરફારો ક્રમશઃ અને તબક્કાવાર જ કરવા પડે, રાતોરાત ચોપડાં બદલી શકાતાં નથી.

એક ફેરફાર એ પણ આવ્યો કે પહેલાં અભ્યાસક્રમમાં સીધીસટ વાતો લખી દેવામાં આવતી. ગાંધી મહાન હતા તો મહાન હતા, કેમ એની ચર્ચા નહીં કરવાની અથવા તેને બહુ મહત્ત્વ નહીં આપવાનું. ઇતિહાસમાં આમ થયું હતું તો થયું હતું, કેમ થયું હતું તેનાં પાસાંમાં બહુ નહીં જવાનું. હવે બાળકો ઘટનાઓ પર ચર્ચા કરતાં થાય, એક અલગ પરિપેક્ષ પણ ઉમેરાય તે માટેના પ્રયાસો પણ ચાલુ છે.

- Advertisement -

આ જ અભ્યાસક્રમ નક્કી કરતી બોડી NCERTએ હમણાં આઠમા ધોરણના એક પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ શીર્ષક સાથે એક પ્રકરણ ઉમેર્યું. દેશની કઈ અદાલતોમાં કેટલા કેસ પેન્ડિંગ છે, તેના લીધે સામાન્ય લોકોને શું તકલીફ પડે છે આ બધી વિગતો પણ આપવામાં આવી. ન્યાયતંત્રમાં જજોએ કઈ રીતે વર્તવાનું હોય, તે માટે શું ‘કોડ ઑફ કન્ડક્ટ’ છે અને જો જજો તેના પાલનમાં નિષ્ફળ રહે તો શું મેકેનિઝમ છે એની માહિતી આપવામાં આવી છે. જો આરોપો ગંભીર હોય તો સંસદ ન્યાયાધીશોને બરખાસ્ત કરી શકે એ માહિતી પણ છે.

આ પ્રકરણ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ હમણાં એક લેખ પ્રકાશિત કર્યો, જેને લઈને કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વકીલો કોર્ટમાં પહોંચી ગયા અને આને ‘મેટર ઑફ ગ્રેવ કન્સર્ન’ ગણાવી. આખરે મુદ્દો મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની કોર્ટમાં પહોંચ્યો અને તેમણે કડક શબ્દોમાં NCERTની ઝાટકણી કાઢી. સાથે કહ્યું કે તેમની કોર્ટ આ મામલે સુઓમોટો સુનાવણી શરૂ કરશે અને NCERT અને કેન્દ્ર પાસે જવાબ માગશે.

બીજી તરફ NCERTએ પીછેહઠ કરી લીધી અને પુસ્તક પરત મગાવી લીધું. જેમને નકલો વેચવામાં આવી હતી એ પણ પાછી મગાવવામાં આવી. કોર્ટમાં સુઓમોટો સુનાવણી બીજા દિવસે શરૂ પણ થઈ ગઈ અને કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ માફી પણ માગી લીધી. કોર્ટે પછીથી એક આદેશ પસાર કરીને પુસ્તક પર રોક લગાવી દીધી અને કહ્યું કે તેની ફિઝિકલ-ડિજિટલ તમામ પ્રકારની નકલો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આટલું 24થી 48 કલાકમાં જ બની ગયું. આટલી ઝડપ જો માનનીય ન્યાયાધીશોએ અન્ય કેસોમાં પણ દાખવી હોત તો NCERTના પુસ્તકમાં પેન્ડિંગ કેસોની સંખ્યા લખવામાં આવી છે એમાં નોંધપાત્ર ઘટાડો થયો હોત!

સુપ્રીમ કોર્ટે આદેશમાં શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ સમગ્ર ઘટનાક્રમને ન્યાયતંત્ર પર ‘ગણતરીપૂર્વકનો હુમલો’ ગણાવ્યો છે. સાથે કહ્યું કે આમાં જો કોર્ટ હસ્તક્ષેપ ન કરે તો લોકોના અને ખાસ કરીને યુવાનોના મનમાં ન્યાયતંત્રની ગરિમા ઘટાડવાનું કામ કરશે.

કોર્ટે આદેશમાં કહ્યું છે કે, “પ્રકરણમાં ન્યાયતંત્રની એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અવગણી દેવામાં આવી છે, જેના હેઠળ તેણે બંધારણના મૂળ માળખાના સિદ્ધાંતની રક્ષા કરી છે. આ બાબત ગંભીર છે કારણ કે આ જ કોર્ટે અનેક ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, પદના દુરુપયોગ અને સાર્વજનિક ભંડોળના દુરુપયોગ બદલ કાર્યવાહી કરી છે.”

કોર્ટે જોકે કહ્યું છે કે સ્વતઃ સંજ્ઞાનની આ કાર્યવાહી કોઈ જેન્યુઈન ક્રિટિસિઝમ કે ન્યાયતંત્રની સમીક્ષાના અધિકારને દબાવવા માટે શરૂ કરવામાં આવી નથી અને તેઓ માને છે કે મુક્ત અને ગંભીર ચર્ચાથી સંસ્થાઓ મજબૂત બને છે. ન્યાયતંત્ર કારણ આપે છે કે આ હસ્તક્ષેપ શિક્ષણની ગરિમા જાળવી રાખવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ સાર્વજનિક જીવન અને સંસ્થાઓ વિશે સમજણ વિકસિત કરી રહ્યાં હોય ત્યારે આટલી ઓછી ઉંમરમાં તેમને એકપક્ષીય દૃષ્ટિકોણ આપવો ઉચિત નથી.

કોર્ટ સાથે એમ પણ કહે છે કે ગંભીર પરિણામો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર પડતા નકારાત્મક પ્રભાવને જોતાં આવું આચરણ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની શ્રેણીમાં આવી શકે અને જો આવું જાણીજોઈને કરવામાં આવ્યું હશે તો ન્યાય પ્રશાસનમાં હસ્તક્ષેપ કરવા સમાન અને સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડવા સમાન હશે.

શું ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું છે જ નહીં?

જજ સાહેબોના ભારેભરખમ શબ્દો અને લખાણની ગંભીરતા જોતાં લાગી શકે કે NCERT અને શિક્ષણ મંત્રાલયે બહુ મોટો ગુનો કરી નાખ્યો હશે, પણ તેમનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેમણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાત, જે અત્યાર સુધી થતી ન હતી, તે શરૂ કરી દીધી અને એ પણ પાઠ્યપુસ્તકમાં!

જો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું હોય જ નહીં, જજોના આચરણ ક્યારેય તપાસના લેન્સ હેઠળ આવ્યા જ ન હોય, જજો વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો જ ન થઈ હોય અને NCERTએ પાઠ્યપુસ્તકમાં હવામાંથી વાતો કાઢીને પ્રકરણ ઉમેરી દીધું હોત તો સુપ્રીમ કોર્ટની આ વાતોમાં વજન લાગ્યું હોત. જો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું ન હોય તો થોડા મહિના પહેલાં દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશના ઘરેથી રોકડ રકમ મળી આવવાનો મામલો શું હતો? આ પૈસા કોના હતા, ત્યાં કઈ રીતે પહોંચ્યા તેનો જવાબ આજ સુધી કેમ મળ્યો નથી?

જો સમસ્યા અસ્તિત્વ ધરાવતી હોય તો તેની ચર્ચા કેમ ન થાય? રાજકારણ, કારોબારીમાં ભ્રષ્ટાચાર વિશે આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ, એ સમસ્યા પર સતત ચર્ચા ચાલતી રહે છે અને રાજકારણીઓને પ્રશ્નો પૂછાતા રહે છે. સમસ્યાનું નિદાન ત્યારે થાય જ્યારે પહેલાં તેની ઉપર ચર્ચા થવાની શરૂઆત થાય. ચર્ચાની શરૂઆત કરવા માટે પાઠ્યપુસ્તકોથી શ્રેષ્ઠ બીજું કોઈ માધ્યમ કે સાધન નથી. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના કેસો નથી બન્યા એમ નથી, ભવિષ્યમાં પણ નહીં બને તેની કોઈ ખાતરી નથી. આ સંપૂર્ણ દૂધે ધોયેલી સંસ્થા છે એવું પણ નથી, તો તેની ચર્ચા થવા દેવાય.

મૂળ વાત એ છે કે વર્ષોથી ભ્રષ્ટાચારની વ્યાખ્યા રાજકારણ, બ્યુરોક્રસી અને પોલીસ વિભાગ વગેરેની આસપાસ જ ફરતી રહી અને ન્યાયાધીશો કાયમ તેનાથી બચતા રહ્યા. કોઈ પ્રશ્ન કરે, ચર્ચા કરે કે આગળ વધીને ટીકા કરે એટલે ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’નું હથિયાર કાયમ તૈયાર હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ન્યાયતંત્ર ભ્રષ્ટાચારથી દૂર જ રહ્યું છે. પહેલી વખત NCERTએ પોતાને બંધારણની રક્ષક ગણાવતી, સર્વોચ્ચ ગણતી સંસ્થાને પણ આ દાયરામાં લાવીને મૂકી દીધી અને એની સામે જ આખી જ્યુડિશિયલ ઇકોસિસ્ટમને વાંધો પડ્યો.

ભારતીય ન્યાયતંત્રમાં એક નહીં અનેક સમસ્યાઓ

વાંધો ઉઠાવવાથી, પુસ્તકો પ્રતિબંધિત કરી દેવાથી સમસ્યાનું નિદાન થવાનું નથી. ભારતીય ન્યાયતંત્રમાં આ એક જ સમસ્યા નથી. ભૂતકાળમાં કૉલેજિયમ સિસ્ટમ, જ્યાં જજો જ બંધબારણે બેસીને જજોની નિમણૂક કરે છે, તે દૂર કરવા માટે સરકારે NJAC (નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન) માટે એક્ટ બનાવ્યો તો આ જ સુપ્રીમ કોર્ટે તેને ‘ગેરબંધારણીય’ ગણાવીને દૂર કરી દીધો. આજની તારીખે જજો જ જજોને નીમે છે અને બહાર આવીને માત્ર જાણકારી આપી દે છે. કોની નિમણૂક કયા કારણોસર થઈ એ પણ સામાન્ય પ્રજાને જ નહીં સરકારને પણ જણાવવામાં આવતું નથી.  

‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ની જોગવાઈ જરૂરી એટલા માટે છે કારણ કે અદાલતોના આદેશો ન માનવા પર કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો હોવો જોઈએ. પણ ન્યાયાધીશોની ટીકા બદલ, તેમના આદેશોની ટીકા બદલ કે ન્યાયતંત્રની ટીકા બદલ કન્ટેમ્પ્ટના કેસો થતા રહે તો એ જે-તે સંસ્થાની ગંભીરતા ઓછી કરે છે. ખાસ કરીને એવી સંસ્થા માટે જે પોતે અન્ય કેસોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મૌલિક અધિકારોની વાત કરતી હોય.

દેશભરના રાજકારણીઓ માટે પોતાની આવક-સંપત્તિ ઘોષિત કરવા માટેની વ્યવસ્થા છે, ન્યાયાધીશો માટે નિયમ એવો છે કે તેમને મન પડે તો કરે, ન કરે તોય વાંધો નહીં, કોઈ દબાણ નહીં. ચર્ચા જ શરૂ થાય તો લાંબાં-લાંબાં વેકેશનોનો પણ મુદ્દો આવીને ઊભો રહે છે. કઈ હોસ્પિટલ કે કયું પોલીસ મથક બબ્બે મહિના સદંતર ઓછા સ્ટાફ સાથે કામ કરે કારણ કે તેના ડોકટરોએ કે પોલીસ અધિકારીઓએ વેકેશન પર જવાનું હોય?

દેશની અનેક અદાલતોમાં ઢગલેબંધ કેસો પેન્ડિંગ છે, અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં દાયકાઓ નીકળી જાય છે કેસોનો નિકાલ આવવામાં. પ્રક્રિયામાં વિલંબના કારણે લોકોને વર્ષો સુધી ન્યાય મળતો નથી. સુપ્રીમ કોર્ટમાં કેસો લિસ્ટ કરવા એ એક પડકારજનક કામ છે પણ અમુક વકીલો દર ત્રીજા દિવસે કેસ લઈને પહોંચી જતા હોય અને કેસ લિસ્ટ પણ થઈ જતા હોય.

ચર્ચા જ કરવા બેસો તો આવી અનેક સમસ્યાઓ ધ્યાને આવશે. એક તરફ સુપ્રીમ કોર્ટ કહે છે કે તેમને જેન્યુઇન ક્રિટિસિઝમ સામે વાંધો નથી અને બીજી તરફ તેઓ આવાં ચેપ્ટરો પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે શિક્ષણની ગરિમા સાચવવા માટે તેઓ આમ કરી રહ્યા છે. કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ લાગવાનું જોખમ માથે વહોરી લઈને કહીએ કે આ દલીલો બાલિશ, જુવેનાઇલ અને હાસ્યાસ્પદ છે. અને હવે આપણે એ પણ સ્વીકારી લઈએ કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવું કશું હોતું નથી. કોઈ અહીં કહે કે તો પેલી ન્યાયાધીશના ઘરે રોકડ રકમ મળી આવવાની ઘટના શું હતી? તો કહી દઈશું કે એ તો મંગળ ગ્રહ પર બની હતી!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં