Monday, April 7, 2025
More
    હોમપેજદેશનેતા-અધિકારીઓ અને કર્મચારીઓએ સંપત્તિ જાહેર કરવી ફરજિયાત, પણ ન્યાયાધીશો કેમ રહે છે...

    નેતા-અધિકારીઓ અને કર્મચારીઓએ સંપત્તિ જાહેર કરવી ફરજિયાત, પણ ન્યાયાધીશો કેમ રહે છે બાકાત: સુપ્રીમ કોર્ટ પણ વર્ષોથી વિરોધમાં આપતી રહી છે ચુકાદા

    2023માં કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ ન્યાયિક જવાબદારી પરના તેના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોએ રાજકારણીઓ અને અમલદારોની જેમ ફરજિયાતપણે તેમની સંપત્તિ જાહેર કરવી જોઈએ.

    - Advertisement -

    21 માર્ચના રોજ સમાચાર સામે આવ્યા કે, દિલ્હી ફાયર સર્વિસની ટીમને દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) જજ યશવંત વર્માના (Judge Yashwant Varma) સત્તાવાર નિવાસસ્થાને મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી છે. ફાયરની ટીમ જજના ઘરમાં લાગેલી આગ ઓલવવા માટે કાર્યરત હતી, તે દરમિયાન જ મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી હતી. રિપોર્ટ્સમાં કહેવાયું કે, ઘટના સમયે જજ તેમના આધિકારિક નિવાસસ્થાન પર નહોતા. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે પછીથી જજની બદલી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવા માટે વિચારણા શરૂ કરી અને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ.

    જોકે, 24 કલાકની અંદર જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા આપી હતી કે, જસ્ટિસ વર્માની બદલી કરવાનો કૉલેજીયમનો નિર્ણય કથિત કૌભાંડ સાથે નથી જોડાયેલો. બાદમાં સુપ્રીમ કોર્ટે આંતરિક તપાસ માટે સમિતિનું ગઠન પણ કર્યું હતું. દરમિયાન એવા રિપોર્ટ્સ વહેતા થયા કે, દિલ્હી ફાયર વિભાગના અધિકારીએ જજના ઘરે રોકડ રકમ મળી આવી હોવાની વાતનો ઇનકાર કર્યો છે. જોકે, બાદમાં તે અધિકારીએ પણ મીડિયા સામે આવીને કહ્યું કે, તેમણે આવું કશું કહ્યું નહોતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આ કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. જેમાં ચલણી નોટો મળી હોવાની વાતની પુષ્ટિ થઈ છે. જોકે જજે પૈસા પોતાના કે પરિવારના ન હોવાનું જણાવીને બદનામ કરવાનું કાવતરું હોવાનું કહ્યું છે.

    આ વિવાદના કારણે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, આખરે શા માટે ન્યાયાધીશો પોતાની સંપત્તિ સાર્વજનિક રીતે જાહેર નથી કરતા. હાલમાં સુપ્રીમ કોર્ટના 1997ના પ્રસ્તાવ અનુસાર, કોઈપણ જજે સંપત્તિ જાહેર કરવી કે નહીં તે વૈકલ્પિક બાબત છે. પરંતુ દેશભરમાં હવે ફરી આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે.

    - Advertisement -

    ભારતીય ન્યાયપાલિકા પ્રણાલીમાં ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરવી અનિવાર્ય છે. પરંતુ તેમાં એક અવરોધ પણ છે. આ પ્રક્રિયા ભારતના ચીફ જસ્ટિસ સમક્ષ આંતરિક રીતે કરવામાં આવે છે અને તે સંપત્તિનું વિવરણ માત્ર સ્વૈચ્છિક રીતે જ જનતા માટે જાહેર કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, કોઈ ન્યાયાધીશ જો એવું ઈચ્છે કે તેમની સંપત્તિ વિશે દેશના નાગરિકોને કોઈ ખ્યાલ ન આવવો જોઈએ તો તેઓ તે કરવા માટે સ્વતંત્ર છે. આ બાબત ન્યાયાધીશના વિવેક પર નિર્ભર છે.

    આંતરિક જાહેરાતની આ પ્રથા 1997માં સુપ્રીમ કોર્ટના એક પ્રસ્તાવ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જાહેર ખુલાસો ફરજિયાત નથી, જે માહિતી અધિકાર અધિનિયમ (RTI) 2005 હેઠળ ગોપનિયતા પર કોર્ટના ભાર દ્વારા પ્રતિબિંબિત થાય છે. 2019 સહિતના અનેક મુખ્ય ચુકાદાઓમાં પણ આ વલણને સમર્થન આપવામાં આવ્યું છે. ન્યાયાધીશની સંપત્તિનો જાહેર ખુલાસો કરવાની મંજૂરી ત્યારે આપવામાં આવે છે, જ્યારે વ્યાપક જાહેર હિત દર્શાવવામાં આવ્યું હોય.

    ઐતિહાસિક સંદર્ભ, વર્તમાન સ્થિતિ અને વિવાદ

    1997માં ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશો દ્વારા સંપત્તિની જાહેરાત ગુપ્ત રાખવાનો ઠરાવ પસાર કર્યો હતો. છેલ્લાં ઘણાં વર્ષોથી RTI કાયદા હેઠળ આ સ્ટેન્ડને કાયદેસર રીતે પડકારવામાં આવ્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટે સતત ફરજિયાત જાહેર ખુલાસો કરવા વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે જાહેર હિતની વિનંતીમાં જ્યાં સુધી જાહેર હિત સ્પષ્ટ ન હોય ત્યાં સુધી વ્યક્તિગત માહિતી મુક્તિનો ઉલ્લેખ કર્યો છે. તેના કારણે ન્યાયાધીશોની સંપત્તિઓ વિશે સામાન્ય જનતાને કોઈ માહિતી મળી શકતી નથી.

    માર્ચ 2025 સુધી આ પ્રથા ચાલુ રહી છે. 2023માં એક સંસદીય સમિતિએ ન્યાયાધીશો દ્વારા ફરજિયાત સંપત્તિ ઘોષણાઓની ભલામણ કરી હતી, પરંતુ તેનું ફળદાયી પરિણામ મળ્યું નથી. નવેમ્બર 2024માં સરકારે રાજ્યસભાને જાણ કરી હતી કે, સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો માટે સંપત્તિ ઘોષણા ફરજિયાત બનાવવાની કોઈ યોજના નથી.

    આ મુદ્દો વિવાદાસ્પદ બની રહ્યો છે, કારણ કે 1991માં સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકાર્યું હતું કે, ન્યાયાધીશો લોકસેવકો છે. જોકે, પછીથી કોર્ટના ચુકાદાઓ તેનાથી વિપરીત સૂચનો આપતા આવ્યા છે. જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણનનો 2008નો દાવો અને લોકપાલ દ્વારા 3 જાન્યુઆરી 2025ના ચુકાદાનો સમાવેશ થાય છે. સાંસદો, ધારાસભ્યો વગેરે જેવા અન્ય તમામ લોકસેવકો માટે સંપત્તિ જાહેર કરવી આવશ્યક છે. એટલું જ નહીં, ઉમેદવાર સંપત્તિ જાહેર કર્યા વિના ભારતમાં ચૂંટણી લડી શકતો નથી અને જો જાહેરાત શંકાસ્પદ જણાય તો ઉમેદવારીને કાયદાની અદાલતમાં પડકારી પણ શકાય છે.

    ન્યાયાધીશોની સંપત્તિ જાહેરાતો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયોનો વિસ્તૃત ઇતિહાસ

    7 મે 1997ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટની પૂર્ણ અદાલતે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે તમામ ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમક્ષ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે. આ ઠરાવમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવી ફરજિયાત રહેશે, જેમાં તેમના જીવનસાથી અને આશ્રિત પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવેલી સંપત્તિનો પણ સમાવેશ થાય છે. આ ઘોષણા પદભાર સંભાળ્યા પછી અને ત્યારબાદ જ્યારે પણ મહત્વપૂર્ણ અધિગ્રહણ કરવામાં આવે ત્યારે કરવાની રહેશે.

    નોંધનીય છે કે, CJIએ 1997 અને 2009ના ચુકાદામાં કહ્યું હતું કે, રેકોર્ડ આંતરિક હેતુઓ માટે છે. ન્યાયિક અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત અંગે વધતી જતી ચિંતાઓના પ્રતિભાવ તરીકે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવ સાર્વજનિક જાહેરાત સુધી વિસ્તર્યો ન હતો અને સાર્વજનિક પહોંચ મેળવ્યા વિના આંતરિક પારદર્શિતા માટે એક મિસાલ પણ બન્યો હતો.

    આ ઠરાવને બાદમાં 26 જુલાઈ 1997ના રોજ દિલ્હી હાઇકોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને 8 જુલાઈ 2009ના રોજ તેને પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો. જેનાથી ન્યાયતંત્રમાં તેનો ઉપયોગ લાગુ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે, આંતરિક પદ્ધતિનો હેતુ ન્યાયાધીશોની જવાબદારી સુનિશ્ચિત કરવાનો હતો. જોકે, અપારદર્શક પ્રકૃતિએ જાહેર પારદર્શિતા પર ભવિષ્યની ચર્ચાઓ માટે દ્વાર ખુલ્લા રાખ્યા હતા જે હજુ પણ ચાલુ છે.

    RTI અધિનિયમ અને ન્યાયિક પડકારો

    2005માં જ્યારે માહિતી અધિકાર કાયદો (RTI) અમલમાં આવ્યો ત્યારે ન્યાયિક પારદર્શિતા પર વધુ ચર્ચા શરૂ થઈ. આ કાયદાએ નાગરિકોને ન્યાયતંત્ર સહિત ઓથોરિટી દ્વારા પોતાની પાસે રાખવામાં આવેલી માહિતી સુધી પહોંચવાનો અધિકાર આપ્યો હતો. જોકે, કાયદામાં એવી વ્યક્તિગત માહિતી માટે ઘણી છૂટછાટો છે જે જાહેર પ્રવૃત્તિ અથવા હિત સાથે સંબંધિત નથી, સિવાય કે જાહેર માહિતીનો ખુલાસો મોટા જાહેર હિતને પૂર્ણ કરે. આ બાબત કાયદાની કલમ 8(1)(J) દ્વારા સમજાવવામાં આવી છે. છૂટછાટની આ જોગવાઈ ન્યાયાધીશો દ્વારા સંપત્તિ ઘોષણાઓ પર કાનૂની લડાઈઓનું કેન્દ્રબિંદુ બની છે.

    2009માં એક્ટિવિસ્ટ સુભાષ ચંદ્ર અગ્રવાલે એક RTI અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે 1997ના ઠરાવ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરી હતી કે કેમ તે અંગે માહિતી માંગી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસરે (CPIO) છૂટનો હવાલો આપીને વિનંતી નકારી કાઢી, ત્યારે અગ્રવાલે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનમાં (CIC) અપીલ કરવાનું નક્કી કર્યું હતું.

    ત્યારબાદ CICએ સુપ્રીમ કોર્ટને માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. CICના નિર્ણયથી મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને પડદા પાછળ ચાલી રહેલી પારદર્શિતા અને ગોપનીયતા વચ્ચેની લડાઈને ઉજાગર કરી હતી.

    મુખ્ય ન્યાયિક ચુકાદા- જાહેર ન કરવાના મુદ્દાને સમર્થન

    રસપ્રદ વાત એ છે કે, ત્યારથી લઈને હમણાં સુધી ન્યાયાધીશોને તેમની સંપત્તિ સાર્વજનિક રીતે જાહેર કરવા માટે ફરજ પાડવાની લડાઈ વિવિધ અરજીઓ દ્વારા ચાલી રહી છે અને દરેક વખતે સર્વોચ્ચ અદાલતે સંપત્તિના ફરજિયાત જાહેર ખુલાસોની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. તેમાંનો એક મહત્વપૂર્ણ કેસ દિલ્હી હાઇકોર્ટમાં સુભાષ ચંદ્ર અગ્રવાલનો સુપ્રીમ કોર્ટ વિરુદ્ધનો કેસ હતો. 2 સપ્ટેમ્બર 2009ના રોજ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, ઘોષણા કરવામાં આવી હતી કે નહીં તે અંગેની માહિતી જાહેર કરી શકાય છે, પરંતુ ઘોષણાઓની સામગ્રી સુરક્ષિત રાખવામાં આવી છે, જે 1997માં સ્થાપિત ગોપનિયતાને મજબૂત બનાવે છે.

    અગ્રવાલે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે 2010માં ‘સેક્રેટરી જનરલ, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સુભાષ ચંદ્ર અગ્રવાલ’ કેસમાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને હાઇકોર્ટના તે નિર્ણયને માન્ય રાખતા કહ્યું હતું કે, ન્યાયાધીશો દ્વારા સંપત્તિની ઘોષણા ગુપ્ત હોય છે અને જ્યાં સુધી સ્પષ્ટ જાહેર હિત ન હોય ત્યાં સુધી તે સાર્વજનિક જાહેરાતના દાયરામાં આવતી નથી.

    આ લડાઈ ઘણાં વર્ષો સુધી ચાલુ રહી અને 13 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર વિરુદ્ધ સુભાષ ચંદ્ર અગ્રવાલ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા લખાયેલા બહુમતી મંતવ્યએ CICના આદેશ અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું, જેમાં સુપ્રીમ કોર્ટના CPIOને ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરી છે કે કેમ તે અંગે માહિતી પૂરી પાડવાની જરૂર હતી.

    જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિઓની વિગતો જાહેર કરવી જોઈએ નહીં, કારણ કે તે RTI કાયદાની કલમ 8(1)(J) હેઠળ સુરક્ષિત વ્યક્તિગત માહિતી છે, સિવાય કે જાહેર હિતમાં ખુલાસો કરવામાં આવે. ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરતી વખતે છટકબારી શોધવાનું ચાલુ રહ્યું હતું.

    કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, CJI એ બાબત માટે જવાબદાર નથી કે દરેક જજ સંપત્તિની ઘોષણા કરે. જાહેરાત જરૂરી છે કે નહીં તે નક્કી કરવા માટે દરેક કેસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવું પડે છે. ચુકાદામાં સંપત્તિ વિગતોના સાર્વત્રિક ખુલાસા પર કોઈ સામાન્ય તારણો આપવામાં આવ્યાં નથી અને નિર્ણયને કેસ-દર-કેસના આધારે નિર્ણય કરવા પર છોડવામાં આવ્યો છે. તેના વિશે નિષ્ણાતોનું માનવું છે કે, તે જાહેર હિત અને ગોપનીયતા વચ્ચે સંતુલન પૂરું પાડે છે.

    જોકે, તે પ્રશ્ન હજુ પણ તે જ સ્થિતિમાં છે કે અન્ય લોકસેવકોને તેમની સંપત્તિ જાહેર કરવી ફરજિયાત હોય તો ન્યાયાધીશોને કેમ નહીં?

    અમલીકરણ અને સ્વૈચ્છિક જાહેરાત

    આ ચુકાદા પછી સંપત્તિ જાહેર કરવાની પ્રથા આંતરિક અને ગુપ્ત બની રહી છે. જાહેર ખુલાસો સ્વૈચ્છિક છે અને તે ન્યાયાધીશો પર નિર્ભર છે કે, તેઓ લોકોને જણાવવા માંગે છે કે તેમના અથવા તેમના પરિવારના સભ્યો પાસે શું છે. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર એવા ન્યાયાધીશોની યાદી છે, જેમણે પોતાની જાહેરાતો રજૂ કરી છે. રસપ્રદ વાત એ છે કે, પેજ પર ફક્ત નામો છે અને સંપત્તિની કોઈ વિગતો નથી.

    તેવી જ રીતે, દિલ્હી હાઇકોર્ટે પણ પબ્લિક ડોમેનમાં ઘોષણાઓ પ્રકાશિત કરી છે, પરંતુ 39માંથી ફક્ત 8 ન્યાયાધીશોએ જાહેરમાં તેમની સંપત્તિ જાહેર કરી છે. તેમાંથી ન્યાયાધીશ યશવંત વર્માની ફાઇલ એક ડમી PDF તરફ દોરી જાય છે, નહીં કે વાસ્તવિક ઘોષણાની. જોકે, તે એક દફ્તર સંબંધિત ભૂલ હોય શકે છે.

    ચાલી રહી છે ચર્ચાઓ અને ભલામણો

    2023માં કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ ન્યાયિક જવાબદારી પરના તેના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોએ રાજકારણીઓ અને અમલદારોની જેમ ફરજિયાતપણે તેમની સંપત્તિ જાહેર કરવી જોઈએ. સમિતિએ દલીલ કરી હતી કે, આવી ઘોષણાઓ ન્યાયતંત્રમાં વિશ્વાસ અને વિશ્વસનીયતા વધારશે અને કહ્યું હતું કે, “ઉચ્ચ ન્યાયતંત્રના ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરવાથી સિસ્ટમમાં વધુ વિશ્વાસ અને વિશ્વસનીયતા આવશે.” જોકે, માર્ચ 2025 સુધીમાં સાર્વજનિક જાહેરાતને ફરજિયાત બનાવવા માટે કોઈ કાયદાકીય ફેરફારો કરવામાં આવ્યા નથી.

    નિષ્કર્ષ

    હવે સમય આવી ગયો છે કે, સુપ્રીમ કોર્ટ આગળ આવે અને પોતાને તે જ ધોરણો પર રાખે જેની તે અન્ય લોકો પાસેથી અપેક્ષા રાખે છે. ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ એ નથી કે જાહેર જવાબદારીને અવગણી શકાય. ગોપનીયતાની દલીલને સિલેક્ટિવ રીતે લાગુ કરી શકાતી નથી. એ નોંધવું જોઈએ કે, પારદર્શિતા એ લોકશાહીનો પાયો છે. જો રાજકારણીઓ અને અમલદારોએ સંપત્તિ જાહેર કરવી પડે, તો ન્યાયાધીશોએ પણ જૂના ઠરાવો પાછળ પોતાને બચાવવાને બદલે ઉદાહરણ રજૂ કરવું જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં