Saturday, April 26, 2025
More

    જજના ઘરેથી પૈસા મળ્યા કે નહીં? ફાયર વિભાગના ડાયરેક્ટરે ઇનકાર કર્યો હોવાનું મીડિયાએ ચલાવ્યું, તેમણે જ પછીથી અહેવાલો નકાર્યા

    દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હોવાના દાવા બાદ એક તરફ દેશભરમાં ચર્ચા છે તો બીજી તરફ ફાયર વિભાગના અધિકારીના નિવેદનોથી સસ્પેન્સ વધી રહ્યું છે. 

    આ પહેલાં ન્યૂઝ એજન્સી PTIએ દિલ્હી ફાયર સર્વિસ ચીફ અતુલ ગર્ગના હવાલે એવું જણાવ્યું હતું કે અગ્નિશમન વિભાગને જજના ઘરેથી રોકડા પૈસા મળી આવ્યા નથી. પરંતુ પછીથી ગર્ગે પોતે આવું નિવેદન આપ્યું હોવાનું નકાર્યું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. 

    PTI અનુસાર, અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, “આગ ઓલવ્યા બાદ અમે તુરંત પોલીસને ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ અમારી ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ. આગ ઓલવવા દરમિયાન અમારા કર્મચારીઓને કોઈ રોકડ પૈસા મળ્યા નથી.”

    જોકે એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, અતુલ ગર્ગે પછીથી આવું કોઈ નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, તેમણે કોઈ મીડિયા આઉટલેટને નથી કહ્યું કે ફાયરફાઇટરોને સ્થળ પરથી રોકડા પૈસા નથી મળ્યા. સાથે એમ પણ કહ્યું કે જે મીડિયા સંસ્થાઓ તેમનું આ સ્ટેટમેન્ટ ચલાવી રહી છે તેમને તેમણે સ્પષ્ટતા પણ મોકલી આપી છે.