ગુરુવાર, 9 એપ્રિલના રોજ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ એક અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે ભારતે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે કરવામાં આવેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. સમાચારની હેડલાઇન હતી– ‘ભારતે પાકિસ્તાન દ્વારા થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું, યુક્રેનમાં પણ શાંતિ સ્થપાય તેવી આશા વ્યક્ત કરી’.
TOIના રિપોર્ટમાં એવું સૂચવવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં લગભગ છ સપ્તાહ સુધી ચાલેલા સંઘર્ષ બાદ પાકિસ્તાને ભૂમિકા નિભાવીને યુદ્ધવિરામ કરાવ્યો હોવાનું ભારત સરકારે સ્વીકાર્યું છે અને સત્તાવાર પ્રતિક્રિયા આપતાં કાયમી શાંતિ સ્થપાય એવી આશા વ્યક્ત કરી છે તેમજ વૈશ્વિક ઊર્જા પુરવઠા અને વ્યાપારમાં સતત આવતા અવરોધો અંગેની સરકારની ચિંતાઓ પર પણ ભાર મૂક્યો છે.

વિદેશ મંત્રાલયને (MEA) ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, “અમે અગાઉ પણ સતત કહેતા રહ્યા છીએ કે ચાલુ સંઘર્ષનો વહેલી તકે અંત લાવવા માટે સંવાદ અને ડિપ્લોમસી અનિવાર્ય છે.” આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના શબ્દોને ટાંકતા અહેવાલમાં કહેવાયું છે કે, “ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે અને અમે એ તમામ પગલાંનું સ્વાગત કરીએ છીએ જે શાંતિ અને સ્થિરતા તરફ દોરી જાય છે.”
વાસ્તવમાં MEAએ શું કહ્યું?
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનને ધ્યાનથી જોતાં માલૂમ પડે છે કે તેમાં પાકિસ્તાનનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું હતું કે, “અમે થયેલા સીઝફાયરનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનાથી પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થપાશે.” નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે ચાલુ સંઘર્ષનો વહેલી તકે અંત લાવવા માટે તણાવ ઓછો કરવો, પરસ્પર સંવાદ અને ડિપ્લોમસી જ સૌથી જરૂરી માધ્યમો છે.
Statement on the recent development in West Asia ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 8, 2026
🔗 https://t.co/WwFCi4kXHg pic.twitter.com/wmsF4YUb7j
આ નિવેદનમાં સંઘર્ષની વ્યાપક અસરો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, “આ સંઘર્ષને કારણે લોકોએ અપાર વેદના ભોગવવી પડી છે અને તેનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા તેમજ વ્યાપારી નેટવર્ક ખોરવાઈ ગયું છે.” સ્થિરતાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા જળમાર્ગે અવરજવરની સ્વતંત્રતા અને વૈશ્વિક વાણિજ્યનો પ્રવાહ કોઈ પણ અવરોધ વિના જળવાઈ રહેશે.”
સરકારના સ્ટેટમેન્ટમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ નથી
મહત્વની વાત એ છે કે વિદેશ મંત્રાલયે સીઝફાયરની પ્રક્રિયામાં સામેલ કોઈપણ દેશનું નામ લીધું નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના (TOI) અહેવાલમાં કરવામાં આવેલા દાવાથી વિપરીત ભારત દ્વારા પાકિસ્તાનનો કોઈ સ્વીકાર કે આભાર માનવામાં આવ્યો નહોતો. મંત્રાલયનું નિવેદન માત્ર સીઝફાયરને આવકારતું હતું અને સંપૂર્ણપણે તટસ્થ રહીને માત્ર શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક આર્થિક ચિંતાઓ પર જ કેન્દ્રિત હતું.
વિદેશ મંત્રાલયે ચોક્કસપણે એવી આશા વ્યક્ત કરી હતી કે પશ્ચિમ એશિયાના આ ઘટનાક્રમથી ‘યુક્રેનમાં શાંતિના પ્રયાસોને પ્રોત્સાહન’ મળી શકે છે, પરંતુ આ એક સામાન્ય રાજદ્વારી ટિપ્પણી હતી અને તેને કોઈ ચોક્કસ દેશની ભૂમિકા સાથે જોડવામાં આવી ન હતી.
ટૂંકમાં ભારતે ‘પાકિસ્તાનની મધ્યસ્થીવાળા સીઝફાયર’નું સ્વાગત કર્યું હોવાનો દાવો સત્તાવાર નિવેદનમાં સાબિત થતો નથી. વિદેશ મંત્રાલયનો પ્રતિસાદ કોઈપણ ચોક્કસ દેશને શ્રેય આપ્યા વિના માત્ર સીઝફાયરને આવકારવા પૂરતો મર્યાદિત હતો. પરંતુ તેમ છતાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો રિપોર્ટ પાકિસ્તાનને વચ્ચે ઘૂસાડી રહ્યો છે.


