
યુએસ-ઈરાન વચ્ચે બે અઠવાડિયાના સીઝફાયરની ઘોષણા પછી પણ તણાવ અને અનિશ્ચિતતા યથાવત છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત પસાર થવાની શરત પર આ સમજૂતી થઈ હતી, પરંતુ લેબનોનમાં ઈઝરાયલના હુમલાઓ અને સ્ટ્રેટની સ્થિતિને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ સામે આવ્યા છે. જેના કારણે આ ઘટનાઓ વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર પણ અસર કરી રહી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાના સીઝફાયરની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જે અંતર્ગત ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવરની ખાતરી આપવા ઉપરાંત પોતાનું યુરેનિયમ સંવર્ધન બંધ કરવા અને તેનો જથ્થો સોંપવા સંમત થયું છે; આ સમજૂતી દ્વારા ટ્રમ્પ પ્રશાસન ઈરાનના પરમાણુ જોખમને જડમૂળથી દૂર કરવા માંગે છે, જેનો સંકેત તેમણે સોશિયલ મીડિયા પર ન્યુક્લિયર ‘ડસ્ટ’ સાફ કરવાના નિવેદન દ્વારા આપ્યો હતો.
બીજી તરફ ઈરાની સંસદના સ્પીકર અને વાતચીતમાં અગત્યની ભૂમિકા નિભાવનાર મોહમ્મદ બાગર કલીબાફે અમેરિકી દાવાઓથી વિપરીત નિવેદન આપતા જણાવ્યું છે કે સીઝફાયરની શરતો મુજબ તેઓ યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખી શકે છે. તેમણે ઈઝરાયલના હુમલાઓને સમજૂતીનો ભંગ ગણાવી વર્તમાન સ્થિતિમાં વાટાઘાટોને અયોગ્ય ગણાવી છે, જોકે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અવરજવર માટે માઇન્સથી બચી શકાય તેવા વૈકલ્પિક દરિયાઈ માર્ગોનો નકશો જાહેર કરીને સહકારની તૈયારી પણ દર્શાવી છે.
નોંધનીય છે કે સીઝફાયરના થોડા કલાકો પછી જ ઈઝરાયલે લેબનોન પર તેના સૌથી મોટા હુમલા કર્યા, જેમાં સારું એવું નુકસાન પહોંચ્યું છે. લેબનોનની સિવિલ ડિફેન્સ સર્વિસ અનુસાર 254 લોકો માર્યા ગયા અને 1,100થી વધુ ઘાયલ થયા હતા. એકલા બેઈરુતમાં જ 91 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. લેબનોનના હેલ્થ મિનિસ્ટ્રીએ 182 મૃત્યુનો આંકડો આપ્યો છે. આ હુમલાઓ હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર કરવામાં આવ્યા હતા.
Ceasefire with Iran will not include Hezbollah. We are continuing to hit Hezbollah: Netanyahu https://t.co/TWzzQcxXqZ
— Sidhant Sibal (@sidhant) April 8, 2026
યુએસ અને ઈઝરાયલનું કહેવું છે કે સીઝફાયરમાં લેબનોનનો સમાવેશ થતો નથી. વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું, “ઈરાનીઓને લાગતું હતું કે સીઝફાયરમાં લેબનોન સમાવિષ્ટ છે, પરંતુ અમે ક્યારેય તેવું વચન આપ્યું નહોતું.” ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હેઝબોલ્લાહ પર હુમલા ચાલુ રહેશે અને ઈઝરાયલની આંગળી ટ્રિગર પર છે.
Vice President JD Vance said Tehran's negotiators thought the US-Iran ceasefire included Lebanon, but the US had in fact not agreed to that https://t.co/TBVwAm5oIw pic.twitter.com/Vq1qAEMemf
— Reuters (@Reuters) April 8, 2026
ઈરાને આને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પાકિસ્તાને જે ડ્રાફ્ટ જાહેર કર્યો હતો તેમાં લેબનોન સમાવિષ્ટ હોવાનું કહેવાયું હતું, પરંતુ વ્હાઈટ હાઉસે તેનો વિરોધ કર્યો છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલાઈન લીવિટે પણ આ અંગે સ્પષ્ટતા કરીને કહ્યું કે લેબનોન મુદ્દે વાતચીત થઈ નથી.

