હોમપેજદેશવાંધાજનક સામગ્રી હટાવવા માટે 3 કલાકની સમયમર્યાદા, ફરજિયાત લેબલિંગ: AIનો દુરુપયોગ અટકાવવા...

વાંધાજનક સામગ્રી હટાવવા માટે 3 કલાકની સમયમર્યાદા, ફરજિયાત લેબલિંગ: AIનો દુરુપયોગ અટકાવવા સરકારે કડક કર્યા IT નિયમો– વાંચો વિગતો

જો સરકારની કોઈ એજન્સી કે કોર્ટ દ્વારા કોઈ કન્ટેન્ટને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે, તો પ્લેટફોર્મએ માત્ર 3 કલાકમાં આ સામગ્રી દૂર કરવી પડશે. પહેલાં આ માટે 36 કલાકનો સમય મળતો હતો, જેનો અર્થ છે કે હવે કાર્યવાહી 12 ગણી ઝડપી થશે.

- Advertisement -

તાજેતરમાં AI દ્વારા મહિલાઓ તથા બાળકોના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવવાના મામલા સામે આવી ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ Xના AI ટૂલ વિરુદ્ધ સરકારે પગલાં લીધાં હતાં. હવે આ મામલે ભારત સરકારે AI-જનરેટેડ કન્ટેન્ટ અને ડીપફેકના વધતા જતા દુરુપયોગને રોકવા માટે કડક IT નિયમોની જાહેરાત કરી છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મહત્વપૂર્ણ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન દ્વારા ‘માહિતી ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) સુધારા નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે, જે 20 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે.

આ નિયમો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, 2000ની કલમ 87(1) અને 87(2)(z), (zg) હેઠળ બનાવવામાં આવ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ડીપફેક, મિસઇન્ફોર્મેશન, નોન-કન્સેન્શ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજરી, બાળકો સાથે થતી અશ્લીલતા (CSAM), છેતરપિંડી, ખોટી ઓળખ અને અન્ય હાનિકારક સિન્થેટિક કન્ટેન્ટને નિયંત્રિત કરવાનો છે. આ નિયમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ, ટેલિગ્રામ તેમજ AI ટૂલ્સ પ્રદાન કરતા ઇન્ટરમીડિયરી પર લાગુ પડે છે.

નવી વ્યાખ્યાઓનો સમાવેશ

સરકારે પહેલીવાર ‘ડીપફેક’ જેવી સામગ્રીને કાયદાકીય શબ્દોમાં SGI એટલે કે સિંથેટિકલી જનરેટેડ ઇન્ફોર્મેશન તરીકે વ્યાખ્યાયિત કરી છે. આમાં ઓડિયો (અવાજ), વિઝ્યુઅલ (ફોટા/ગ્રાફિક્સ) અથવા ઓડિયો-વિઝ્યુઅલ (વીડિયો) એમ ત્રણેય પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે. જે માહિતી કમ્પ્યુટર અલ્ગોરિધમ કે AI દ્વારા શૂન્યમાંથી બનાવવામાં આવી હોય અથવા અસલી સામગ્રીમાં ફેરફાર (Alter/Modify) કરીને તૈયાર કરવામાં આવી હોય તેને SGI ગણાશે. આ વ્યાખ્યાનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ કન્ટેન્ટ એટલું વાસ્તવિક લાગતું હોય કે સામાન્ય માણસ તેને ‘અસલી વ્યક્તિ’ કે ‘સાચી ઘટના’થી અલગ ન પાડી શકે, તો તે આ નિયમો અંતર્ગત આવશે.

- Advertisement -

સામાન્ય યુઝરો અને ક્રિએટરોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે કેટલીક બાબતોને આ કડક વ્યાખ્યામાંથી બાકાત રાખી છે, જેમ કે નોઈસ ક્લિયરન્સ, કલર એડજસ્ટમેન્ટ અને ફાઈલની સાઈઝ બદલવી એ SGIમાં ગણાશે નહીં. આ સિવાય PDF ફાઇલ્સ બનાવવી, પ્રેઝન્ટેશન તૈયાર કરવાં અથવા એજ્યુકેશનલ મટિરિયલ બનાવવું જેમાં કોઈ ખોટી માહિતી ફેલાવવાનો ઈરાદો ન હોય. આ ઉપરાંત સામગ્રીને વધુ સ્પષ્ટ બનાવવી, તેનું ભાષાંતર (Translation) કરવું અથવા સર્ચ કરવામાં સરળતા રહે તેવા ફેરફારો કરવાને પણ બકાત રાખવામાં આવ્યા છે.

હવે ‘ઇન્ફોર્મેશન’ શબ્દમાં SGIનો પણ સમાવેશ કરી લેવાયો છે. આનો અર્થ એ થયો કે ઇન્ટરનેટ પર જે જૂના કાયદાઓ ‘ગેરકાયદેસર માહિતી’ માટે લાગુ પડતા હતા, તે હવે AI દ્વારા બનાવેલી ડીપફેક પર પણ સમાન રીતે લાગુ પડશે.

ડ્યુ ડિલિજન્સ અને લેબલિંગની ફરજો

ભારત સરકારના નવા IT નિયમો મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓ (ઇન્ટરમીડિયરી) માટે ‘ડ્યુ ડિલિજન્સ’ એટલે કે સાવચેતી રાખવાની જવાબદારીઓ હવે ઘણી કડક કરી દેવામાં આવી છે. હવે પ્લેટફોર્મ્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈપણ AI દ્વારા બનાવેલી સામગ્રી (SGI) છુપાયેલી ન રહે. જેમકે હવે AI કન્ટેન્ટ પર એવું લેબલ લગાવવું પડશે જે યુઝરને તરત જ દેખાય અને તે સમજી શકે કે આ વાસ્તવિક નથી. આ સિવાય કન્ટેન્ટની ફાઇલમાં જ ‘પર્મનેન્ટ મેટાડેટા’ અથવા ‘યુનિક આઇડેન્ટિફાયર’ એમ્બેડ (જોડવા) કરવા પડશે. આનાથી તે કન્ટેન્ટ ક્યાંથી અને કોણે બનાવ્યું છે તે ટ્રેસ કરી શકાશે. એકવાર લેબલ કે મેટાડેટા લાગી ગયા પછી, તેને દૂર કરવા, મોડિફાઇ કરવા કે છુપાવવા પર સખત પ્રતિબંધ છે.

જે પ્લેટફોર્મ્સ પર મોટી સંખ્યામાં યુઝર્સ છે (Significant Social Media Intermediaries) તેમણે વધારાની તકેદારી રાખવી પડશે. યુઝર જ્યારે પણ કોઈ કન્ટેન્ટ અપલોડ કરે ત્યારે તેણે ફરજિયાત જણાવવું પડશે કે તે SGI (AI જનરેટેડ) છે કે નહીં. પ્લેટફોર્મ્સે માત્ર યુઝરના કહેવા પર ભરોસો રાખવાને બદલે ઓટોમેટેડ ટુલ્સ (AI સોફ્ટવેર) દ્વારા ચકાસણી કરવી પડશે કે તે ખરેખર AI કન્ટેન્ટ છે કે નહીં. જો કોઈ પ્લેટફોર્મ જાણીજોઈને આવાં ઉલ્લંઘનને ચાલવા દેશે અથવા ચકાસણીમાં બેદરકારી દાખવશે તો તે પ્લેટફોર્મ કાયદેસર રીતે જવાબદાર ગણાશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્લેટફોર્મ્સે એવા ટેકનિકલ પગલાં લેવાં જ પડશે જેનાથી બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી (CSAM), કોઈની સંમતિ વગરની અંગત તસવીરો (ડીપફેક પોર્નોગ્રાફી, NCII), કોઈ અન્ય વ્યક્તિ હોવાનો ખોટો ડોળ કરવો કે ખોટા દસ્તાવેજો બનાવવા, વિસ્ફોટક પદાર્થો કે હથિયારો વિશેની ભ્રામક માહિતી ફેલાવવી જેવા ગંભીર ગુનાઓ પર લગામ લાદી શકાય. એટલે કે હવે પ્લેટફોર્મ્સ એમ કહીને બચી શકશે નહીં કે ‘અમને ખબર નહોતી’. તેમણે પોતે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોટું કન્ટેન્ટ પકડવું પડશે અને તેના પર ‘AI’નું લેબલ મારવો પડશે.

ઝડપી ટેકડાઉન ટાઇમલાઇન્સ

ભારત સરકારના 2026ના નવા IT નિયમોમાં જે સૌથી મોટો અને પાયાનો ફેરફાર છે તે છે ‘સમયમર્યાદા’ (Timelines). ઇન્ટરનેટ પર ખોટી માહિતી કે અશ્લીલ સામગ્રી જેટલો લાંબો સમય સુધી રહે તેટલું વધુ નુકસાન કરે છે. આથી સરકારે પ્લેટફોર્મ્સને ‘વિચારવાનો સમય’ આપવાને બદલે ‘તાત્કાલિક એક્શન’ લેવા ચેતવણી આપી છે.

જો સરકારની કોઈ એજન્સી કે કોર્ટ દ્વારા કોઈ કન્ટેન્ટને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે, તો પ્લેટફોર્મએ માત્ર 3 કલાકમાં આ સામગ્રી દૂર કરવી પડશે. પહેલાં આ માટે 36 કલાકનો સમય મળતો હતો, જેનો અર્થ છે કે હવે કાર્યવાહી 12 ગણી ઝડપી થશે. નોન-કન્સેન્શ્યુઅલ ન્યુડિટી (કોઈની મંજૂરી વિનાની નગ્ન તસવીરો) અથવા હાનિકારક ડીપફેક કિસ્સામાં પ્લેટફોર્મે ફરિયાદ મળ્યાના માત્ર 2 કલાકમાં તે સામગ્રી દૂર કરવી પડશે. અગાઉ આ મર્યાદા 24 કલાકની હતી.

આ ઉપરાંત જો કોઈ સામાન્ય નાગરિક ફરિયાદ કરે તો ગ્રીવન્સ ઓફિસરે હવે 7 દિવસમાં તેનો નિકાલ કરવો પડશે. પહેલાં આ માટે 15 દિવસનો સમય મળતો હતો. અન્ય સામાન્ય પ્રકારના ઉલ્લંઘનોમાં કાર્યવાહીનો સમય 36 કલાક કરી દેવાયો છે.

અન્ય મહત્વની જોગવાઈઓ

નવા IT સુધારા નિયમોમાં સુરક્ષા અને જવાબદારીને લઈને કેટલીક પાયાની જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમિત જાગૃતિ અને યુઝર નોટિફિકેશન (Rule 3(c)) અંતર્ગત પ્લેટફોર્મ્સે હવે તેમના યુઝર્સને માત્ર નિયમો બનાવીને ભૂલી જવાના બદલે તેમને સતત જાગૃત રાખવા પડશે. અગાઉ પ્લેટફોર્મ્સે વર્ષમાં એકવાર તેમના નિયમો અને પ્રાઇવસી પોલિસી વિશે યુઝર્સને જણાવવું પડતું હતું. હવે આ સમયગાળો ઘટાડીને દર 3 મહિને કરી દેવાયો છે. પ્લેટફોર્મ્સે યુઝર્સને સ્પષ્ટપણે સમજાવવું પડશે કે જો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના પર કેવા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

એકાઉન્ટ સસ્પેન્શન અને ટર્મિનેશન (Rule 3(c)(i)) અંતર્ગત નિયમ તોડનારા યુઝર્સ સામે હવે પ્લેટફોર્મ્સને કડક સત્તા આપવામાં આવી છે. જો કોઈ યુઝર વારંવાર ડીપફેક થકી સામગ્રી ફેલાવે અથવા ગેરકાયદેસર સામગ્રી અપલોડ કરે, તો પ્લેટફોર્મ તેનું એકાઉન્ટ સસ્પેન્ડ (થોડા સમય માટે બંધ) અથવા ટર્મિનેટ (કાયમી બંધ) કરી શકે છે. આવી કાર્યવાહી કરતાં પહેલાં પ્લેટફોર્મે યુઝરને યોગ્ય ચેતવણી આપવી પણ જરૂરી રહેશે.

(Rule 7) અંતર્ગત નિયમો ન પાળનારા પ્લેટફોર્મ્સનું ‘સેફ હાર્બર’ સુરક્ષા છીનવાઈ શકે છે. આ સૌથી ગંભીર જોગવાઈ છે જે સીધી સોશિયલ મીડિયા કંપનીઓ ફેસબુક, એક્સ, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે પર અસર કરે છે. નવા નિયમો અનુસાર જો પ્લેટફોર્મ નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો IT Actની કલમ 79 હેઠળનું સેફ હાર્બર પ્રોટેક્શન છીનવાઈ જશે. જે હટતા જ તે ગુના માટે કંપની પર સીધો કેસ થઈ શકશે અને કંપનીના અધિકારીઓની ધરપકડ પણ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અનેક સોશિયલ મીડિયા કંપનીઓને સેફ હાર્બર સુરક્ષા મળે છે. એટલે કે જે-તે માધ્યમ પર પ્રકાશિત થતી કોઈ સામગ્રી કાયદાકીય કાર્યવાહી હેઠળ આવે તો તે માટે કંપની નહીં પણ જે-તે સામગ્રી પોસ્ટ કરનાર જ ગુનેગાર ગણાય. પણ જો આ સેફ હાર્બર પરત લઈ લેવામાં આવે તો કંપની પણ પાર્ટી બની શકે અને તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે.

નવા નિયમોને ભારતના આધુનિક કાયદાકીય માળખા સાથે સાંકળી લેવામાં આવ્યા છે. અગાઉની IPCને બદલે હવે તમામ ગુનાઓ BNS હેઠળ નોંધાશે. જો AI દ્વારા બનાવવામાં આવેલી સામગ્રીમાં બાળકોનું શોષણ જોવા મળે તો POCSO હેઠળ અત્યંત કડક સજાની જોગવાઈ છે. આમાં સ્ત્રીઓના અશ્લીલ નિરૂપણ (નિષેધ) ધારો અને જાતીય સતામણી વિરોધી કાયદાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સુધારામાં ટેકનિકલ અમલીકરણને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત ‘10% વોટરમાર્ક’ની કડક જોગવાઈને બદલે હવે ‘પ્રમુખ લેબલિંગ’ (Prominent Labelling) પર ભાર મૂકવામાં આવ્યો છે. અગાઉના પ્રસ્તાવમાં એવી જોગવાઈ હતી કે AI દ્વારા બનેલા વીડિયો કે ફોટા પર તેના કુલ કદના ઓછામાં ઓછા 10% ભાગ પર વોટરમાર્ક હોવો જોઈએ. જોકે, આનાથી કેટલીક તકનીકી અને વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ હતી.

તેથી હવે નવા નિયમ મુજબ પ્લેટફોર્મ્સે એવી રીતે લેબલ લગાવવાનું રહેશે જે યુઝરની નજરે તરત જ ચડે. લેબલ એવું હોવું જોઈએ જે દેખાવમાં સ્પષ્ટ હોય અને બેકગ્રાઉન્ડ સાથે ભળી ન જાય. યુઝરે તે કન્ટેન્ટ AI દ્વારા બનાવાયું છે તે જાણવા માટે કોઈ વધારાની મહેનત ન કરવી પડે તે રીતે લેબલ ડિસ્પ્લે થવું જોઈએ.

નિયમોથી ભવિષ્યમાં થનારા લાભ

ભારત સરકારના નવા IT નિયમો 2026થી ડિજિટલ દુનિયામાં મોટા પાયે પારદર્શિતા અને સુરક્ષા આવશે. AI લેબલિંગને કારણે લોકો અસલી અને નકલી (AI જનરેટેડ) વીડિયો વચ્ચેનો તફાવત સમજી શકશે, જેનાથી ડિજિટલ ફ્રોડ અટકશે. ફરિયાદોના નિવારણ માટેની સમયમર્યાદા 15 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવી છે, જે યુઝર્સના પ્રશ્નોનું ઝડપી સમાધાન લાવશે. ખોટા પ્રચાર અને ભ્રામક ડીપફેક વીડિયો પર અંકુશ આવવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ બનશે.

નોંધનીય છે કે અત્યાર સુધી સોશિયલ મીડિયા કંપનીઓ ‘માત્ર માધ્યમ’ હોવાનું બહાનું કાઢી બચી જતી હતી. હવે નિયમભંગ બદલ તેમની સામે સીધો ફોજદારી કેસ (BNS હેઠળ) થઈ શકશે. પ્લેટફોર્મ્સે હવે ‘ઓટોમેટેડ ફિલ્ટર્સ’ લગાવવાં પડશે, જે હાનિકારક સામગ્રીને અપલોડ થતાં જ રોકી દેશે. યુઝર્સને દર 3 મહિને પ્રાઇવસી પોલિસી અને સજાની જોગવાઈઓ વિશે નોટિફિકેશન મોકલવું પડશે, જેથી ડિજિટલ સાક્ષરતા વધશે. દરેક AI કન્ટેન્ટ સાથે કાયમી ટેકનિકલ માહિતી (Metadata) જોડાયેલી હોવાથી ગુનેગાર સુધી પહોંચવું પોલીસ માટે સરળ બનશે.

આ નવા નિયમો ભારતમાં ડિજિટલ જગ્યાને વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર બનાવવાની દિશામાં મોટું પગલું છે. એઆઈના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપતાં તેના દુરુપયોગને કડક રીતે રોકવાનો આ ઉદ્દેશ્ય છે. પ્લેટફોર્મ્સને આગામી 10 દિવસમાં તેમની સિસ્ટમ, પોલિસી અને ટેકનિકલ મિકેનિઝમમાં જરૂરી ફેરફાર કરવા પડશે જેથી નવા નિયમોનું સંપૂર્ણ પાલન થઈ શકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં