Thursday, April 2, 2026
More
    Home Blog Page 99

    તમિલનાડુના મદુરાઈમાં મંદિર તોડવા માંગતું હતું પ્રશાસન, હાઇકોર્ટે પણ આપી દીધો હતો આદેશ…પણ હવે સુપ્રીમ કોર્ટે લગાવી રોક

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (20 જૂન) મદ્રાસ હાઇકોર્ટના (Madras High Court) એક આદેશ પર રોક લગાવી દીધી છે. તે આદેશમાં તમિલનાડુના મદુરાઈમાં (Madurai) એક એપાર્ટમેન્ટ પરિસર વિસ્તારા રેસિડેન્સીમાં એક મંદિરને (Temple) તોડી પાડવાનો (Demolition) આદેશ આપવામાં આવ્યો હતો. તે મંદિર ઓપન સ્પેસ રિઝર્વેશનની (OSR) જમીન પર બનાવવામાં આવ્યું હતું. આ મામલે હાઇકોર્ટમાં મંદિર તોડવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટે તેને લીલી ઝંડી પણ આપી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. 

    જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાં અને જસ્ટિસ મનમોહનની બેન્ચે વિસ્તારા વેલફેર એસોસિયેશન દ્વારા દાખલ કરવામાં આવેલી હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર વચગાળાનો આદેશ આપ્યો હતો. અરજદારો વતી હાજર રહેલા વકીલ દામા શેષાદ્રિ નાયડુએ દલીલ કરી હતી કે, હાઇકોર્ટે તેમને રજૂઆતની તક આપ્યા વગર જ મંદિરને તોડી પાડવા માટેનો આદેશ આપી દીધો હતો. વધુમાં તેમણે એવી દલીલ પણ કરી કે, મંદિરનું નિર્માણ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની સહમતીથી થયું છે અને તેઓ તેનો ઉપયોગ સામાન્ય પૂજાસ્થળ માટે કરે છે. 

    OSR જમીન પર નિર્માણને લઈને હાઇકોર્ટે આપ્યા હતા ડિમોલિશનના આદેશ

    અરજદારોએ મદ્રાસ હાઇકોર્ટના 2 જૂનના આદેશને પડકાર્યો છે. જેમાં મ્યુનિસપલ અધિકારીઓને OSR જમીન પર બાંધવામાં આવેલા મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મદુરાના રહેવાસી આર માયિલસામીની અરજી પર હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. માયિલસામીએ તમિલનાડુ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એક્ટ-1971ની કલમની વિવિધ જોગવાઈઓ હેઠળ OSR જમીન પર બનેલા મંદિરને હટાવવા માટેની માંગણી કરી હતી. 

    અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિસ્તારા રેસિડેન્સી એપાર્ટમેન્ટ પરિસરના કેટલાક રહેવાસીઓએ કોઈપણ પ્રકારની કાયદાકીય પરવાનગી વગર સામુદાયિક ઉપયોગ માટે આરક્ષિત ખુલ્લી જગ્યામાં મંદિરનું નિર્માણ કરી નાખ્યું છે. હાઇકોર્ટના જજ એસએમ સુબ્રમણ્યમ અને એડી મારિયા ક્લેટની બેન્ચે પણ કહ્યું હતું કે, મંદિર સ્પષ્ટપણે ગેરકાયદે છે અને 1971ના કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે. 

    વધુમાં હાઇકોર્ટે ઘણી દલીલો અને વાતો સ્પષ્ટ કરીને મંદિરને તોડી પાડવા માટેનો આદેશ આપી દીધો હતો. હાઇકોર્ટે મ્યુનિસિપલ અધિકારીઓને ચાર અઠવાડિયામાં મંદિરને તોડી પાડીને જમીનને પોતાની મૂળ સ્થિતિમાં પરત લાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, ત્યારબાદ સ્થાનિક વેલફેર એસોસિયેશનના લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના સ્ટે ઓર્ડરના કારણે હાઇકોર્ટના નિર્દેશનો અમલ અટકી ગયો છે. તે સિવાય ઑગસ્ટમાં આ અંગેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાનમાં જળસંકટ: ત્રણેય મુખ્ય પ્રદેશોમાં 20% સુધી ઘટ્યો પાણીનો પ્રવાહ, રિપોર્ટમાં દાવો– ભવિષ્યમાં સર્જાશે અનેક સમસ્યા

    પહલગામ આતંકી હુમલા બાદ ભારત (India) સરકારે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરીને પાકિસ્તાનને (Pakistan) સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે. જોકે, શરૂઆતમાં આતંકી દેશના નેતાઓએ ધમકીઓનો મારો ચલાવ્યો હતો, પણ હવે તેમના જ દેશમાં જળસંકટનો મારો ચાલી રહ્યો છે. હાલની સ્થિતિ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનમાં આવેલા ત્રણેય મુખ્ય પ્રદેશોમાં પાણીનો પ્રવાહ 20% સુધી ઘટી ગયો છે. સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ હવે ધીમે-ધીમે તેના પરિણામો પણ જોવા મળી રહ્યા છે. 

    CNN-ન્યૂઝ18ના અહેવાલ અનુસાર, પાકિસ્તાનની હાલની સ્થિતિ એવી છે કે તે કાગડોળે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના આધિકારિક આંકડાને ટાંકીને કહેવાયું છે કે, 20 જૂન સુધી પાકિસ્તાનમાં પાણીનો ક્યુસેક પ્રવાહ ગયા વર્ષની આ જ તારીખ કરતાં લગભગ 20% ઓછો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 20 જૂનના રોજ જળપ્રવાહ 1,10,500 ક્યુસેક છે, જે ગત વર્ષે 20 જૂનના રોજના 1,30,800 ક્યુસેકથી 20% ઓછો છે. 

    માત્ર પંજાબ જ નહીં, પણ સિંધના મુખ્ય વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. સિંધમાં પાણીનો પ્રવાહ 1,33,000 ક્યુસેક છે, જે ગત વર્ષે આ જ તારીખમાં 1,70,000 ક્યુસેક હતો. તે સિવાય ખૈબર પખ્તુનખ્વામાં 20 જૂનના રોજ પાણીનો પ્રવાહ 2,600 ક્યુસેક છે, જે ગયા વર્ષે 2,900 ક્યુસેક હતો. તજજ્ઞોના મતે પાકિસ્તાનમાં સ્થિતિ સ્પષ્ટપણે ગંભીર બની રહી છે, ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીના ખરીફ સિઝનમાં. 

    પાકિસ્તાને હમણાં સુધી ચાર પત્રો લખીને વાત કરવાની કરી છે વિનંતી

    ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના કારણે પાકિસ્તાનને ખરીફ સિઝનમાં 21% પાણીની ઘટ પડશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. હવે તાજેતરના આંકડાથી જાણી શકાય છે કે, પાકિસ્તાન હાલ તે સ્થિતિ પર પહોંચી ગયું છે. તે સિવાય હજુ તો ભારત સરકાર સિંધુ અને ચેનાબ નદીના પાણીને ગંગાસાગર સુધી પહોંચાડવા માટે 160 KM લાંબી ટનલના નિર્માણની યોજના બનાવી રહી છે, તેવામાં ભવિષ્યમાં પાકિસ્તાનમાં ભયંકર જળસંકટ ઊભું થવાની પૂર્ણ સંભાવના છે.

    ગયા મહિને જ એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે, ચેનાબ નદીમાં ભારત દ્વારા પુરવઠાની અછતને કારણે સંકટ ઊભું થઈ ગયું છે અને તેના કારણે ખરીફ સિઝનમાં પણ નુકસાન થવાની સંભાવના છે. નોંધવા જેવું છે કે, પાકિસ્તાને હમણાં સુધીમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર ચિંતા વ્યક્ત કરીને ચાર પત્ર ભારતને લખ્યા છે અને ભારતને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટેની વિનંતી પણ કરી છે. 

    જોકે, ભારત સરકારે આ તમામ પત્રોને વિદેશ મંત્રાલય મોકલી આપ્યા છે. એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. ભારત સરકારે અને વડાપ્રધાન મોદીએ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાણી અને લોહી એક સાથે નહીં વહે. વધુમાં વડાપ્રધાન મોદીએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, પાકિસ્તાન સાથે માત્ર PoK અંગે જ વાત થશે, તે સિવાય કોઈપણ મુદ્દે વાતચીત કરવાની ભારતની હાલ કોઈ ઈચ્છા નથી.

    101 ટ્રક, 18 હાથી અને 30 અખાડા સાથે પરંપરાગત રીતે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, ટ્રસ્ટના નિર્ણયથી સરકાર સહમત: રૂટને અપાશે હેરિટેજ લુક

    અમદાવાદ (Ahmedabad) પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) આ વખતે ખૂબ સાદાઈથી નીકળશે. જોકે, હવે આ મામલે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા આપીને આવા તમામ દાવાઓને માત્ર અફવા ગણાવ્યા છે. ટ્રસ્ટ તરફથી જાણવા મળી રહ્યું છે કે નિર્ધારિત રૂટ પરથી જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને પારંપરિક રીતે નીકળશે. બીજી તરફ સરકાર પણ ટ્રસ્ટના આ નિર્ણય સાથે સહમત હોવાનું સામે આવ્યું છે. 

    27 જુને (અષાઢી બીજ) યોજાનારી 148મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું છે કે, જગન્નાથની રથયાત્રા પારંપરિક રીતે જ નીકળશે. ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું છે કે, આગામી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે અને ટ્રક અને ટેબ્લો અંગે પણ સરકાર સાથે વાતચીત થઈ છે.

    ટ્રક, હાથી અને અખાડાઓ સાથે નીકળશે રથયાત્રા, સરકારની સહમતી

    વધુમાં તે માહિતી પણ સામે આવી છે કે, રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી ઠાઠ સાથે નગરચર્યા પર નીકળશે. જે અંતર્ગત 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 ભજન મંડળીને પણ યાત્રામાં સામેલ કરવામાં આવશે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર અને ટ્રસ્ટી મંડળની બેઠક પણ બોલાવવામાં આવશે. વધુમાં આ અંગે મોટાભાગના નિર્ણયો લઈ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

    તે સિવાય રાજ્ય સરકાર તરફથી પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે જણાવ્યું છે કે, રથયાત્રા કેવી રીતે નીકળશે તે મંદિર કમિટી નક્કી કરશે અને રથયાત્રા બાબતના તમામ નિર્ણયો મંદિર પ્રશાસન પર છોડવામાં આવ્યા છે. વધુમાં તેમણે આશ્વાસન પણ આપ્યું છે કે, રાજ્ય સરકાર મંદિર પ્રશાસનના નિર્ણયની સાથે છે.

    રૂટ પર સતત નિરીક્ષણ, અપાશે હેરિટેજ લુક- ભયજનક મકાનો વિરુદ્ધ પણ કાર્યવાહી

    જમાલપુર જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર શુક્રવારે (20 જૂન) અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ હાજર હતા. તે સિવાય રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી પણ બે દિવસમાં પૂર્ણ થવા પર છે. 

    મેયર પ્રતિભા જૈને આ મામલે જણાવ્યું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અંદાજિત 14 KMના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ રસ્તા, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઇટો લગાવવાની, પાણીની પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પહલા લેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તે સિવાયની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 

    તેમણે વધુમાં કહ્યું છે કે, નાની-મોટી કામગીરી જે બાકી છે, તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ પર હાલ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, રથયાત્રાના રૂટ પર જેટલા પણ ભયજનક મકાનો છે, તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

    જર્જરિત મકાનોને દૂર કરવા માટેની નોટિસો પણ આપવામાં આવી છે. જો નોટિસ આપ્યા બાદ પણ પાલન ન થાય તો યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તે સિવાય રૂટના તમામ રસ્તા પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને રસ્તાઓને વ્યવસ્થિત કરવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.

    મતદાનનો સમય પૂરો થતાં સ્થિતિ ભાળી ગયેલા AAPના ઇટાલિયાનું નવું નાટક: ખોટી લિંક રજૂ કરીને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ, કેજરીવાલે પણ મચાવી બુમરાણ; ECએ ખોલી નાખી પોલ

    19 જૂનના રોજ ગુજરાતની વિસાવદર (Visavadar) અને કડી (Kadi) વિધાનસભા બેઠક (Assembly seats) પર પેટાચૂંટણી (By-Election) યોજવામાં આવી હતી. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સાંજ સુધી ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલી હતી. પરંતુ ત્યારબાદ સ્થિતિ ભાળી જતાં આમ આદમી પાર્ટીના (AAP) ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) ચૂંટણી પંચ (ECI) પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. ઇટાલિયા બાદ તરત જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ રાડારાડ કરવા લાગ્યા હતા અને ચૂંટણી પંચ પર ઠીકરા ફોડવા લાગ્યા હતા. 

    AAPના ગોપાલ ઇટાલિયા સાંજે 5 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે સ્ક્રીન રેકોર્ડીંગ શેર કર્યું હતું. સ્ક્રીન રેકોર્ડીંગ પર લખવામાં આવ્યું હતું કે, વિસાવદર પેટાચૂંટણીમાં ગેરરીતિની આશંકા છે. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કેટલાક સમય પહેલાં સુધી જે CCTV કેમેરા ઓનલાઈન હતા, તે અચાનક બંધ થઈ ગયા છે અને તેની લિંક પણ નથી ખૂલી રહી. ઇટાલિયાએ સ્ક્રીન રેકોર્ડીંગમાં એક લિંક મૂકી છે, જે ખૂલતી દેખાઈ શકતી નથી. 

    તે સિવાય ઇટાલિયાએ કેપ્શનમાં આરોપ લગાવતા લખ્યું છે કે, “છેલ્લા એક કલાકથી વિસાવદરમાં પોલિંગ બુથમાંથી CCTVનું લાઈવ ફૂટેજ ચૂંટણી પંચે બંધ કરી દીધું છે.” ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા બાદ તેમણે ભાજપ પર પણ આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, લાઈવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ બાધણીયા બુથ પર ભાજપના કાર્યકર્તાઓએ ખોટા મત નાખવા નહીં દેવાને લઈને પ્રિસાઇડિંગ અને પોલીસને માર માર્યો છે. અંતે તેમણે ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી હતી. 

    જાણે રાહ જોઈને જ બેઠા હોય એમ ઇટાલિયાની પોસ્ટની માત્ર ચાર જ મિનિટમાં અરવિંદ કેજરીવાલ પણ આ મામલે કૂદી પડ્યા હતા અને આગળ-પાછળની જાણકારી વગર સીધા ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપો લગાવવા માંડ્યા હતા. તેમણે ઇટાલિયાની પોસ્ટને રિપોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, “ધોળા દિવસે આ બધુ શું થઈ રહ્યું છે? શું મોટા સ્તરે બુથો પર કબજો કરવાની તૈયારી છે? હું આશા કરું છું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરત એક્શન લેશે.” 

    ચૂંટણી પંચે ખોલી નાખી પોલ

    ગોપાલ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલની પોસ્ટ બાદ AAP સમર્થકોએ આખું સોશિયલ મીડિયા બાનમાં લીધું હતું અને ભાજપ તથા ચૂંટણી પંચ પર આરોપો લગાવવાના શરૂ કરી દીધા હતા. ભારે રાડારાડી બાદ ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. ચૂંટણી પંચે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ પર ટિપ્પણી કરીને કહેવું પડ્યું હતું કે, તમામ મતદાન મથકો પર વ્યવસ્થિત અને સુચારું રીતે સીસીટીવીનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. 

    ચૂંટણી પંચે વધુમાં એવું પણ કહ્યું હતું કે, ગુજરાતની બંને બેઠકો પર સીસીટીવ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. RO, DEO, CEO અને ECR સ્તર પર તેનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. વધુમાં તેમણે ઇટાલિયાની પોલ ખોલતા કહ્યું કે, ICIના નિર્દેશો અનુસાર, ફૂટેજને કોઈપણ ખાનગી વ્યક્તિ સાથે શેર કરી શકાય નહીં. અહીં દર્શાવવામાં આવેલી લિંક પણ અસલી નથી. જોકે, આ સ્પષ્ટતા બાદ ઇટાલિયા કે કેજરીવાલ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી.

    અપરણિત ગર્ભવતી મહિલાઓ માટે સંસ્થા ચલાવતી નન, બાળકોને ફેંકી દેવાતાં સેપ્ટિક ટેન્કમાં: દાયકાઓ પછી શરૂ થશે ખોદકામ, 800 નવજાતના અવશેષો મળવાની શક્યતા

    આયર્લેન્ડમાં અવિવાહિત માતાઓ અને તેમનાં બાળકોની સારસંભાળ માટે બનાવવામાં આવેલા એક સ્થળનું ખોદકામ કરવાનું કામ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. કારણ એ છે કે અહીં સેપ્ટિક ટેન્કમાં સેંકડો નવજાત શિશુઓના અવશેષો મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હવે ખોદકામ કરીને તેનું સત્ય તપાસવામાં આવશે. 

    આયર્લેન્ડના ગેલવેમાં આવેલા ‘બૉન સેકોર્સ મધર એન્ડ બેબી હોમ’નો આ મામલો છે. અહીં વર્ષ 1925થી 1961 દરમિયાન કૅથલિક નનો દ્વારા મધર એન્ડ બેબી ઇન્સ્ટિટ્યુશન ચલાવવામાં આવી રહ્યું હતું. વર્ષ 2016માં જ્યારે અહીં તપાસ કરવામાં આવી અને ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવ્યા તો જાણવા મળ્યું કે જમીનમાં આવેલી ચેમ્બરોમાં માનવ અવશેષો મોટા પ્રમાણમાં દટાયેલા છે. 

    આ હોમની વાત કરવામાં આવે તો અહીં અવિવાહિત માતાઓને રહેવાની વ્યવસ્થાઓ હતી. જેમાં જે-તે સમયે પરિવાર દ્વારા કે સમાજ દ્વારા તરછોડી દેવામાં આવેલી મહિલાઓ કે લગ્ન વગર ગર્ભવતી થયેલી મહિલાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. 

    વર્ષ 2016માં જ્યારે સૌપ્રથમ વખત મામલો સામે આવ્યો હતો ત્યારે કુલ 796 શિશુઓ ફેંકી દેવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમને દફનાવવામાં આવ્યાં હોવાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. 

    અહેવાલો અનુસાર, અહીં અપરણિત ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવતી હતી, જેઓ બાળકોને જન્મ આપતી. ત્યારબાદ અહીં કોઈ પણ પ્રકારના વેતન વગર વર્ષ સુધી કામ કરાવવામાં આવતું. તેમને નવજાત શિશુઓથી પણ અલગ રાખવામાં આવતી અને તેમની સારસંભાળ નન દ્વારા રાખવામાં આવતી. 

    જોકે 1961માં આ હોમ બંધ થઈ ગયા બાદ 1972માં તેને તોડી પાડવામાં આવ્યું હતું અને પછીથી આસપાસ અનેક નવી ઇમારતો પણ બંધાઈ ગઈ. હાલ આ સ્થળ ફરતે રહેણાંક ઇમારતોથી ઘેરાયેલું છે. 

    24 મહિના લાગી શકે, 14 જુલાઈથી શરૂ થશે મૂળ કામગીરી

    લગભગ ચાર અઠવાડિયાં સુધી અહીં ખોદકામ પહેલાંનું કામ ચાલશે. દરમ્યાન સંપૂર્ણ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. 14 જુલાઈથી પૂરેપૂરી તૈયારી સાથે ખોદકામ શરૂ કરવામાં આવશે તેવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ કામ બહુ કઠિન છે, કારણ કે સ્થળનું કદ પણ જોવાનું રહે અને એ પણ એક હકીકત છે કે કામ નવજાત શિશુઓના અવશેષો સાથે કરવાનું રહેશે. સંપૂર્ણ ખોદકામ કરવામાં લગભગ 24 મહિનાનો સમય લાગશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. વળી અમુક બાબતો ચાલુ કામે સ્પષ્ટ થશે. સમગ્ર કામગીરી ઑફિસ ઑફ ધ ડાયરેક્ટર ઑફ ધ ઓથોરાઇઝ્ડ ઇન્ટરવેન્શનની દેખરેખ હેઠળ થશે, જેની સ્થાપના આઇરિશ ઇન્સ્ટિટ્યુશનલ બૅરિયલ્સ એક્ટ 2022 હેઠળ કરવામાં આવી હતી. 

    જસ્ટિસ વર્માના ઘરેથી વાસ્તવમાં મળી હતી રોકડ રકમ, પોતાની વિરુદ્ધ ષડ્યંત્રની થિયરી સાબિત ન કરી શક્યા જજ: સામે આવ્યો સુપ્રીમ કોર્ટની પેનલનો રિપોર્ટ

    દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના (Justice Yashvant Varma) નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગ્યા બાદ મોટી માત્રામાં રોકડ રકમ મળી આવવા મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિર્મિત ત્રણ જજોની પેનલે પોતાનો રિપોર્ટ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને સોંપ્યો હતો. આ રિપોર્ટ હવે સામે આવ્યો છે. જેમાં પેનલે તમામ તપાસ, સાક્ષીઓનાં નિવેદનો, તથ્યો અને પુરાવાઓને રેકર્ડ પર લઈને નોંધ્યું છે કે જસ્ટિસ વર્માના ઘરેથી પૈસા મળી આવ્યા હતા એ પુરવાર થયું છે અને તેના વિશે તેઓ પર્યાપ્ત ખુલાસા આપી શક્યા નથી. 

    સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પેનલે કુલ 55 સાક્ષીઓની ઉલટતપાસ કરી, વિડીયો અને ફોટોગ્રાફ વગેરે ધ્યાને લીધા અને 64 પાનાંનો સમગ્ર રિપોર્ટ CJIને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં પેનલે જસ્ટિસ વર્મા વિરુદ્ધ લાગેલા આરોપોને સાચા ઠેરવીને તેમને દૂર કરવાની માંગ કરી હતી. જેને પછીથી CJIએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી આપ્યો હતો. હવે નિર્ણય સરકારે કરવાનો છે. સરકાર આગામી ચોમાસું સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ લાવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણ કે જસ્ટિસ વર્મા રાજીનામું આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે. 

    પેનલના રિપોર્ટની વાત કરવામાં આવે તો અંતિમ બે ફકરા અતિમહત્ત્વના છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “કમિટી એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે જસ્ટિસ વર્માને ફાળવવામાં આવેલા નવી દિલ્હીના 30 તુગલક રોડ પરના નિવાસસ્થાનના સ્ટોર રૂમમાંથી રોકડ રકમ મળી આવી હતી. સ્ટોર રૂમ ઉપર સંપૂર્ણ પણે જસ્ટિસ વર્મા અને તેમના પરિવારનું જ નિયંત્રણ હતું અને તમામ પુરાવાઓ પરથી એ પણ સાબિત થાય છે કે 15 માર્ચની સવાર સુધીમાં રૂમમાંથી રોકડ રકમ દૂર કરી દેવામાં આવી હતી.”

    સમિતિ આગળ કહે છે કે, “ડાયરેક્ટ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે સમિતિ એ ઠોસ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે 22 માર્ચ, 2025ના મુખ્ય ન્યાયાધીશના પત્રમાં જે આરોપોની ચર્ચા કરવામાં આવી હતી તેનો ઠોસ આધાર જોવા મળે છે અને જે ગેરરીતિ સામે આવી છે તેને જોતાં જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવવી જોઈએ.”

    સમિતિએ પણ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે જસ્ટિસ વર્મા જે રૂપિયા પોતાના ન હોવાનો દાવો કરી રહ્યા છે, તેને પુરવાર કરી શક્યા નથી. બીજી તરફ રેકર્ડ ઉપર ઉપલબ્ધ પુરાવાઓ અને તથ્યોને જોતાં એ બાબત સ્પષ્ટ છે કે રોકડ રકમ મળી આવી હતી. સમિતિએ કહ્યું કે, હવે જ્યારે રૂમમાં રોકડ રકમ મળી આવી હોવાની વાત પુરવાર થઈ ચૂકી છે તો એ પૈસા ક્યાંથી આવ્યા એ જણાવવાનું કામ જસ્ટિસ વર્માનું છે. જે તેઓ જણાવી શક્યા નથી અને પૈસા તેમના ન હોવાની અને બીજા કોઈએ મૂકી દીધા હોવાની વાતની પણ ક્યાંય સાબિતી આપી શક્યા નથી. 

    સમિતિએ રૂપિયા હટાવવામાં આવ્યા હોવાની વાત પણ રિપોર્ટમાં જણાવી છે. જેમાં કહેવામાં આવ્યું કે, સાક્ષીઓનાં નિવેદનો, ઇલેક્ટ્રોનિક પુરાવા અને તથ્યો તેમજ જસ્ટિસ વર્મા અને તેમના સ્ટાફ દ્વારા નિવેદનોમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તેને જોતાં સમિતિ એ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે જસ્ટીસ વર્માના પ્રાઇવેટ સેક્રેટરી અને અન્ય વિશ્વાસુ સ્ટાફ દ્વારા 15 માર્ચની સવારે અડધી બળી ગયેલી ચલણી નોટો દૂર કરી દેવામાં આવી હતી. 

    સમગ્ર વિવાદ વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તો, ગત 14 માર્ચની રાત્રે (જ્યારે હોળી હતી) જસ્ટિસ વર્માના (જેઓ ત્યારે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ હતા) તુગલક રોડ સ્થિત સરકારી નિવાસસ્થાને આગ લાગી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી. ફાયર વિભાગે જઈને જોયું તો જે સ્ટોર રૂમમાં આગ લાગી હતી ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી, જેમાં અડધી ચલણી નોટો બળી ગઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી, જેમણે પછીથી દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જાણ કરી અને તેમણે તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્નાને જાણ કરી. 

    બીજી તરફ, ઘટનાના એક અઠવાડિયા પછી અખબારો અને મીડિયામાં આ વિગતો આવી ગઈ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એક સમિતિ નીમીને મામલાની તપાસ સોંપી હતી. સમિતિએ થોડા સમય પહેલાં પોતાનો રિપોર્ટ જસ્ટિસ ખન્નાને સોંપી દીધો હતો. સમિતિએ પોતાના રિપોર્ટમાં જસ્ટિસ વર્માને હટાવવાની ભલામણ કરી હતી. ત્યારબાદ CJI ખન્નાએ જસ્ટિસ વર્માને રાજીનામું આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. જેના કારણે રિપોર્ટ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યો. હવે જો સરકાર મહાભિયોગ પ્રસ્તાવ લાવે તો જસ્ટિસ વર્માએ તેનો સામનો કરવો પડશે અને જો પસાર થઈ ગયો તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. 

    વડોદરામાં એક વિદેશી સહિત બે મહિલાઓ પર ધર્મ પરિવર્તનના પ્રયાસ કરવાનો આરોપ, વિડીયો વાયરલ: RSS-ધર્મ જાગરણ મંચના કાર્યકરોએ પૂછપરછ કરતાં રવાના થઈ ગઈ

    વડોદરા (Vadodara) શહેરનો એક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓ પર સ્થાનિકો ધર્મ પરિવર્તન (Forced Conversion) કરાવવાનો આરોપ લગાવતા જોવા મળે છે. મામલો પછીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે પહોંચ્યો હતો, જેના કાર્યકરો પણ પછીથી સ્થળ પર દોડી આવ્યા હતા. પછીથી મહિલાઓ પણ સ્થળ છોડી ગઈ હતી. 

    મામલો શહેરના ન્યૂ વીઆઇપી રોડ ઉપર આવેલા વરેડિયા મહાદેવ મંદિર નજીકના જનોડ નગર પાસેનો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે એક વિદેશી અને એક ભારતીય મહિલા સોસાયટીમાં આવીને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરતી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંપર્ક કર્યો. 

    રિપોર્ટ અનુસાર, મહિલાઓએ સોસાયટીમાં જઈને કહ્યું હતું કે અહીંના રહીશો દુઃખી એટલા માટે છે કારણ કે તેઓ યહોવાને માનતા નથી અને પ્રે કરતા નથી. બંને વિસ્તારમાં બાઇબલ પણ વહેંચી રહી હોવાનું સામે આવ્યું છે. 

    RSS સ્વયંસેવકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાઓની પૂછપરછ કરી હતી. જોકે પછીથી મહિલાઓ સ્થળ છોડી ગઈ હતી. 

    ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મહિલાને કહેતી સંભળાય છે કે, “તમે તમારો ધર્મ પાળો, તેમાં અમને કોઈ સમસ્યા નથી, પણ લોકોને તેમનો ધર્મ અનુસરવા દો.” ત્યારબાદ તેઓ મહિલાઓને પૂછે છે કે તેઓ ક્યાંથી આવ્યાં છે? જેના જવાબમાં ભારતીય મહિલા માત્ર પોતે નડિયાદથી છે તેમ કહે છે. સાથે કહે છે કે તેઓ ધર્મપરિવર્તન કરાવી રહ્યાં નથી. ત્યારબાદ સ્થાનિકો પોલીસને પણ જાણ કરવાની વાત કરે છે. 

    જોકે અહેવાલો જણાવી રહ્યા છે કે ત્યારબાદ બંને મહિલાઓ સ્થળ છોડી ગઈ હતી. ત્યારબાદ સ્થળ પણ ટોળાં પણ એકત્ર થઈ ગયાં હતાં. પછીથી ધર્મ જાગરણ મંચના કાર્યકરો અને સ્થાનિક કોર્પોરેટર પણ પહોંચ્યા હતા. જોકે આ મામલે કોઈ કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. 

    PM મોદીએ નકાર્યું ટ્રમ્પનું આમંત્રણ, ટેલિફોનિક ચર્ચામાં બતાવી ભારતની તાકાત: 7 મુદ્દાઓમાં સમજો- વિશ્વના ‘ચૌધરી’ બનવાની અમેરિકાની યોજના કેવી રીતે ગઈ નિષ્ફળ

    ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બુધવારે (18 જૂન 2025) સવારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ટ્રમ્પના G-7 સમિટમાંથી વહેલા પાછા ફરવાના કારણે બંને નેતાઓની નિર્ધારિત મુલાકાત થઈ શકી નહીં. આ પછી, ટ્રમ્પની વિનંતી પર, બંને વચ્ચે 35 મિનિટથી વધુ સમયની ઔપચારિક ટેલિફોનિક વાતચીત થઈ હતી.

    આ ફોન કોલ અનેક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ હતો- ફક્ત ચર્ચા કરાયેલા વિષયોને કારણે જ નહીં, પરંતુ તેના સમય અને તેમાં આપેલા સંદેશાઓને કારણે પણ. તો ચાલો જાણીએ કે આ વાતચીત શા માટે આટલી ખાસ હતી…

    1- પહલગામ હુમલા પછી પહેલી સીધી વાતચીત

    વિક્રમ મિશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ હુમલા પછી પીએમ મોદી અને ટ્રમ્પે સીધી વાત કરી હતી. આ વાતચીતમાં ટ્રમ્પે હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામે ભારતના વલણને સમર્થન આપ્યું હતું.

    આ મહત્વપૂર્ણ છે કારણ કે ટ્રમ્પની ઘમંડી અને સ્વાર્થી મીડિયા ટિપ્પણીઓથી એવું લાગતું હતું કે ભારત અને અમેરિકા પહેલાથી જ ઘણી વખત વાટાઘાટો કરી ચૂક્યા છે. ટ્રમ્પે વારંવાર દાવો કર્યો હતો કે તેમણે વેપાર દબાણનો ઉપયોગ કરીને ભારતને પાકિસ્તાન સાથે વાત કરવા અને યુદ્ધવિરામ માટે સંમત થવા માટે ‘સમજાવ્યું’ છે.

    મિસ્ત્રીના નિવેદનથી સ્પષ્ટ થયું કે ટ્રમ્પનો ‘શાંતિ સ્થાપવાનો’ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક હતો. આ નિવેદન ટ્રમ્પના ખોટા વાણી-વર્તનને ખુલ્લેઆમ ઉજાગર કરે છે.

    2- ‘ગોલી કા જવાબ ગોલા’ના સંકલ્પનો પુનરોચ્ચાર

    ટેલિફોનિક વાતચીતમાં, પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે યાદ અપાવ્યું કે ભારતે આખી દુનિયાને કહ્યું છે કે તે પહલગામ હુમલાનો મજબૂત જવાબ આપશે. મોદીએ કહ્યું કે 6-7 મે 2025ની રાત્રે ભારતનું ઑપરેશન સિંદૂર કાર્યવાહી એક સંયમિત, બિન-ઉશ્કેરણીજનક અને સચોટ લશ્કરી કાર્યવાહી હતી, જે PoK અને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાઓ પર કેન્દ્રિત હતી.

    પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતે ભૂતકાળમાં પાકિસ્તાનની દરેક ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપશે અને તે પણ મોટા પાયે – ‘ગોલી કા જવાબ ગોલા’ને અનુસરીને.

    પીએમ મોદીનું આ નિવેદન નવા ભારતની તાકાત અને આત્મવિશ્વાસ દર્શાવે છે. આ એ ભારત છે જે કોઈપણ વિદેશી શક્તિના આદેશનું પાલન કરતું નથી, પરંતુ પોતાના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા માટે દુશ્મનને યોગ્ય જવાબ આપે છે. આ નિવેદન શાંત પરંતુ દૃઢ નિશ્ચયનું પ્રતીક છે.

    3- જેડી વાન્સની ચેતવણી અને ભારતનો મોટો પ્રતિભાવ

    પીએમ મોદીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે ઑપરેશન સિંદૂરના પહેલા તબક્કા પછી, 9 મેની રાત્રે, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમને ફોન કરીને પાકિસ્તાન તરફથી ‘મોટા હુમલા’ની ચેતવણી આપી હતી. ભારતે વાન્સને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો વધુ મજબૂત અને વધુ મોટો જવાબ આપશે. બાદમાં ભારતે કર્યું પણ એવું જ.

    પીએમ મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે પાકિસ્તાનની ઉશ્કેરણીના જવાબમાં, ભારતે ચોક્કસ લશ્કરી હુમલા કર્યા હતા જેણે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા અને તેમના એરપોર્ટને નકામા બનાવી દીધા હતા. ભારતે સંપૂર્ણ હવાઈ સર્વોપરિતા પ્રાપ્ત કરી હતી. આ પછી, સંપૂર્ણપણે વિખેરાયેલા પાકિસ્તાનને ભારત સામે યુદ્ધવિરામ માટે અપીલ કરવાની ફરજ પડી હતી. આ ભારતની લશ્કરી શક્તિ અને વ્યૂહાત્મક ચતુરાઈનો પુરાવો છે.

    4- વેપાર સોદા કે મધ્યસ્થી અંગે કોઈ વાત નહીં

    પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે યાદ અપાવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ સાથે કે અમેરિકન નેતૃત્વ સાથેની કોઈપણ વાતચીતમાં વેપારનો ઉલ્લેખ પણ નહોતો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે ક્યારેય અમેરિકા સાથે ‘મધ્યસ્થી’ વિશે વાત કરી નથી, કારણ કે ભારત પાકિસ્તાન સાથેના તેના દ્વિપક્ષીય મુદ્દાઓમાં કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં. આ મુદ્દે ભારતમાં સંપૂર્ણ રાજકીય સર્વસંમતિ છે.

    મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહી રોકવા માટેની બધી ચર્ચાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાપિત લશ્કરી ચેનલો દ્વારા કરવામાં આવી હતી, જેમાં કોઈ ત્રીજો દેશ સામેલ નહોતો અને કોઈ વેપાર કરાર તેનો ભાગ નહોતો. મોદીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે ઑપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને ભારત હવે કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધની કાર્યવાહી તરીકે ગણશે. આ નિવેદન ભારતની સ્પષ્ટ અને મક્કમ નીતિને પ્રતિબિંબિત કરે છે.

    5- ટ્રમ્પના સ્ટોપઓવર આમંત્રણને નકારવું એ એક મોટું પગલું

    એક હિંમતવાન અને વ્યૂહાત્મક પગલું ભરતા, પીએમ મોદીએ ટ્રમ્પના યુએસમાં સ્ટોપઓવર મીટિંગ માટેના આમંત્રણને નમ્રતાપૂર્વક નકારી કાઢ્યું. ટ્રમ્પે કેનેડાથી ભારત પરત ફરતી વખતે મોદીને યુએસમાં સ્ટોપઓવર માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મોદીએ કહ્યું કે તેમની પાસે પૂર્વનિર્ધારિત કાર્યક્રમો અને જવાબદારીઓ છે, તેથી સ્ટોપઓવર શક્ય નથી. આ નમ્ર ઇનકાર એક શક્તિશાળી સંદેશ મોકલે છે.

    કંઈ પણ બોલ્યા વિના, મોદીએ યુએસને કહ્યું કે ભારત હવે ‘નાનો દેશ’ નથી રહ્યો જેના નેતાઓ મોટા દેશોના આહ્વાન પર ઉતાવળ કરે છે. આ ઇનકાર આજના વિશ્વમાં ભારતની પ્રાથમિકતાઓ અને તેની શક્તિ અને આત્મસન્માન દર્શાવે છે. આ પગલું ભારતની વધતી જતી વૈશ્વિક સ્થિતિનું પ્રતીક છે.

    6- શું ટ્રમ્પે મોદીને ‘ફસાવવા’નો કર્યો પ્રયાસ?

    ટ્રમ્પના સ્ટોપઓવર આમંત્રણનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર હાલમાં અમેરિકામાં છે. તેઓ 15 જૂનથી 5 દિવસની મુલાકાતે છે અને ટ્રમ્પને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પ દ્વારા મોદીને સ્ટોપઓવર માટે આમંત્રણ આપવું એ કદાચ મોદી અને મુનીરને એક રૂમમાં અથવા એક ટેબલ પર ભેગા કરીને ‘શાંતિ નિર્માતા’ તરીકેની તેમની છબીને વધુ મજબૂત બનાવવાના તેમના પ્રયાસનો એક ભાગ હતો.

    ટ્રમ્પે અગાઉ દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘પરમાણુ યુદ્ધ’ અટકાવ્યું હતું. તેમના વાણી-વર્તન અને સ્વ-પ્રમોશનને જોતાં, એવું વિચારવું ખોટું નથી કે તેમણે ‘શાંતિ નિર્માતા’ દાવાને વધુ અતિશયોક્તિપૂર્ણ બનાવવા માટે મોદી અને મુનીરના ફોટાનો ઉપયોગ કર્યો હોત.

    પરંતુ મોદીએ સ્ટોપઓવરને નકારી કાઢીને ટ્રમ્પના પીઆર પગલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. તેમણે મુનીરને એમ પણ કહ્યું કે ભારત તેમના જેવા નેતાઓ સાથે નકામા નાટકમાં સમય બગાડશે નહીં. આ પગલું ટ્રમ્પ અને મુનીર બંનેને ભારતની ચતુરાઈ અને મક્કમતા દર્શાવે છે.

    7- ભારત અને પાકિસ્તાન સમાન નથી: દુનિયાને સ્પષ્ટ સંદેશ

    પીએમ મોદીની આ ટેલિફોનિક વાતચીત ગુપ્ત રીતે ખૂબ મોટો સંદેશ આપી રહી છે. ટ્રમ્પને ભારત અને પાકિસ્તાનના નેતાઓને એકસાથે બોલાવવાની તક ન આપીને, મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત અને પાકિસ્તાનને સમાન ગણી શકાય નહીં.

    વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા, મજબૂત અને આધુનિક સેના અને સ્થિર લોકશાહી સરકાર ધરાવતા ભારતની તુલના તૂટેલા, આતંકવાદગ્રસ્ત, અસ્થિર અને ગરીબીગ્રસ્ત પાકિસ્તાન સાથે કરી શકાય નહીં. આ સંદેશ ફક્ત અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. મોદીએ શબ્દો વગર કહ્યું કે ભારત હવે વૈશ્વિક મંચ પર પોતાની શરતો પર ઊભું છે.

    ભારત અહીં ટકી રહેવા માટે છે. આ એક બહુધ્રુવીય વિશ્વ છે, અને ભારત એવા ધ્રુવોમાંથી એક છે જે પોતાના નિયમો બનાવશે અને પોતાનો રસ્તો પસંદ કરશે. ભારતને અવગણવું કે ગેરસમજ કરવી એ વિશ્વની સૌથી મોટી ભૂલ હશે.

    પીએમ મોદીએ G-7 સમિટમાંથી પાછા ફરતી વખતે ફોન કોલમાં આ સંદેશ આપી દીધો. આ વાતચીતથી ભારતની તાકાત અને સંયમ તો દેખાયો જ, પણ એ પણ સ્પષ્ટ થયું કે ભારત હવે દુનિયા સાથે પોતાની શરતો પર વાત કરશે.

    વિસાવદરમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો, પણ AAPના ડ્રામાનો દોર ચાલુ: હવે જનતા રેડ પાડીને દારૂ પકડ્યો હોવાનો દાવો, માલિકનો આરોપ– ઈટાલિયાના લોકો જ મૂકી ગયા

    જૂનાગઢની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર યોજાનાર પેટાચૂંટણી (ByElections) માટે પ્રચાર તો થંભી ગયો છે પરંતુ દર ચૂંટણીમાં નવાં-નવાં ગતકડાં કરવા માટે જાણીતી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) આ વખતે પણ ક્યાંક સ્ટિંગ ઑપરેશન કરવાના કે ક્યાંક દારૂ પકડવાના દાવા કર્યા છે. તાજેતરનો કિસ્સો ખડિયા-આણંદપુર રોડ પર આવેલી એક વાડીનો છે. 

    આ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી તો ત્યાંથી દારૂ મળી આવ્યો હતો. કુલ 477 બોટલ દારૂ મળ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    આમ આદમી પાર્ટીએ પછીથી આ ‘દરોડા’નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સાર્વજનિક કર્યો હતો, જેમાં પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોવા મળે છે. સાથે ગોપાલ ઈટાલિયા પણ જોવા મળે છે, જેઓ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ગોપાલ ઈટાલિયાના નામની ઘોષણા થઈ ત્યારથી તેમની પાછળ જ કેમેરો લઈને ફરતી યુટ્યુબ ચેનલોએ આ વિડીયો ફેરવીને ગોપાલે ‘જનતા રેડ’ પાડી હોવાનું ચલાવવા માંડ્યું છે. 

    આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જે વાડીમાંથી દારૂ મળી આવ્યો તે ભારતીય જનતા પાર્ટીના કોઈ માણસ સાથે સંબંધિત છે. ભાજપના માણસો ચૂંટણી દરમિયાન દારૂ વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. 

    આ મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે વાડીના માલિક અશ્વિન મૈતરે ષડ્યંત્ર હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આમ આદમી પાર્ટીના લોકો પર જ પહેલાં દારૂ વાડીમાં મૂકી જઈને ત્યાં પછીથી પોલીસ સાથે જનતા રેડનું નાટક કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ પોતે નિર્દોષ છે. 

    અશ્વિને કહ્યું કે તેમની વાડી ખેતી માટે છે અને અહીં ઘાસચારો અને ખેતી માટેનાં સાધનો હોય છે. ત્યાં કોઈ રહેતી પણ નથી. પોતે ખેડૂત છે અને તેમની ઉપર અત્યાર સુધી એક પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. માત્ર ખોટા રાજકારણ માટે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. સાથે તેમણે આક્ષેપ મૂકતાં કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકો વાડીમાં દારૂ મૂકીને તેમને ફસાવવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે પોતે આ મામલાની તપાસ માટે પોલીસમાં અરજી પણ આપશે. 

    80ના દાયકામાં જો ઈન્દિરા ગાંધીએ સ્વીકારી હોત ઇઝરાયેલની ઓફર, તો આજે પાકિસ્તાન પાસે ન હોત પરમાણુ શસ્ત્રો: અહીં જાણો કોંગ્રેસ સરકારનો એ નિર્ણય કેમ છે ‘ઐતિહાસિક ભૂલ’

    વર્તમાનમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ (Israel Iran Conflict) એક નવી ઊંચાઈએ પહોંચી ગયો છે, જે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાનું કારણ બની રહ્યો છે. આ તણાવની શરૂઆત ગયા અઠવાડિયે, 13 જૂન 2025ના રોજ થઈ, જ્યારે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર એક હવાઈ હુમલો કર્યો, જેને ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના (IRGC) મુખ્યા હોસેન સલામી સહિત ઘણા ટોચના સૈનિક અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને ‘ઇઝરાયેલના અસ્તિત્વના બચાવ’ માટે જરૂરી ગણાવ્યો, જેમાં તેમણે દાવો કર્યો કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેમના દેશ માટે સીધો જોખમ છે.

    આ તણાવ વચ્ચે જ ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) ટોચના નેતા મોહસેન રેઝાઈએ દાવો કર્યો છે કે જો ઇઝરાયેલ તહેરાન પર પરમાણુ હુમલો કરે, તો પાકિસ્તાન ઇઝરાયેલ પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે. જોકે બાદમાં પાકિસ્તાને સ્પષ્ટ કર્યું કે તેમની આવી કોઈ તૈયારી નથી.

    જોકે આ ધમકીઓનો સીધો સંબંધ પાકિસ્તાનના 1998ના પરમાણુ પરીક્ષણો સાથે જોડાયેલો છે, જેની શરૂઆત 1980ના દાયકામાં થઈ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન બંને પોતાના પરમાણુ કાર્યક્રમોને મજબૂત કરવામાં વ્યસ્ત હતા. આ ઘટના એ પ્રશ્ન ઉઠાવે છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર ક્ષમતા કેવી રીતે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં ખેલાડી બની શકે છે, ખાસ કરીને જ્યારે તેનો ઇતિહાસ આતંકવાદને પોષણ આપવાનો રહ્યો છે.

    હિમંતા બિસ્વા સરમાની ઐતિહાસિક ટિપ્પણી: કોંગ્રેસ પર આરોપો

    આ બધા વચ્ચે જ 14 જૂને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર એક વિસ્તૃત પોસ્ટ કરી. જેમાં તેમણે 1980ના દાયકામાં કોંગ્રેસની સરકારના નિર્ણયોને ‘ઐતિહાસિક ભૂલ’ ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) પાસે પાકિસ્તાનના કાહુટા સુવિધા પર યુરેનિયમ સંઘનનની પરફેક્ટ માહિતી હતી, અને ઇઝરાયેલે હુમલા માટે સહકાર ઓફર કર્યો હતો, જેમાં જામનગર એરબેઝને લોન્ચપેડ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જોકે, ઇન્દિરા ગાંધીએ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાના ડરથી અને રાજીવ ગાંધીએ વિદેશી દબાણને કારણે આ યોજનાને રદ્દ કરી દીધી.

    સરમાએ આગળ કહ્યું કે 1988માં રાજીવ ગાંધીએ બેનઝીર ભુટ્ટો સાથે નો-સ્ટ્રાઇક કરાર કર્યો, જેના પરિણામે પાકિસ્તાને 1998માં પરમાણુ પરીક્ષણ કરીને ન્યુક્લિયર સ્ટેટસ મેળવ્યુ. તેમણે આ કારણે કારગિલ યુદ્ધ (1999), પ્રોક્સી યુદ્ધો (જેમ કે મુંબઈ હુમલા, 2008) અને પાકિસ્તાનની ન્યુક્લિયર બ્લેકમેલની સ્થિતિને જોડીને કોંગ્રેસની નેતૃત્વ ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે ઉમેર્યું કે 2024માં CPI(M)ના મેનિફેસ્ટોમાં ભારતના પરમાણુ હથિયારોને પાછા ખેંચવાની વાત કરવાથી પણ આ સમસ્યા વધુ ગંભીર બની છે. સરમાએ દાવો કર્યો કે કોંગ્રેસની આ સાવચેતી અને વિલંબથી ભારતની લાંબા ગાળાની સુરક્ષા માટેની તક ગુમાવી દેવાઈ, જેનું પરિણામ આજે પણ દેખાઈ રહ્યું છે.

    ઇઝરાયેલની ભારતને મદદની ઓફર

    1980ના દાયકામાં, જ્યારે પાકિસ્તાન પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યો હતો, ત્યારે ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) પાસે કાહુટા (Kahuta) ખાતે યુરેનિયમ સંઘનનની મજબૂત અને વિશ્વસનીય માહિતી હતી, જે ભારત માટે સીધો સુરક્ષા જોખમ હતો. આ સમયે, ઇઝરાયેલ—જે પોતે પડોશી દેશોના પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે જાણીતો હતો—એ ભારતને એક ખાસ પ્રસ્તાવ આપ્યો, જેમાં તેમણે પાકિસ્તાનના પરમાણુ સુવિધા પર હવાઈ હુમલો કરવાની યોજના રજૂ કરી.

    આ યોજના હેઠળ, ઇઝરાયેલના F-16 અને F-15 વિમાનો જામનગર (ગુજરાત) અને ઉધમપુર (જમ્મુ-કાશ્મીર) એરબેઝોમાંથી ઉડાન ભરીને કાહુટા પર હુમલો કરવાના હતા. યોજનામાં એક વ્યૂહાત્મક વિગત હતી કે વિમાનો હિમાલયના રસ્તે ઉડીને રડારથી બચીને પાકિસ્તાનના હવાઈ સીમામાં પ્રવેશ કરે અને સચોટ બોમ્બિંગ કરે. આ માટે ઇઝરાયેલે ભારત પાસે લોજિસ્ટિક સપોર્ટ, ઈંધણ ભરવાની (રિફ્યુઅલિંગ) સુવિધા, અને ગુપ્તચર માહિતી જેવી કે કાહુટાની અંદરની માહિતી અને સુરક્ષા વ્યવસ્થા—પૂરી પાડવાની મદદ માંગી હતી.

    આ યોજનાની તૈયારી માટે, ઇઝરાયેલે પોતાના નેગેવ રણમાં કાહુટાની નકલી સુવિધા બનાવીને વિમાનોએ પ્રેક્ટિસ કરી હતી, જેમાં તેમણે વિવિધ હવાઈ હુમલાના દ્રશ્યો નિર્માણ કરીને તેની પ્રેક્ટિસ કરી હતી. ભારતીય સેના અને રૉએ પણ આ યોજનામાં સહભાગી થવાની તૈયારી દર્શાવી હતી, અને શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ આ પ્રસ્તાવને સકારાત્મક રીતે જોવાનો સંકેત આપ્યો હતો.

    યોજનામાં એક વધુ વ્યૂહાત્મક વિગત હતી કે વિમાનો એક બીજાની નજીક એ રીતે ગોઠવવામાં આવે કે તે એક જ મોટા વિમાન જેવા દેખાય, જેથી પાકિસ્તાની ગુપ્તચરોને છેતરી શકાય. આ સફળ થાય તો વિમાનો જમ્મુમાં ફરીથી ઈંધણ ભરીને પરત ફરી શકે તેવી ગણતરી હતી. આ ઉપરાંત, ઇઝરાયેલે ભારતને ખાતરી આપી હતી કે હુમલા પછીની કોઈ પણ પ્રતિક્રિયા (જેમ કે પાકિસ્તાનનો જવાબી હુમલો) સામે તે સૈનિક સહાય પણ પૂરી પાડશે.

    યોજના ન વધી શકી આગળ

    જોકે, આ યોજના આગળ વધી શકી નહીં, કારણ કે વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિસ્થિતિઓએ તેને અટકાવી દીધી. પાકિસ્તાનની ISIએ આ યોજનાની જાણકારી મેળવી લીધી હતી અને ભારતના બોમ્બે ખાતેના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) પર જવાબી હુમલાની ધમકી આપી હતી. ઉપરાંત, અમેરિકાએ પણ ભારત અને ઇઝરાયેલને આ કાર્યવાહી રદ્દ કરવા ચેતવણી આપી હતી, કારણ કે પાકિસ્તાન તે સમયે અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘ સામે અમેરિકાનો સાથી હતો.

    આ ઉપરાંત ભારતમાં પણ આંતરિક તણાવ ચાલી રહ્યા હતા. પંજાબમાં ઇન્દિરા ગાંધીએ જ ઉભા કરેલા ખાલિસ્તાની ભીંડરાવાલેનો ત્રાસ હતો. આ જ દરમિયાન સંજય ગાંધીનું મૃત્યુ અને ઇન્દિરા ગાંધીની હત્યાએ પણ આ યોજનાને પાર ન પાડવા દેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

    ઇઝરાયેલનું ‘ઑપરેશન ઑપેરા’

    ઇઝરાયેલે જે રીતે ભારતને મદદની ઓફર કરી હતી, એવું જ ઑપરેશન તેણે 1981માં ઇરાક સામે કર્યું હતું. જેને ‘ઑપરેશન ઑપેરા’ કહેવાય છે. 7 જૂન 1981ના રોજ, ઇઝરાયેલી એર ફોર્સના 8 F-16 ફાઇટર જેટ્સ અને 6 F-15 સપોર્ટ વિમાનોએ ઇરાકના ઓસિરાક ન્યુક્લિયર રિએક્ટર (બાગદાદથી 17 કિ.મી. દૂર) પર આશ્ચર્યકર હુમલો કર્યો. આ રિએક્ટર સદ્દામ હુસેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો અને ઇઝરાયેલનું કહેવું હતું કે તેનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉર્જા માટે નહીં, પરંતુ પરમાણુ હથિયાર બનાવવા માટે થઈ રહ્યો હતો, જે આરબ-ઇઝરાયેલ સંઘર્ષને વધુ જટિલ બનાવી શકે.

    આ હુમલામાં, ઇઝરાયેલે લાંબી દૂરીના માર્ગમાં રડાર ટાળવા માટે વ્યૂહાત્મક રૂટ અપનાવ્યો, જેમાં તેમણે દૂરથી જોઈ ન શકાય એટલી ઊંચાઈ પર ઉડાન ભરી અને ઇરાકી ગુપ્તચરોને છેતર્યા હતા. હુમલામાં 16 બોમ્બો નાખવામાં આવ્યા, જેનાથી રિએક્ટર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. મહત્વપૂર્ણ એ હતું કે આ હુમલામાં કોઈપણ ઇઝરાયેલી વિમાનનું નુકસાન થયું નહીં.

    આ ઑપરેશનથી ઇઝરાયેલે ‘બિગિન ડૉક્ટ્રિન’ રજૂ કરી, જેમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે પડોશી દેશોના પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે સખત પગલાં લઈ શકે છે. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી, પરંતુ ઇઝરાયેલે તેને સ્વ-રક્ષણનો હિસ્સો ગણાવ્યો, અને પછીના વર્ષોમાં તેની સફળતાને એક મોટી વ્યૂહાત્મક જીત તરીકે ગણવામાં આવી.

    આજે જ્યારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને પાકિસ્તાનની ન્યુક્લિયર ક્ષમતા આંતરરાષ્ટ્રીય ચર્ચામાં છે, ત્યારે 1980ના દાયકાની ઘટનાઓ પર ફરીથી ધ્યાન જાય છે. ઇઝરાયેલની ભારતને મદદની ઓફર અને તેના પછીની સ્થિતિઓએ એક એવી સ્થિતિ ઉભી કરી, જેમાં પાકિસ્તાન 1998માં ન્યુક્લિયર સ્ટેટસ મેળવી શક્યું. જેના પરિણામોમાં કારગિલ યુદ્ધ (1999), આતંકી હુમલા (જેમ કે 26/11 મુંબઈ હુમલો), અને પાકિસ્તાનની ન્યુક્લિયર બ્લેકમેલની સ્થિતિ સામેલ છે, જે આજે પણ ભારત માટે ચિંતાનું કારણ છે.

    (ઑપરેશન ઑપેરાની માહિતી મોસાદના જાસૂસી મિશન પુસ્તકમાંથી (સફારી) લેવામાં આવી છે.)