વર્તમાનમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ (Israel Iran Conflict) એક નવી ઊંચાઈએ પહોંચી ગયો છે, જે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાનું કારણ બની રહ્યો છે. આ તણાવની શરૂઆત ગયા અઠવાડિયે, 13 જૂન 2025ના રોજ થઈ, જ્યારે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર એક હવાઈ હુમલો કર્યો, જેને ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના (IRGC) મુખ્યા હોસેન સલામી સહિત ઘણા ટોચના સૈનિક અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને ‘ઇઝરાયેલના અસ્તિત્વના બચાવ’ માટે જરૂરી ગણાવ્યો, જેમાં તેમણે દાવો કર્યો કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ તેમના દેશ માટે સીધો જોખમ છે.
આ તણાવ વચ્ચે જ ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) ટોચના નેતા મોહસેન રેઝાઈએ દાવો કર્યો છે કે જો ઇઝરાયેલ તહેરાન પર પરમાણુ હુમલો કરે, તો પાકિસ્તાન ઇઝરાયેલ પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે. જોકે બાદમાં પાકિસ્તાને સ્પષ્ટ કર્યું કે તેમની આવી કોઈ તૈયારી નથી.
જોકે આ ધમકીઓનો સીધો સંબંધ પાકિસ્તાનના 1998ના પરમાણુ પરીક્ષણો સાથે જોડાયેલો છે, જેની શરૂઆત 1980ના દાયકામાં થઈ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન બંને પોતાના પરમાણુ કાર્યક્રમોને મજબૂત કરવામાં વ્યસ્ત હતા. આ ઘટના એ પ્રશ્ન ઉઠાવે છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર ક્ષમતા કેવી રીતે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં ખેલાડી બની શકે છે, ખાસ કરીને જ્યારે તેનો ઇતિહાસ આતંકવાદને પોષણ આપવાનો રહ્યો છે.
હિમંતા બિસ્વા સરમાની ઐતિહાસિક ટિપ્પણી: કોંગ્રેસ પર આરોપો
આ બધા વચ્ચે જ 14 જૂને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર એક વિસ્તૃત પોસ્ટ કરી. જેમાં તેમણે 1980ના દાયકામાં કોંગ્રેસની સરકારના નિર્ણયોને ‘ઐતિહાસિક ભૂલ’ ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) પાસે પાકિસ્તાનના કાહુટા સુવિધા પર યુરેનિયમ સંઘનનની પરફેક્ટ માહિતી હતી, અને ઇઝરાયેલે હુમલા માટે સહકાર ઓફર કર્યો હતો, જેમાં જામનગર એરબેઝને લોન્ચપેડ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જોકે, ઇન્દિરા ગાંધીએ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાના ડરથી અને રાજીવ ગાંધીએ વિદેશી દબાણને કારણે આ યોજનાને રદ્દ કરી દીધી.
🇮🇳💣 Congress’s Historic Blunder: How India Let Pakistan Become a Nuclear State
— Himanta Biswa Sarma (@himantabiswa) June 14, 2025
At a time when nations today act decisively to neutralize nuclear threats, India’s tragic inaction during the 1980s remains a cautionary tale of what could have been—and what wasn’t.
🔍 The Missed…
સરમાએ આગળ કહ્યું કે 1988માં રાજીવ ગાંધીએ બેનઝીર ભુટ્ટો સાથે નો-સ્ટ્રાઇક કરાર કર્યો, જેના પરિણામે પાકિસ્તાને 1998માં પરમાણુ પરીક્ષણ કરીને ન્યુક્લિયર સ્ટેટસ મેળવ્યુ. તેમણે આ કારણે કારગિલ યુદ્ધ (1999), પ્રોક્સી યુદ્ધો (જેમ કે મુંબઈ હુમલા, 2008) અને પાકિસ્તાનની ન્યુક્લિયર બ્લેકમેલની સ્થિતિને જોડીને કોંગ્રેસની નેતૃત્વ ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે ઉમેર્યું કે 2024માં CPI(M)ના મેનિફેસ્ટોમાં ભારતના પરમાણુ હથિયારોને પાછા ખેંચવાની વાત કરવાથી પણ આ સમસ્યા વધુ ગંભીર બની છે. સરમાએ દાવો કર્યો કે કોંગ્રેસની આ સાવચેતી અને વિલંબથી ભારતની લાંબા ગાળાની સુરક્ષા માટેની તક ગુમાવી દેવાઈ, જેનું પરિણામ આજે પણ દેખાઈ રહ્યું છે.
ઇઝરાયેલની ભારતને મદદની ઓફર
1980ના દાયકામાં, જ્યારે પાકિસ્તાન પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યો હતો, ત્યારે ભારતીય ગુપ્તચર સંસ્થા (RAW) પાસે કાહુટા (Kahuta) ખાતે યુરેનિયમ સંઘનનની મજબૂત અને વિશ્વસનીય માહિતી હતી, જે ભારત માટે સીધો સુરક્ષા જોખમ હતો. આ સમયે, ઇઝરાયેલ—જે પોતે પડોશી દેશોના પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે જાણીતો હતો—એ ભારતને એક ખાસ પ્રસ્તાવ આપ્યો, જેમાં તેમણે પાકિસ્તાનના પરમાણુ સુવિધા પર હવાઈ હુમલો કરવાની યોજના રજૂ કરી.
આ યોજના હેઠળ, ઇઝરાયેલના F-16 અને F-15 વિમાનો જામનગર (ગુજરાત) અને ઉધમપુર (જમ્મુ-કાશ્મીર) એરબેઝોમાંથી ઉડાન ભરીને કાહુટા પર હુમલો કરવાના હતા. યોજનામાં એક વ્યૂહાત્મક વિગત હતી કે વિમાનો હિમાલયના રસ્તે ઉડીને રડારથી બચીને પાકિસ્તાનના હવાઈ સીમામાં પ્રવેશ કરે અને સચોટ બોમ્બિંગ કરે. આ માટે ઇઝરાયેલે ભારત પાસે લોજિસ્ટિક સપોર્ટ, ઈંધણ ભરવાની (રિફ્યુઅલિંગ) સુવિધા, અને ગુપ્તચર માહિતી જેવી કે કાહુટાની અંદરની માહિતી અને સુરક્ષા વ્યવસ્થા—પૂરી પાડવાની મદદ માંગી હતી.
આ યોજનાની તૈયારી માટે, ઇઝરાયેલે પોતાના નેગેવ રણમાં કાહુટાની નકલી સુવિધા બનાવીને વિમાનોએ પ્રેક્ટિસ કરી હતી, જેમાં તેમણે વિવિધ હવાઈ હુમલાના દ્રશ્યો નિર્માણ કરીને તેની પ્રેક્ટિસ કરી હતી. ભારતીય સેના અને રૉએ પણ આ યોજનામાં સહભાગી થવાની તૈયારી દર્શાવી હતી, અને શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ આ પ્રસ્તાવને સકારાત્મક રીતે જોવાનો સંકેત આપ્યો હતો.
યોજનામાં એક વધુ વ્યૂહાત્મક વિગત હતી કે વિમાનો એક બીજાની નજીક એ રીતે ગોઠવવામાં આવે કે તે એક જ મોટા વિમાન જેવા દેખાય, જેથી પાકિસ્તાની ગુપ્તચરોને છેતરી શકાય. આ સફળ થાય તો વિમાનો જમ્મુમાં ફરીથી ઈંધણ ભરીને પરત ફરી શકે તેવી ગણતરી હતી. આ ઉપરાંત, ઇઝરાયેલે ભારતને ખાતરી આપી હતી કે હુમલા પછીની કોઈ પણ પ્રતિક્રિયા (જેમ કે પાકિસ્તાનનો જવાબી હુમલો) સામે તે સૈનિક સહાય પણ પૂરી પાડશે.
યોજના ન વધી શકી આગળ
જોકે, આ યોજના આગળ વધી શકી નહીં, કારણ કે વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિસ્થિતિઓએ તેને અટકાવી દીધી. પાકિસ્તાનની ISIએ આ યોજનાની જાણકારી મેળવી લીધી હતી અને ભારતના બોમ્બે ખાતેના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) પર જવાબી હુમલાની ધમકી આપી હતી. ઉપરાંત, અમેરિકાએ પણ ભારત અને ઇઝરાયેલને આ કાર્યવાહી રદ્દ કરવા ચેતવણી આપી હતી, કારણ કે પાકિસ્તાન તે સમયે અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘ સામે અમેરિકાનો સાથી હતો.
આ ઉપરાંત ભારતમાં પણ આંતરિક તણાવ ચાલી રહ્યા હતા. પંજાબમાં ઇન્દિરા ગાંધીએ જ ઉભા કરેલા ખાલિસ્તાની ભીંડરાવાલેનો ત્રાસ હતો. આ જ દરમિયાન સંજય ગાંધીનું મૃત્યુ અને ઇન્દિરા ગાંધીની હત્યાએ પણ આ યોજનાને પાર ન પાડવા દેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ઇઝરાયેલનું ‘ઑપરેશન ઑપેરા’
ઇઝરાયેલે જે રીતે ભારતને મદદની ઓફર કરી હતી, એવું જ ઑપરેશન તેણે 1981માં ઇરાક સામે કર્યું હતું. જેને ‘ઑપરેશન ઑપેરા’ કહેવાય છે. 7 જૂન 1981ના રોજ, ઇઝરાયેલી એર ફોર્સના 8 F-16 ફાઇટર જેટ્સ અને 6 F-15 સપોર્ટ વિમાનોએ ઇરાકના ઓસિરાક ન્યુક્લિયર રિએક્ટર (બાગદાદથી 17 કિ.મી. દૂર) પર આશ્ચર્યકર હુમલો કર્યો. આ રિએક્ટર સદ્દામ હુસેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો અને ઇઝરાયેલનું કહેવું હતું કે તેનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉર્જા માટે નહીં, પરંતુ પરમાણુ હથિયાર બનાવવા માટે થઈ રહ્યો હતો, જે આરબ-ઇઝરાયેલ સંઘર્ષને વધુ જટિલ બનાવી શકે.
આ હુમલામાં, ઇઝરાયેલે લાંબી દૂરીના માર્ગમાં રડાર ટાળવા માટે વ્યૂહાત્મક રૂટ અપનાવ્યો, જેમાં તેમણે દૂરથી જોઈ ન શકાય એટલી ઊંચાઈ પર ઉડાન ભરી અને ઇરાકી ગુપ્તચરોને છેતર્યા હતા. હુમલામાં 16 બોમ્બો નાખવામાં આવ્યા, જેનાથી રિએક્ટર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. મહત્વપૂર્ણ એ હતું કે આ હુમલામાં કોઈપણ ઇઝરાયેલી વિમાનનું નુકસાન થયું નહીં.
આ ઑપરેશનથી ઇઝરાયેલે ‘બિગિન ડૉક્ટ્રિન’ રજૂ કરી, જેમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે પડોશી દેશોના પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે સખત પગલાં લઈ શકે છે. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી, પરંતુ ઇઝરાયેલે તેને સ્વ-રક્ષણનો હિસ્સો ગણાવ્યો, અને પછીના વર્ષોમાં તેની સફળતાને એક મોટી વ્યૂહાત્મક જીત તરીકે ગણવામાં આવી.
આજે જ્યારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને પાકિસ્તાનની ન્યુક્લિયર ક્ષમતા આંતરરાષ્ટ્રીય ચર્ચામાં છે, ત્યારે 1980ના દાયકાની ઘટનાઓ પર ફરીથી ધ્યાન જાય છે. ઇઝરાયેલની ભારતને મદદની ઓફર અને તેના પછીની સ્થિતિઓએ એક એવી સ્થિતિ ઉભી કરી, જેમાં પાકિસ્તાન 1998માં ન્યુક્લિયર સ્ટેટસ મેળવી શક્યું. જેના પરિણામોમાં કારગિલ યુદ્ધ (1999), આતંકી હુમલા (જેમ કે 26/11 મુંબઈ હુમલો), અને પાકિસ્તાનની ન્યુક્લિયર બ્લેકમેલની સ્થિતિ સામેલ છે, જે આજે પણ ભારત માટે ચિંતાનું કારણ છે.
(ઑપરેશન ઑપેરાની માહિતી મોસાદના જાસૂસી મિશન પુસ્તકમાંથી (સફારી) લેવામાં આવી છે.)