સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (20 જૂન) મદ્રાસ હાઇકોર્ટના (Madras High Court) એક આદેશ પર રોક લગાવી દીધી છે. તે આદેશમાં તમિલનાડુના મદુરાઈમાં (Madurai) એક એપાર્ટમેન્ટ પરિસર વિસ્તારા રેસિડેન્સીમાં એક મંદિરને (Temple) તોડી પાડવાનો (Demolition) આદેશ આપવામાં આવ્યો હતો. તે મંદિર ઓપન સ્પેસ રિઝર્વેશનની (OSR) જમીન પર બનાવવામાં આવ્યું હતું. આ મામલે હાઇકોર્ટમાં મંદિર તોડવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટે તેને લીલી ઝંડી પણ આપી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.
જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાં અને જસ્ટિસ મનમોહનની બેન્ચે વિસ્તારા વેલફેર એસોસિયેશન દ્વારા દાખલ કરવામાં આવેલી હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર વચગાળાનો આદેશ આપ્યો હતો. અરજદારો વતી હાજર રહેલા વકીલ દામા શેષાદ્રિ નાયડુએ દલીલ કરી હતી કે, હાઇકોર્ટે તેમને રજૂઆતની તક આપ્યા વગર જ મંદિરને તોડી પાડવા માટેનો આદેશ આપી દીધો હતો. વધુમાં તેમણે એવી દલીલ પણ કરી કે, મંદિરનું નિર્માણ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની સહમતીથી થયું છે અને તેઓ તેનો ઉપયોગ સામાન્ય પૂજાસ્થળ માટે કરે છે.
OSR જમીન પર નિર્માણને લઈને હાઇકોર્ટે આપ્યા હતા ડિમોલિશનના આદેશ
અરજદારોએ મદ્રાસ હાઇકોર્ટના 2 જૂનના આદેશને પડકાર્યો છે. જેમાં મ્યુનિસપલ અધિકારીઓને OSR જમીન પર બાંધવામાં આવેલા મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મદુરાના રહેવાસી આર માયિલસામીની અરજી પર હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. માયિલસામીએ તમિલનાડુ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એક્ટ-1971ની કલમની વિવિધ જોગવાઈઓ હેઠળ OSR જમીન પર બનેલા મંદિરને હટાવવા માટેની માંગણી કરી હતી.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિસ્તારા રેસિડેન્સી એપાર્ટમેન્ટ પરિસરના કેટલાક રહેવાસીઓએ કોઈપણ પ્રકારની કાયદાકીય પરવાનગી વગર સામુદાયિક ઉપયોગ માટે આરક્ષિત ખુલ્લી જગ્યામાં મંદિરનું નિર્માણ કરી નાખ્યું છે. હાઇકોર્ટના જજ એસએમ સુબ્રમણ્યમ અને એડી મારિયા ક્લેટની બેન્ચે પણ કહ્યું હતું કે, મંદિર સ્પષ્ટપણે ગેરકાયદે છે અને 1971ના કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ છે.
વધુમાં હાઇકોર્ટે ઘણી દલીલો અને વાતો સ્પષ્ટ કરીને મંદિરને તોડી પાડવા માટેનો આદેશ આપી દીધો હતો. હાઇકોર્ટે મ્યુનિસિપલ અધિકારીઓને ચાર અઠવાડિયામાં મંદિરને તોડી પાડીને જમીનને પોતાની મૂળ સ્થિતિમાં પરત લાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, ત્યારબાદ સ્થાનિક વેલફેર એસોસિયેશનના લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના સ્ટે ઓર્ડરના કારણે હાઇકોર્ટના નિર્દેશનો અમલ અટકી ગયો છે. તે સિવાય ઑગસ્ટમાં આ અંગેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.