9 જૂન, 2026ના રોજ ભારત એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વર્ષોથી દેશના અગ્રણી એન્જિનિયરો, પ્લાનરો અને નીતિનિર્ધારકો લદ્દાખ ખાતે જે પ્રોજેક્ટ પર પરિશ્રમ કરી રહ્યા હતા, તે સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. પશ્ચિમ હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડોની સેંકડો ફૂટ નીચે કામ કરી રહેલા શ્રમિકો અને એન્જિનિયરો આ દિવસે 13.153 કિલોમીટર લાંબી ‘ઝોજિલા ટનલ’ના (Zojila Tunnel) ઉત્ખનન (Excavation) તબક્કાના અંતિમ બ્રેકથ્રુ એટલે કે સામ-સામેથી ખોદકામ કરતા બંને છેડાઓને પરસ્પર ભેગા કરવાના કામને સફળતાપૂર્વક પૂર્ણ કરશે.
દરિયાઈ સપાટીથી આશરે 11,578 ફૂટની અતિશય ઊંચાઈએ બની રહેલી આ ટનલ વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી ‘સૌથી લાંબી સિંગલ-ટ્યુબ બાય-ડિરેક્શનલ’ એટલે કે એક જ ટનલમાં બંને બાજુની ટ્રાફિક વ્યવસ્થા ધરાવતી રોડ ટનલ બનવા જઈ રહી છે. આ ટનલ કાર્યરત થતાંની સાથે જ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેના વર્ષો જૂના ભૌગોલિક અંતર અને શિયાળાની નાકાબંધીનો કાયમી અંત આવી જશે. આ માત્ર એક રસ્તો નથી, પરંતુ ભારતની સરહદોને સુરક્ષિત રાખતી અને લાખો નાગરિકોના જીવનને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહ સાથે જોડતી એક મજબૂત જીવાદોરી છે.
શું છે ઝોજિલા ટનલ?
ઝોજિલા ટનલ એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતો એક અદભુત રોડ પ્રોજેક્ટ છે. સરળ શબ્દોમાં કહીએ તો તે સોનમર્ગ નજીકના ‘બાલતાલ’ વિસ્તારને લદ્દાખના ‘મીનામાર્ગ’ સાથે જોડતો પહાડની અંદર બનેલો એક આધુનિક રસ્તો છે. આ ટનલ શ્રીનગરથી લેહ જતા નેશનલ હાઇવે પર આવેલા અત્યંત ખતરનાક અને વાંકાચૂકા ‘ઝોજિલા પાસ’નો (પહાડી રસ્તા) કાયમી અને સુરક્ષિત વિકલ્પ છે.
ઘણા લોકોને એવું લાગે છે કે આ પ્રોજેક્ટ માત્ર મુખ્ય ટનલ પૂરતો જ છે, પરંતુ એવું નથી. ભલે મુખ્ય ટનલની લંબાઈ 13.15 કિલોમીટર છે, પણ આખા પ્રોજેક્ટની કુલ લંબાઈ લગભગ 30.89 કિલોમીટર જેટલી છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય ટનલ સિવાય ત્યાં સુધી પહોંચવા માટેના ખાસ પાકા રસ્તાઓ, વાહનોની અવરજવર માટે મોટા પુલ અને બરફના તોફાનોથી બચાવતા ખાસ રક્ષણાત્મક માળખાં પણ સામેલ છે.
આ આખા પ્રોજેક્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં ‘નિલગ્રાર ટ્વીન ટનલ’ નામની બે નાની જોડકા ટનલ પણ બનાવવામાં આવી છે. આ બંને ટનલ મુખ્ય ટનલ શરૂ થાય તે પહેલાંના રસ્તા પર આવેલી છે. આમાંની પહેલી ટનલ આશરે 457 મીટર લાંબી છે અને બીજી ટનલ આશરે 1,953 મીટર લાંબી છે, જે મુસાફરીને વધુ સરળ અને ઝડપી બનાવે છે.
હિમાલયના આ વિસ્તારમાં પહાડોમાંથી પથ્થરો પડવાનો અને બરફના તોફાનો આવવાનું ભારે જોખમ રહે છે. આ જોખમથી વાહનોને બચાવવા માટે રસ્તા પર 2.35 કિલોમીટર લાંબું કટ-એન્ડ-કવર (ખાસ સિમેન્ટનું મજબૂત છાપરું) બનાવવામાં આવ્યું છે. આ સિવાય બરફને રસ્તા પર જમા થતો રોકવા માટે 450 મીટર લાંબી વિશેષ ‘સ્નો ગેલેરી’ અને નદી-ખીણો પરથી પસાર થવા માટે ત્રણ મોટા પુલ પણ બનાવવામાં આવ્યા છે.
સુરક્ષા અને વેન્ટિલેશન શાફ્ટની અજાયબી
આ ટનલની સૌથી મોટી એન્જિનિયરિંગ ખાસિયત તેની હવાની અવરજવર (Ventilation) માટેની સિસ્ટમ છે. સામાન્ય રીતે લાંબી ટનલોમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે એક સમાંતર ઈસ્કેપ ટનલ (Escape Tunnel) બનાવવામાં આવે છે, પરંતુ અહીં કઠિન ભૌગોલિક પરિસ્થિતિને કારણે એન્જિનિયરોએ પહાડની ટોચથી નીચે ટનલ સુધી જતા ત્રણ વિશાળ વર્ટિકલ શાફ્ટ (ઊભા નળાકાર કૂવા) તૈયાર કર્યા છે.
આમાં પશ્ચિમ છેડા પર આવેલો સૌથી મોટો શાફ્ટ પહાડની અંદર 474.3 મીટર ઊંડો છે, જે સમગ્ર ભારતમાં અત્યાર સુધીનો સૌથી લાંબો વર્ટિકલ શાફ્ટ છે. બીજો શાફ્ટ 367.38 મીટર અને ત્રીજો શાફ્ટ 213.5 મીટર ઊંડો છે. આ શાફ્ટ ટનલની અંદર ઓક્સિજન સપ્લાય જાળવી રાખવા, વાહનોના ધુમાડાને બહાર કાઢવા અને કટોકટીના સમયે ઈમરજન્સી એક્સેસ આપવાનું કામ કરશે.
આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો અને ક્યારે પૂર્ણ થશે?
ઝોજિલા ટનલ બનાવવાનો વિચાર વર્ષો જૂનો હતો, કારણ કે દર વર્ષે શિયાળામાં લદ્દાખ દેશથી અલગ થઈ જતું હતું. આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આ યોજનાને જમીન પર ઉતારી. આ પ્રોજેક્ટની શરૂઆતથી લઈને આજ સુધીની યાત્રા ઘણી રસપ્રદ અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.
આ ઐતિહાસિક પ્રોજેક્ટની સત્તાવાર શરૂઆત મે 2018માં થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતે આ મહત્વાકાંક્ષી ટનલનો શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કર્યો હતો. શરૂઆતમાં આ ટનલ બનાવવાનું કામ ‘IL&FS’ નામની એક મોટી કંપનીને સોંપવામાં આવ્યું હતું, જેથી કાશ્મીર અને લદ્દાખ વચ્ચે બારેમાસ ખુલ્લો રહે તેવો રસ્તો બની શકે.
પરંતુ, વર્ષ 2019માં આ પ્રોજેક્ટમાં એક મોટો અવરોધ આવ્યો. કામ કરી રહેલી કંપની અચાનક નાણાકીય મુશ્કેલીઓમાં (આર્થિક કટોકટીમાં) ઘેરાઈ ગઈ, જેના કારણે ટનલનું કામ અધવચ્ચે જ અટકી પડ્યું. આ સમયે મોદી સરકારે જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક પ્રોજેક્ટની સમીક્ષા કરી, તેમાં જરૂરી સુધારા કર્યા અને નવી કંપની શોધવા માટે ફરીથી ટેન્ડર બહાર પાડ્યા.
ત્યારબાદ ઑક્ટોબર 2020માં આ પ્રોજેક્ટને એક નવી દિશા અને નવી ગતિ મળી. હૈદરાબાદની જાણીતી કંપની ‘મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ’ને (MEIL) આ કામ સોંપવામાં આવ્યું. ઑક્ટોબર 2020માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની હાજરીમાં પહાડમાં પ્રથમ બ્લાસ્ટિંગ (ધડાકો) કરીને કામ ફરી શરૂ કરાયું. આ આખું કામ સરકારી સંસ્થા ‘NHIDCL’ની દેખરેખ હેઠળ આગળ વધ્યું.
વર્ષ 2021થી 2025 સુધીના ગાળામાં એન્જિનિયરોએ દિવસ-રાત એક કરીને ઘણા મહત્વના લક્ષ્યાંકો પૂરા કર્યા. નવેમ્બર 2021થી એપ્રિલ 2022 વચ્ચે મુખ્ય ટનલની આગળ આવેલી બંને ‘નિલગ્રાર ટનલ’ના છેડાઓ સફળતાપૂર્વક જોડી દેવાયા. માર્ચ 2025 સુધીમાં ટનલની બહારના રસ્તાઓ, બ્રિજ અને બરફથી બચાવતી ગેલેરીઓનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું.
ત્યારબાદ જુલાઈ 2025માં એન્જિનિયરોએ વધુ એક અજાયબી કરી બતાવી. તેમણે પહાડની અંદર ભારતનો સૌથી ઊંડો અને મોટો ઊભો વેન્ટિલેશન શાફ્ટ ખોદી કાઢ્યો. અત્યંત કઠિન પથ્થરો હોવા છતાં આધુનિક મશીનોની મદદથી આ કામ સમયસર પૂરું કરવામાં આવ્યું, જે સુરક્ષા માટે ખૂબ જરૂરી હતું.
હવે 9 જૂન 2026ના દિવસે પહાડની બંને બાજુથી ખોદકામ કરતી ટીમો બરાબર મધ્યમાં એકબીજાને મળી જશે, જેને ટેકનિકલ ભાષામાં ‘અંતિમ બ્રેકથ્રુ’ કહેવાય છે. આ સાથે જ પહાડની આરપાર જોવાનો અને ટનલના ખોદકામનો આખો તબક્કો સત્તાવાર રીતે પૂરો થઈ જશે.
અગાઉ આ પ્રોજેક્ટ 2026ના અંત સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોરોના મહામારી, ભારે હિમપ્રપાત અને અતિશય પ્રતિકૂળ હવામાનને કારણે સમયરેખા લંબાવવી પડી છે. ટનલના બ્રેકથ્રુ પછી હજુ ટનલ લાઇનિંગ (દીવાલો મજબૂત કરવી), રોડ સરફેસિંગ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સીસીટીવી અને સેફ્ટી ટ્રાયલ જેવા કામો બાકી છે. આથી ટનલ સત્તાવાર રીતે વાહનવ્યવહાર માટે ફેબ્રુઆરી 2028 સુધીમાં સંપૂર્ણપણે સજ્જ થઈ જશે.
માઇનસ 40 ડિગ્રી તાપમાન અને કુદરત સામે જંગ
ઝોજિલા ક્ષેત્રમાં ટનલ બનાવવી એ સામાન્ય પહાડોમાં રસ્તો બનાવવા જેવું નથી. એન્જિનિયરો અને શ્રમિકોએ અહીં કુદરતના સૌથી ક્રૂર સ્વરૂપનો સામનો કર્યો છે. શિયાળા દરમિયાન અહીં તાપમાન માઇનસ 20થી માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. દર વર્ષે અંદાજે 100 દિવસ સુધી શ્રમિકોએ થીજી જવાય તેવી પરિસ્થિતિમાં 24 કલાક કામ કર્યું છે.
બીજો મોટો ખતરો પહાડો પરથી ધસી આવતા બરફના તોફાનો એટલે કે એવલાન્ચનો (હિમપ્રપાત) હતો. છેલ્લા 5 વર્ષમાં અહીં 5થી વધુ વખત આવા ભયાનક તોફાનો આવ્યા હતા. જાન્યુઆરી 2023માં આવેલા એક આવા જ મોટા તોફાનમાં 172થી વધુ શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા, જેમને ભારતીય સેનાએ જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સિવાય 2024 અને 2025માં આવેલા તોફાનોએ મોંઘી મશીનરીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ ટનલ જે હિમાલયના પહાડોમાં બની રહી છે, તે વિશ્વના સૌથી કાચા અને અસ્થિર પહાડો ગણાય છે. 13 કિલોમીટર લાંબી આ ટનલના રસ્તામાં પથ્થરોના પ્રકારો 67 વખત બદલાયા હતા. ક્યારેક ખોદતા-ખોદતા એકદમ મજબૂત પથ્થર આવે તો ક્યારેક અચાનક ભીની માટી અને પાણીના ઝરણાં ફૂટી નીકળતા. આ સમસ્યાનો સામનો કરવા માટે એન્જિનિયરોએ ‘ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ’નો (NATM) ઉપયોગ કર્યો, જેમાં ખડકની સ્થિતિ જોઈને ત્વરિત કોંક્રિટિંગ (Shotcrete) અને રોક બોલ્ટિંગ કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટમાં 1,200થી વધુ કુશળ અને અકુશળ કર્મચારીઓ સતત તહેનાત રહ્યા છે, જેમાંથી આશરે 80 ટકા શ્રમિકો સ્થાનિક સમુદાયોમાંથી આવે છે. તેમના રહેવા માટે સિક્યોર બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો હતો જ્યાં 24 કલાક મેડિકલ સહાય અને ગરમ ખોરાકની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. એપ્રિલ 2026 સુધીમાં આ પ્રોજેક્ટે 1 કરોડથી (10 મિલિયન) વધુ સેફ મેન-અવર્સનો (અકસ્માત રહિત કામકાજના કલાકો) રેકોર્ડ બનાવ્યો છે.
ઝોજિલા ટનલનું મહત્વ: લદ્દાખની કાયમી મુક્તિ અને દેશની સુરક્ષા
આ ટનલ ભારત માટે માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સરહદોની રક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થવાની છે.
શિયાળાની નાકાબંધીનો અંત
અત્યાર સુધી લદ્દાખ અને કાશ્મીર વચ્ચે સંપર્ક રાખવા માટે માત્ર શ્રીનગર-લેહ હાઈવે જ એકમાત્ર રસ્તો હતો. પરંતુ દર વર્ષે ભારે બરફવર્ષાને કારણે ઝોજિલા પાસ 5થી 6 મહિના માટે સંપૂર્ણપણે બંધ થઈ જતો હતો. આ સમય દરમિયાન લદ્દાખનો દેશના બાકીના હિસ્સા સાથેનો જમીની સંપર્ક તૂટી જતો. સ્થાનિક લોકો પાસે માત્ર એર કનેક્ટિવિટીનો જ વિકલ્પ રહેતો, જેના ભાડા શિયાળામાં આસમાને (રૂ. 40,000 સુધી) પહોંચી જતા. ટનલ બનવાથી આ અડધા વર્ષની કેદ સદાય માટે સમાપ્ત થઈ જશે.
મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો
હાલમાં ઝોજિલા પાસ પાર કરવામાં વાહનોને સાડા ત્રણ કલાક જેટલો સમય લાગે છે અને જો ટ્રાફિક જામ કે ખરાબ હવામાન હોય તો આખો દિવસ નીકળી જાય છે. આ ટનલ શરૂ થયા પછી 40 કિલોમીટરનું અંતર ઘટીને માત્ર 13 કિલોમીટર થઈ જશે અને વાહનો માત્ર 15થી 30 મિનિટમાં પહાડની આરપાર નીકળી જશે. આનાથી કરોડો લીટર બળતણ (Fuel) બચશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
વ્યૂહાત્મક અને લશ્કરી મહત્વ (Strategic Importance)
લદ્દાખની સરહદો પાકિસ્તાન (Line of Control – LoC) અને ચીન (Line of Actual Control – LAC) બંને સાથે જોડાયેલી છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ આ વિસ્તાર કેટલો સંવેદનશીલ છે તે સાબિત થઈ ચૂક્યું છે. શિયાળામાં રસ્તો બંધ થવાને કારણે ભારતીય સેના માટે સરહદ પર તહેનાત જવાનો સુધી રાશન, દારૂગોળો, ટેન્ક અને ભારે હથિયારો પહોંચાડવાનું અત્યંત મુશ્કેલ બનતું હતું. હવે આ ટનલથી ભારતીય સેના વર્ષના 365 દિવસ, ગમે તેવા બરફીલા તોફાન વચ્ચે પણ લદ્દાખ સરહદ સુધી સેનાની ઝડપી મૂવમેન્ટ કરી શકશે, જે ચીન અને પાકિસ્તાન સામે ભારતની લશ્કરી તાકાતમાં જબરદસ્ત વધારો કરશે.
આર્થિક અને પ્રવાસન ક્રાંતિ
લદ્દાખ અને કાશ્મીરનું અર્થતંત્ર પ્રવાસન (Tourism) પર નિર્ભર છે. શિયાળામાં રસ્તા બંધ થવાથી પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈ જતો હતો. જાન્યુઆરી 2025માં પીએમ મોદીએ ઉદ્ઘાટન કરેલી 6.5 કિમી લાંબી ‘ઝેડ-મોહ ટનલ’ (Z-Morh Tunnel) અને હવે આ ‘ઝોજિલા ટનલ’ના જોડાણથી સોનમર્ગ, ડ્રાઝ, કારગિલ અને લેહ જેવા વિસ્તારો બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. આનાથી સ્થાનિક હોટેલ વ્યવસાયીઓ, ટ્રાન્સપોર્ટરો અને નાના વેપારીઓની આવકમાં મોટો ઉછાળો આવશે. તેમજ શિયાળામાં શાકભાજી, દવાઓ અને પેટ્રોલિયમ પેદાશો જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય અને તેના ભાવો પણ નિયંત્રણમાં રહેશે.
નરેન્દ્ર મોદી સરકાર હેઠળ કાશ્મીર-લદ્દાખમાં થયેલ વિકાસ કાર્યો
વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી ત્યાં વિકાસની એક નવી શરૂઆત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે આ આખા વિસ્તારની કાયાપલટ કરવા માટે રસ્તા, રેલવે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કર્યા છે. વર્ષોથી પછાત રહેલા આ વિસ્તારોને હવે દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડીને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે.
આ ક્રાંતિનો સૌથી મોટો ભાગ છે ત્યાં બની રહેલું ટનલનું નેટવર્ક. સરહદોની સુરક્ષા વધારવા અને બારેમાસ વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આશરે 25,000 કરોડના ખર્ચે 19 નાની-મોટી ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આમાં ચેનાની-નાશરી, કવાઝીગુંડ-બનિહાલ અને તાજેતરમાં શરૂ થયેલી ‘ઝેડ-મોહ ટનલ’ જેવી મોટી ટનલો સામેલ છે, જે મુસાફરીને ખૂબ જ સુરક્ષિત બનાવે છે.
કાશ્મીરને બાકીના ભારત સાથે રેલ માર્ગે સીધું જોડવા માટે રેલવે મંત્રાલયે એક અદભુત પ્રોજેક્ટ (USBRL) પર કામ કર્યું છે. આ અંતર્ગત કાશ્મીરમાં નદીની ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ એટલે કે ‘ચેનાબ બ્રિજ’ બનાવવામાં આવ્યો છે. આ સિવાય દેશનો પહેલો વાયરના સપોર્ટ પર ટકેલો ‘અંજી ખાદ રેલ બ્રિજ’ પણ તૈયાર થઈ ગયો છે. આ કામો પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં કન્યાકુમારીથી છેક કાશ્મીર સુધી સીધી ટ્રેન દોડવા લાગશે.
સામાન્ય રસ્તાઓ અને હાઇવેને સુધારવા માટે પણ સરકારે મોટી રકમ ખર્ચી છે. જમ્મુથી શ્રીનગર જતા મુખ્ય નેશનલ હાઇવેને પહોળો કરીને ફોર-લેન બનાવવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ શકે. આ સાથે જ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે પર કામ ચાલી રહ્યું છે અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને (BRO) સરહદી વિસ્તારોમાં સેંકડો કિલોમીટર લાંબા પાકા રસ્તાઓ અને મજબૂત પુલ બનાવ્યા છે.
રોડ-રેલવે સિવાય લોકોના જીવન ધોરણને સુધારવા માટે અહીં સામાજિક ક્ષેત્રે મોટા સુધારા થયા છે. લોકોને પોતાના વિસ્તારમાં જ સારામાં સારી સારવાર મળી રહે તે માટે આધુનિક AIIMS હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે દેશની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે IIT અને IIM પણ અહીં શરૂ કરી દેવામાં આવી છે.
સરકારના આ તમામ પ્રયાસોને કારણે કાશ્મીરના સ્થાનિક યુવાનો માટે નોકરી અને વેપારની નવી-નવી તકો ઊભી થઈ છે. વિકાસ અને રોજગારી મળવાને કારણે ભૂતકાળમાં થતી પથ્થરમારા અને અશાંતિની ઘટનાઓ હવે સદંતર બંધ થઈ ગઈ છે. આજનું કાશ્મીર આતંક અને ભયમાંથી બહાર નીકળીને શાંતિ, સમૃદ્ધિ અને દેશની સાથે ખભેખભા મિલાવીને પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આ પ્રગતિમાં ઝોજિલા ટનલ જેવાં વિકાસ કાર્યોનો મહત્વનો ફાળો રહેલો છે.
ટૂંકમાં એમ કહી શકાય કે ઝોજિલા ટનલ માત્ર સિમેન્ટ, લોખંડ અને પથ્થરનું માળખું નથી. તે નવા આત્મનિર્ભર ભારતની આકાંક્ષાઓનું પ્રતીક છે. આ ટનલ સાબિત કરે છે કે ગમે તેવા કઠિન પહાડો, માઇનસ 40 ડિગ્રીની ઠંડી કે જીવલેણ હિમપ્રપાત પણ ભારતીય એન્જિનિયરો અને શ્રમિકોના જુસ્સાને રોકી શકતા નથી. 9 જૂન, 2026ના રોજ થનારો અંતિમ બ્રેકથ્રુ એ દાયકાઓ જૂના અધૂરાં સ્વપ્નને પૂરું કરવા તરફનું સૌથી મોટું પગલું છે.


