અમદાવાદ (Ahmedabad) પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) આ વખતે ખૂબ સાદાઈથી નીકળશે. જોકે, હવે આ મામલે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા આપીને આવા તમામ દાવાઓને માત્ર અફવા ગણાવ્યા છે. ટ્રસ્ટ તરફથી જાણવા મળી રહ્યું છે કે નિર્ધારિત રૂટ પરથી જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને પારંપરિક રીતે નીકળશે. બીજી તરફ સરકાર પણ ટ્રસ્ટના આ નિર્ણય સાથે સહમત હોવાનું સામે આવ્યું છે.
27 જુને (અષાઢી બીજ) યોજાનારી 148મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું છે કે, જગન્નાથની રથયાત્રા પારંપરિક રીતે જ નીકળશે. ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું છે કે, આગામી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે અને ટ્રક અને ટેબ્લો અંગે પણ સરકાર સાથે વાતચીત થઈ છે.
ટ્રક, હાથી અને અખાડાઓ સાથે નીકળશે રથયાત્રા, સરકારની સહમતી
વધુમાં તે માહિતી પણ સામે આવી છે કે, રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી ઠાઠ સાથે નગરચર્યા પર નીકળશે. જે અંતર્ગત 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 ભજન મંડળીને પણ યાત્રામાં સામેલ કરવામાં આવશે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર અને ટ્રસ્ટી મંડળની બેઠક પણ બોલાવવામાં આવશે. વધુમાં આ અંગે મોટાભાગના નિર્ણયો લઈ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તે સિવાય રાજ્ય સરકાર તરફથી પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે જણાવ્યું છે કે, રથયાત્રા કેવી રીતે નીકળશે તે મંદિર કમિટી નક્કી કરશે અને રથયાત્રા બાબતના તમામ નિર્ણયો મંદિર પ્રશાસન પર છોડવામાં આવ્યા છે. વધુમાં તેમણે આશ્વાસન પણ આપ્યું છે કે, રાજ્ય સરકાર મંદિર પ્રશાસનના નિર્ણયની સાથે છે.
રૂટ પર સતત નિરીક્ષણ, અપાશે હેરિટેજ લુક- ભયજનક મકાનો વિરુદ્ધ પણ કાર્યવાહી
જમાલપુર જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર શુક્રવારે (20 જૂન) અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ હાજર હતા. તે સિવાય રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી પણ બે દિવસમાં પૂર્ણ થવા પર છે.
'આ વર્ષની અમદાવાદ રથયાત્રાને હેરિટેજ લુક અપાશે': પ્રતિભા જૈન, મેયર, અમદાવાદ#ahmedabad #PratibhabenJain #rathyatra #saraspur #rathyatra2025 #rathyatraahmedabad #rathyatralive #jaijagannath #subhadraji #balram #rathyatranews #VTVDigital pic.twitter.com/4DF1WO3jJ8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 20, 2025
મેયર પ્રતિભા જૈને આ મામલે જણાવ્યું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અંદાજિત 14 KMના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ રસ્તા, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઇટો લગાવવાની, પાણીની પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પહલા લેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તે સિવાયની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
તેમણે વધુમાં કહ્યું છે કે, નાની-મોટી કામગીરી જે બાકી છે, તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ પર હાલ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, રથયાત્રાના રૂટ પર જેટલા પણ ભયજનક મકાનો છે, તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જર્જરિત મકાનોને દૂર કરવા માટેની નોટિસો પણ આપવામાં આવી છે. જો નોટિસ આપ્યા બાદ પણ પાલન ન થાય તો યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તે સિવાય રૂટના તમામ રસ્તા પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને રસ્તાઓને વ્યવસ્થિત કરવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.