પહલગામ આતંકી હુમલા બાદ ભારત (India) સરકારે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરીને પાકિસ્તાનને (Pakistan) સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે. જોકે, શરૂઆતમાં આતંકી દેશના નેતાઓએ ધમકીઓનો મારો ચલાવ્યો હતો, પણ હવે તેમના જ દેશમાં જળસંકટનો મારો ચાલી રહ્યો છે. હાલની સ્થિતિ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનમાં આવેલા ત્રણેય મુખ્ય પ્રદેશોમાં પાણીનો પ્રવાહ 20% સુધી ઘટી ગયો છે. સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ હવે ધીમે-ધીમે તેના પરિણામો પણ જોવા મળી રહ્યા છે.
CNN-ન્યૂઝ18ના અહેવાલ અનુસાર, પાકિસ્તાનની હાલની સ્થિતિ એવી છે કે તે કાગડોળે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના આધિકારિક આંકડાને ટાંકીને કહેવાયું છે કે, 20 જૂન સુધી પાકિસ્તાનમાં પાણીનો ક્યુસેક પ્રવાહ ગયા વર્ષની આ જ તારીખ કરતાં લગભગ 20% ઓછો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 20 જૂનના રોજ જળપ્રવાહ 1,10,500 ક્યુસેક છે, જે ગત વર્ષે 20 જૂનના રોજના 1,30,800 ક્યુસેકથી 20% ઓછો છે.
માત્ર પંજાબ જ નહીં, પણ સિંધના મુખ્ય વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. સિંધમાં પાણીનો પ્રવાહ 1,33,000 ક્યુસેક છે, જે ગત વર્ષે આ જ તારીખમાં 1,70,000 ક્યુસેક હતો. તે સિવાય ખૈબર પખ્તુનખ્વામાં 20 જૂનના રોજ પાણીનો પ્રવાહ 2,600 ક્યુસેક છે, જે ગયા વર્ષે 2,900 ક્યુસેક હતો. તજજ્ઞોના મતે પાકિસ્તાનમાં સ્થિતિ સ્પષ્ટપણે ગંભીર બની રહી છે, ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીના ખરીફ સિઝનમાં.
પાકિસ્તાને હમણાં સુધી ચાર પત્રો લખીને વાત કરવાની કરી છે વિનંતી
ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના કારણે પાકિસ્તાનને ખરીફ સિઝનમાં 21% પાણીની ઘટ પડશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. હવે તાજેતરના આંકડાથી જાણી શકાય છે કે, પાકિસ્તાન હાલ તે સ્થિતિ પર પહોંચી ગયું છે. તે સિવાય હજુ તો ભારત સરકાર સિંધુ અને ચેનાબ નદીના પાણીને ગંગાસાગર સુધી પહોંચાડવા માટે 160 KM લાંબી ટનલના નિર્માણની યોજના બનાવી રહી છે, તેવામાં ભવિષ્યમાં પાકિસ્તાનમાં ભયંકર જળસંકટ ઊભું થવાની પૂર્ણ સંભાવના છે.
ગયા મહિને જ એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે, ચેનાબ નદીમાં ભારત દ્વારા પુરવઠાની અછતને કારણે સંકટ ઊભું થઈ ગયું છે અને તેના કારણે ખરીફ સિઝનમાં પણ નુકસાન થવાની સંભાવના છે. નોંધવા જેવું છે કે, પાકિસ્તાને હમણાં સુધીમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર ચિંતા વ્યક્ત કરીને ચાર પત્ર ભારતને લખ્યા છે અને ભારતને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટેની વિનંતી પણ કરી છે.
જોકે, ભારત સરકારે આ તમામ પત્રોને વિદેશ મંત્રાલય મોકલી આપ્યા છે. એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. ભારત સરકારે અને વડાપ્રધાન મોદીએ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાણી અને લોહી એક સાથે નહીં વહે. વધુમાં વડાપ્રધાન મોદીએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, પાકિસ્તાન સાથે માત્ર PoK અંગે જ વાત થશે, તે સિવાય કોઈપણ મુદ્દે વાતચીત કરવાની ભારતની હાલ કોઈ ઈચ્છા નથી.