જૂનાગઢની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર યોજાનાર પેટાચૂંટણી (ByElections) માટે પ્રચાર તો થંભી ગયો છે પરંતુ દર ચૂંટણીમાં નવાં-નવાં ગતકડાં કરવા માટે જાણીતી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) આ વખતે પણ ક્યાંક સ્ટિંગ ઑપરેશન કરવાના કે ક્યાંક દારૂ પકડવાના દાવા કર્યા છે. તાજેતરનો કિસ્સો ખડિયા-આણંદપુર રોડ પર આવેલી એક વાડીનો છે.
આ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી તો ત્યાંથી દારૂ મળી આવ્યો હતો. કુલ 477 બોટલ દારૂ મળ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ પછીથી આ ‘દરોડા’નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સાર્વજનિક કર્યો હતો, જેમાં પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોવા મળે છે. સાથે ગોપાલ ઈટાલિયા પણ જોવા મળે છે, જેઓ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ગોપાલ ઈટાલિયાના નામની ઘોષણા થઈ ત્યારથી તેમની પાછળ જ કેમેરો લઈને ફરતી યુટ્યુબ ચેનલોએ આ વિડીયો ફેરવીને ગોપાલે ‘જનતા રેડ’ પાડી હોવાનું ચલાવવા માંડ્યું છે.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જે વાડીમાંથી દારૂ મળી આવ્યો તે ભારતીય જનતા પાર્ટીના કોઈ માણસ સાથે સંબંધિત છે. ભાજપના માણસો ચૂંટણી દરમિયાન દારૂ વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.
આ મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે વાડીના માલિક અશ્વિન મૈતરે ષડ્યંત્ર હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આમ આદમી પાર્ટીના લોકો પર જ પહેલાં દારૂ વાડીમાં મૂકી જઈને ત્યાં પછીથી પોલીસ સાથે જનતા રેડનું નાટક કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ પોતે નિર્દોષ છે.
અશ્વિને કહ્યું કે તેમની વાડી ખેતી માટે છે અને અહીં ઘાસચારો અને ખેતી માટેનાં સાધનો હોય છે. ત્યાં કોઈ રહેતી પણ નથી. પોતે ખેડૂત છે અને તેમની ઉપર અત્યાર સુધી એક પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. માત્ર ખોટા રાજકારણ માટે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. સાથે તેમણે આક્ષેપ મૂકતાં કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકો વાડીમાં દારૂ મૂકીને તેમને ફસાવવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે પોતે આ મામલાની તપાસ માટે પોલીસમાં અરજી પણ આપશે.