હોમપેજદેશશું છે આર્ટિકલ 142, જેનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે રદ કરી CJP...

શું છે આર્ટિકલ 142, જેનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે રદ કરી CJP પ્રદર્શનકારીઓ સામેની FIR

'પૂર્ણ ન્યાય'ના સિદ્ધાંત હેઠળ કોર્ટ કોઈ પણ આદેશ પસાર કરી શકે, પણ બંધારણના માળખા કે કાયદાઓથી વિપરીત જઈને આદેશો ન આપી શકાય. ભૂતકાળમાં કોર્ટે ક્યારે-ક્યારે આર્ટિકલનો ઉપયોગ કર્યો હતો– વાંચો.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે મંગળવારે (1 સપ્ટેમ્બર) જુલાઈ મહિના દરમ્યાન થયેલાં વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો દરમ્યાન દિલ્હી અને દેશનાં અન્ય રાજ્યોમાં નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો. જોકે પ્રદર્શનમાં ઘૂસી ગયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પર તપાસ ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે પણ કરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ધ્યાને લીધી છે. તે સિવાયની બાકીની FIR રદ કરી દેવામાં આવશે, ઉપરાંત રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ મામલે હવે આગળ FIR દાખલ ન કરે. ત્યારપછી 5 સપ્ટેમ્બરના રોજ ફરીથી દિલ્હીમાં એકઠા થવાની ધમકી આપનારા કોકરોચોએ પણ માંડી વાળ્યું છે.

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવા માટે લાંબી અને જટિલ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એક વખત FIR નોંધાઈ ગયા બાદ સરકાર પોતે તેને રદ કરી શકતી નથી. ત્યારપછીની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરવી પડે છે. FIR રદ કરવાનું કામ કોર્ટનું છે. કોર્ટ પણ આમ જ ગુનો રદ કરી દેતી નથી અને કેસનાં તમામ ગુણદોષ (મેરિટ) જુએ છે. પરંતુ સુપ્રીમ કોર્ટ પાસે બંધારણ પ્રાપ્ત એક વિશેષ સત્તા છે, જેના થકી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સત્તા છે આર્ટિકલ 142.

- Advertisement -

આર્ટિકલ 142 શું છે?

ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને એક અસાધારણ અને વિશેષ શક્તિ આપે છે. આ કલમ મુજબ જો અદાલતને લાગે કે કોઈ મુદ્દામાં ‘સંપૂર્ણ ન્યાય’ આપવા માટે વર્તમાન કાયદા ઓછા પડે છે કે કાયદાકીય અડચણો આવી રહી છે તો કોર્ટ પોતાની રીતે કોઈ પણ આદેશ કે ચુકાદો પસાર કરી શકે છે.

જ્યારે કાયદામાં કોઈ બાબત છૂટી ગઈ હોય અથવા સામાન્ય કાયદાકીય પ્રક્રિયાથી ન્યાય મેળવવામાં વિલંબ થતો હોય ત્યારે આર્ટિકલ 142 અદાલત માટે ‘બંધારણીય સેફ્ટી વાલ્વ’ તરીકે કામ કરે છે. આ સત્તા હેઠળ સુપ્રીમ કોર્ટે આપેલ આદેશ સમગ્ર ભારતના તમામ પ્રદેશોમાં સમાન રીતે લાગુ પડે છે.

સુપ્રીમ CJP કલમ 142
(Photo: AI)

1992ના ‘દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ’ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કલમ 142 હેઠળની સત્તાઓને સામાન્ય કાયદાઓ કે પ્રક્રિયાગત નિયમોથી બાંધી શકાતી નથી. જો કાયદાની ટેકનિકલ બાબતો ન્યાયના માર્ગમાં બાધા બનતી હોય તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત સર્વોપરિ રહે છે.

સુપ્રીમ કોર્ટ અને દેશની હાઇકોર્ટો વચ્ચેની સત્તામાં પણ આ કલમ મોટો તફાવત ઊભો કરે છે. બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટને રિટ પિટિશન સાંભળવાની સત્તા છે, પરંતુ કલમ 142 હેઠળની અસાધારણ અને અસીમિત સત્તા માત્ર દેશની સર્વોચ્ચ અદાલત પાસે જ ઉપલબ્ધ છે.

ભૂતકાળમાં કોર્ટે ક્યારે કર્યો છે આ સત્તાનો ઉપયોગ

1950થી 2023 સુધીના એક અભ્યાસ અનુસાર, સુપ્રીમ કોર્ટે પોતાના 1,579 કેસોમાં આર્ટિકલ 142 અથવા ‘સંપૂર્ણ ન્યાય’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી આશરે 792 કેસોમાં કોર્ટે આ વિશેષ ક્ષમતાનો પ્રત્યક્ષ ઉપયોગ કરીને ચુકાદો આપ્યો છે, જેમાં મોટાભાગના સિવિલ અને જાહેર હિતના મામલાઓ હતા.

ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે અનેક મહત્વપૂર્ણ પ્રસંગોએ આ કલમનો ઉપયોગ કર્યો છે. 1991માં ભોપાલ ગેસ ટ્રેડજી કેસમાં પીડિતોને યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી ત્વરિત 470 મિલિયન ડોલરનું વળતર અપાવવા માટે અદાલતે આર્ટિકલ 142નો આશરો લીધો હતો, જેથી કાયદાકીય વિલંબ વિના પીડિતોને આર્થિક સહાય મળી શકે.

કૌટુંબિક કાયદાઓ સંબંધિત 2023ના ‘શિલ્પા શૈલેષ’ કેસમાં 5 ન્યાયાધીશોની બેન્ચે આર્ટિકલ 142નો ઉપયોગ કર્યો હતો. પતિ-પત્ની વચ્ચેના લગ્નજીવનમાં સુધારો શક્ય જ નથી તેમ ઠેરવીને કોર્ટે હિંદુ મેરેજ એક્ટની લાંબી પ્રક્રિયાને બાયપાસ કરીને સીધા છૂટાછેડા મંજૂર કરી દીધા હતા.

માર્ગ સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને 2017માં સુપ્રીમ કોર્ટે આ જ કલમનો ઉપયોગ કરીને દેશભરના નેશનલ અને સ્ટેટ હાઇવેની 500 મીટરની ત્રિજ્યામાં દારૂના વેચાણ પર સખત પ્રતિબંધ લાદ્યો હતો. સામાન્ય કાયદામાં આવો કોઈ નિયમ ન હોવા છતાં કોર્ટે અકસ્માતો અટકાવવા આ આદેશ કર્યો હતો.

આ ઉપરાંત, તમિલનાડુ અને કેરળ જેવાં રાજ્યોમાં રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર થયેલા બિલ રોકી રાખવાના કેસોમાં પણ અદાલતે આ સત્તાનો ઉપયોગ કર્યો છે. રાજ્યપાલ દ્વારા અનિશ્ચિત મુદત સુધી નિર્ણય ન લેવાતાં કોર્ટે આર્ટિકલ 142 હેઠળ બિલને ‘મંજૂર થયેલાં’ (Deemed Assent) ગણીને આદેશ આપ્યો હતો. આ જ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને પણ કોઈ પણ બિલ પર નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લેવા માટે આદેશ આપ્યો હતો પરંતુ પછીથી રાષ્ટ્રપતિએ મામલો ફરીથી કોર્ટને મોકલતાં કોર્ટે વલણ નરમ કર્યું હતું.

આર્ટિકલ 142ના અતિશય ઉપયોગ અંગે ટીકાકારોનું માનવું છે કે અદાલત જ્યારે કાયદા બનાવવાનું કે કારોબારીના કામોમાં સીધો હસ્તક્ષેપ કરવાનું શરૂ કરે ત્યારે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચેની ‘સત્તાના પૃથક્કરણ’ની (સેપરેશન ઑફ પાવર) મર્યાદાઓ ધૂંધળી થઈ જાય છે.

પોતાની સત્તાના વિવેકપૂર્ણ ઉપયોગ માટે સુપ્રીમ કોર્ટે પોતે જ સમયાંતરે મર્યાદાઓ નક્કી કરી છે. 1998ના ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન’ કેસમાં અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આર્ટિકલ 142નો ઉપયોગ વર્તમાન કાયદાઓના ‘પૂરક’ તરીકે થઈ શકે, પરંતુ મૂળભૂત કાયદાને જ સાવ નાબૂદ કરવા માટે નહીં કરી શકાય.

ટૂંકમાં આર્ટિકલ 142 સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તા આપે છે, જે હેઠળ કોર્ટ કોઈ પણ આદેશ પસાર કરી શકે. જોકે તેના માટે ‘કમ્પ્લીટ જસ્ટિસ’નો સિદ્ધાંત પૂર્ણ થવો જરૂરી છે. ‘પૂર્ણ ન્યાય’ કોને કહેવાય એ અર્થઘટનની વાત છે.

જ્યારે સુપ્રીમે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો હતો અને પછીથી નરમ કરવું પડ્યું હતું વલણ

એપ્રિલ 2025માં તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલના એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા નક્કી કરી હતી અને કહ્યું હતું કે બિલ મોકલાયાના ત્રણ મહિનામાં નિર્ણય કરવાનો રહેશે. જો તેમ ન થાય તો કારણો જણાવવાં પડશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવે તો સરકાર કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.

પછીથી રાષ્ટ્રપતિએ ‘પ્રેસિડેન્શિયલ રેફરન્સ’ થકી સુપ્રીમ કોર્ટ સમક્ષ 14 પ્રશ્નો મોકલ્યા હતા. જેની ઉપર કોર્ટે સુનાવણી કરીને નવેમ્બર 2025માં ચુકાદો આપ્યો હતો.

નવેમ્બરના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બિલ પર નિર્ણય લેવા માટે કોર્ટ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે નહીં અને આ પ્રકારનો હસ્તક્ષેપ કરવો આખરે ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતથી વિપરીત કહેવાશે.

આ જ રેફરન્સનો દસમો પ્રશ્ન એ હતો કે બંધારણના આર્ટિકલ 142 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે લીધેલા નિર્ણયો કે આદેશો કોર્ટ બદલી શકે કે કેમ. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિએ બંધારણીય શક્તિઓનો ઉપયોગ કરીને પસાર કરેલા આદેશો કોર્ટ બદલી શકતી નથી અને કોર્ટ સ્પષ્ટતા કરી ચૂકી છે કે આર્ટિકલ 142 કે બંધારણનો કોઈ પણ નિયમ ‘ડીમ્ડ એસેન્ટ’ના સિદ્ધાંતને પરવાનગી આપતો નથી.

રાષ્ટ્રપતિએ મોકલેલા પ્રશ્નોમાં એક પ્રશ્ન એ પણ હતો કે શું બંધારણનો આર્ટિકલ 142 માત્ર પ્રક્રિયા સંબંધિત મામલા સુધી સીમિત છે કે તેના હેઠળ સુપ્રીમ કોર્ટ એવા પણ આદેશ આપી શકે જે વર્તમાન કાયદા કે બંધારણના નિયમોથી વિપરીત હોય. કોર્ટે ત્યારે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે કોર્ટની પણ અમુક મર્યાદાઓ છે.

આર્ટિકલ 142 કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. અગાઉ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક સંબોધનમાં પ્રશ્નો ઉઠાવતાં આ આર્ટિકલને ‘પરમાણુ મિસાઈલ’ ગણાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કઈ રીતે આદેશ આપી શકે? તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્ર કારોબારી તરીકે કામ ન કરી શકે કે સુપર સંસદ ન બની શકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં